વિચાર વિથીકા.. ડૉ. ગુણવંત શાહનું પુસ્તક ‘વિચારોના વૃંદાવનમાં’ – ધર્મેન્દ્ર કનાલા 13


પુસ્તકનો એક માત્ર સાચો ઉપયોગ માણસને વિચારતો કરી મુકવામાં રહેલો છે. ‘જે ચોપડી માણસને વિચારતો ન કરી મૂકે તેની કિંમત અભરાઈ પર એણે રોકેલી જગ્યા જેટલી પણ નથી.’ નિકોલસ શામફોર્ટની આ વાત મુજબ ‘વિચારોના વૃંદાવનમાં’ માત્ર આપણને વિચરતાં કરી મૂકે છે એટલું જ નહીં પણ સાથો-સાથ એ વિચરણ યોગ્ય આચરણ સુધી પહોંચે એ માટે પથ-પ્રદર્શક પણ બની રહે છે. અહીં વિચારોના ટોળાં નથી પણ ખભે હાથ મૂકીને વિચાર આપણા અસ્તિત્વને એક સુખદ સધિયારો આપે છે. એકલ-દોકલ કે છૂટક-પૂટક એમ નહીં પણ સતત વહેતાં આ વિચારો ક્યાંય તાણી જતાં નથી. બસ તરબતર ભીંજવી જાય છે!

પુસ્તકનું નામ : ‘વિચારોના વૃંદાવનમાં
લેખકનું નામ : ડૉ. ગુણવંત શાહ

વિચારનો એક એવો વનવે જે ભીતર જઈ રોકાશે…

ડૉ. ગુણવંત શાહ શ્રી ઉમાશંકર જોશીને નિર્દેશીને કહે છે કે, ‘એક કવિની સીમા તો ત્યાં જ હોય જ્યાં જીવનની સીમા હોય.’ આ જ વાતને જરા જુદી રીતે કહીએ તો જીવનની સીમા એ આપણે આપણા ફરતી બાંધી લીધેલી પૂર્વગ્રહોની વાડ છે. આ કાંટાળી વાડમાંથી એકાદ છીંડું પાડી જો બહાર નીકળી જવાય તો પહોંચી જશું એક એવા લીલાછમ બગીચામાં કે જેની કોઈ સીમા નથી, અર્થાત્ વિચારોના વૃંદાવનમાં . આ વિચારોના વૃંદાવનમાં એટલે જીવનના દરેક અનુભવને પ્રેમના તાંતણે વલોવી તારવવામાં આવતું શાશ્વત આંનદરૂપ નવનીત. આ વૃંદાવન માત્ર વૃંદાઓથી જ નહીં પણ જીવન સંગીતથી સભર છે. આ વૃંદાવન એટલે માત્ર લેખક શ્રી ગુણવંતભાઈ શાહે રચેલ એક વિશ્વ નહીં પરંતુ આપણા સૌની ભીતર ધરબાયેલો એક કોટો જે વર્ષોથી બસ એક હૂંફાળા વિચાર સ્પર્શની રાહે ફૂટું-ફૂટું થતાં રહી ગયો છે. કદાચ આ પુસ્તક એ જ હૂંફ આપવાનો એક નમ્ર પ્રયાસ છે. પુસ્તકથી થઈ શકતા ચમત્કારની અલૌકિક અનુભૂતિ છે.

પુસ્તકનો એક માત્ર સાચો ઉપયોગ માણસને વિચારતો કરી મુકવામાં રહેલો છે. ‘જે ચોપડી માણસને વિચારતો ન કરી મૂકે તેની કિંમત અભરાઈ પર એણે રોકેલી જગ્યા જેટલી પણ નથી.’ નિકોલસ શામફોર્ટની આ વાત મુજબ ‘વિચારોના વૃંદાવનમાં’ માત્ર આપણને વિચરતાં કરી મૂકે છે એટલું જ નહીં પણ સાથો-સાથ એ વિચરણ યોગ્ય આચરણ સુધી પહોંચે એ માટે પથ-પ્રદર્શક પણ બની રહે છે. અહીં વિચારોના ટોળાં નથી પણ ખભે હાથ મૂકીને વિચાર આપણા અસ્તિત્વને એક સુખદ સધિયારો આપે છે. એકલ-દોકલ કે છૂટક-પૂટક એમ નહીં પણ સતત વહેતાં આ વિચારો ક્યાંય તાણી જતાં નથી. બસ તરબતર ભીંજવી જાય છે!

સામાન્ય રીતે નિબંધ સાથે નિરસતા વાચકોની પૂર્વધારણા થકી જોડાયેલી રહે છે અને આ વાત તેને વાચકજનોથી વિમુખ કરે છે. વળી ક્યારેક વિવેચકોની મહોર પણ ‘જેમ અઘરું તેમ સારું’ ના અઘ્ધરતાલીય પર લાગે છે! પરંતુ ‘વિચારોના વૃંદાવનમાં’ નૈબંધિક કવિતા છે, નૈસર્ગિક કવિતા છે, રસથી તરબોળ એવું ઉપવન છે. ‘વાંદરાની પ્રાર્થના’ નામના નિબંધમાં યુદ્ધની નિરર્થકતા રજુ કરવાની જે ઋજુ રીત અપનાવાઈ છે, એ પદ્ધતિ ભાગ્યે જ કોઈ કવિતા કે નવલકથામાં શોધી જડે. વાંદરાની મનુષ્ય બની જવાની બીક ખૂટી રહેલી એક સરવાણી સામે કેટલી સુંદર રીતે ધરવામાં આવેલી ગાંધીબત્તી છે!

લેખક પોતાના વિચારો થકી જે વૃંદાવન ઉભું કરે છે તેની સુવાસ ચોમેર પ્રસરાવવા જેવી છે. “અહીં ચુંબન બિભત્સ ગણાય છે. ગંધાતી ઝૂંપડપટ્ટી, ઉભરાતી ગટરો, રોગમાં આળોટતી માનવવસ્તી – આ બિભત્સ નથી ગણાતું. માણસનું ચાલે તો ગુલાબના છોડને પણ જીન્સ પહેરાવે, ગલગોટાના છોડને મેચિંગ ટાઈ પહેરાવે. ઘણાં લોકોને નગ્નતા પ્રત્યે ભારે અણગમો હોય છે. તેઓ તો નગ્ન સત્ય પણ સ્વીકારી નથી શકતા.” અહીં લેખકે વર્ષોથી સત્યનાં માર્ગે ચાલનારા રાજા હરિશચંદ્રથી લઈને સોક્રેટિસની સમાજે કરેલ દશાનું વિચારબેસણું માંડ્યું છે. સત્યને વખણાય પણ સ્વીકારાય નહીં એ અજબ રીતિનું કયારે ઉઠમણું થશે એનો પ્રશ્નાર્થ લઈને આ આખુંયે પ્રકરણ રાહે ઉભું રહે છે! અહીં ડૉ. શાહનો આ સંવાદ લાર્જર ધેન લાઈફ બની રહે છે. ગુણવંત શાહનાં કટાક્ષભર્યા વાક્યો હોય કે જિંદગીને અવલોકતું તેમનું પીઢ નિરીક્ષણ, આ બધું જ હદય સોંસરવું ઊતરી જાય છે. ‘બંદૂકના ઈંડા ‘આપણા સાંપ્રત સમાજની વરવી માનસિકતા છતી કરતો અદભુત નિબંધ છે. આપણે બધાં જ યુદ્ધ, ડખો, ઝઘડો, ઝપાઝપી, કોહરામના એટલાં હેવાયાં થઈ ગયા છીએ કે સાવ શાંતિ થઈ જાય તો આપણે કંટાળીને લગભગ છળી મરીએ ‘ભગવાનની લલિત કલા અકાદમી’માં અને બીજા તમામ નિબંધોમાં ગુણવંત શાહ પોતાની શાબ્દિક કલા અકાદમી રચે છે. જેના કેટલાય સુવાક્યો જીવનભરના ભાથા જેવા છે. જે વિપત્તિના સમયમાં નિરાંતે વાપરી શકાય, વાગોળી શકાય એવા છે.

માણસમાં રહેલી મુગ્ધતા મરી પરવર્યા બાદ જે શેષ વધે તે દંભ છે અને આ વધી રહેલા દંભના આતંકને તેમણે ‘દંભના રાષ્ટ્રીયકરણ’ નામક નિબંધમાં વકરતો બતાવ્યો છે. આજે વોટ્સએપિયા યુગમાં થોડીવારમાં જ જન્મદિવસનો આંનદ પણ લેવાય જાય અને થોડીવારમાં મૃત્યુનું માતમ પણ મનાવાઈ જાય! જેટલા ઝડપથી સ્ટેટસ બદલાય એટલું ઝડપથી જો લાગણીઓની બાબતમાં સ્વિચ ઓવર થઈ શકાતું હોય તો એનાથી મોટો બીજો કયો દંભ હોઈ શકે?

માણસે પોતાની જાતને આ દોડતી દુનિયામાં એવી વ્યસ્ત કરી દીધો છે કે પળ-બેપળની નવરાશ તેને રાહત આપવાને બદલે ગભરાવી મૂકે છે. જિંદગીની નાની-નાની ક્ષણોમાંથી મળતાં આનંદનું એ ઉઠમણું કરી ચૂક્યો છે! ત્યારે ગુણવંત શાહ “ક્ષણનું ટીપે-ટીપું મોજથી પીનારા’ નિબંધમાં આ પ્રકારના આનંદનો ખૂબ સરસ રીતે ઉલ્લેખ કરે છે. જિંદગીને ક્રિકેટ સાથે સરખાવવાની એમની કળાબાજ કલમ પ્રથમ નજરે છીછરી લાગે, પરંતુ તેમાં સત્યનો પક્ષ આગળ જતાં વધુને વધુ મજબૂત અને ઉજ્જવળ બનતો જાય છે. જિંદગી જીવવાની જડીબુટ્ટી આમ સાવ સાદી છે – બસ જીવવાનું છે! પણ એમ જીવાતું નથી એ પાછી બધાની પોકળ ફરિયાદ છે.

એમના નિબંધોની વચ્ચે-વચ્ચે આવતી કવિતાઓ, ઉદાહરણો અને સુવાક્યો તેમના મૂઠી ઊંચેરા વાચક અને વિચારક હોવાની ખાતરી કરાવે છે.ગુણવંત શાહના શબ્દો ફટાકડાની જેમ ક્ષણભંગુર નથી. પરંતુ ધ્રુવતારકના તેજ જેવા કાયમી છે. એ સંદર્ભમાં ‘વિચારોના વૃંદાવનમાં’ વાંચ્યા બાદ ભાગ્યે જ કોઈ વોલ્ટર નું “હું કેદમાં જાઉં છું” વાળુ ઉદાહરણ ભૂલી શકે. એમના નિબંધોનું પણ એમના શબ્દો અને વિચારોની માફક એક અલગ વિશ્વ છે. આ ભાવવિશ્વમાં નિબંધ અને કવિતા એકમેકમાં એવા ઓગળી ગયેલા છે કે તેમને જુદા પાડવા મુશ્કેલ જ નહીં પણ અશક્ય બની જાય છે. આમ પણ શ્રેષ્ઠ સાહિત્ય ચોક્કસ સીમા રેખાઓમાં બાંધી શકાતું જ નથી- હમ જહા પે ખડે રહેતે હે લાઈન વહી સે શરૂ હોતી હે ના સંવાદની જેમ જ… એ બન્યાં બાદ એના લક્ષણોના આધારે પછી બીજા પ્રકારો ઘડાતાં અને બંધાતાં હોય છે. નરસૈંયાએ ક્યાં છંદમાં લખ્યું એ આપણને ખબર છે , એને ખબર હશે? કે પછી એ છંદ નહીં માત્ર આંનદ હશે! એ બધું તો વિવેચકો જાણે, પણ નિબંધ તો જેને કોઈ બંધ લાગુ ન પડે તેને જ કહેવાય ને. વળી, ગુણવંતભાઈના આ નિબંધો તો માનસિકતાથી લઈને વિચારસરણી સુધી ઘણું બંધ હોય તે ખોલી નાખવા માટે જ રચાયા છે. આ તો જીવન સાથેનો અનુબંધ છે અને એની તાજગી કાયમ અકબંધ હોય છે બસ સુખ અને માણસ વચ્ચે ખરેખર આ જ સંબંધ હોય છે.

નિબંધ જેટલા જ ચોટદાર એમણે આપેલા શીર્ષકો છે.’ ક્ષણોનું લંગડાતું ટોળું’, ‘બંદૂકના ઈંડા’, ‘ ભગવાનની લલિત કલા અકાદમી’, ‘ ટીટોડીએ કાનમાં કહ્યું’, ‘વૃક્ષોપનિષદ’, ‘કમ્પ્યુટરના મુળિયા’ વગેરે તેના ઉદાહરણો છે. શીર્ષકોમાં તેમની જડ સાથે ચેતનને જોડી શબ્દ સંજીવની આપવાની કળા પણ કાબિલે દાદ છે. કેટલાક શીર્ષકો નિબંધ જેટલા જ ઉત્તમ છે .

‘વિચારોના વૃંદાવનમાં’ પ્રવેશ્યા બાદ વાચકને જીવનના અનેક નવા રંગો અને વિવિધતાનો ખ્યાલ આવે છે .’વિચારોના વૃંદાવનમાં ‘એક એવો અહેસાસ છે, એક એવી ઘટના છે ,એક એવો રસ્તો છે કે જ્યાં પ્રવેશ શક્ય છે. પણ પ્રવેશ્યા બાદ જ્યાંથી ક્યારેય બહાર ન નીકળી શકાય તેનું નામ ‘વિચારોના વૃંદાવનમાં’

– ધર્મેન્દ્ર કનાલા


13 thoughts on “વિચાર વિથીકા.. ડૉ. ગુણવંત શાહનું પુસ્તક ‘વિચારોના વૃંદાવનમાં’ – ધર્મેન્દ્ર કનાલા

  • ડો. પી.પી. મૂછડિયા

    ખૂબ જ સરસ વાત કરી એવા એક સાક્ષરની જે નવા વિચારો વ્યક્ત કરે છે પોતે પ્રયોજેલા મૌલિક શબ્દો થી. વિચારોનું સુગંધી અને પવિત્ર વૃંદાવન રચનારની મજેદાર સમીક્ષા કરી છે કનાળા સાહેબે

  • ઉદય દેસાઈ

    નિબંધનું આ પુસ્તક મારુ પ્રથમ વાચનનું પુસ્તક હતુ.લલિત નિમ્બંધો બહુ વાચવા ઓછા ગમે.પણ આ પુસ્તકે ખૂબ મોટી અસર મારા જીવન મા કરેલી.
    તમે લખ્યૂ છે તેમ તેના શિર્ષકોથી હું ખૂબ પ્રભાવિત થયેલો અને અનેક ચોટદાર ઉદાહરણૉ ..કોટેશનો અને પંક્તિઓથી સજાવેલ લખાણ ખૂબ ગમ્યું.જીવનની અનેક વાસ્તવિકતાઓ અંદરથી પામી શકાય એવી જબરજસ્ત તાકાત એમના લેખનમા અનુભવી.આજે ઘણા સમય પછી આપે પણ મને થયેલી અનુભૂતિની અદલોઅદલ સમિક્ષા જોઈ ત્યારે ખૂબ ગમ્યું.આપે ખૂબ સરસ..ખૂબ ઉંડાણપુર્વક..સમિક્ષા કરી છે અભિનંદન.આજે એમના પુસ્તકોનો આખો સેટ ધરાવું છુ.છેલ્લે કબિરા ખડા બાઝારમે વાંચેલું….મરો ત્યાં સુધી જીવો..બિલ્લો ટીલો ટચ…આવા તો ઘણા વાંચ્યા..
    એમનો આખો સેટ ડો પ્રતાપ દાદા તરફથી ભેટ મળેલો.મારા પ્રિય લેખક…
    તમે સરસ અભિવ્યક્ત થયા છો.પુન: અભિનંદન

  • બી.એમ.રામ

    ધર્મેન્દ્રભાઈ,આપે સરસ રીતે ગુણવંત શાહની વિચાર યાત્રાને રજૂ કરી છે.આ લેખ વાંચીને પુસ્તક વાંચવાનો ઉમંગ ઉમટે એવી રીતે છણાવટ કરી છે. વિચાર માનવ ગુણવંત શાહને વંદન અને આપને ધન્યવાદ.

  • Vaghela Prakash

    ડો.ગુણવંતભાઈ શાહ ના બધા પુસ્તકો હંમેશા શ્રેષ્ઠ રહ્યા છે, જેમાં વિચારો ના વૃંદાવન માં પુસ્તક નું કનાલા સાહેબે કરેલ વિવરણ અનુસાર વાચક ને વિચારતો કરી દે છે..
    ગુજરાત સમાચાર માં આ નામ ની કૉલમ પણ આવે છે.. જે પણ હું વાંચતો આવું છું…

  • DHIRAJLAL GULABBHAI PARMAR

    દિવ્યભાસ્કર -રવિવાર ની પૂર્તિ માં આવતી કોલમ ‘વિચારોના વૃંદાવન માં’ નિયમિતપણે વાંચવાનું વ્યસન થઈ ગયું છે.
    ખૂબ સુંદર જાણકારી અને હૃદયને પ્રસન્ન કરતા લખાણો વાંચવા મળે છે.

  • hdjkdave

    વાહ…વિચારોના વૃંદાવામાં આજીવન વસવાટ કરવાનું મન થઇ જાય…વિચાર અને આચારનું સાયુજ્ય સધાય તો સઘળે સુંદરતાનું સામ્રાજ્ય વિસ્તરે અને માનવીનું સ્તર પણ ઉન્નત થાય. ‘જ્યારે માણસ રણમાં રેફ્રિજરેટર અને ઉત્તર ધ્રુવ પર વસતો માનવી હીટર વસાવે ત્યારે સમજવું કે માનવીનું જીવનધોરણ ઊંચું આવ્યું છે!’ ગુણવંત શાહ કેવો કારમો કટાક્ષ કરે છે. આ વિચાર યજ્ઞ વેદિક સમયમાં ઋષિ-મુનિઓ અને વર્તમાનમાં ગુણવંત શાહે આદર્યો છે. આપણે તેમાં આહુતિ આપી શકીએ?

    • Rajesh bhadarka

      વિચારો નુ વુદાવન ખુબ સરસ છે કાનાલાભાઇ આપને ધન્યવાદ