નીતિશતકના મૂલ્યો (૭) – ડૉ. રંજન જોષી 2


શસ્ત્ર વિદ્યા અને શાસ્ત્ર વિદ્યા – આ બે વિદ્યાઓ પ્રાપ્ત કરવા યોગ્ય છે. આમાંથી પહેલી વૃદ્ધાવસ્થામાં (શસ્ત્ર ઉઠાવવા જતાં) હાસ્યાસ્પદ બનાવે છે, જ્યારે બીજી હંમેશા આદર અપાવે છે. વિક્ટર હ્યુગોએ કહ્યું છે કે સંકટ સમયે બુદ્ધિશાળી લોકો પુસ્તકો દ્વારા જ શાંતિ-લાભ પ્રાપ્ત કરે છે. – It is from books that wise people derive consolation in the troubles of life.

केयूरा न विभूषयन्ति पुरुषं हारा न चन्द्रोज्ज्वला
न स्नानं न विलेपनं न कुसुमं नालङ्कृता मूर्धजाः।
वाण्येका समलङ्करोति पुरुषं या संस्कृता धार्यते
क्षीयन्ते खलु भूषणानि सततं वाग्भूषणं भूषणम्।।१९।।

અર્થ:- બાજુબંધ, ચંદ્ર સમાન ઉજ્જવળ મોતીઓના હાર, સ્નાન, ચંદનાદિ લેપ, ફૂલોના શૃંગાર અને સુસજ્જિત વાળ પુરૂષની શોભા નથી. સંસ્કૃત, સુંદર વાણી જ પુરૂષની શોભા છે. આભૂષણો કાલાન્તરે નાશ પામે છે, જ્યારે વાણીરૂપી ભૂષણ હંમેશા વિદ્યમાન હોય છે.

વિસ્તાર:- શાર્દૂલવિક્રીડિત છંદમાં રચાયેલા પ્રસ્તુત શ્લોકમાં ભર્તૃહરિ સૌંદર્ય સાધનો દ્વારા મનુષ્યની ખરી કિંમત આંકી શકાતી નથી, એમ જણાવે છે. વાણી એ મનુષ્યનું સૌથી મહાન આભૂષણ છે. આભૂષણોથી વિભૂષિત મનુષ્ય જો અન્ય માટે પ્રશંસાભરી વાણી ન પ્રયોજે તો તેના આભૂષણોનું સૌંદર્ય પળવારમાં જ નષ્ટ થાય છે, જ્યારે આભૂષણ વિહીન, સૌંદર્ય વિહીન મનુષ્ય અન્ય માટે હરહંમેશ પ્રશંસાદાયક વાણી જ ઉચ્ચારે, તો આવી વાણી તેનું સૌથી મોટું આભૂષણ પૂરવાર થાય છે. આથી હંમેશા વાણીરૂપી આભૂષણ ધારણ કરવું. એટલે જ ચાણક્ય નીતિમાં કહેવાયું હશે –

प्रियवाक्यप्रदानेन  सर्वे  तुष्यन्ति  जन्तवः|
तस्मात्तदेव  वक्तव्यं  वचने  का  दरिद्रता ||

અર્થાત્ પ્રિયકર વાક્યો બોલવાથી બધાં જ પ્રાણીઓ સંતુષ્ટ થાય છે. તેથી તે જ બોલવા જોઈએ. વાણીમાં શું દરિદ્રતા રાખવી! તુલસીદાસજી પણ કહે છે

तुलसी मीठे वचन ते, सुख उपजे चहु ओर|
वशीकरण यह मंत्र है, तजिये वचन कठोर ||

આનો અર્થ એ નથી કે અર્થપૂર્ણ હોય કે નિરર્થક હોય, બસ પ્રિય વાક્યો બોલ્યે જ રાખવા. જ્યાં આપણી વાણી કંઈક અર્થપૂર્ણ કાર્ય કરી શકે એમ હોય ત્યાં જ વાણીરૂપી આભૂષણને ધારણ કરવું, અન્યથા નહીં. આ માટે મિત્રભેદમાં કહેવાયું છે કે

वचस्तत्र प्रयोक्तव्यं यत्रोक्तं लभते फलम्।
स्थायी भवति चात्यन्तं रागः शुक्लपटे यथा।।

વાણી ત્યાં જ પ્રયોજવી જોઈએ, જ્યાં તે સુફળ આપનારી હોય. જેમ સફેદ વસ્ત્ર પર અન્ય રંગ અત્યંત સ્થાયી થાય છે તેમ.

विद्या नाम नरस्य रूपमधिकं प्रच्छन्नगुप्तं धनं
विद्या भोगकारी यशःसुखकरी विद्या गुरूणां गुरुः।
विद्या बन्धुजनो विदेशगमने विद्या परं दैवतम्
विद्या राजसु पूजिता न तु धनं विद्याविहीनः पशुः।।२०।।

અર્થ:- વિદ્યા મનુષ્યનું રૂપ વધારે છે, વિદ્યા છૂપાયેલું ધન છે, વિદ્યા ભોગ, યશ અને સુખ આપનારી છે.  વિદ્યા વિદેશગમન સમયે બંધુ છે, વિદ્યા પરમ દેવતા છે, વિદ્યા જ રાજાઓમાં પૂજાય છે, ધન નહીં. તેથી વિદ્યા વિનાનો મનુષ્ય પશુ સમાન છે.

વિસ્તાર:- પ્રસ્તુત શ્લોક શાર્દૂલવિક્રીડિત છંદમાં રચાયો છે. ભર્તૃહરિ વારંવાર વિદ્યાની મહત્તા દર્શાવે છે. વિદ્યા બે પ્રકારની છે: શસ્ત્ર વિદ્યા અને શાસ્ત્ર વિદ્યા. જ્યાં શસ્ત્ર વિદ્યા કામ નથી કરતી ત્યાં પણ શાસ્ત્ર વિદ્યા તો ચમત્કાર દર્શાવે જ છે. વિદ્યા અત્ર, તત્ર સર્વત્ર આપણો સાથ નિભાવે છે.

विद्या शस्त्रं च शास्त्रं च द्वे विद्ये प्रतिपत्तये।
आद्या हास्याय वृद्धत्वे द्वितीयाद्रियते सदा॥

શસ્ત્ર વિદ્યા અને શાસ્ત્ર વિદ્યા – આ બે વિદ્યાઓ પ્રાપ્ત કરવા યોગ્ય છે. આમાંથી પહેલી વૃદ્ધાવસ્થામાં હાસ્યાસ્પદ બનાવે છે, જ્યારે બીજી હંમેશા આદર અપાવે છે.

વિક્ટર હ્યુગોએ કહ્યું છે કે “સંકટ સમયે બુદ્ધિશાળી લોકો પુસ્તકો દ્વારા જ શાંતિ-લાભ પ્રાપ્ત કરે છે. – It is from books that wise people derive consolation in the troubles of life. – Victor Hugo”

ગોસ્વામી તુલસીદાસજી પણ વિદ્યાનો મહિમા વર્ણવે છે,

तुलसी साथी विपत्ति के, विद्या विनय विवेक।
साहस सुकृत सत्यव्रत, राम भरोसो एक।।

એક પાશ્ચાત્ય વિદ્વાને કહ્યું છે કે “વિદ્યા ચંદ્ર કિરણોની માફક ઉત્તાપરહિત આલોક પ્રદાન કરે છે.”  તો અન્ય એક વિદ્વાન જણાવે છે “જેમ સૂર્ય આપણા પથને પ્રકાશિત કરે છે તથા આપણને કાર્યોમાં જોડે છે, તે જ રીતે વિદ્યા પણ આપણા પથને પ્રકાશિત કરી આપણને સત્કાર્યોમાં પ્રયોજે છે.” એક વિદ્વાને કહ્યું છે કે “વૃદ્ધાવસ્થામાં વિદ્યા જ આપણું રક્ષાસ્થાન અને આશ્રયસ્થાન છે.” સંસ્કૃત સાહિત્યમાં પણ કહેવાયું છે કે विद्यया अमृतमश्नुते।

ડૉ. પરશુરામ શુક્લ તેમની કવિતામાં જણાવે છે કે

बहुत जरूरी होती शिक्षा,
सारे अवगुण धोती शिक्षा |
चाहे जितना पढ़ ले हम पर,
कभी न पूरी होती शिक्षा |
कर्तव्यों का बोध कराती,
अधिकारों का ज्ञान |
शिक्षा से ही मिल सकता है,
सर्वोपरि सम्मान |
बुद्धिहीन को बुद्धि देती,
अज्ञानी को ज्ञान |
शिक्षा से ही बन सकता है,
भारत देश महान ||

આમ, વિદ્યા એવું સર્વશ્રેષ્ઠ ધન છે, જે મનુષ્યો માટે સદાકાળ સાથી બની રહે છે.

क्षान्तिश्चेत्कवचेन किं किमिरिभिः क्रोधोऽस्ति चेद्देहिनां
ज्ञातिश्चेदनलेन किं यदि सुहृद्दिव्यौषधिः किं फलम्।
किं सर्पैर्यदि दुर्जनः किमु धनैर्विद्यानवद्या यदि
व्रीडा चेत्किमु भूषणैः सुकविता यद्यस्ति राज्येन किम्।।२१।।

અર્થ:- જેની પાસે ક્ષમા ગુણ છે, તેને કવચની શું આવશ્યકતા? જેની પાસે ક્રોધ હોય તેને શત્રુઓની શું જરૂર? જેની પાસે જ્ઞાતિવાદ હોય તેને અગ્નિની શી આવશ્યકતા? જેની પાસે સુંદર હૃદયવાળા મિત્રો હોય તેને દિવ્ય ઔષધિઓની શી જરૂર? દુર્જનોની વચ્ચે રહેતા હોય તેને સર્પોની શું આવશ્યકતા? જેની પાસે નિર્દોષ વિદ્યા છે તેને ધનથી શું પ્રયોજન? જેની પાસે લજ્જા હોય તેને આભૂષણોની શી જરૂર? જેની પાસે સુંદર કવિત્વ શક્તિ હોય તેને રાજવૈભવથી શું પ્રયોજન?

વિસ્તાર:- શાર્દૂલવિક્રીડિત છંદમાં રચાયેલા પ્રસ્તુત શ્લોકમાં ભર્તૃહરિ અનેક ગુણો જણાવે છે, જે મનુષ્યત્વ માટે આવશ્યક છે. જેમકે, ક્ષમા, સુંદર મિત્રોનો સંગ, નિર્દોષ વિદ્યા, લજ્જા, સુંદર કવિત્વ શક્તિ વગેરે. પણ સાથે જ જો મનુષ્યોમાં ક્રોધ, દુર્જનોનો સંગ વગેરે દુર્ગુણો હોય તો તેવા મનુષ્યોને સર્પો કે શત્રુઓની જરૂર રહેતી નથી. આ જ સંદર્ભમાં ગોસ્વામી તુલસીદાસજી જણાવે છે કે,

सौरज धीरज तेहि रथ चाका , सत्य शील दृढ ध्वजा पताका।
बल बिबेक दम परहित घोरे , क्षमा कृपा समता रिजु जोरे॥
कौरव पांडव जानिऐ क्रोध छमा के सीम।
पाँचहि मारि न सौ सके सयौ सँघारे भीम॥

કબીરજી પણ આ વાતનું સમર્થન કરતા જણાવે છે કે

जहाँ दया तहा धर्म है, जहाँ लोभ वहां पाप।
जहाँ क्रोध तहा काल है, जहाँ क्षमा वहां आप।

આમ, ક્ષમાથી મોટું કોઈ કવચ નથી, ક્રોધથી મોટો કોઈ શત્રુ નથી, કોમવાદ સમાન બાળી નાખે તેવો કોઈ અગ્નિ નથી, મિત્રોથી મોટી કોઈ ઔષધિ નથી, દુર્જનો સાપ કરતાં પણ વધારે ઝેરી છે, વિદ્યાવાન હોવું ધનવાન હોવા કરતાં શ્રેષ્ઠ છે, લજ્જાથી મોટું કોઈ આભૂષણ નથી અને કવિત્વ શક્તિ પાસે રાજવૈભવ પણ તુચ્છ છે.

આમ, ભર્તૃહરિ આ શ્લોક દ્વારા સદગુણોની વૃદ્ધિ તથા દુર્ગુણોનો ત્યાગ કરવા જણાવે છે.

— ડૉ. રંજન જોષી

ડૉ. રંજન જોશીના અક્ષરનાદ પરના આ સ્તંભ ‘નીતિશતકના મૂલ્યો’ ના બધા લેખ અહીં ક્લિક કરીને માણી શકાશે.


આપનો પ્રતિભાવ આપો....

2 thoughts on “નીતિશતકના મૂલ્યો (૭) – ડૉ. રંજન જોષી

  • હર્ષદ દવે.

    નીતિ વચન અમૂલ્ય હોય છે જો તેને આચરણમાં મૂકવામાં આવે તો…ઘણાં લોકોને સુવાક્યો (કેવળ) લખવાનો શોખ હોય છે. જે બીજા માટે જ હોય છે તેમ માનતા હોય છે. અમુક લોકો વક્તવ્યમાં કે અન્ય રીતે સલાહ આપીને આ કાર્ય સિદ્ધ કરી આત્મ-પ્રશસ્તિથી સંતુષ્ટ રહેતા હોય છે. પણ એવા લોકો ય હોય છે કે જેમને કોઈ નીતિવાક્ય એવી સચોટ અસર કરે છે કે તેમના જીવનમાં પરિવર્તન આવી જાય છે. નીતિ શતકના મૂલ્યો આ રીતે અમૂલ્ય છે અને રહેશે. સંસ્કૃત ભાષા શ્રદ્ધેયતા ઉત્પન્ન કરે છે સંસ્કૃતિને, આપણી અમૂલ્ય ધરોહરને, સાચવે છે. સારું કાર્ય, સારા શબ્દો સૃષ્ટિનાં સૌન્દર્યમાં અભિવૃદ્ધિ કરે છે. સુંદર….