પાળેલો છે, ઈ કંઈ નૈ કરે.. – સુષમા શેઠ 6


“હૂડ..ડ હૂડ.” કાંતિલાલે કૂતરાને દૂર કરવા હૂડાહૂડ કરીને તેને લાત મારી. કૂતરો નારાજ થઈ ભસ્યો. તે આ વિચિત્ર દેખાતા નવીન આગંતુકને મળવા ઉત્સુક હોય તેમ બે પગ ટેકવી તેમની છાતીએ ચઢ્યો. કાંતિલાલ તે બાબતે જરાય ઉત્સુક નહોતા. કાંતિલાલે વધુ હૂડહૂડ કર્યું. કૂતરાને એમ કે જો આ માણસ કરડશે તો કદાચ પોતે ચૌદ ઇન્જેક્શન લેવા પડશે એટલે એ વધુ જોરથી ભસ્યો.

કાંતિલાલ શરીરે આમ તો સુકલકડી પરંતુ તેમને છાતી કાઢીને ચાલવાની ટેવ. કહેવત છે ને, ‘નબળો વર બૈરી પર શૂરો’ તેમ કાંતિલાલ પત્ની રંભાને કાયમ સંભળાવે, “તારો બાપ ભલે મોટો માણસ હોય પણ જો, તારે મને કાંય કે’વાનું નૈ. હું કોઈના બાપથીયે ડરતો નથી. મારી સામે છાછિયું કર્યું તો તારી આવી બની સમજજે. આપણે કોણ? આપણે કાંતિલાલ. આપણને બધું અપ ટુ ડેટ જોવે સમજીને?”

રંભા બધું સમજતી પરંતુ આવા હડકાયા વર સામું કાંઈ ન બોલતી. છાતી કાઢીને ફરતા સપાટ કાંતિલાલના શરીરનો આકાર આગળથી ઊપસેલો અને પાછળથી ચપ્પટ થઈ ગયેલો માટે અંગ્રેજી આલ્ફાબેટના ઊંધા સી જેવા દેખાય.

વાંકા કાંતિલાલને દરેક વાતે વાંકુ પડે. “સાવ ડોબી છો રંભા, આજે દાળમાં ગોળ ઓછો પડ્યો છે અને શાકમાં તેલ વધારે છે. રસોઈ કરવામાં તારું ધ્યાન જ નથી.”

short coated tan dog sushma sheth article aksharnaad
Photo by Helena Lopes on Pexels.com

તો વળી, “મારો સફેદ રૂમાલ સરખો ધોયો નથી, કાળો કરી મૂક્યો અને કાળી પૅન્ટને એવી ઘસી કે ધોઈને ધોળી કરી નાંખી.” એવું તેઓ બરાડા પાડીને કહ્યા કરતા.

બાજુના મકાનમાં વારંવાર ભસતા કૂતરાને અને ઘરમાં કાંતિલાલને રંભા ચૂપચાપ સાંભળી સહન કરી લેતી. એક સવારે સોસાયટીમાં વસતા ચીમનભાઈ તેમના ઘરે યોજેલ ભોજન સમારંભમાં પધારવાનું આમંત્રણ હોંશભેર આપી ગયા.

“તમે જઈ આવો, મારે સ્હેજ માથું દુ:ખે છે.” રંભાએ કાંતિલાલની કચકચથી બે ઘડી છૂટવાના ઈરાદે કહ્યું.

“માથું તો તું મારું દરરોજ દુ:ખાડે છે.” કાંતિલાલે મોઢું કટાણું કરી વડચકું ભર્યું, “વારું ત્યારે. તારા માટે ટિફિન લઈ આવીશ.” કહી તેઓએ નજીકમાં રહેતા ચીમનભાઈને ત્યાં ઉપડ્યા. હજુ તો તેમના ગૅટમાં પગ મૂકે ત્યાં ચીમનભાઈનો પાળેલો મોટો પહોળો વિકરાળ ચહેરાવાળો કૂતરો ડૉબી, દોડતો આવ્યો અને કાંતિલાલના પગ ચાટવા માંડ્યો.

“હૂડ..ડ હૂડ.” કાંતિલાલે કૂતરાને દૂર કરવા હૂડાહૂડ કરીને તેને લાત મારી. કૂતરો નારાજ થઈ ભસ્યો. તે આ વિચિત્ર દેખાતા નવીન આગંતુકને મળવા ઉત્સુક હોય તેમ બે પગ ટેકવી તેમની છાતીએ ચઢ્યો. કાંતિલાલ તે બાબતે જરાય ઉત્સુક નહોતા. કાંતિલાલે વધુ હૂડહૂડ કર્યું. કૂતરાને એમ કે જો આ માણસ કરડશે તો કદાચ પોતે ચૌદ ઇન્જેક્શન લેવા પડશે એટલે એ વધુ જોરથી ભસ્યો.

“ઓ બા… એ બાપલા, કોઈ આને લઈ જાઓ.” કાંતિલાલે રાડો પાડી.

“તમે નવા છો બાકી એ અમારો જૂનો અને પાળેલો છે, કાંઈ નૈ કરે. તમે ગભરાવ મા. ડૉબી… કીપ ક્વાએટ.” ચીમનભાઈએ બેફિકરાઈથી કહ્યું.

‘મા મા કરતાં મને મામો બનાવશે.’ વિચારી પરસેવે રેબઝેબ થતા કાંતિલાલે આંખો મીંચી દઈ, “અઅઅ… આને દૂર કકક.. કરો.” એવાં ઉદ્દગારો કાઢ્યા. પાળેલો ડૉબી તેમના મોઢા નજીક મોઢું લઈ તેમને સૂંઘવા માંડ્યો. કાંતિલાલની બહાર નીકળેલી છાતી ગભરાટથી અંદર ખેંચાઈ. “આપણે કોઈના બાપથીયે ડરતા નથી.” બોલતા કાંતિલાલનો અવાજ ગળા બહાર ન નીકળી શક્યો. ડૉબી તેમના ખરબચડા ગાલને ચાટ્યા પછી ફરીથી ભસીને હેઠો ઊતર્યો.

“ઈ તો તમને પેલ્લી વાર જોયા એટલે વહાલ કરી આવકારે છે. તમે કાંઈ ચિંતા કરો મા. ઈ કાંઈ નૈ કરે.” ડૉબીએ બધું કરી લીધા પછી ચીમનભાઈ બોલ્યા. કાંતિલાલના ગાલ કૂતરાની લાળથી ખરડાયા પરંતુ કૂતરાનું કદ અને વજન જોતાં તેઓ કળી ગયા કે તેની સામે છાછિયું કરવામાં માલ નથી.

કાંતિલાલ આવા અનપેક્ષિત સ્વાગતથી  મૂંઝાયા હતા પરંતુ અહીં પોતે મહેમાન હોવાથી ભસી નહોતા શકતા. અકળાઈને તેઓ જમવા સિધાવ્યા. જમતા જમતાંય આસપાસ નજર કરી લેતા, ‘ક્યાંક ઓલો ડૉબી પાછો ચોંટે નહીં તો સારું. હે ભગવાન, માંડ છૂટ્યો.’
એક જાડી લાકડી તેમણે ટેબલની સાવ લગોલગ રાખી. એક હાથે જમતા જાય અને આજુબાજુ જોતા જાય. બીજો હાથ તેમણે લાકડી પર જમાવી રાખ્યો હતો. ઝટપટ જમવાનું પતાવી તેમણે રંભા માટે ટિફિન ભરી આપવા વિનંતી કરી.

“અરે લઈ જાવ એમાં કાંઈ પૂછવાનું હોય? પણ ભાભી આવ્યા નહીં એ ન ગમ્યું હોં.” યજમાને વિવેક કર્યો.

જો કે ડૉબી એવા કોઈ વિવેકમાં માનતો નહોતો. અણગમતા મહેમાન આમ ટિફિન ભરી જાય એ એને ન ગમ્યું. તેને એમ કે તેના ભાગનું જમવાનું આ વિચિત્ર આગંતુક પડાવી જાય છે. પીઠ ફેરવી દઈ ગૅટ તરફ ઉતાવળા પગલા ભરતા કાંતિલાલ પાછળ, કોઈ ચોરને પકડવા પોલીસ દોડે તેમ એ દોડ્યો અને તેમના પૅન્ટની બૉટમને તીક્ષ્ણ દાંત વચ્ચે પકડી લીધી. આગળ વધતા કાંતિલાલે અટકી જઈ પાછળ નજર કરી. ડૉબીને જોઈ તેમના હાથમાંથી ટિફિન છટક્યું. બહાર દોડી જવા તેઓ રઘવાયા થયા પરંતુ ડૉબીએ પૅન્ટનો છેડો બરાબર પકડી રાખેલો.

“હૂડડડ… ભાઉ ભાઉ” કાંતિલાલ વિચિત્ર અવાજો કાઢી ભસ્યા. કદાચ કૂતરો એ રીતેય સમજે! સામે ડૉબી વધુ જોરથી ભસ્યો તે તકનો લાભ લઈ તેઓ દોડવા માંડ્યા. ડૉબી તેમની પાછળ દોડ્યો. દોડવીરની અદાથી ત્યાં મૂકેલી ખુરશીઓને ટપી જઈ કાંતિલાલ ગૅટ ખોલીને બહાર દોડ્યા. ભસતો ડૉબી તેમની પાછળ પડ્યો. બીજું કંઈ ન સૂઝતાં, હાથની મુઠ્ઠીઓ વાળી કાંતિલાલ કમ્પાઉન્ડ ફરતે દોડવા લાગ્યા. ડૉબી પાછળ દોડ્યો.

“ઈ કાંઈ નૈ કરે. આમ ન દોડો. કાંતિલાલ, તમે ગભરાવ મા.” ચીમનભાઈએ આ તમાશો રોકવા ચીસો પાડી.

ડૉબી લાળ ટપકાવતો દોડ્યો. ચીમનભાઈએ પોતાના આજ્ઞાંકિત પાળેલા કૂતરાને, “ડૉબી સ્ટોપ, સ્ટોપ. કમ હીયર.” એવી રાડો પાડી. ડૉબી અંગ્રેજી ભાષા ન સમજતો હોય તેમ ઝનૂનભેર કાંતિલાલ પાછળ દોડતો રહ્યો. રસ્તામાં પથ્થરની ઠોકર વાગતાં, દોડી રહેલા કાંતિલાલનો પગ મચકોડાયો. ગુસ્સે ભરાઈ તેમણે પથ્થર ઉપાડી ડૉબી તરફ ઘા કર્યો. એના પ્રતિભાવમાં ડૉબીએ ત્વરિત દોડીને તેમના પગમાં એક લોંતિયું ભરી લીધું. વેદના વિસારે પાડી ડૉબીથી બચવા કાંતિલાલ લંગડાતા પગે આગળ દોડ્યા તેમાં એક પગ રસ્તા પરના પોદળામાં પડ્યો. ઘરભેગા થવાના ઈરાદે તેઓ ચંપલ ફેંકી ફરી દોડવા લાગ્યા. ભોજન સમારંભમાં સન્નાટો પ્રસરી ગયો. આ તાલ જોવામાં મગ્ન સૌ આમંત્રિતોએ જમવાનું બાજુ પર રાખ્યું.

અવળા સી આકારમાંથી સવળા સી બની ગયેલા કાંતિલાલ એક હાઇ જમ્પ મારી પોતાના ઘરમાં પેઠા. દરવાજો ખુલ્લો જ હતો. હજુય આગળ કાંતિલાલ અને તેમની પાછળ ડૉબી દોડતો હતો. ડૉબી છેક તેમના દરવાજે આવી પહોંચ્યો. કાંતિલાલે “રંભા, બચાવ. એ રંભાઆ… લાકડી લાવ…” બૂમો પાડી. ઘણા વખતે કાંતિલાલે રંભાને ‘એય, ડોબી’ને બદલે તેના મૂળ નામે સંબોધી. રંભા અંદરની ઓરડીમાં હતી. તેણે સાંભળ્યું પરંતુ તે પોતાની જાતને બચાવવા દોડી. છેવટે ડૉબીના હિચકારા હુમલાથી બચવા કાંતિલાલ પોતાના કબાટમાં પેઠા અને કબાટનો દરવાજો અંદરથી ખેંચી લીધો. ડૉબી ભસતો રહ્યો પરંતુ રંભાને નીરખી શાંત થઈ પૂંછડી પટપટાવતો પાછો વળ્યો.

“ગયો?” કાંતિલાલે અંદરથી પૂછ્યું.

“જાય ક્યાં? પણ તમે ગભરાવ મા. એ તો મારો પાળેલો છે. કાંઈ નૈ કરે. તમને જોઈને કબાટમાં છુપાયો.” રંભાએ કહ્યું.

“હેં? કોણ? ક્યાં છે?” કાંતિલાલે અંધારિયા કબાટના ખૂણે ખાંચરે નજર કરી.

આમ ધાર્યા કરતાં વહેલાં સાવ અચાનક આવી ચઢેલા રંભાપતિ કાંતિલાલના ક્રોધ-પ્રકોપથી બચવા, કબાટમાં છુપાયેલો રંભાનો પ્રેમી રમણ સહેજ સળવળ્યો. કબાટમાં પોતાને કંપની આપવા આવેલા કાંતિલાલને સદેહે જોઈ એ ડઘાઈ ગયો.

“તું? કકક કોણ છે તું? અહીં શું કામ? કક કેમ?” ધ્રૂજતા કાંતિલાલે ધ્રૂજતા અવાજે એક સામટા અનેક સવાલો પૂછી નાંખ્યા.

બીજું કંઈ ન સૂઝતાં, રમણે વિચિત્ર અવાજો કાઢવા માંડ્યા, “હાઉ… ઉઉઉ… ભાઉ… ભાઉ.”

“ડૉબી.. ડૉબી.. આની પાછળ પડ. કમ, કમ હીયર.” કહેતા કાંતિલાલ રમણની સામે જોરથી ભસ્યા, “ભાઉ…ઉ… ભાઉ વાઉ.”

“કૂં..કૂં…કૂરરર.” ગલૂડિયા જેવા અવાજો કાઢી, કબાટમાંથી કૂદકો મારી રમણ પૂર ઝડપે ઘર બહાર ભાગ્યો.

“ગો ગો ગો.” રંભા બબડી.

“ક્યાં ગયો પેલો કૂતરો?” દાંત ભીંસીને બરાડતા કાંતિલાલ કબાટ બહાર કૂધ્યા. તે સાંભળી રંભા પરિસ્થિતિ સંભાળવામાં ગૂંથાઈ.

– સુષમા શેઠ.

સુષમા શેઠના અક્ષરનાદ પરના આ સ્તંભ ‘તમને હળવાશના સમ’ ના બધા લેખ અહીં ક્લિક કરીને માણી શકાશે.


આપનો પ્રતિભાવ આપો....

6 thoughts on “પાળેલો છે, ઈ કંઈ નૈ કરે.. – સુષમા શેઠ

 • Samir Shah

  સુશ્રી સુષ્માબેન,
  વાર્તા મોકલવા બદલ આભાર. મળતાની સાથેજ તરત વાંચી લીધી — પરંતુ આ વખતે ઓછી મઝા આવી
  —— ખબર છે કેમ? —– વાર્તા નાની/ટૂંકી પડી —–હા—–હા—-હા—
  મેં પણ એક કૂતરો પાળ્યો હતો — જે 14 વર્ષ સાથે રહ્યો. એટલીતો માયા લગાડીને ગયો — કે પછી બીજો કૂતરો પાળવાની ઈચ્છા જ ન થઇ.
  પરંતુ, કૂતરાને લઈને અલેખેલું આપનું શબ્દ ચિત્ર ખુબજ તાદ્રશ છે.
  આ વાર્તા માટે ઘણો આભાર. આવા લાભ મળતાં રહે તેવી આશા.
  સમીર.
  અમદાવાદ.

  • Sushma sheth

   મને કૂતરાની બીક લાગે. આવો અનુભવ ઘણાને થયો હશે. પ્રતિભાવ બદલ આભાર. હસતા રહો.

 • hdjkdave

  પાત્ર, ઘટના, વર્ણન અને અવલોકનની અણધારી પ્રસ્તુતિ દ્વારા હાસ્ય નિષ્પન્ન થાય છે. માનવ સ્વભાવનું નિરીક્ષણ અહીં સારી રીતે ઉપયોગમાં લેવાયું છે.ઘણી પ્રવૃત્તિઓ માટે વૃત્તિ જવાબદાર હોય છે…હાસ્ય લેખથી મનનો ભાર હળવો થાય. અહીં એવું બને છે…