એ ગળચટ્ટી ક્ષણોની લ્હાણી કરનાર મમ્મદને… – નેહા રાવલ 14


ચૉકલેટ તરફ જોતી બાળકની આંખને ઓળખવાનો, પાંચ પૈસાની ચૉકલેટ પહેલીવાર ઉધાર મળે ત્યારે બાળક વ્હેત ઊંચું ચાલે એ જોવા માણવાનો મોકો તમને કેવો મળ્યો હશે? આંસુને સ્મિતમાં પલટાવતી કેટલીય પળો તમે માણી હશે ને!

પ્રિય મમ્મદ ચાચા,

પહેલીવાર જ્યારે શાળાની બહાર તમારી લારી જોઇને જે કુતૂહલ થયું હતું કે આટલી બધી બરણીઓમાં આટલી બધી વસ્તુઓ અને આટલા બધા રંગ! એટલું તો મલ્ટીનૅશનલ કંપનીઓના મૉલમાં જાઉં ત્યારેય નથી થતું. અને તમારું નામ… એ તો બધી છોકરીઓ બોલે એમ સાંભળી સાંભળી મેંય આવડે તેવું બોલ્યું હતું. હજુ ય નથી ખબર કે શાળાની બહાર ઉભા રહેતા તમે..મમ્મદ, એ તમારું નામ છે કે સર્વનામ? કારણ કે પછી ઘણી શાળાઓની બહાર આવી જ લારી જોઈ હતી અને લગભગ બધાંજ બાળકો એ લારીવાળા કાકાને મમ્મદ કહીને જ બોલાવતા. શું તમારું નામ મહમ્મદ હતું? લો, તમને પત્ર લખવા બેઠી અને સાચે જ, મને તમારું સાચું નામ જ નથી ખબર. પણ એનાથી કોઈ ફર્ક નથી પડતો. મારા મનમાં હજુય આ નામ સાથે એ જ ચિત્ર દોરાઈ જાય…

વાદળી રંગની એ લારી, ત્રણ તરફ ગોઠવેલી કાચની એકસરખી બરણીઓમાં ભરેલી અધધધ ખાવાની વસ્તુઓ…. અને એની ચોથી તરફ ઉભા રહી એ રસની લ્હાણી કરતા તમે… ઓહોહો…નાની પીપરમિન્ટ જે પાંચ પૈસાની ત્રણ આવતી… ત્યાંથી લઈને ક્રીમવાળા બિસ્કીટ, જે પંદર પૈસાની એક… એ સૌથી મોંઘી લાગતી. એ પાંચકાની ત્રણ ટીકડીઓમાં પણ કેટલી વેરાઈટી મળતી! કેસરી રંગની ઑરેન્જ ફ્લેવરની, ગ્રે રંગની સંચળ વાળી, લાલ રંગની પાન ફ્લેવરની અને જેમને એવી નાની ન ગમે એમના માટે પાંચ પૈસાની એક લીંબુની ચીરી કહેવાય એવી અર્ધગોળ પીપરમિન્ટ અને જે ખિસ્સામાં ભરી ચાલુ ક્લાસે ખાવા લઈ જાય એમના માટે પાર્લેના ગોળા. આમ તો દસ પૈસાનો એક પણ તમે ભલા હતા અને ડિસ્કાઉન્ટ જેવો લલચામણો શબ્દ વાપર્યા વગર એ પચ્ચીસ પૈસાનાં ત્રણ આપતા. અહા…! રિસેસનો બેલ પડતાં જ તમારી આસપાસ મધમાખીઓ જેવો ગણગણાટ ફેલાઈ જતો અને વળી અમારી તો ગર્લ્સ-સ્કૂલ  એટલે છોકરીઓનો અવાજ તો થોડો વધારે જ હોય! મને નવાઈ લાગે છે કે રિસેસની એ પંદર મિનિટમાં તમે તમારા બે જ હાથ વડે કેટલા બધાને કેટલી બધી ગળચટ્ટી ક્ષણો આપતા હતા! એ ત્રીસેક બરણીઓ અને વચ્ચે રાખેલી આઠ દસ વસ્તુઓ એ અગણિત કાબરોને આપતી વખતે તમને ક્યારેય બે હાથ ઓછા નહોતા પડતા?

આમ તો સ્કૂલ બહાર બીજાંય થોડા લોકો પણ થોડું ઘણું વેચતા પણ તમારો અસબાબ અને એનો દબદબો…. મન પર જે કબજો જમાવતો એવામાં એવા એકલદોકલ ચીજ વેચતા ફેરિયાઓની શું વિસાત! ત્યારે તો મમ્મીપપ્પા ‘ના’ કહેતાં કે સ્ફૂલની બહારથી કશું ખુલ્લું લેવાનું નહિ. પણ સાથે જ વાપરવા ક્યારેક દસકો ય આપતા. હવે મારું નાનકડું બાળમન મૂંઝાઈ ન જાય? ..કે કશું લેવાનું તો નહિ પછી આ દસકાનું કરવાનું શું? પછી આપણે તો પાછા હોંશિયાર ને! એટલે પેલી બરણીઓમાંથી જ વસ્તુઓ લેતા. એટલે મમ્મીપપ્પાય સચવાઈ જાય અને નિતનવું ચાખવાનું જીભનું કુતૂહલ પણ. અને એમાં તો વળી ભૂલમાં દસ પૈસાની સરખી ટીકડીઓ લેવાઈ ગઈ હોય તો સ્કૂલ છૂટે ત્યારે બદલીને પાંચ પૈસાની બીજી ય તમે આપતા. કેટલા દયાળુ હતા તમે!

મને યાદ છે શાળાનો એ પહેલો દિવસ જ્યારે ઘરની સૌથી નાનકડી એવી હું, હેમંતભાઈની આંગળી પકડી શાળાએ આવી હતી. પહેલા દિવસે મને હેમંતભાઈએ જ  શાળાની બહાર ઉભેલી તમારી લારી પરથી પાંચ પૈસાના બે એવા પેલા બે મોટ્ટા ગોળ બિસ્કીટ અપાવ્યા હતા. ત્યારે તો  સ્ફૂલ નજીક બિસ્કીટવાળા કાકા ઉભા રહે છે એટલી સમજ પડેલી. પણ પછીના બે-ત્રણ દિવસોમાં જ સમજાઈ ગયેલું કે એ બિસ્કીટવાળા કાકા નથી, એ તો રસની લ્હાણી કરતા દસ હાથવાળા મમ્મદ કાકા છે. અને ત્યારે તો અમે બધા જ તમને ‘તું’ જ કહેતા. આજે મને લાગે છે કે જેમ ગમતા લેખક મંટો માટે ‘તમે’ શબ્દ વાપરવો અજુગતો લાગે એમ જ તમારા નામ સાથે હશે? મમ્મદ ‘તમે’… એમ કોઈ બોલતું જ નહિ. બધા એમજ કહેતા, મમ્મદ આ આપ, પેલું આપ. અને એ દરેક ચીજ સાથે તમારું સ્મિત પણ જોડાઈ જતું. સદાય હસતો ચહેરો.

મને તો તમારી લારી ખૂબ જ ગમતી. બરણીઓમાં ગોઠવેલી અજાયબીઓ સાથે થોડું વચ્ચે મુકેલું મસ્તીખોર ખાવાનું… કાળા રંગનું કોકમ, જે નખ પર ચોપડી ચૂસીચૂસીને ખાતા. પછી પેલા પીળા ભૂંગળા, જે પાંચ આંગળીમાં પાંચ ભરાવીને ખાતા, પછી પેલી લીલી વરીયાળી…એ ખવાઈ જાય પછી પણ એના રેસા મોમાં લઈ ચાવી-ચાવીને એનો રસ ચૂસતા… અને પછીતો પેલી ‘પાચન-આમલા’ પણ આવી હતી! એ તો જો કે બહુ પાછળથી!  

તમને એક ખાનગી વાત કહું, આ તો આજે દસ પૈસા અને પાવલીની વાત નીકળી છે તો યાદ આવી. આ વાત બીજા કોઈને કહું તો કદાચ એ મારી મૂર્ખતા કે નાદાની ઊપર હસે પણ મને ખબર છે તમે એવું નહિ જ કરો. કારણકે તમે મારા નાનપણનો એવો હિસ્સો છો જે મોટો ભલે થયો પણ એનું કામ તો મારા બાળપણના અચરજને જાળવી રાખવાનું જ છે. હા તો…હું નાની હતી ને…ત્યારે મારા દાદા મને રોજ વાપરવા દસ પૈસાનો સિક્કો આપતા. તમને તો ખબર છે ને કે દસ પૈસાનો સિક્કો કેટલો સરસ મોટો ગોળ આવતો! તો પછી એક દિવસ એવું થયું કે દાદા પાસે છુટ્ટો દસકો નહિ હોય તે મને ચાર આના આપ્યા. હવે તમે જ કહો, દસ વધારે કે ચાર?  ભલે આના અને પૈસાનો ફર્ક પણ… એ વખતે તો મને ચાર ઓછા જ લાગે ને! અને વળી પાવલી હતીય હાવ નાની! એની સામે દસકો તો કેવડો મોટો! હા, તો પછી થયું એવું કે મેં તો થનથન કરી ત્રાગું કર્યું. “મને તો દસકો જ જોઈએ… પાવલી ની ચાલે.” તો ત્યારે મારી મદદે મારા કાકાની દીકરી આવી. જે ઉમરમાં તો મોટી હતી જ પણ એને પાવલી દસકા કરતા મોટી હોય એ ય ખબર હતી. એણે મને સમજાવી અને એ પાવલી લઈ લેવા કહ્યું, પણ માનીએ તો ‘આપણે’ શેના? પછી એણે મને ખાતરી આપી કે આમાંથી દસ પૈસાનું તું લેજે અને બાકી વધે એ મને આપજે. આપણે તો એની દરિયાદિલી જોઈને ખુશમખુશ! અને પછી, એ દિવસે શનિવાર હોવાથી તમે તો સાંજે પાંચ સુધી સ્ફૂલ બહાર ઉભા હોવ એ ખબર, એટલે એ પાવલી લઈ અમે સીધા તમારી પાસે આવેલા. તમને તો એવું બધું ક્યાંથી ખબર કે યાદ હોય… પણ ત્યારે મને પહેલીવાર ખબર પડેલી કે ‘ચાર આના દસ પૈસા કરતા મોટા હોય.’ અને તમે માનશો, મેં દસ પૈસાનું લીધું ને બાકીના પંદર પૈસા મોટીબેનને આપ્યા તો એણે ય દસ પૈસાનું લઈ મને પાંચકો બોનસમાં પાછો આપ્યો. એ બોનસના પાંચકાનું કોકમ તો હજુ જીભે ચોંટ્યું છે.

તમને ખબર છે? તમારા વિશે અમે શું શું ગૉસિપ કરતા હતા?  ત્યારે તો ગોસીપ શબ્દ પણ ખબર ન હતો પણ તમારા વિશેની કોઈ પણ વાત તમારા ટીકડી ગોળા કરતા વધારે રસીલી લાગતી. તમે રોજ વાદળી રંગનો શર્ટ પહેરતા અને શનિવારે સફેદ… તો અમે એ વિશે એવી ગુસપુસ કરતા કે આપણા મોટાબેને  (આચાર્યએ) મમ્મદને પણ યુનિફોર્મમાં જ આવવાનું કહ્યું છે. અમારો સ્કૂલ યુનિફોર્મ વાદળી રંગનો હતોને! પણ શનિવારેનો સમય અલગ. સવારે તમારે અમારી સ્કૂલની પાછળ આવેલી વી. ટી. ચોકસી બૉયઝ સ્કૂલ પર જઈ, બપોરે અમારી સ્કૂલે આવવાનું હોય એટલે શનિવારે તમે એ સ્કૂલનો યુનિફોર્મ પહેરો છો. ત્યારે આવી બધી વાતો પણ ચીન્ગમની જેમ ચગળી ચગળીને રસ લેવાતો. અને પેલી ચાંપલી રાજલ હતી ને, એને તમારા વિશે બધ્ધી જ ખબર સૌથી પહેલી પડી જાય! કોઈને કહેતા નહિ પણ અમે એનું નામ ‘રેડીયો’ પાડેલું. ‘રાજલ રેડિયો.’

પછી બીજી એક ગમ્મત કહું! તમારી લારી પર કોઈ પણ નવી વસ્તુ આવી હોય એની અંદરખાને જાહેરાત રિસેસ પહેલા જ એટલાં ગુસરપુસરીયા અવાજમાં બધેજ ફેલાઈ ગઈ હોય કે રિસેસ પડતાં જ બધા હોડ લગાવતા. એમાંય જો કોઈએ ક્લાસમાં આવતા પહેલા એ નવી ચૉકલેટ લઈ લીધી હોય તો ટીચર ભણાવે એ કરતા વધુ ધ્યાન એ ચૉકલેટ  વિશેની ગૉસિપમાં રહેતું. અને બીજી એક ખાસ અફવા પણ હતી. પેલી સિગરેટ આકારની ચૉકલેટ…એવું સાંભળ્યું હતું કે અમારા મોટાબેને તમને અમારી સ્કૂલની બહાર એ વેચવાની ના કહી હતી? સાચે એવું હતું?

તમે તો સ્કૂલના અમુક બોરિંગ કલાકોને પણ મીઠાશથી ભર્યા છે અને ઊંઘી જવાય એવા તાસમાં પણ તમારી ચીન્ગમે અમને જાગતા રાખ્યા છે. પણ ક્યારેય તમને બગાસા ખાતા કે કંટાળતા નથી જોયા. શું શનિવાર પછીની સાંજ અને રવિવારનો શાળાનો સૂનકાર તમમારા સુધી ફેલાતો હતો? વેકેશનના દોઢ મહિનામાં અમે તમારા રંગીન ટીકડી ગોળાને જેટલું યાદ કરતા એટલુ જ તમે પણ અમારા કલબલાટને યાદ કરતા હતાં કે?

વેકેશનો ખુલ્યા બાદનો પહેલો દિવસ એટલે સૌથી વધુ ઉત્સાહ…અને એમાં મોટી લાલચ તમારી લારીએ નવી કઈ વસ્તુઓ આવી હશે એ જોવાની! અને તમે ક્યારેય અમને નિરાશ નથી કર્યા. ચૉકલેટ તરફ જોતી બાળકની આંખને ઓળખવાનો, પાંચ પૈસાની ચોકલેટ પહેલીવાર ઉધાર મળે ત્યારે બાળક વ્હેત ઊંચું ચાલે એ જોવા માણવાનો મોકો તમને કેવો મળ્યો હશે? બાળકો પહેલા દિવસે સ્કૂલના દરવાજા પાસે આવીને રડે અને પછી એને મૂકવા આવતા મા-બાપ તમારી પાસે આવી, બાળકને ગમતું કશુંક અપાવે….અને બાળકને હસતા જુએ! આવી આંસુને સ્મિતમાં પલટાવતી કેટલીય પળો તમે માણી હશે ને! તમને ઠંડીમાં થિંગડાવાળા સ્વેટર પહેરેલા પણ જોયા છે અને ફાટેલી છત્રીમાં વરસાદથી બચતા પણ જોયા છે. ગરમીમાં પરસેવાથી લથબથ પણ જોયા છે પણ  ક્યારેય થાકતા કે બાળકોથી કંટાળતા નથી જોયા.

ક્યારેક મારા બાળકોની શાળાએ જવાનું થાય તો આંખ એકાદ એવા ચમત્કારની રાહ જુએ કે કદાચ તમે એ શાળાની બહાર તમારી ઢગલો અચરજ વાળી ‘એ જ ’ રેંકડી લઈને ઉભા હોવ તો! બસ, આ ‘તો…’ પર અટકી જવાય.

શાળા બાદ ક્યારેય તમને રૂબરૂ તો જોયા નથી પણ બાળકો જયારે પણ ચોકલેટ માટે પૈસા માંગે ત્યારે મનમાંથી નીકળે, મમ્મદને કહેજે સારામાંની આપે… પણ ..બાળકો ક્યાં તમારા સુધી પહોંચવાના! બાળકો ન સહી, આજે મારા શબ્દો લઈ હું તમારા સુધી આવી છું. તમારી પીપરમિન્ટોએ જેમ અમારી જીભ રંગી હતી એમ તમારા સ્મિતથી મારા શબ્દોને રંગ આપજો.

મળીશું આમ જ.. ફરી ક્યારેક.
એ જ.. બે ચોટલાવાળી.

– નેહા

નેહા રાવલની કલમે સંવેદનાસભર પત્રો દર પખવાડિયે તેમની કૉલમ ‘વાયા લેટરબૉક્સ’ અંતર્ગત અક્ષરનાદ પર પ્રસ્તુત થઈ રહ્યાં છે, અહીં ક્લિક કરીને એ પત્રગુચ્છ વાંચી શક્શો.


Leave a Reply to અનિષCancel reply

14 thoughts on “એ ગળચટ્ટી ક્ષણોની લ્હાણી કરનાર મમ્મદને… – નેહા રાવલ