The father : ખોવાયેલા અસ્તિત્વની શોધ – નરેન્દ્રસિંહ રાણા 5


આ વખતે ફિલ્મ પહેલા એક કળાકારની વાત કરીશ. એ કળાકાર, અભિનેતા છે – સર એન્થની હોપકિન્સ. સર એન્થનીના નામે અનેક દમદાર ફિલ્મો બોલે છે. ‘ધ સાઈલેન્સ ઓફ ધ લેમ્બ’ના માનવભક્ષી હેનીબાલ લેક્ટરથી લઈને ‘ટુ પૉપ’માં પૉપ બૅનેડિકટ સુધીના બહુરંગી પાત્રો ભજવી ચૂક્યા છે.

સમયનું કામ જ છે,મગજ પર ચાબુકની જેમ ફટકા માર્યા કરવાનું! એ તો ઈચ્છે કે મગજ ધીરે ધીરે એના શરણે થાય. મસ્તિષ્કમાં રહેલું યાદોનું સરોવર સમયના સૂર્યના તાપથી સુકાતું રહે અને છેલ્લે બચે માત્ર વ્યક્તિત્વમાં પડેલી તિરાડો. સમય એક એવો જાદુગર છે જે પોતાની જાદુગરી ચૂપચાપ દેખાડે છે. વહેતી નદી પથ્થરની શિલાઓને કોતરીને પોલી કરે એમ સમય પણ મગજને ક્ષીણ કરતો રહે. ઉંમર વધતી રહે એમ શરીર અને મગજ શિથિલ પડતાં જાય અને વ્યક્તિ માત્ર મૃત્યુની રાહમાં દિવસો પસાર કર્યા કરે. સ્મૃતિઓ સમય સાથે સૂકાં પાંદડાંની જેમ ખરી પડે અને અંતે વધે ખાલી થયેલ અસ્તિત્વના વૃક્ષની સૂકી ડાળીઓ. 

કાયમની જેમ ફરી ફિલ્મની જ વાત કરવી છે પણ આ વખતે ફિલ્મ પહેલા એક કળાકારની વાત કરીશ. એ કળાકાર, અભિનેતા છે – સર એન્થની હોપકિન્સ. સર એન્થનીના નામે અનેક દમદાર ફિલ્મો બોલે છે. ‘ધ સાઈલેન્સ ઓફ ધ લેમ્બ’ના માનવભક્ષી હેનીબાલ લેક્ટરથી લઈને ‘ટુ પૉપ’માં પૉપ બૅનેડિકટ સુધીના બહુરંગી પાત્રો ભજવી ચૂક્યા છે. હાલ એંસી વર્ષે પહોંચાયેલા આ દાદાને અભિનયમાં પણ સૌના ‘દાદા’ કહી શકાય. વળી એમની દાદાગીરી એટલી જોરદાર કે આખી ફિલ્મમાં બાકીના કોઈનો અભિનય દેખાય જ નહીં. એમના જેવો કળાની ઊંચાઈઓ સર કરીને બેઠેલો અભિનેતા જ્યારે માનસિક રીતે ભાંગી પડેલા વૃદ્ધનું પાત્ર ભજવે ત્યારે રચાય છે એક અજબ વિરોધાભાસ. જે નથી એ બનવું માણસને કાયમ અઘરું પડે. અહીંયા તો એક અભિનેતાને એવું પાત્ર ભજવવાનું છે જે સ્મૃતિઓના ટુકડાઓમાં જાતને શોધ્યા કરે છે. એની વ્યથા, ઉકળાટ અને મથામણને પડદા પર તાદ્રશ કરવાનું કામ એન્થની દાદાએ એટલું સારી રીતે કર્યું છે કે ‘જહાંપના તુસી ગ્રેટ હો!’ કહેવાનું મન થયા વગર ન રહે. 

ફિલ્મ છે The father. ફિલ્મમાં એન્થની નામનું પાત્ર જીવનના અસ્તાચળે સ્મૃતિલોપનો શિકાર બનેલું હોય. ઘરમાં પુરાયેલા રહેતા એન્થનીનું એક દીકરી ઍન સિવાય બીજું કોઈ નથી. વયોવૃદ્ધ પિતાની સંભાળ ઍન એક માતાની જેમ રાખે પણ દાદાની સ્મૃતિઓને સમયની ઉધઈ ખોતરી ગઈ હોય એટલે દાદાના મગજમાં બધું જ પોલું અને પડી ભાંગેલું છે. શરૂઆતમાં એન્થની દાદાને દીકરી મળવા આવે ત્યારે એમની કેરટેકર નર્સ ઘડિયાળ ચોર છે અને દાદાએ કાઢી મૂકી એવું પ્રેક્ષકોને જાણવા મળે. દીકરી યાદ અપાવે કે જે ચોરીનું આળ કૅર ટેકર પર મૂકવામાં આવ્યું એ હકીકતમાં ચોરી નથી અને દાદા ઘડિયાળ ક્યાં મૂકી એ ભૂલી ગયેલા. બિચારી કેરટેકર કારણ વગર દાદાના ગુસ્સાનો શિકાર બની.

એ પછી એન્થનીને ઘરમાં એક માણસ બેઠેલો દેખાય. દાદા એને એ કોણ છે એવું પૂછે ત્યારે એમને અને પ્રેક્ષકોને જાણવા મળે કે એ ભાઈ ઍનનો પતિ છે અને ઘણા વર્ષથી ઘરમાં જ રહે છે. દાદા અને પ્રેક્ષકો ફરી કન્ફ્યુઝનમાં. એક સ્ત્રી બારણું ખોલીને અંદર આવે અને દાદા ફરી તું કોણ છે એવો પ્રશ્ન પૂછે તો જવાબ મળે કે હું તમારી દીકરી ઍન. મજાની વાત એ છે કે શરૂઆતમાં જે અભિનેત્રીને દીકરી તરીકે દેખાડેલી એ આ નથી. આથી પ્રેક્ષકોને પણ એમ થાય કે આ બધું ચાલી શું રહ્યું છે?

ફિલ્મમાં એક જ પાત્ર દર્શાવવા અલગ અલગ કલાકારોનો ઉપયોગ થયો હોવાના કારણે એન્થનીના પાત્રની સાથે સાથે ફિલ્મ જોનાર પણ અસમંજસમાં રહે. અલગ અલગ સમયે બનેલા પ્રસંગો પણ અસ્તવ્યસ્ત ગોઠવીને પ્રેક્ષકો સામે મૂકવામાં આવ્યા હોવાના કારણે ફિલ્મની કથામાં ઘણા ખુલ્લા છેડા હોવાનો ભાસ થતો રહે. ક્યારેક તો દ્રશ્ય જ્યાંથી શરૂ થયું હોય ત્યાં જ પૂરું થાય. જો કે અંત બધા જ ખુલ્લા છેડાઓને બાંધે એવો કહી શકાય.

આ આખી કવાયત એન્થની દાદાના મગજમાં દર્શકોને લઈ જવા માટે કરવામાં આવી અને એ કારણે દર્શકને પણ એ સ્મૃતિલોપનો ભોગ બન્યો હોય એમ લાગે. 

માણસ સ્મૃતિઓનો ઉપયોગ જાતને ઓળખવા માટે કરે છે. તમારું વ્યક્તિત્વ અનુભવોના આધારે ઘડાય. અનુભવો યાદ સ્વરૂપે મનમાં રહે અને એના પરથી તમારું વર્તન, નિર્ણયો અને આખું જીવન નક્કી થાય. સારી યાદો આનંદ આપે તો ખરાબ દુઃખ. એન્થની દાદા પણ પોતાની નાની દીકરીને યાદ કર્યા કરે. ફિલ્મમાં જુદા જુદા સમયે એનો ઉલ્લેખ કરતા રહે. ક્યારેક કહે કે એ વિદેશ ફરવા ગઈ છે તો ક્યારેક વળી બીજા શહેરમાં જઈને વસી હોવાનું બોલે. દરેક ઉલ્લેખ વખતે ઍનના ચહેરા પરના ભાવ બદલાય. પ્રેક્ષકને એમ લાગે કે બહેનની વાતો એને ક્યાંક ખૂંચે છે.

ફિલ્મ લંડનના એક એપાર્ટમેન્ટમાં જ ફરતી રહે છે. બહારના દ્રશ્યો બહુ ઓછા છે. આ કારણે પ્રેક્ષકોને પણ એન્થનીની જેમ એક બંધિયાર જગ્યામાં ફસાયેલા હોય એમ લાગ્યા કરે. બારી બહાર નજર કરતાં એન્થનીને દર વખતે જુદું જ દ્રશ્ય દેખાય. ક્યારેક રેસ્ટોરન્ટ દેખાય તો ક્યારેક રોડ દેખાય. આ વાત એન્થનીને પોતે કઈ જગાએ છે એ પણ ભાન નથી એવું દર્શાવે. દીકરીને એ કહેતો રહે કે આ એનું એપાર્ટમેન્ટ છે જ્યારે દીકરી એને જણાવે કે ઘણા સમય પહેલા એન્થની દાદા એની સાથે રહેવા આવી ગયા હતા. ઍનના પતિનું પાત્ર બે અભિનેતાઓએ ભજવ્યું છે. બન્ને એક જ પાત્રના જુદા જુદા રંગો દર્શાવે. એક એન્થની પ્રત્યે દયા રાખે છે તો બીજો સતત એને હડધૂત કરતો રહે. આ કારણે આપણે એ કેવો વ્યક્તિ હશે એ ધારી ન શકીએ પણ દાદાના મનમાં તો એ એક એવો ખલનાયક છે કે જે દીકરીને એમનાથી દૂર લઈ ગયો. 

ઘડિયાળ ભૂલી જતો એન્થની જાત વિશે ઘણી વાતો કર્યા રાખે. કેરટેકરનો ઈન્ટરવ્યૂ દેવા આવેલી છોકરીને પોતે પ્રોફેશનલ ડાન્સર હતો એવું પણ કહે. ઍન એને રોકતા કહે કે તમે એન્જિનિયર હતા. એન્થનીની દ્રષ્ટિએ એન્જિનિયર હોવું એ નિરસ કામ કહેવાય એટલે એને પોતે ડાન્સર હતો એ વાત પર જ વિશ્વાસ છે. માણસની અધૂરી ઈચ્છાઓ જીવન પસાર થાય એમ વધુને વધુ ઘેરો રંગ પકડતી જાય એના તરફ આ નિર્દેશ ગણી શકાય. 

જેની નજરોથી બધું જોવાય છે એ નાયક જ ભરોસાપાત્ર ન હોવાના કારણે ફિલ્મ અંત સુધી જકડી રાખે છે. પ્રેક્ષકો સતત કોયડાની જેમ ફિલ્મને ઉકેલવાનો પ્રયત્ન કરતા રહે છે. 

ફિલ્મ આ જ નામના એક નાટક પરથી બની છે. સર એન્થની હોપકિન્સ વર્ષો પહેલા બ્રિટિશ નાટકોમાં શેક્સપિયરના પ્રખ્યાત નાટક ‘કિંગ લિયર’નું મુખ્ય પાત્ર ભજવતા. The father નો એન્થની એ કિંગ લિયરનું જ અલગ પરિમાણ હોય એમ લાગે. દીકરી ઍનના નામનું ઉચ્ચારણ દર વખતે જુદી રીતે કરતા આ અભિનેતાને સ્ક્રીન પર જોવો એક લ્હાવો છે. આ વખતના ‘બેસ્ટ એકટર’ના ઑસ્કર માટે જો સર એન્થની નોમિનેટ થાય અને જીતે તો સૌથી મોટી ઉંમરે ઑસ્કર જીતવાનો રેકોર્ડ કરશે. 

અમિતાભ બચ્ચનને લઈને કોઈ આ ફિલ્મનું હિન્દી વર્ઝન બનાવે તો જોવાની બહુ મજા પડે. જીવનના અસ્તાચળે પહોંચીને અનુભવતા ખાલીપાને ભરવાના પ્રયત્નો વ્યર્થ હોય એ વાત કહેતી આ ફિલ્મ ચોક્ક્સ જોવી રહી. 

છેલ્લી રિલ –
‘યાદો તમને હૂંફ આપે છે, પણ એ જ તમને અંદરથી તોડે પણ છે.’- હારુકી મુરાકામી.
(આ ફિલ્મને લાગુ પડતું સુવાક્ય).  


Leave a Reply to Shraddha BhattCancel reply

5 thoughts on “The father : ખોવાયેલા અસ્તિત્વની શોધ – નરેન્દ્રસિંહ રાણા

  • Shraddha Bhatt

    જોરદાર! સ્મૃતિ નો લોપ એટલે અસ્તિત્વના વૃક્ષ ની બચેલી સૂકી ડાળીઓ! મૂવી રિવ્યુમાં ય આવી કાવ્યાત્મક ભાષા વાંચવા મળે એટલે સોને પે સુહાગા!

  • hdjkdave

    સ્મૃતિ હોય તો તેનો લોપ પણ હોઈ શકે. પહેલો વિચાર એ આવે કે હું એ સમયે એનો ભોગ ન બનું. આ અપૂર્વ વિષયને સમજીને તેનું વિશ્લેષણાત્મક અર્થઘટન દર્શાવવું સહેલું નથી. નરેન્દ્રસિંહ રાણા આ કાર્ય સુપેરે કરે છે. આપણું અસ્તિત્વ ખોવાઈ જાય તો આપણે શું કરીએ? જાતને પર્વતની ટોચ પર લઈ જઈને પૂછવું કે, Who am I?…એ નામનું પણ એક મૂવી છે! આશા અને પ્રાર્થના કરીએ કે અમિતાભ એ ભૂમિકામાં જોવા મળે.