વો કાગઝ કી કશ્તી, વો બારિશ કા પાની – કમલેશ જોષી 6


મમ્મી દસની નોટ વાપરવા આપતી એમાંથી અમે પારલે બિસ્કીટ, ક્રીમ રોલ, કચોરી, સમોસા, ભૂંગળા, પેપ્સી, બટર, નાનખટાઈ, સોડા, આઈસ્ક્રીમ, ગોલા, પોપીન્સ, લોલીપોપ, કોલેટી, ચણા મસાલા, ખારાં બી, દાળિયા એવું એવું ખાતા.

મારી નિશાળ બદલી હતી. હવે હું લાલ ઝીણી ચોકડીવાળો શર્ટ, બદામી પૅન્ટ, લીલો-સફેદ બૅલ્ટ અને ગળામાં ટાઈ પહેરી નિશાળે જતો. હું પાંચમાં ધોરણમાં હતો. બે વત્તા એક કરવા માટે પહેલાં બે લીટી દોરી પછી એક લીટી દોરી પછી એ બધીને એક સાથે એક, બે અને ત્રણ એમ ગણવાની બદલે હવે હું લીટી દોર્યા વિના બે ને ત્રણ પાંચ કહી શકતો. મને એકડા-બગડા જ નહીં, એક એકુથી દસ એકા સુધીના ઘડિયાં મોઢે હતા. હવે તો હું છેક પંદર એકા સુધી પહોંચી ગયો હતો. મારા આ વખતના જન્મ દિવસે પપ્પા મને નવી સ્પીડકિંગ સાયકલ લઈ આપવાના હતા. પિન્ટુના પપ્પાએ એને એ સાયકલ લઈ આપી હતી.

હું મારા જન્મ દિવસની રાહ જ જોઈ રહ્યો હતો. હવે મને દિવસ રાત જ નહિં, સાત વાર, બાર મહિના, ત્રણ ઋતુ અને મિકી માઉસ, ડોનાલ્ડ ડક, અમિતાભ બચ્ચન અને મિથુન ચક્રવર્તીની પણ ખબર હતી. હવે મને ખબર હતી કે પંખો કઈ સ્વિચથી ચાલુ થાય અને ગેસ ક્યા બટનથી બંધ થાય. નિશાળે જવા માટે અમારા ઘરની શેરી વટાવ્યા પછી દૂધની ડેરી પાસેની શેરીમાં વળી જવાનું, ત્યાંથી મેદાનવાળા રોડે જવાનું, ત્યાંથી બસ સ્ટેન્ડ પાસે પહોંચી ઊભા રહેવાનું. અમારી પીળા રંગની બસ આવે એટલે એમાં ત્રીજી સીટ પર બેસી જવાની મને ખબર હતી.

પ્રાર્થના માઇકમાં બોલાતી. મોટા સાહેબ પ્રિન્સીપાલ હતા. હોમવર્ક ઘરે કરવાનું અને રવિવારે નિશાળે રજા હોય એની સમજ હવે મને પડી ગઈ હતી. બસ, આ રવિવારની રજા એટલે મજા મજા. હવે હું અને પિન્ટુ જ નહીં, અમારી શેરીમાં નવો રહેવા આવેલો ગોટી, ભોલુ, વીરો, પૂજન અમે બધા સાથે રમતા. હવે અમે નવી નવી રમતો શોધી હતી. કબ્બડી, ડબલા ડુલ, ખો-ખોથી શરુ કરી ક્રિકેટ, મોઈ-દાંડિયા, લંગડી અમે રમતા. લાલ રંગનો બુચનો દડો ઉપર ઉછાળી, હાથની બંને હથેળી અને આંગળાઓમાં એનો ‘કૅચ’ પકડવાની અમારી કોશિશ જયારે સફળ થતી ત્યારે જાણે ‘જાદુ’ કરતા અમને આવડી ગયું હોય એવું લાગતું. એક પગે લંગડી કૂદતા અમે જયારે દોડીએ અને એકાદ પકડાઈ જાય ત્યારે જામો પડી જતો. શરૂઆતમાં તો આઉટ થનાર પણ રાજી થતો કૂદકા મારવા લાગતો અને બોલતો “હવે હું દા આપીશ.. હવે હું દા આપીશ..” પણ ધીરે-ધીરે ખબર પડવા માંડી હતી કે ‘આઉટ’ થવું એ રાજી થવાની વાત નહોતી. પણ એનાથી બહુ ફર્ક નહોતો પડતો. રમવાની મજા, એનો નશો જ અલગ હતો. મા બૂમ પાડી-પાડીને થાકતી, પણ અમારું ‘છેલ્લો દાવ – બસ એક ગીમ..’ પૂરું જ ન થતું. આખરે મોટી બેન ધોલધપાટ કરીને અમને ઘરે લઈ જતી ત્યારે છેક અમારી મંડળી વિખેરાતી.

blur boat close up paper
Photo by Pixabay on Pexels.com

હવે અમને જમવામાં દાળ-ભાત-શાકની ખબર પડવા માંડી હતી. રીંગણ, દૂધી અને કારેલાં અમને જરાય ન ભાવતા. શ્રીખંડ, બટાટાવડા, ભજીયાં, પૂરી એ અમારી ફેવરીટ વાનગી. મમ્મી દસની નોટ વાપરવા આપતી એમાંથી અમે પારલે બિસ્કીટ, ક્રીમ રોલ, કચોરી, સમોસા, ભૂંગળા, પેપ્સી, બટર, નાનખટાઈ, સોડા, આઈસ્ક્રીમ, ગોલા, પોપીન્સ, લોલીપોપ, કોલેટી, ચણા મસાલા, ખારાં બી, દાળિયા એવું એવું ખાતા. હું અને પિન્ટુ દરરોજ સાંજે અમારી શેરીના છેડે આવેલા મંદિરે જતા. ક્યારેક ઝાલર પણ વગાડતા. શનિવારે મમ્મી એક નાની બોટલમાં તેલ ભરી આપતી, એ અમે હનુમાનજીના મંદિરે ચઢાવતા. હવે અમે ‘જે-જે’ ને બદલે હાથ જોડી દર્શન કરતા, પણ ધ્યાન હજુયે પ્રસાદી પર જ રહેતું.

પાંચમા ધોરણની પરીક્ષાનું રિઝલ્ટ આવ્યું. મારો બીજો નંબર આવ્યો, પિન્ટુનો ત્રીજો નંબર, પહેલા નંબરે ઝીલ નામની એક છોકરી આવી હતી. એ પછીના ત્રીજા મહિને મારો જન્મ દિવસ આવ્યો ત્યારે મારા પપ્પા, મમ્મી, મોટી બેન અને હું બજારમાંથી સાયકલ લાવ્યા હતા. સાંજે મારા ઘરે મારા સાત-આઠ ભાઈબંધ, મોટી બેનની બે ત્રણ બહેનપણીઓની પાર્ટી અમે કરી હતી. મોટી બેન કેક લાવી હતી. મમ્મીએ ભેળ બનાવી હતી. કેક કાપી અમે સૌએ નાસ્તો કર્યો. બીજા દિવસથી હું અને પિન્ટુ બે સાયકલમાં નિશાળે જવા લાગ્યા.

નિશાળમાં અમને પાંચ કલાક બેંચ પર બેસી રહેવું ગમતું નહીં. પી.ટી. અને ગૅમ્સ એ અમારા ફેવરીટ પિરીયડ હતા. રિસેસમા અમે ખૂબ રમતા. હવે અમારા ક્લાસમાં ક્લાસ ટીચર રોલ નંબર મુજબ હાજરી લેતા. એ સિવાય દરેક વિષય માટે અલગ ટીચર અમને ભણાવતા. એક ટીચર તો અમને ખૂબ હસાવતા. એના પિરીયડમાં ભણવાની બહુ મજા આવતી. એક સર ખૂબ ગુસ્સાવાળા હતા. એની અમને બહુ બીક લાગતી. અમારા પ્રિન્સીપાલ પણ ખૂબ ગુસ્સાવાળા હતા. અમારા ક્લાસમાં છેલ્લી બેન્ચે બહુ તોફાની છોકરાઓ બેસતા. અમે દોડતા હોઈએ ત્યારે અચાનક પગ વચ્ચે નાખી એ અમને પછાડી દેતા. ક્યારેક પગ છોલાતો, એ ગંદી ગાળો પણ બોલતા. એક વાર પિન્ટુએ એની ફરિયાદ અમારા ક્લાસ ટીચરને કરી હતી. પી.ટી.ના સાહેબે એ છેલ્લી બેંચ વાળાઓને ગ્રાઉન્ડ પર ચક્કર લગાવવાની સજા કરી હતી. દોડી દોડી એ પાંચ છ છોકરા થાકી ગયા હતા. પી.ટી.ના સાહેબને એ લોકો પગે લાગી ગયા હતા. અમારા ક્લાસમાં આવી કાન પકડી કદી ‘ગાળ’ ન બોલવાની અને કોઈને ન પછાડવાની અને ઝઘડો ન કરવાની પ્રતિજ્ઞા એ લોકોએ લીધી હતી.

હવે અમને સમજાઈ ગયું હતું કે અમે જે પાંચ-છ શેરીમાં બાળપણમાં રમતા એ એક સોસાયટી હતી, એવી કેટલીયે સોસાયટી અમારા શહેરમાં હતી. અમારી નિશાળ જેવી કેટલીયે નિશાળો હતી. અમારી સોસાયટી પાસેના મેદાન જેવા કેટલાય મેદાન હતા. ગામમાં બગીચાઓ હતા, ફુવારાઓ હતા, રીક્ષાઓ, મોટર ગાડીઓ અને ટ્રેનોની અમારા ગામમાં આવન જાવન રહેતી. પણ અમારા માટે તો અમારી શેરી, અમારી નિશાળ, અમારી સાયકલ, હું, પિન્ટુ અને અમારા મમ્મી-પપ્પા જ અમારી દુનિયા હતા.

હા, એ વાત હું તમને કહું. એક દિવસ પિન્ટુએ મને પૂછ્યું, “તારે મોટા થઈને શું બનવું છે?” હું વિચારમાં પડી ગયો. મને સમજાયું નહીં. મેં પૂછ્યું, “મોટા થઈને એટલે?”

એ બોલ્યો, “જો આપણે પહેલા નાના હતા, પેલા ચડ્ડી ક્લાસમાં ભણે છે ને એવડા, હવે આપણે મોટા થઈ પાંચમામાં આવ્યા. એ પછી ઉપલા માળે દસમા ધોરણમાં ભણવા જશું.. એક દિવસ આપણા પપ્પા જેવડા મોટા થઈ જશું.” મને મજા પડી.

એ બોલ્યો, “એવડા મોટા થઈને તારે શું બનવું છે?” મેં વિચારીને કહ્યું, “મારે ફુગ્ગાવાળો બનવું છે.” પહેલા તો એ વિચારમાં પડી ગયો. પછી એની આંખોમાં ચમક આવી. મને કહે, “કેવી મજા! આટલા બધા ફુગ્ગા નહીં!” મેં પણ ખુશ થઈ તાળી પાડતા કહ્યું, “હા… મને લાલ ફુગ્ગો બહુ ગમે.”

એ બોલ્યો “મને ટપકા વાળો..” અને અમે ફુગ્ગાઓની રંગીન દુનિયામાં ખોવાઈ ગયા.

ઘરે આવી મેં મોટી બેનને પૂછ્યું, “મોટી બેન, તારે મોટા થઈને શું બનવું છે?” એ તો મારી સામે નવાઈથી તાકી રહી, પછી મમ્મી સામે જોઈ હસી. એ બંને સમજી ગયા હતા કે મારે મારી વાત કરવી છે. એ બોલી, “પહેલા તું કહે, તારે મોટા થઈને શું બનવું છે?”

મેં તરત જ કહ્યું, “ફુગ્ગાવાળો…” એ અને મમ્મી હસી પડ્યા. મને થયું મારી વાત એમને ખૂબ ગમી ગઈ. “હું આટલાં બધાં ફુગ્ગા લઈશ..” મેં બંને હાથ થાય એટલે પહોળાં કરી બતાવ્યું. “લાલ, લીલા, પીળા.. નાના, મોટા… દોરીવાળા.. કાકડી..”

મમ્મી અને બેન તો મારી વાત સાંભળી હસ્યે જ રાખતાં હતાં. ઓચિંતું મને યાદ આવ્યું એટલે મેં બેનને પૂછ્યું, “હવે તારો વારો. તું કહે. તારે મોટા થઈને શું બનવું છે?”

એ બોલી “ઍરહોસ્ટેસ..”

હું એને તાકી રહ્યો. મેં પૂછ્યું, “એટલે?”

એ બોલી “આકાશમાં પ્લેન ઉડે છે ને, એમાં મારે ઉડવાનું.” મને બીક લાગી. બેન આકાશમાં ઉડશે ને ક્યાંક પડી જશે તો! મને મૂંઝાયેલો જોઈ એને ગમ્મત પડી. એ બોલી, “અહીંથી ઉડીને ત્યાં જવાનું. ક્યાંના ક્યાં જવાનું…”

મેં કહ્યું, “એના માટે તો મારી સ્પીડકિંગ સાયકલ જ તું લઈ જજે. ઉડવામાં ક્યાંક પડી જઈશ તો?”

એ હસી પડી. “અરે ભોલુ.. આ તારી સાયકલ પર બેસીને આખી દુનિયા થોડી ફરી શકાય?”

મેં એને તાકતા પૂછ્યું, “દુનિયા એટલે?”

એ બોલી, “જો, જેમ આ આપણી શેરી છે ને એવી કેટલીયે શેરીઓ મળીને સોસાયટી બને.”

મેં કહ્યું, “મને ખબર છે. મારી નિશાળમાં પેલો પપ્પુ છે ને એ પોલીસ સોસાયટીમાંથી આવે છે. અમારા ટીચરે કહ્યું છે કે આપણા શહેર જેવા કેટલાંય શહેર હોય છે. સુરત, અમદાવાદ…” બસ મારું જ્ઞાન પૂરું થયું એટલે હું ચૂપ થઈ ગયો.

મોટી બેન બોલી, “આવા કેટલાય શહેર ભેગાં થાય ને એટલે એક દેશ બને. અને એવા કેટલાંય દેશ ભેગા થઈને એક દુનિયા બને.” મને તો આ વાત અજાયબ લાગી.

બેન બોલી, “પ્લેનમાં બેસીને એ બધાં દેશોમાં જવા મળે એટલે મારે ઍરહોસ્ટેસ બનવું છે.”

મેં કહ્યું, “એ દેશમાંય આપણી સોસાયટી જેવી સોસાયટી હોય?”

એ બોલી, “હા, આપણી શેરી જેવી શેરી પણ હોય. ઝાડ હોય અને ચોકલેટ પણ હોય.”

મેં કહ્યું, “તો તો મજા પડે. તો હુંય તારી સાથે આવીશ અને પિન્ટુનેય સાથે લઈ જશું.” રાત્રે સપનામાં મેં પ્લેનમાં મોટી બેન અને પિન્ટુ સાથે આખી દુનિયાની મુસાફરી કરી.

મને ખબર નહોતી કે મોટી દુનિયામાં, સમજદારોની દુનિયામાં પ્રવેશવાની મજા માણવા નીકળેલો હું, હવે મારા નાસમજ, સહજ, નિર્દોષ બાળપણની, આખું જીવન યાદ આવનારી દુનિયા છોડી રહ્યો હતો જેના માટે હું મોટો થઈને રોતાં રોતાં ગાવાનો હતો, ‘યે દૌલત ભી લે લો, એ શોહરત ભી લે લો, ભલે છીન લો મુજ સે મેરી જવાની, મગર મુજ કો લૌટા દો બચપન કે વો દિન, વો કાગઝ કી કશ્તી વો બારીશ કા પાની…’

(ક્રમશ:)

– કમલેશ જોષી


Leave a Reply to Kamlesh JoshiCancel reply

6 thoughts on “વો કાગઝ કી કશ્તી, વો બારિશ કા પાની – કમલેશ જોષી

  • hdjkdave

    બાળકોની દુનિયા અનેરી હોય છે. ભલે તેમાં વાસ્તવિકતાનું મસમોટું અંતર હોય તો પણ એ અજાયબી અને કુતૂહલ મોટેરાની દુનિયામાં નથી હોતું. નિર્દોષતા તે દુનિયાનું સૌંદર્ય હોય છે. આપણે બનાવેલી કાગળની હોડી પાણીમાં તરે તે જોઈને આપણો આનંદ પણ સર સર સરકે અને મોં મલકે…
    બાળકો કિશોર અવસ્થાએ પહોંચે ત્યારે તેને આવું બધું વધારે સમજાવા લાગે…
    પણ રમત રમવી બાળકોને સહુથી વધારે ગમે…ચાલો રમીએ…