શબ્દનો અરીસો! – આરઝૂ ભૂરાણી 1


ઉત્તમોત્તમ શાળા કે કૉલેજ તમને અભ્યાસ શીખવાડી શકે, એને કઈ રીતે વાસ્તવિક જીવનમાં વાપરવી એ નહીં. આપણને બધું કૉમ્પ્લિકેટ કરવું ખૂબ ગમે છે. મેસેજીસમાં વાત કરતી વખતે ચહેરા અને ચૅટમાં ઇમોજીનું પૂર લાવી દેતાં આપણે જ્યારે મોઢામોઢ મળીએ ત્યારે સરખી રીતે વાત પણ નથી કરી શકતાં!

આડાઅવળા અક્ષર જેવો માણસ, ખોટા ભણતર જેવો,
રંગ વગરનો, રુપ વગરનો, ઘાટ વિનાના ઘડતર જેવો,
સાવ ખખડધજ જીવતર એનું, ઈંટ વગરના ચણતર જેવો,
વાદળ થઈને ખૂબ ગરજતો, વરસે ત્યારે ઝરમર જેવો,
પરપોટાને મોતી સમજે, લાગે જાદુમંતર જેવો.
– મીરા આસિફ

આજે સવારની જ વાત. હું સવારે શાકભાજી લેવા માટે માર્કેટમાં જવા નીકળી. મારી આદત કે આખી માર્કેટમાં એક વખત બધું જોઈ અને જ્યાં તાજું શાકભાજી દેખાય ત્યાં જવાનું, મોટેભાગે એ મને એક જ જગ્યાએ મળે. એટલે હવે એ કાકા સાથે ઓળખાણ થઈ ગઈ છે. જેવા જઈએ એટલે બધું જ આપણને પૂછીને એની જાતે વીણીને જોખી આપે. બસ છેલ્લે પૈસા આપી અને વસ્તુઓ લઈને આપણે ઘરના રસ્તે ઊપડવાનુ!

આ તો મારું રૂટિન છે, એમાં એ વાત અહીં લખવાની શું જરૂર? પણ આજે કશુંક એવું બન્યું જેણે મારાં ચશ્માંના કાચ પર બાઝી ગયેલી ધૂળને ખંખેરી. દર વખતની જેમ હું ત્યાં પહોંચી. એ કાકા પાસેથી મને સારું શાકભાજી મળી જાય એટલે મેં જઈને કહેવાનું શરૂ કર્યું કે મને આ આ વસ્તુ આટલી જોખી આપો. હજુ મારી વસ્તુઓ જોખવાનું એ કાકા શરૂ કરે એ પહેલાં એક બહેને એકદમ ઉતાવળમાં આવી અને કહ્યું કે જલદી પેલું અને પેલું શાક એક-એક કિલો જોખી આપો. ક્યારે ફરી લોકડાઉન થઈ જાય કોને ખબર? અને હા, ગઈ વખતે બધામાં થોડું થોડું બગડેલું નીકળેલું, આ વખતે સરખું આપજો નહીં તો ફરી વખત પૈસા નહીં આપું.

પેલા કાકા કહે કે તમે જાતે વીણી અને આ બાસ્કેટમાં આપી દો. તો એકદમ એ બહેને કહ્યું કે મને ક્યાં આવડે છે? હું શોધવા બેસું તો હાથ બગડશે અને ખાસ તો મને ખબર નથી પડતી, ઊલટું બધું બગડી જશે એવું લઇ જઈશ અને મારી સામે જોઇને હસતાંહસતાં કહે કે હવે ક્યાં એવો સમય છે કે આપણે શોધીએ ને આવડે, આ તો ઑનલાઈન ડિલિવરી બંધ છે એટલે અહીં આવવું પડ્યું ને મારે તો જૉબ એટલી ટફ છે કે આ બધાં માટે ક્યારેય સમય જ ન મળ્યો. હું થોડું મરકી અને વાત પૂરી કરવાની સફળ કોશિશ કરી. પેલાં કાકાએ બધું જોખી આપ્યું અને એમનું બિલ ૪૨૦ રૂપિયા થયું. એ બહેને ૫૦૦ ની નોટ આપી.

કાકાપાસે છુટ્ટા નહીં હોય એટલે એમણે પૂછ્યું કે છુટ્ટા છે? તો થોડી શોધખોળ કરીને એ ભાઈને સોની ચાર નોટ આપીને વીસ રૂપિયા ડિસ્કાઉન્ટ એમ બોલતાં દોડીને એ બહેન એમની ગાડીમાં બેસીને નીકળી ગયાં! હું સ્તબ્ધ! એક તો આટલી મહેનત કરાવી અને પછી પણ પૈસા નહીં આપવાના! ભાવિના ગર્ભમાં શું છે એ ખબર નથી, બીજા કોઈનું શું થશે એની પરવા નથી અને પોતાનું જ સારું કરવું છે! હું કશું બોલું એ પહેલાં શાકભાજીવાળા કાકા બોલ્યા કે અભી કી પીઢી હી ઐસી હો ગઈ હૈ, અચ્છા કુછ આતા નહિ ઔર બુરા કરના સિખાના નહીં પડતાં!

સૌથી પહેલાં તો એક સવાલ આપણી જાતને પૂછીએ, શું આપણને આવી નાનીનાની વસ્તુઓ જેમ કે શાકભાજી ખરીદવું, સોયદોરો લઈ અને બટન કે કોઈ વસ્તુ ટાંકવી, પરંપરાગત વાનગીઓ બનાવવી આવડે છે? કે આપણે કદી એ શીખવાની તસ્દી લીધી છે? જરૂરી લાગ્યું છે? આપણી આસપાસ જોઈએ તો મોટાભાગનાં ટીનેજર્સ કે જેમને વિદેશ જવું છે કે જીવનમાં કશુંક મેળવવું છે એમને સાદી રોટલી કે દાળ-ભાત અને શાક કેમ બને એ નથી ખબર! અરે ભાઈ લાઇફ, કરિયર બધું જ સાચું પણ ખોરાક વિના શરીર કેમ ચાલશે? ક્યારેક રસોઈવાળા નહીં આવે તો શું? ફૂડ ઓર્ડર નહીં થાય ત્યારે શું ભૂખ્યા સુવાનું? 

સોશિયલ મીડિયા પર સતત ઍક્ટિવ,રહેતાં એક બાળકનાં માતાપિતા પાછા ઠસ્સાથી બધાંને કહેતાં ફરે કે મારાં બચ્ચાંને તો કશું જ નથી આવડતું, હજુ ક્યાં સમય જ મળ્યો છે? સતત ‘હું કશુંક છું, મારી કોઈ અભિવ્યક્તિ કે મંતવ્ય છે કે સતત શું નવું પોસ્ટ કરવું એ શોધવામાં ખોવાઈ ગયેલી આપણી પેઢી પોતાની જાતથી વિખૂટી પડી ગઈ છે. ઉત્તમોત્તમ શાળા કે કૉલેજ તમને અભ્યાસ શીખવાડી શકે, એને કઈ રીતે વાસ્તવિક જીવનમાં વાપરવી એ નહીં. તમે ઘોડાને પાણી પાસે લઈ જઈ શકો પણ પાણી પીવડાવી ન શકો. આપણને બધું કૉમ્પ્લિકેટ કરવું ખૂબ ગમે છે.

મેસેજીસમાં વાત કરતી વખતે ચહેરા અને ચૅટમાં ઇમોજીનું પૂર લાવી દેતાં આપણે જ્યારે મોઢામોઢ મળીએ ત્યારે સરખી રીતે વાત પણ નથી કરી શકતાં! આવડતું જ નથી ને. પહેલાં દુઃખી હોતાં ત્યારે મિત્રોને મળતાં, એકબીજાનાં ચહેરા વાંચી અને કળી શકાતાં અને હવે? કોઈ ડૉક્ટર પાસે જાય કે સ્યુસાઇડ કરે ત્યારે ખબર પડે કે એમને કશુંક હતું! આંખોની, સ્મિતની, હૂંફની, વ્હાલની એક પોતીકી અને અદકી ભાષા હતી જેનું આપણે લગભગ ખૂન કરી નાખ્યું છે.

આખો સમય સોશિયલ મીડિયા પર કોઈની જિંદગી અને એનાં સિદ્ધિઓ જોઈને આપણે ખુશ થવાના બદલે ઈર્ષાળુ બનીએ છીએ. ‘આની પાસે હોય તો મને તો જોઈએ જ, કોઈપણ ભોગે આ તો જોઈએજ’ ની લતે આપણને સૌને અંતવિહોણી દોડનો ભાગ બનાવી દીધા છે. મારી પાસે બેસ્ટ હોવું જોઈએ એવા આ ભાવે પહેલાં કદી ન હતાં એટલાં ડિપ્રેશનના કેસને આપણાં સૌની અંદર રોપી દીધાં છે જે ક્યારે પ્રચંડ વૃક્ષ બનશે અને આપઘાતમાં પરિણમશે એની કલ્પના કરવી અશક્ય છે!

એક વાત બહુ સરળ છે, ટોચ પર ભીડ ન હોઈ શકે, શિખર પર કોઈ એક જ વ્યક્તિ પહોંચી શકે, જો ભીડ પહોંચી શકતી હોય તો એ શિખર નથી! કેટકેટલી મહેનત, ધીરજ, વિશ્વાસ અને અડગ જુસ્સા સાથે આપણે શરૂઆત કરીએ છીએ, અને જ્યાં સુધી કોઈ એક અડચણરૂપ, પથ્થર ન આવે ત્યાં સુધી મંડ્યા રહીએ છીએ. જેવો એ પથ્થર આવ્યો, બધું જ એનાં પર ઢોળીને ચાલતાં! ભાગી જવું, છોડી દેવું કેટલું સહેલું છે ને? એક વ્યક્તિ અતિશય મહેનત કરીને ઍવરેસ્ટ શિખર સર કરે અને પછી ત્યાં જ રહે તો? જે જ્ગ્યાએ પહોંચ્યા છીએ એને ખાલી તો કરવી પડશે ને? આપણે જઈશું તો કોઈ આવશે. પણ નહીં, “મારી જગ્યાએ કોઈ આવે જ કેમ?” આ વાક્યએ કેટકેટલી જિંદગીઓ હણી નાખી છે.

આપણાં માતા-પિતા કે દાદા-દાદીમાં સહનશીલતા હતી, જતું કરવાની ને સ્વીકાર કરવાની ક્ષમતા હતી ને માટે એ લોકો કોઈ પણ માનસિક બીમારી વિના જીવી શક્યા! હવે આ વાત આપણી પેઢીમાં નથી આવી રહી એમાં અમુક અંશે બંને પેઢીનો વાંક કાઢવો રહ્યો.સમય પર છોડતાં આપણને કદાચ આવડતું જ નથી કે શીખવું નથી! ડિપ્રેશન અને સ્ટ્રેસ હોવું એ તો હવે સ્ટેટસ ગણાય છે.

કહેવાય છે કે તમારા અંધકારને જાણવો એ જ એક રસ્તો છે કે જેથી તમે બીજાના અંધકાર સાથે લડી શકો. એક વાસ્તવિક ઘટનાની વાત કરીએ. ૧૯૫૪ ની સાલની આસપાસ બ્રિટનમાં બે દોડવીરો વચ્ચે સ્પર્ધા યોજાઈ. વિજેતા વ્યક્તિ ફક્ત ૦.૮ સેકન્ડથી વિજેતા બન્યો. બીજા પ્રતિસ્પર્ધીનું હારવાનું કારણ શું હતું ખબર છે? એણે દોડતાંદોડતાં વચ્ચે જોયું કે પેલો કેટલી સ્પીડથી ભાગે છે એનો અંદાજો લાગી જાય તો હું ઝડપથી પહોંચી જાઉં અને એટલી વારમાં પેલી વ્યક્તિ આગળ નીકળી ગઈ! જીતવા માટે આપણી દોડ પર ફોકસ કરવાનું છે ને એને સેલિબ્રેટ કરવાની છે. કોઈ શું કરે છે એ જોવામાં નુકસાન પાક્કું છે. ને એ ખબર હોવા છતાં ચંચળ મન પર આપણી નથી ધાક ને નથી કાબૂ.

કયા દેશમાં શું બન્યું ને કયું ફૂડ ક્યાં સારું મળશે એ જાણતી પેઢીને કઈ ઋતુમાં કયા શાકભાજી મળે કે કોઈ એક ફળ ક્યારે આવે એની ખબર સુધ્ધાં નથી. મસાલા, દાળ કે કઠોળ કે ઘઉં-ચોખા ક્યારે ભરવા એ જો આપણને જ નહીં ખબર હોય તો આપણી આવનારી પેઢીને વારસો શું આપીશું? જો આપણે જ બુઠ્ઠાં થઈ જઈશું તો આપણી પેઢીને કઈ રીતે મજબૂત બનાવીશું? સવાલ બહુ બધાં છે, પણ જવાબ? વ્યક્તિગત છે. બેઝ કે આધાર ક્યાં છે આપણો? આપણે હવામાં આલીશાન મહેલ ચણવો છે પણ આધાર માટે જમીન જ નથી! મૂલ્યોનાં નામે, જ્ઞાનનાં નામે, અનુભવનાં નામે આપણે ખાલીખમ છીએ અને શિખામણોનાં પોટલાં ભરવા છે. સ્ટ્રેન્જ.

કાલે એક વાત વાંચી. હમણાં લોકો ગુરુઓથી ખૂબ આકર્ષિત થાય છે. એમના આશ્રમ કે ગૅટ-ટુ-ગૅધરમાં જવા માટે અમુક હજાર રૂપિયા પણ બેધડક ખર્ચે છે કારણ કે એ ગુરુ આદર્શ છે એમના! એમના જેવું જીવન જીવવાથી સફળતા, માનસિક શાંતિ અને પૈસાનું એમના જીવનમાં પૂર આવી જશે એ ખબર નહીં કેમ પણ એમના મગજમાં ઠસી ગયું હોય છે. એક વખત કહેવાતાં બહુ મોટાં અને મહાન એક ગુરુનું પ્રર્વચન હતું. અને વિષય હતો 3 વેઝ ટુ લિવ અ હેપ્પી લાઈફ વિથ ફલાણા ગુરુજી! (સુખી જીવન જીવવાની ત્રણ રીત)

આખા પ્રવચનમાં એક જ વાત એ ગુરુએ મમળાવે રાખી. 
૧. પોઝીટીવ વિચારો
૨. માફ કરતાં શીખો (બી અ ફર્ગીવર)
૩. ગુસ્સાથી દૂર રહો / ગુસ્સો માણસનું ખૂન કરી નાખે છે (એંગર કિલ્સ ધ મેન)

આખી વાત ખૂબ સરસ રીતે પતી. વળતા રસ્તામાં એનાં પર્સનલ આસિસ્ટન્ટને જબરો ગુસ્સો કર્યો એ ગુરુએ! કારણ? પ્રવચન દરમિયાન એક વાર એમનું માઇક બંધ પડ્યું એટલે! પૉઝિટિવિટી, ક્ષમા, ગુસ્સાથી દૂર રહેવાની વાતો- બધું જ બાષ્પીભવન થઈને કદરૂપી વાસ્તવિક વ્યક્તિ બચી રહી. શું કરવાનું એ ગુરુનું? એ જેમનાં આદર્શ હશે શું એ લોકો પણ આવા જ ખાલી સુંદર દેખાતાં ફુગ્ગા જેવા હશે? અને એ ફુગ્ગો ફૂટશે ત્યારે શું? (આપણને ક્યાં ડર છે? આપણે તો બધું ફોડી લેશું નહીં?)

આખી વાતનો નિચોડ એટલો જ કે જીવનમાં જે કરીએ એ વિશે એકવાર અરીસામાં દેખાતી વ્યક્તિ સાથે વિચારવિમર્શ અને વાત કરવી! લાઈફ હેઝ નો રિટર્ન પોઇન્ટ. એકવાર લપસી ગયા પછી પડવું નક્કી જ છે અને એ પસ્તાવો આખી જિંદગી સુખેથી જીવવા નહીં દે! 

જે ગમે એ કરવું એ સાચું પણ એટલું જ કે જેટલું આપણને પચે બાકી અકરાંતિયા થઈને તૂટી પડીએ તો અપચો થવાનો જ!! અને નવી શરૂઆત કે સુધારવા માટે કોઈ ચોક્કસ ચોઘડિયાં કે સમયની જરૂર નથી. દરેક નવી આવનારી ક્ષણ કે દિવસ નવી શરૂઆતને વધાવી શકે.  તો આપણે રાહ શેની જોઈએ છીએ? બૅન્ગ ઓન ટુ અ બેટર લાઈફ!

– આરઝૂ ભૂરાણી

આરઝૂ ભૂરાણીના અક્ષરનાદ પરના આ સ્તંભ ‘લાગણીઓનું ગુલ્લક’ ના બધા લેખ અહીં ક્લિક કરીને માણી શકાશે.


આપનો પ્રતિભાવ આપો....

One thought on “શબ્દનો અરીસો! – આરઝૂ ભૂરાણી

  • હર્ષદ દવે

    આપણે વાસ્તવિક સમજણની ભૂમિકામાં જીવતાં, જીવંત અનુભવ મેળવતાં શીખવું જ રહ્યું. જીવન પસાર કરવું અને જીવવું એ બંનેમાં બહુ ફરક છે. જીવન પૂરું થવાની અણી ઉપર હોય ત્યારે બ્રહ્મજ્ઞાન લાધે એ કથિત મોક્ષ સિવાય કયા કામમાં આવવાનું. પોતાનાં ખોટા વિચારો પર આધારિત જીવનશૈલી સાચી શી રીતે
    હોઈ શકે. અને પસ્તાવાનું વિપુલ ઝરણું ઉતરે તેની રાહ જોવાની શી જરૂર છે? જે. કૃષ્ણમૂર્તિ કહે છે માણસને બુદ્ધિ મળી છે પણ તેનો જીવનમાં ઉપયોગ કરીને સુખ અને શાંતિથી તેને જીવતાં નથી આવડતું. આંખો આડેના આવરણો હટાવી નક્કર વાસ્તવિકતાના દર્શન કરાવતો લેખ. શીખવું અને ‘મને આવડે છે’ એવું માનીને ન શીખવાના વલણની વચ્ચે આંટા મારવાનો કોઈ અર્થ નથી. સ્પષ્ટ બનીએ, સ્પષ્ટ વિચારીએ અને આવશ્યક બાબતોને અમલમાં મૂકી જીવનને સુંદર અને સફળ બનાવીએ એ જ આ લેખની સાર્થકતા છે. જાગો.