ઇન્દ્રધનુષની વચમાં રહેલો કોરોકટ્ટ હું.. – નેહા રાવલ 3


તારા પત્રો એકસામટા ખોલીને બેઠો છું. એવું લાગે છે કે આસપાસનું બધું જ રંગાઈ ગયું. તું ભલે મને પ્રિઝમ કહે, અત્યારે તો તારા શબ્દો રંગોનું વાદળ બની મારી હોળીની કસર પૂરી કરી રહ્યા છે. વધુ નથી લખતો. તારા માટે એક મુઠ્ઠીમાં કેસુડાંનો રંગ અને બીજામાં મારો કલબલાટ ભરી બહુ જલદી તને રંગવા આવીશ.

એય ચશ્મીશ,

બહુ બધું લખતી થઈ ગઈ ને તું તો! કવિતાઓ પણ અને આટલી બધી રંગીન વાતો પણ! તારો હોળીનો પત્ર મળ્યો ત્યારે હું સાચે જ કેસૂડાં-વનમાં જ હતો. તારા આગલા પત્રોના જવાબ પણ આપવાના બાકી છે.  ‘તને આ કહેવું છે, તને પેલું કહેવું છે’ કહીને છેલ્લે તું તો કહી દે, ‘કશું નથી કહેવું’. અને તોય કેટલું બધું કહી નાખે! અને મારાથી તો એ કહેવાયેલી વાતોનો જવાબ પણ નથી અપાતો. આ તો તેં મારા કૅમેરાની ઈર્ષા કરી એટલે કાલે જ એનું શટર બગડી ગયું. હું તો તારા ઝૂલાની કે પછી પેનની ઈર્ષા નથી કરતો! વિચારી જો, હું તારા ઝૂલાની ઈર્ષા કરું અને એને પણ કૅમેરા જેવી અસર થાય તો તારે કયા પગમાં પાટો મરાવવો પડે? તુષાર ગઈ કાલે શટર રીપેર કરાવવા જીપ લઈ નીકળી ગયો. હું અહીં જ રોકાયો. એટલે હવે મને તો તારી જ કંપની! એ શટર રિપેર કરાવી આવે ત્યાં સુધી બસ, નર્મદાને નિહાળું.

એય મારી ખાંડ વગરની મીઠ્ઠી ચા, સારું થયું ને કે તેં મને આગ્રહ કરીને વેગડ દાદાની નર્મદા યાત્રાના પુસ્તકો વંચાવ્યા. અહીં સામે જ દેખાતી નર્મદા અને આસપાસ ખીલેલા કેસૂડાં. બહુ સુંદર લાગે છે બધું જ! અત્યારે ગરમી શરુ થઈ ગઈ છે એટલે તાપ તો ખૂબ આકરો છે પણ મજા આવે છે. એવું લાગે છે કે કેસૂડાંના રંગનો તડકો વરસી રહ્યો છે. તને કેટલું કહ્યું કે સાથે ચાલ. પણ તું અને તારા પુસ્તકો અને તારું લખવાનું! સારું હવે…ભૂલ થઈ ગઈ બાબા! ફરી નહિ કહું. નહીં તો તું ફરીથી મારા કૅમેરાની ઈર્ષા કરીશ અને ફરી એનું કશુંક તૂટીફૂટી ગયું તો ફરીથી મારે…

આ તારું ‘એય સાંભળને..’ તો ઉફ્ફ!

Aksharnaad Column Via Letterbox by Neha Raval

અરે પણ કેટલીવાર સાંભળું? પણ આ તારા લખાયેલા એ શબ્દોનો બોલાયેલો લહેકો મનમાં ને મનમાં ક્યારેક એવો છલકે કે હું કોઈ ક્લિક કરુંને તો કૅમેરાનું બટન દબાયેલું જ રહી જાય! ત્યારે તો ક્યારેક કૅમેરામાંથી પણ અવાજ સંભળાઈ જાય હોં, ‘એ રખડું..આ ક્લિક તો પૂરી કર.’ હા બકા, તારું ‘ એય સાંભળને..’ તો જાણે આ કૅમેરાએ જ સાંભળ્યું હોય એમ એ પણ તારી જ ભાષા બોલવા લાગ્યો છે.  જો, ફરી ઈર્ષા નહિ કરવાની. હું ઘરે આવીને તને એનું ઢગલો કામ બતાવીશ ત્યારે તું ખુશ થઈ જઈશ. થોડાક તો ચમત્કાર જેવા ફોટા પણ બતાવીશ. કોઈ કોઈ ફોટામાં કદાચ તને કશું જ નહીં દેખાય. તું શું કહે પેલું.. હા, અવકાશ! એ પણ નહિ. તો એ જે ફોટા હશે ને, એ તને યાદ કર્યાની પળના હશે બુદ્ધુ! એટલું તો સમજી જઈશ ને!

એય ચિબાવલી, યાદ તો આવે છે તું. બહુ યાદ આવે છે એવું નહિ કહું, બસ. જરીક જ યાદ આવે છે. તેં તારા પત્રમાં લખેલું ને, પેલા કાળા તલ જેટલું ના..નું! બસ એટલુ અમથું! તું અત્યારે સાથે હોત તો મારા કપડા પર લાગેલી ધૂળ સતત ખંખેરતી હોત, ઝાડ પર ગમે ત્યાં ન ચડી જવા મને વઢતી હોત, સ્થિર થઈને ઉડતા પક્ષીના ફોટા ક્લિક કરવા કૈંક એવું બબડતી હોત કે પક્ષીને કંડારવું હોય તો એની સાથે કલ્પનાની પાંખે પક્ષી થઈ ઉડવું પડે. હવે આ પાંખો મારે કઈ કલ્પના પાસે મંગાવવી? કે ક્યાંથી ઓર્ડર કરવી એ કહો તો જરા!

આજે તો ખૂબ નિરાંતે તારા બધાં જ જવાબ લખવા છે. મને કહે જોઉં, મારું નામ ઘૂંટવામાં જે હોડ લાગી એમાં કોણ જીત્યું? જે પણ જીત્યું હોય..એની પાસે મારા જેવો જીતવાનો અનુભવ નહિ જ હોય. મેં તો આખેઆખી એક ખિસકોલી જીતી છે, એની ચંચળતા સાથે. મારા વિચારોમાં સતત આમથી તેમ દોડાદોડી કરતી અને પછી મને બેઠેલો જોઈ મારી નજીક આવી બેસી જતી ખિસકોલી. એની ચંચળતા જાણે બધી જ મને આપી દઈને શાંત થઈ ગયેલી ખિસકોલી! બાય ધ વૅ, તારા સાહિત્યમાં ખાંખાખોળા કરીને જો ને, એક ખિસકોલી અને વાઘની કોઈ પ્રેમકથા છે કે? સાહિત્યમાં નહિ તો કોઈ ફિલ્મમાં કે પછી કોઈ લવસ્ટોરી… અરે, ગુસ્સે શું થાય! અમસ્તું જ પૂછ્યું. તું અમસ્તું જ મારું નામ બોલ બોલ કરે એ કંઈ નહિ ને મારાથી અમસ્તો જ એક સવાલ પણ ન પૂછાય? જબરી જાતીય અસમાનતા છે ભાઈ! અને પાછુ હું તને કંઈ બોલવા કહીશ તો મેડમ કહેશે..

कोई डूबा हुआ,
खोया हुआ,
जो गुम हो चूका है,
वह भला क्या बोल पायेगा?

અને પ્રેમના દિવસ માટે તેં અમૃતા સાહિરને યાદ કર્યા, પણ મારા દરિયા… આપણે કંઈ એ લોકોની જેમ અલગ અલગ થોડા છીએ! એક તરફ તું કહે, હું તારા અસ્તિત્વમાંથી ગેરહાજર નથી. અને બીજી તરફ..

क्या तुम कभी भी मुझसे इतनी दूर हो सकते हो….?

અને હા, એ લોકો ભલે મૌનમાં વાતો કરતા હોય, તું તારે બોલીને જ વાતો કરજે મારી કાબર! તારો કલબલાટ જ તો આપણા જીવનનો કલરવ છે. અને નહીં તો પછી આપણા સપનનાં ઘરમાં બે જ અવાજ રહી જશે, પુસ્તકોના પાનાનો ફફડાટ અને કેમેરાની ક્લિકનો ખચાક. ભલે ને એ અવાજ ગમે તેટલો સુરીલો હોય…તને ખબર છે ને ફક્ત ઇન્સ્ટ્રુમેન્ટલ સાંભળવું મને બોરિંગ લાગે છે. એટલે આ ‘મૌન-વાતો’વાળો પ્રોગ્રામ કૅન્સલ!

નેહા.

મને પણ ગમે હોં તારું નામ લેવું, લખવું બોલવું… પણ આવું બધું હું તને કહેતો નથી. બસ, ઘરમાં આવી સીધી તારા નામની બૂમ જ પાડીશ..જોજે ને!

તને ખબર છે ને, આખી દુનિયામાં પાણી બધે જ ફેલાયેલું છે. હું અહીં નર્મદાની છાલક ઉડાવી લઉં છું. તું ત્યાં ઘરનો નળ ખોલી લેજે, એમાં તાપીનું જ પાણી આવે છે. જો, તાપી પણ દરિયામાં મળે અને નર્મદા પણ… તો હું તો ફિઝિક્સના કરંટને રૅફરન્સમાં રાખીને કહી શકુંને, મેં તને મારો ભીનો ભીનો સ્પર્શ મોકલ્યો છે. ભીનો શેનો મારી જળકૂકડી, તારા વગર આખેઆખો હું સુકાઈને ખાખરો થઈ ગયો છું! પેલા પતરાળા બનાવેને, એવો ખાખરો! હવે તું એની પેલી ઝીણી દાંડલી બનીને આવ અને મારા થોડા વિખરાયેલા ટુકડા ગોઠવી એનું પતરાળું બનાવ. પછી જૂના સમયના પ્રેમીઓ જેમ ભોજપત્ર પર પ્રેમપત્રો લખતા એમ હું તને લખીશ. પણ તું આવી જાય પછી તને લખું જ કેમ? તને પકડીને….

એય ખિસકોલી, સાચે યાર. અત્યારે આ ઝાડ નીચે બેસીને લખું છું તો લાગે છે કે મારું સુકાપણું આ ઝાડની એક ડાળીને વળગ્યું છે અને એ પણ મારી સાથે સુકીભઠ્ઠ થઈ ગઈ છે. પણ જેવી મારી નજર બીજી ડાળી પર જાય, મને લાગે તારી યાદોનો રંગ એના પર ચડ્યો હશે! એ કેમ ગુલાબી દેખાય? લીલી દેખાય? પીળી દેખાય? ભૂરી, જાંબલી, વાદળી દેખાય? મને તારી જેમ શબ્દોને શણગારતા નથી આવડતું. શું કહું? તેં હોળી ઉજવવા આટલાં બધા રંગો તો મોકલ્યા પણ તું હાથમાં લઇ લગાવીશ તો જ તારા ગાલનો ગુલાબી રંગ મારા ગાલ પર ચડશેને! કેટલું બધું મોકલ્યું છે. ઉજળું અંધારું, આંખની શરમ. હું ત્યાં આવીશ પછી એ ઉજળા અંધારામાં એ શરમને ઓગાળીને પી જઈશ, મારી ખિસકોલી! આ બધા જ રંગો મારી આસપાસ વિખરાયેલા છે, મને અડ્યા વગરના! તારા સિવાય કોઈની મજાલ છે કે મને અડકે પણ ખરા! જો ને, ઇન્દ્રધનુષની વચમાં બેઠેલો કોરો કટ્ટ હું… આવો મને કોણ ક્લિક કરશે?

કાંઈ ક્લિક વ્લીક નથી કરવું રે! બસ, તારા પત્રો એકસામટા ખોલીને બેઠો છું. એવું લાગે છે કે આસપાસનું બધું જ રંગાઈ ગયું. તું ભલે મને પ્રિઝમ કહે, અત્યારે તો તારા શબ્દો રંગોનું વાદળ બની મારી હોળીની કસર પૂરી કરી રહ્યા છે. વધુ નથી લખતો. તારા માટે એક મુઠ્ઠીમાં કેસુડાંનો રંગ અને બીજામાં મારો કલબલાટ ભરી બહુ જલદી તને રંગવા આવીશ.

તારો,

અનિકેત.
(એટલે હું જ, તારું આપેલું નામ આમ લખવાનું ગમ્યું એટલે..)
ps. મેં ‘અનિકેત’ શબ્દનો અર્થ શોધી લીધો છે અને હવેથી મારા માટે હું એ જ શબ્દ લખીશ.

નેહા રાવલની કલમે સંવેદનાસભર પત્રો દર પખવાડિયે તેમની કૉલમ ‘વાયા લેટરબૉક્સ’ અંતર્ગત અક્ષરનાદ પર પ્રસ્તુત થઈ રહ્યાં છે, અહીં ક્લિક કરીને એ પત્રગુચ્છ વાંચી શક્શો.


Leave a Reply to Sushma shethCancel reply

3 thoughts on “ઇન્દ્રધનુષની વચમાં રહેલો કોરોકટ્ટ હું.. – નેહા રાવલ

  • હર્ષદ દવે

    કવિ હૃદયને ભાવ વ્યક્ત કરવા ભાષા મળે ત્યારે તે કવિતા કરે સાંકેતિક શબ્દોને હાર્દિક ભાવો સ્પર્શે ત્યારે પદ્યાત્મક ગદ્ય સર્જન થઇ શકે. તમને રમતિયાળ શૈલીમાં પ્રકૃતિ સંગાથે સંતાકૂકડી રમતા આવડી ગયું છે. સંતાઈને જેને જે કહેવું હોય તેને તે કહી દો છો, પકડાઈ જવાનો ભય ખિસકોલીને નથી હોતો…તેને સરરરર સરકી જતાં આવડે અને તેને જગતના કાચના યંત્રે જોવાની જરૂર પણ ન પડે એટલે ખરી વસ્તુ જ નજરે ચડે. આવા વધારે રંગીન પ્રતીક્ષામય પત્ર-લેખો માટે મેઘધનુષી શુભેચ્છાઓ…

  • Harish Dasani

    કોમળ ભાવોના નિરૂપણ માટે સરસ રંગછટાયુકત ગદ્ય હોવાથી આ પત્રો આકર્ષક બન્યા છે.

    • Sushma sheth

      બહુ ગમ્યું. મનમાં પ્રસન્નતાના રંગો ખીલી ઊઠ્યા.