Minari : મૂળથી ઉખડેલા લોકોની કથા – નરેન્દ્રસિંહ રાણા 2


Minari એટલે અમેરિકામાં સ્થાયી થવા મથતા કૉરિયન કુટુંબની કથા. ફિલ્મનો મુખ્ય વિષય છે – ઘર. ફિલ્મમાં પાત્રો કરતા ય પોતાના ઘરથી દૂર હોવા છતાં સતત એને હૃદયમાં લઈને જીવતા લોકોની લાગણી મુખ્ય છે.

સાઉથ કૉરિયન ફિલ્મોનો જાણે સુવર્ણ યુગ ચાલી રહ્યો છે. Parasite વૈશ્વિક સ્તરે બહુ વખણાઈ તેના બીજા જ વર્ષે એક બીજી કૉરિયન ફિલ્મ ચર્ચા જગાવી ગઈ. ફિલ્મનું નામ છે Minari.

Minari Movie Review on aksharnaad by Narendra Rana

મિનારી એક ખાસ પ્રકારની વનસ્પતિ છે જે કૉરિયન પ્રદેશમાં વધુ ઉગે. પાણીમાં ઉગતી અને ત્યાંની રસોઈમાં વધારે વપરાતી આ વનસ્પતિ, કોઈ પણ પ્રકારના વાતાવરણમાં ઊગી શકે. એને વિકસવા માટે બહુ સુવિધાઓની જરૂર ન પડે. કૉરિયન પાકશાસ્ત્રમાં એનું મહત્વ પણ ઘણું.

ફિલ્મ છે – મૂળથી ઉખડીને બીજે સ્થાયી થવા મથતા લોકો વિશે. માણસ એટલે કુદરતના ખોળે ઉછરેલું પ્રાણી. એક જગ્યાએ ટકીને રહેવું એને ક્યારેય આવડ્યું નથી. માણસની વસ્તી પૃથ્વીના ખૂણે ખૂણે પથરાઈ ગઈ છે. જે પ્રકારના વાતાવરણમાં એ રહ્યો એ મુજબ એની સંસ્કૃતિ પણ વિકસી. પશ્ચિમ અને પૂર્વ વચ્ચેનો સાંસ્કૃતિક તફાવત બન્ને ભૂ ભાગના અલગ વાતાવરણમાંથી જ આવ્યો.

પશ્ચિમી સભ્યતા ત્યાંના ઠંડા અને કઠિન વાતાવરણના કારણે બહિર્મુખી બની જ્યારે પૂર્વીય સભ્યતા ગરમ અને સદા પ્રકાશિત વાતાવરણના કારણે અંતર્મુખી. એક દેશમાંથી બીજા દેશમાં સ્થાયી થયેલા લોકોએ બન્ને સભ્યતાઓ વચ્ચે સાંસ્કૃતિક આદાનપ્રદાન વધાર્યું. આ સાથે કેટલાક પ્રશ્નો પણ ઉદભવ્યા. જન્મ દેનારી માતા ભુલાતી ગઈ અને પાલક માતા વધુ વ્હાલી બની ગઈ. વિદેશી ભારતીયોની જેમ જ માતૃભૂમિ છોડીને બીજા દેશોમાં સ્થાયી થયેલી પ્રજા પોતાની સંસ્કૃતિ સાચવવા પ્રયત્નો કરતી હોય છે. 

Minari એટલે અમેરિકામાં સ્થાયી થવા મથતા કૉરિયન કુટુંબની કથા. ફિલ્મનો મુખ્ય વિષય છે – ઘર. ફિલ્મમાં પાત્રો કરતા ય પોતાના ઘરથી દૂર હોવા છતાં સતત એને હૃદયમાં લઈને જીવતા લોકોની લાગણી મુખ્ય છે. ઘર – જે એક સમયે સુખનું ઠેકાણું અને આરામનો આશરો આપતું એ ક્યાંક છૂટી ગયું છે. મનુષ્યો ભવિષ્યમાં પૃથ્વી વિશે આવું જ વિચારવાના!

ફિલ્મનો હેતુ પ્રેક્ષકોને ઘરની યાદોમાં પલાળવાનો હોય એમ લાગે. ફિલ્મ ઘરને તમારા અસ્તિત્વ સાથે જોડે. આ કારણે પ્રેક્ષકોને આ સાવ સામાન્ય લાગતી ફિલ્મ પણ અસર કરી જાય છે. સતત સંઘર્ષરત રહેતા દરેક પાત્રો માટે ઘરની વ્યાખ્યા અલગ છે. આ કારણે તેઓ એકબીજા સાથે પણ સંઘર્ષમાં ઉતર્યા કરે. વ્યક્તિ તરીકે એકલા ટકી રહેવું અઘરું હોય પણ એક કુટુંબ તરીકે જ્યારે સાથે મળીને સંઘર્ષ કરવાનો આવે ત્યારે જ કુટુંબમાંથી સાચું ‘ઘર’ સર્જાય.

કૅલિફોર્નિયા જેવા શહેરી વિસ્તારમાં ઘણા વર્ષ રહીને એક કૉરિયન કુટુંબ આપણા પંજાબ જેવા લાગતા અમેરિકાના આરાકાન્સ વિસ્તારમાં આવીને વસે છે. પતિ જેકબ અને પત્ની મોનિકા વચ્ચે અણબનાવ પહેલા જ દ્દશ્યમાં સ્પષ્ટ થઈ જાય. જેકબે એક મોટું ખેતર લીધું હોય અને મોનિકા એ વિશે કશું જ જાણતી ન હોય. એ ખેતરની વચ્ચે છે પૈડાંવાળું ઘર, જેને જોતા એમ લાગે કે આમાં વર્ષોથી કોઈ જ નથી રહ્યું.

બન્નેના બે સંતાનો છે. મોટી દીકરી ઍન અને છ વર્ષનો દીકરો ડૅવિડ. બન્ને અમેરિકામાં જ જન્મેલા અને કૉરિયન સંસ્કૃતિથી સાવ અજાણ. પિતા જેકબને આર્થિક રીતે સધ્ધર થઈને પરિવારને ખુશ રાખવો છે. જ્યારે મા મોનિકા ઈચ્છે કે બન્ને સંતાનો શહેરની સુવિધાઓમાં ઉછરે. જેકબ ચિકન-વર્ગીકરણના સાવ કંટાળાજનક કામથી કંટાળ્યો હોય. ખેતી કરીને જાતને પડકાર આપવાની ઈચ્છા પણ ખરી. એ કારણે જ શહેરનું જીવન છોડીને એણે આ ગ્રામ્ય વિસ્તારમાં વસવાનું વિચાર્યું હોય. છ વર્ષના ડૅવીડને હૃદયની બિમારી હોવાના કારણે મોનિકા શહેરમાં જ રહેવાની જીદ કરે. પતિ-પત્ની વચ્ચેનો તણાવ બન્ને બાળકો પણ સારી રીતે જાણે. વાવાઝોડાના કારણે ઝઘડતાં બન્નેને રોકવા બાળકો કાગળના ઍરોપ્લેન પર, નહિ લડવાનો મેસેજ લખીને ઉડાવે તેટલા સર્જનાત્મક પણ ખરા! 

Minari Movie Review on aksharnaad by Narendra Rana

ખેડૂતની જેમ જમીનથી જોડાયેલા રહેવામાં જેકબ માને તો મોનિકાને ઉચ્ચ વર્ગની કોઈ વ્યક્તિની જેમ સુખ-સુવિધાઓમાં રહેવું ગમે. શહેરમાં વસવાટ દરમ્યાન પણ આ કુટુંબ આર્થિક રીતે બહુ સુખી નહોતું. આ વગડા જેવા વિસ્તારમાં આવ્યા બાદ તેમની તકલીફો વધે છે. જેકબ શરૂઆત કૉરિયન શાકભાજીની ખેતી કરવાથી કરે. આ સાથે જ અનેક સમસ્યાઓ પરિવારને ઘેરી વળી. જેકબના કોઈને પણ પૂછ્યા વગર નિર્ણયો લેવાના સ્વભાવને કારણે પરિવાર મુશ્કેલીમાં મૂકાતો રહે. બન્ને સંતાનો આ વિષમ જીવનમાંથી અવનવા પાઠ શીખતાં રહે. આ વાત ફિલ્મનો અંડરટોન છે. પ્રકૃતિ સાથે જોડાવાનું શીખતાં બાળકો ધીરે ધીરે પ્રાકૃતિક વાતાવરણ સાથે મનમેળ કરી લે છે. આ વાત કંઈક અંશે જાપાનીઝ ઍનીમેશન ફિલ્મ My neighbor Totoro ની યાદ અપાવે. 

આર્થિક સંકડામણ દૂર કરવા જેકબ અને મોનિકા મરઘીના બચ્ચાઓને જાતિ આધારે અલગ પાડવાનું કામ આપતી ફૅકટરીમાં ફરી કામે લાગે. હૃદયની બીમારીથી પીડાતા દિકરા માટે ઘરે કોઈની જરૂર પડતા ફિલ્મના સૌથી વિચિત્ર પાત્રનું આગમન થાય. એ હોય જેકબની દાદી સોનિયા. આ દાદી આખાબોલી અને મજાકિયા હોય. બાળકોને અમેરિકન દાદીઓનો અનુભવ હોય એટલે આ દાદી એમને સાવ કોર્સ બહારની લાગે. ક્યારેક તો બન્ને ‘આ દાદી જ નથી’ એ પ્રકારની ચર્ચા પણ કરે. 

દાદીના કારણે પૂર્વ અને પશ્ચિમની સંસ્કૃતિમાં રહેલો તફાવત પ્રેક્ષકોને સ્પષ્ટ દેખાય. આરામપ્રિય બાળકો અને દાદી વચ્ચેનો સંઘર્ષ સરસ રીતે દર્શાવ્યો છે. સોડા પીતા બાળકોને જોઈને દાદીને નવાઈ લાગે તો સામે પક્ષે બાળકોને આખો દિવસ કૉરિયન શો જોતી દાદી વિચિત્ર લાગે. દાદી જાતે નિર્ણયો લે. આગળ પાછળનું વિચાર્યા વગર મનનું કરે. જેકબની જેમ જ ઘણીવાર મુશ્કેલીમાં મુકાય પણ પરવા ન કરે. દાદીનો પનો અંગ્રેજી સમજવામાં ટૂંકો પડે તો સામે પક્ષે બાળકોને બહુ સારી કોરિયન ન આવડે. દાદી આ કારણે ઘણા છબરડા પણ કરે. 

દર રવિવારે ચર્ચમાં જઈને જેકબ અને મોનિકા મિત્રો બનાવવાનો પ્રયત્ન પણ કરી જુએ. એમના દેખાવના કારણે જાતિગત કૉમેન્ટસ પણ સહન કરે. જેકબનો સંઘર્ષ ધીરે ધીરે પરિવારના બીજા સભ્યો સુધી લંબાય. ફિલ્મમાં પતિ પત્ની વચ્ચે સૂકાયેલા પ્રેમને દેખાડતા ઘણાં સરસ દ્દશ્યો છે. મોનિકા થાકેલા જેકબને નવડાવે એ દ્દશ્યમાં એના ચહેરા પરનું દુઃખ બન્ને વચ્ચે સુકાયેલા પ્રેમના ઝરણાની ચાડી ખાય. દાદી પૌત્ર ડેવિડને ખેતરના એક છેડે તળાવ પાસે મિનારી ઉગાડવા માટે પ્રોત્સાહિત કરે. અહીં મિનારી પ્રતિકૂળ સંજોગોમાં પણ ટકી રહેતા કુટુંબનું પ્રતીક બની રહે છે. 

ફિલ્મના મોટા ભાગના કલાકારો કૉરિયન મૂળના ખરા પણ અમેરિકન છે. ફિલ્મ અમેરિકામાં જ બની હોવાના કારણે ઑસ્કરની ‘બેસ્ટ વિદેશી ફિલ્મ’ની કેટેગરીમાં નૉમીનેટ નથી થઈ. જો કે ‘બેસ્ટ ફિલ્મ’ની કેટેગરીમાં નૉમિનેટ થવા વાળી આ Parasite પછી બીજી ફિલ્મ છે. ફિલ્મના નિર્દેશક લી ઇઝાક ચૂંગના પોતાના જીવન પર આધારિત છે. 

છૂટી ગયેલા ઘરને મનમાં લઈને જીવતા લોકોને ગમે એવી ફિલ્મ. 

— નરેન્દ્રસિંહ રાણા

છેલ્લી રીલ-

‘ઈતિહાસ એટલે બહોળા અર્થમાં માનવીના એક વાતાવરણમાંથી બીજા વાતાવરણમાં થતા સ્થળાંતરનો દસ્તાવેજ.’
એલ્સવર્થ હટીંગટન. અમેરિકન ભૂસ્તરશાસ્ત્રી

નરેન્દ્રસિંહ રાણાની કલમે લખાયેલ ફિલ્મોના સુંદર રિવ્યૂ અહીં ક્લિક કરીને માણી શકાશે.

Minari Trailer :

Minari, Movie Review, Gujarati,


Leave a Reply to Sushma shethCancel reply

2 thoughts on “Minari : મૂળથી ઉખડેલા લોકોની કથા – નરેન્દ્રસિંહ રાણા

  • હર્ષદ દવે

    આ લેખ વાંચીને ફિલ્મ જોવી ગમે પણ ન જોવાય તો બહુ વસવસો ન રહે (ટ્રેઇલર છે ને) એટલી સરસ રીતે કથાનું હાર્દ પ્રકટ કર્યું છે.
    ઘર અને મિનારી જીવાઈ રહેલી જિંદગીના પ્રતિક છે. વનસ્પતિ કે વૃક્ષ ક્યારેક સુકાઈ જાય તો તેની ફરીવાર લીલાછમ થવાની
    સંભાવના પણ એટલી જ જીવન-પ્રિય હોય છે. સંઘર્ષ અને ઘર્ષણ વચ્ચે તે વધારે જીવનક્ષમ બને છે. નરેન્દ્રસિંહજી ફિલ્મને આત્મસાત કરીને
    શબ્દમાં વ્યક્ત કરે છે તેથી તે સંતર્પક બને છે. કીપ ઇટ અપ!