ઋતુઓની ચાલ – મયુરિકા લેઉવા બેંકર 11


પહેલી વાર જોયેલું મહુડાનું વૃક્ષ, મહુડાનાં ફૂલો અને ફૂલપથારી, ફૂલોની ફાંટ ભરતી વનબાળાઓ. – આ સઘળું, બદલાતી ઋતુઓએ બક્ષેલી અનુપમ ભેટ છે. આજે એ યાદ આવે છે ત્યારે થાય છે કારણ હાથવગું નહોતું એનો કોઈ મલાલ નથી, કુતૂહલ ઠાંસોઠાંસ હતું એનો પરમ આનંદ છે. જો પરિપક્વ બનવાથી કુતૂહલ મરી જતું હોય તો નથી જોઈતી પરિપક્વતા. એ કુતૂહલ અમર રહો.

આજકાલ વાતાવરણ અણધાર્યું લાગે છે. બે દિવસ હવામાં ઠંડક હોય છે તો ત્રીજે દિવસે ધાર્યા મુજબની ઠંડક નથી હોતી, એ ગરમી અકળાવે છે. એ ગરમી શરીરને અકળાવે એ કરતાં મનને વધુ અકળાવે છે. એ ઉકળાટ જો સાંજથી લંબાઈને રાત સુધી વિસતરે તો વાતાવરણ બોઝિલ બનાવી નાખે છે. જો કે, આ ફાગણના દિવસો ઉમંગના દિવસો છે, ઉલ્લાસના દિવસો છે, રંગરાગના દિવસો છે પણ શહેરની આબોહવાને સ્પર્શવા ફાગણે ઘણી મહેનત કરવી પડે એમ છે, બની શકે એણે ચૈત્ર પણ બની જવું પડે. તોય એ કદાચ શહેરના બાગબગીચા સુધી જ પહોંચી શકે. વર્તમાનપત્રો, એની પૂર્તિઓ, સામયિકો, વૅબ પોર્ટ્લ્સ વગેરે પર ફાગણના સ્વાગતમાં પુષ્પવર્ષા થઈ રહેલી જોઈ શકાય છે, ખાસ કરીને કેસૂડાંથી ને શીમળાફૂલો જેવાં વાસંતીફૂલોથી. ચાલો, એ રીતે તો એ રીતે, વસંતને વૃક્ષો પર ના સહી, છબીઓથી તો નિહાળી શકીએ. એ રીતે એ સ્મૃતિમાં તો સચવાશે અને કોઈ એક ફાગણે વનવગડામાં સાચેસાચ વસંતનો ભેટો થઈ જાય તો એને ઓળખી શકાશે.

photo by Mayurika Leuva Banker for aksharnaad
photo copyright by Mayurika Leuva Banker

આજકાલ વાસંતી કવિતાઓનો વાયરો વાઈ રહ્યો છે પણ આ કવિતાઓ વાંચીને એવું લાગે કે એ વસંતને સાંગોપાંગ જીવીને નહીં, ફોટોમાંથી જોઈને લખાઈ હોય. રોજિંદી ઘટમાળ જીવન પર એટલી હદે ચસોચસ ગોઠવાઈ ગયેલી છે કે બદલાતી ઋતુઓનો અણસાર શરદી-ખાંસી જેવી શારીરિક અસરોથી જ કળી શકાય છે, વસંત જેવી ઋતુની માનવમન પર થતી વરણાગી અસર માત્ર સાહિત્યમાં જ વાંચી શકાશે કે કેમ? એ યક્ષપ્રશ્ન બનીને નજરને અવરોધી રહ્યો છે. શું શહેરી સભ્યતા ઋતુઓની રમણીયતાને ખાઈ જશે? ભૌતિક પ્રણાલીઓ, આધુનિક સંસાધનો નૈસર્ગિક વૈવિધ્યને નષ્ટ કરી નાખશે? ના પર્વત, ના ખીણ – એકસરખાં સપાટ મેદાનો. ના ઊંચાંનીચાં તરુવરો કે ના આડીઅવળી ઊગી નીકળેલી લતાઓ – એકસરખાં ટ્રીમ કરેલાં, માનવસર્જિત આકાર અપાયેલાં વૃક્ષો ને એકસરખી ઊંચાઈજાડાઈ ધરાવતી મહેંદીની વાડ. પર્વતેથી ઊતરીને સાગર તરફ ધસમસતી, દોડતી નદીઓ નહીં, સિવિલ એન્જિનિયરોએ ગૂગલ પરથી લેવલ લઈને બનાવેલા કન્ટૂર મૅપથી ચણેલી નહેરોમાં વહેતું પાણી, જેને કયા ગામથી લઈ જવી અને કયા ગામથી વાળવી એ પણ નક્કી થયેલું હોય. અરે હા, બાષ્પીભવનથી પાણી ઊડી ના જાય એ ધાકે ખુલ્લી નહેરો નહીં પણ ભૂગર્ભમાં મોટી મોટી પાઇપો (ભૂંગળાં)થી વહન થતું પાણી. જો આવું થશે તો પછી કારતક ને વૈશાખમાં, જેઠ અને ભાદરવામાં કોઈ ફરક રહેશે?

આંગણાંમાં ઊભેલો પારિજાત પર્ણો ખેરવીને નિર્વસ્ત્ર થાય કે પછી નવા હરિત પટકૂળ પહેરી શોભી ઊઠે અને ઝીણીઝીણી અનેકો કળીઓ મહોરાવે ને પછી શ્વેતફૂલોની વર્ષા વરસાવે. – આમાંનું કશું જો મારામાં કોઈ બદલાવ ના લાવે તો એ મારી અલ્પતા. એથીય વધીને એના જીવનચક્રની આ ગતિને હું નીરખી ના શકું, નોંધી ના શકું તો મારાં ચક્ષુઓ કે પ્રજ્ઞા શું કામનાં?

આ લખતાં મને યાદ આવે છે થોડાં વર્ષો પૂર્વેનો ફાગણ જ્યારે મને નહોતી ખબર કે ફાગણ રૂપધારી ઋતુ છે. મને નહોતી ખબર કે સાવ રૂપહીન લાગતાં ખાખરાનાં વૃક્ષ પર કેસૂડાં ખીલવનારી માયાવી ઋતુ વસંતનો પહેલો માસ એટલે ફાગણ. મને નહોતી ખબર કે ચોમાસું આખું કોઈએ આકાશમાંથી લીલો રંગ ઢોળ્યો હોય એવો લીલછોયો થઈ ગયેલો ને ઉનાળો આખું લીલાપીળાં રંગથી ઝાંખોપાંખો દીસતો વગડો આમ અચાનક કોઈ ટોનિક પી લીધું હોય એવો દૈદિપ્યમાન એટલે ભાસે છે કારણ કે વસંતનો કૅફ એને ઘેરી વળ્યો છે. પરંતુ હું આશ્વસ્ત છું કારણ કે ભલે મને કારણની નહોતી ખબર પણ કાર્યની ખબર પાકી હતી. કેમ થઈ રહ્યું છે એની ગમ નહોતી પણ કંઈક થઈ રહ્યું છે એ અનુભવાઈ રહ્યું હતું.

photo by Mayurika Leuva Banker for Aksharnaad
photo copyright by Mayurika Leuva Banker

નર્મદાનાં વનોમાં વસેલાં છૂટાંછવાયાં ફળિયાં જેવાં ગામોની મુલાકાત વખતે, પાંદ ખેરવીને કેસરી ફૂલોથી લથબથ લચી પડેલો કેસૂડો જોઈને ઘણીવાર ઑફિસવાહન થોભાવીને એકટક નિહાળ્યો છે. માથા પર લદાયેલા લક્ષ્યાંકના બોજને વળોટી જઈને કેસૂડાંનું રૂપલાવણ્ય ઘટઘટ પીધું છે. એક ગામથી બીજાં ગામ જતી વખતે પર્ણરહિત, બાવળિયાના પિતરાઈ જેવા કોક ઝાડ પર કોળેલાં રાતાં ફૂલોએ એવું તો કૌતુક જગાવેલું કે ના પૂછો વાત! ગામ જઈને કરવાનાં કામોની યાદી બનાવતું મન, આ વૃક્ષ, કેસૂડાની કોઈ પ્રજાતિ હશે કે બાવળની એવા પ્રશ્નોમાં ડૂબી જતું. તે છેક સ્થાનિક ગ્રામજન પાસેથી કે પછી વનસ્પતિ પરિચયની પુસ્તિકામાંથી એનો ઉત્તર જડે ત્યારે બહાર નીકળતું. મને બરાબર યાદ છે, એકવાર કામગીરી અર્થે સરકારી બોરીદ્રા ગામમાં ગયાં હતાં ત્યારે વડ જેટલી ઊંચાઈ, કદાચ એથીય વધુ અને એટલો જ ઘેરાવો ધરાવતાં તરુવર પર લીલાં-પીળાં-કથ્થઈ જેવાં રંગનાં ફૂલો ઝૂલતાં દૂરથી દેખાતાં હતાં. નજીક જઈને જોયું તો એ ઝાડની નીચે ખરી પડેલાં ફૂલોની પથારી બનેલી હતી. ગાડીનો કાચ ખોલતાં એક નવી પરખાતી મધરી સુગંધ જરાય મોડું કર્યાં વિનાં નાકમાં પેસી ગઈ.

સામેના કુટિયા જેવાં ઘરના દરવાજે બેસી એક પ્રૌઢ સ્ત્રી સૂપડાંમાં મકાઈ ઊપણતી હતી. બે વનબાળાઓ નીચે પડેલાં ફૂલો પોતાની ઝોળીમાં એકઠાં કરી રહી હતી. કુટિર આગળ પડેલા ખાટલામાં એક વૃદ્ધ આડે પડખે થયેલા હતા. એ આખો પરિવેશ એ વખતે મને નવીનતમ લાગેલો. નજર સમક્ષ રચાયેલું એ દૃશ્ય મારા માટે અપૂર્વ હતું. એ વખતે રચાયેલી સૃષ્ટિ જીવનમાં ન ઘટેલી બીના હતી. હા, શાળામાં ગુજરાતી વિષયના પાઠ ભણતી વખતે આવું દૃશ્ય ભણવામાં આવતું, ત્યારે કરેલી કલ્પના એ દિવસે જીવંત ભજવાઈ રહી હતી. અનેરા આનંદથી આખુંય દૃશ્ય માણ્યાં પછી મારા ખૂલેલાં મોંમાંથી શું પ્રશ્ન પુછાશે એની ખાતરી હોય એમ ડ્રાઇવરે લાગલું જ જણાવી દીધું, મહુડો. આ ફૂલો મહુડાનાં છે. પહેલી વાર જોયેલું મહુડાનું વૃક્ષ, મહુડાનાં ફૂલો અને ફૂલપથારી, ફૂલોની ફાંટ ભરતી વનબાળાઓ. – આ સઘળું, બદલાતી ઋતુઓએ બક્ષેલી અનુપમ ભેટ હતી. આજે એ યાદ આવે છે ત્યારે થાય છે કે કારણ હાથવગું નહોતું એનો કોઈ રંજ નથી, કુતૂહલ ઠાંસોઠાંસ હતું એનો પરમ આનંદ છે. જો પરિપક્વ બનવાથી કુતૂહલ મરી જતું હોય તો નથી જોઈતી પરિપક્વતા. એ કુતૂહલ અમર રહો.

– મયુરિકા લેઉવા બેંકર

મયુરિકા લેઉવા બેંકરના અક્ષરનાદ પરના આ સ્તંભ ‘લીલોતરીની કંકોતરી’ ના બધા લેખ અહીં ક્લિક કરીને માણી શકાશે.


આપનો પ્રતિભાવ આપો....

11 thoughts on “ઋતુઓની ચાલ – મયુરિકા લેઉવા બેંકર

  • vinodmanekchatak

    Panchendriya ne pavan karti roop ras ane sughandh ni fato bhari ne aavti vasanti mosam ni mohakta ane madakta ne salam.

  • હર્ષદ દવે

    પ્રકૃતિનું સંગીત નૈસર્ગિક હોય છે. તેમાં અવનવા મેઘધનુષ ફાગણમાં વાસંતી દૃશ્યો વહેતાં હોય છે. કેસૂડો, બોરસલી, પારિજાત, ગુલમોર, ગરમાળો અને અનેક અજ્ઞાત રંગો દૃષ્ટિગોચર થાય. મયૂરિકા લેઉવા બેન્કર આપણને લીલોતરીની કંકોતરી થકી તેમાં એકરૂપ થવા આમંત્રે છે. આમેય કુદરત આપણી સમક્ષ પ્રકટ થાય ત્યારે તેને કોણ ઘેરૈયા બની રંગમાં રંગાઈ જાય છે તેની પરવા ન જ કરે એ સહજ છે. પંખીઓ ગાય, ઝરણું વહે ત્યારે પવન પણ લહેરાય એ સઘળાં વાસંતી આગમનને વધાવે છે અને એ સમયની સાથે નર્તન કરે છે. આ અનુભૂતિનો અવસર છે….આવો અવસર આવે ત્યારે તેને શ્વસાય, અનુભવાય. ત્યારે મનનું વન વિચાર રહિત થઇ તેની છટાને ભીતરથી ઝીલે અને ખીલે એથી વિશેષ શું જોઈએ…?