બહેરામબાવાની બચુકડી ગાડી – સુષમા શેઠ 15


ચચ્ચાર પગથિયાં કૂદાવતાં ઘરે પહોંચી તેણે તેની પરમ પૂજ્ય માતુશ્રીને ગાલે ટપલી મારી ખુશખબર આપ્યા, “મમ્માં ડાર્લિંગ, સાંજે નવી સાડી પેરીને ટૈય્યાર ઠઇ જજોની. હું ટમુને મસ્ટ સરપ્રાઇઝ આપવાનો છેઊં.”

અમારી પડોશની પારસી કૉલોનીમાં રહેતો ચુમ્માલીસ વર્ષનો બહેરામ પરણ્યો નહોતો. દરેક યુવતીમાં તેને કંઈક ને કંઈક ખોડખાંપણ દેખાતી. કોઈનું નાક લાંબુ હતું તો કોઈની આંખો ફાંગી હતી. કોઈ નીચી હતી તો કોઈ વધુ પડતી ઊંચી લાગતી. તેમાંને તેમાં બહેરામ પરણવાની ઉંમર વટાવી ગયો.

“લાડી નૈ મલી ટો કંઇ નૈ બાવા, ગાડી ટો લેઈ લેઉં.” નોકરીમાં ઠરીઠામ થતાં બહેરામે વિચાર્યું. તે જાણીતી કાર કંપનીના શૉ-રૂમમાં ગાડી જોવા ગયો.

“બાવા, મારું ફૅમિલી એટલે હું ને મારાં મમ્માં ઇન અને મીન. મારા માટે નાલ્લી ગાડી જ બટાવોની.” તેણે શૉ-રૂમના મેનેજરને કહ્યું. મૅનેજર ડબ્બાવાલાએ, ચટાપટાવાળા પાયજામાના લટકતા નાડા ઉપર ચડાવેલ સદરાવાળા બહેરામનું ઉપરથી નીચે સુધી બેરહેમીપૂર્વક નિરીક્ષણ કરી પૂછ્યું, “શેઠ સાથે નથી આવ્યા? ગાડી કોણ ચલાવશે?”

“હું.” બહેરામે વટથી કહ્યું.

“મોટ્ટી લઈ લોની બાવા. એ ટો પછીઠી બઢ્ઢી બાજુએઠી ડબઈને નાલ્લી જ બની જવાની.” તદ્દન બાઘા બહેરામને જોઈને મેનેજરે મશ્કરી કરી જે બહેરામને પલ્લે ન પડી.

“મારાં મમ્માંને ટેમાં બેસારીને ચોપાટી લૈ જાવસ.” કહેતા બહેરામે ત્યાં ડિસપ્લેમાં હતા તે બધાં મૉડેલ તપાસવા માંડ્યા. આમાંય તેને કોઈ નીચી લાગી અને કોઈ બહુ લાંબી લાગી. જે ગમી તેના કલરમાં વાંધો પડ્યો. જે કલર ગમ્યો તેની ડીકી ન ગમી.

“જુઓ બાવા, ટમુને ટમારી ટાઇપની જોઇટી હોસે ટો સ્પેશિયલ ઑર્ડરઠી બનાવડાવોની. થોરો ખરચો વધુ થશે સિમ્પલ.” પછી સેલ્સમેને જે ડિફિકલ્ટ આંકડો કહ્યો તે સાંભળી બહેરામે ગાડીના દરવાજાનું હૅન્ડલ પકડી લીધું. તેને થયું, ‘આમાંથીયે રહી જઉં તે કરતાં એકાદી ફાઇનલ કરી જ નાંખું. જરીક ઓગણીસ વીસ હોસે તો ચાલી જસે બાવા.’

એક ચકચક થતી કાળી ગાડી પર હાથ મૂકી તેણે કહ્યું, “ઢીસ ઇસ ફાઇનલ. હું સાંજે મારી મમ્માંને લઈને આની ડિલીવરી લેવા આવસ. એવન આની પૂજાબૂજા કરસે.” કહી માથે પહેરેલી લાંબી કાળી ટોપી સરખી કરી બહેરામે બધી ઔપચારિક વિધિઓ પતાવી.

ચચ્ચાર પગથિયાં કૂદાવતાં ઘરે પહોંચી તેણે તેની પરમ પૂજ્ય માતુશ્રીને ગાલે ટપલી મારી ખુશખબર આપ્યા, “મમ્માં ડાર્લિંગ, સાંજે નવી સાડી પેરીને ટૈય્યાર ઠઇ જજોની. હું ટમુને મસ્ટ સરપ્રાઇઝ આપવાનો છેઊં.”

“કંઈ ઘેલો ઠયોછ કે? આંય સું ગાંડા કાઢે છ.” મમ્માંને એમ કે પોતાની વહાલી મમ્માંને કન્સલ્ટ કર્યા વગર બહેરામને કોઈ યુવતી પસંદ પડી ગઈ લાગે છે. જો કે યુવતીને બહેરામ પસંદ પડે તે વધુ અગત્યનું હતું.
“બઢ્ઢું ફાઇનલ છેકે?”

“જી, મમ્માં.”

“કેવી ડેખાય છ?”

“નીચી છે અને વરી નાલ્લી છે પન્ન આપરા માટે બરોબર જ છે. મેં ચલાવીને ટેસ્ટ કરી. એન વખતે બ્રેક બરોબ્બર લાગે છ.”

“ચલાવી? હેં? આંય સું બકેછ? કંઈ સમજાય ટેવું બોલની. તેં પપ્પી કરીને ટેસ્ટ કરી? વાહ ડીકરા. કલર કેવોછ?”

“બ્લેક.”

“ગઢેરા, બ્લેક પસંડ કરાયકે? ટને ક્યારે અક્કલ આવસે?” મમ્માંના અણધાર્યા સવાલો પૂછાયા તેના અમુક જવાબો અપાયા બાદ ચોખવટ થઈ કે વાત યુવતીની નહીં ગાડીની હતી.

સાંજે બહેરામ તેની મમ્માંને લઈને ટાટા મોટર્સના શૉ-રૂમ પર પહોંચી ગયો. મમ્માંએ કાળી ગાડી જોઈ નિસાસો નાંખતા કહ્યું, “ગઢેરા, ગાડી હોય કે લાડી, બ્લેક કલર લેવાય કે? ટારામાં જરાબી અક્કલ નૈ મલે. મિ.ડબ્બાવાલા, મને સોજ્જો રેડ કલર બટાવોની. એ મારી ગારાની સાડી સાઠે પરફેક્ટ મેચ ઠાયછ.” પછી તેમણે લાલ ગાડી આગળ ઊભા રહી પોતાની લાલ સાડી સરખી કરી. લાલ લિપસ્ટિકથી રંગેલા હોઠ વાંકાચૂંકા કર્યા અને લાલ કલરથી ડાઈ કરેલા વાળને નખ પરના લાલ નેઇલપૉલિશ રંગેલા હાથે ઓળીને વ્યવસ્થિત કર્યા. પછી આંખો ઉલાળતી પોતાની મસ્ત સેલ્ફી લીધી. ફોટા સોશિયલ મીડિયામાં વહેતા કર્યા.

છેવટે મમ્માંની પસંદગીની લાલ ગાડી લેવાઈ. આગળના ટાયર પાસે બહેરામે નાળિયેર વધેર્યુ તેમાં પાણીના છાંટા મમ્માંની સાડી પર ઊડ્યા. મમ્માંએ કકળાટ કરી મૂક્યો, “જોની ડીકરા, છાંટા ઊડાડી મારી નવ્વીને નવ્વી સાડી બગાડી. ટારામાં અક્કલનો છાંટો નૈ મલે. કૈં છાંટોપાની કરી આઇવોછ કે?”

મોઢું વકાસી બહેરામે ડ્રાઇવર સીટ પર બેઠક જમાવી. હૃષ્ટપુષ્ટ મમ્માં બીજી તરફ બેઠા તેમાં નાનકડી ગાડીએ એક તરફ નમતું જોખ્યું.

ખોદાઇજીને યાદ કરી હોંશેહોંશે બહેરામે સ્ટાર્ટરમાં ચાવી ઘૂમાવી. ગાડી એક ડચકારો દઈ કૂદકો મારીને બંધ પડી.

“ગઢેરા, ટારા બાપે ટને સ્ટાર્ટ કરવાનું બટાઈવું પન્ન એ નૈ કીઢું કે એક્સેલેટર ડબાવાનું? ક્લચને છોરી નૈ ડેવાનું. ટારા આવા બાપને લીઢે જ ટું ડફોળ પેડા ઠયો.” ગાડી સાથે મમ્માંની કોમેન્ટ્રી ચાલુ થઈ. બહેરામે ફરી ગાડી સ્ટાર્ટ કરી.

ગાડી ઉપડી. હવે જાણે થયું એવું કે ગાડીની સીટ નીચી હતી પરંતુ ઠીંગણા બહેરામના માથા પરની કાળી ટોપી લાંબી હોવાથી બારી બહાર ફક્ત તે જ નજરે પડતી હતી. રસ્તા પરથી જોનારને એવું લાગ્યું જાણે ટોપી ગાડી ચલાવે છે. સૌ રાહદારીઓ ભડકીને આઘાંપાછાં થઈ જતા.

“કાં જવુંછ મમ્માં ડાર્લિંગ?” બહેરામે મુદ્દાનો પ્રશ્ન કર્યો.

“ચોપાટી. અરે નૈ નૈ પેલ્લાં ભાયખલ્લા લઈ લેની ટાં વેજીટેબલ્સ સસ્તું મલેછ. અરે ડીકરા, જો જો ટાં જો સ્પીડબ્રેકર છે. ગાડી ઢીમ્મી કર અને બાવા રાઇટનું સિગ્નલ આપની. રાઇટ ટર્ન લેવાનુંછ. ટને ભાયખલ્લાનો રસ્તો બી નૈ માલમ કે?” મમ્માંએ અચાનક જમણે વળવાનો આદેશ આપ્યો જેની બહેરામની તૈયારી નહોતી. તે બઘવાઈ ગયો. તેણે સ્પીડમાં જતી ગાડીને અચાનક જમણે વાળી તેમાં આગલું ટાયર ચીસ પાડીને રસ્તા પર ખોદેલા ખાડામાં પડ્યું. બ્રેકની ચિચિયારી સાંભળીને ત્રણ કૂતરાં દોડતા આવીને વાહનચાલક તરફ કોરસમાં ભસવા લાગ્યા.

મ્યુનિસિપલ કોર્પોરેશનને “મૂવા તડ્ડન મેડ, ઈડિયટ, રાસ્કલ…” જેવી ગાળો બકતા બહેરામે ગાડી અધવચ્ચે થંભાવી દીધી. પાછળની ગાડીએ હોર્નની બુમરાણ મચાવી. ત્યાંથી પસાર થતા એક રાહદારીને એમ કે બાવાએ તેને ગાળો આપી એટલે એણે બાંયો ચડાવી, બહેરામનો કાંઠલો ઝાલ્યો.

“તું ત્યા સમત્તા તપને તાપકો?” તેણે ડોળા તતડાવી પૂછ્યું.

“હેં? હું બહેરામ.” ગડ નહીં પડતાં  બાઘા બહેરામે બઘવાઈને પોતાની ઓળખાણ આપી.

“બહેલા હૈ તો કાનમેં મતીન લગા. હમ તોતલા હું. હમકો ગાલી નૈ દેનેકા ત્યા?”

એ સાંભળી કદાવર મમ્માં બહાર નીકળ્યા. “મેરા ડીકરાકો ટુમ હાઠ લગાયા?” પડછંદ મમ્માએ ધક્કો મારી તોતડાને ખાડામાં પાડ્યો.

“બતાઓ, બતાઓ.” ખાડામાં પડેલા તોતડાએ ચીસાચીસ કરી મૂકી.

“ક્યા બતાઓ? હમેરેકુ ટુમ પેલ્લાં રાસ્ટા બટાઓ. હમારા મમ્માં નોનસ્ટોપ બોલટા, ચૂપ નૈ રહેટા. બાવા, હમ રાસ્ટા ભૂલ ગયા.” બહેરામે તોતડાને ખેંચીને બહાર કાઢવા માંડ્યો. પેલાએ બીજા હાથે બહેરામનું લટકતું નાડું પકડ્યું. મમ્માંનું ધ્યાન તે તરફ ગયું.

“એ બબૂચક. મેરા ડીકરાકા ઇજ્જત કા ફાલુડા કરટા હૈ? ઉસકો છોડની નૈ ટો હમ ટુમારે પે કેસ ઠોકેગા. એક ટો ઇસને નવી નક્કોર ગાડી કો ખાડામેં ઠોક ડીયા.” મમ્માંએ સમયસૂચકતા વાપરી બહેરામની ઇજ્જત લૂંટાઈ જતી બચાવી.

“મમ્માં, મેં ટો બ્લેક ગાડી પસંડ કીઢીટી. ટેન્ને કોઇની નજર નૈ લાગે એના વાસ્તે. આ લાલ રંગ બેકાર છે એટલે જ વરી ગાડી ખાડામાં પડી જોની.”

“ટમને માટીડાવને કલરની સમજન નૈ પડતી. હવે લવારી બંડ કર. આંય બાજુમાં બેસી જા. ગાડી હું ચલાવસ.” જાજરમાન મમ્માંનો હુકમ છૂટ્યો. પોતાની ટોપી સંભાળતો બહેરામ સંકોચાઈને બાજુમાં ગોઠવાયો. મમ્માંએ ગાડી સ્ટાર્ટ કરી. રીઅર-વ્યુ મીરરને વ્યવસ્થિત એંગલમાં ગોઠવી, વાળ અને મેક-અપ મઠાર્યા.

“ફોટો લેની ડીકરા, આમ મારું થોબડું સું જોયા કરેછ.” મમ્માંએ બહેરામ તરફ ચહેરો ફેરવી, લાલ લિપસ્ટિક રંગેલા હોઠ પર હાસ્ય રેલાવ્યું તે જ વખતે એક અડિયલ ગધેડો રસ્તા વચ્ચે ઊભો રહી ગયો. મમ્માંનો પગ બ્રેક દબાવે તે પહેલાં ગાડીએ ગધેડાને દબાવ્યો. પેલો “હોંચી… હોંચી…” કરતો જાતભાઈની મદદ માટે ભૂંક્યો. મમ્માંએ ઓચિંતી બ્રેક મારી તેમાં પાછળથી આવતી ગાડીનું બમ્પર ડીકીને અથડાયું.

બહેરામ ગધેડો બચાવવા અને મમ્માં પાછળનાને ધમકાવવા ગાડીમાંથી ઊતર્યા. નવી લાલ ગાડીમાં બંને તરફ ગોબા પડી ગયા.

“જોયુંને મમ્માં, આ લાલ કલર અનલકી છે. બઢ્ઢાં જોઇને ભડકેછ.” બહેરામે મોઢું બગાડતા કહ્યું.

“અનલકી ટો ટું છે ડીકરા. ટારો બાપ કુંડલી જોઈને ભવિષ્ય કેટો હુટો. એવને કીઢેલું કે ટારી લાઇફમાં લાડી અને ગાડીનું સુખ નૈ મલે. એવને ફિરોઝ અંકલને કીઢેલું કે એ બવ નહીં જીવસે ટે અંકલ ટો હજુ જીવે છ પન ટારો ડેડી પોટે જ ટપકી ગીઓ. લે આ ગાડી ટારી ફેવરીટ હોય ટો ટું જ ચલાવની.” મમ્માંએ સામી ચોપડાવી.

માંડમાંડ પાછળ અથડાયેલી ગાડીવાળા સાથે માંડવાળ કરી ઘરઘરાટી બોલાવતી બહેરામની ગાડી આગળ વધી. ગભરાયેલ બહેરામે સેકન્ડ ગિયરમાં વીસની સ્પીડે ગાડી હંકાર્યે રાખી. ઠીંગણું કદ હોવાથી બહેરામને આગળનો રસ્તો જોવામાં તકલીફ પડતી હતી.

“જોની બાવા આ ટરફ મસમોટ્ટી લૉરી છે અને પાછલઠી ડબ્બલ ડેકર બસ આવેછ. બઢાં હોર્ન માઇરા કરેછ ટે ટું આમ ઠીચુક ઠીચુક ચલાવેછ ટેમાં મુને ગભરામન ઠાયછ. બલદગાડી બી ટારી ગાડીને ઓવરટેક કરી જાવસ. ટ્રાફિક મૂઓ મેડ છે. જવાડેની ભાઈખલ્લા નઠ જાવું ને ચોપાટી જાય ટેલ લેવા. સીઢી જ આપના ઘરે લઈ લેની. ટારા વાસ્તે સીટ પર મૂકવા એક ઊંચી ગાદી સ્પેશિયલ ઓર્ડરઠી કરાવવી પડશે તો ટને રસ્ટો બરાબ્બર ડેખાય.” મમ્માંની અસ્ખલિત વાણી કાને ધરવાથી બહેરામને ગભરામણ થઈ આવી. તેને થયું કે તેના કાનના પડદામાં કાણું પડી જશે. માથા પરની લાંબી ટોપી તેણે કાન સુધી ખેંચી. એક હાથ કાન પર મૂક્યો. બીજા હાથે સ્ટીયરીંગને સજ્જડ પકડી, દિશાભાન ભૂલી તે જ્યાં ખાલી રસ્તો દેખાય ત્યાં ગાડી આગળ ધપાવવા માંડ્યો. અંધારું થવા માંડ્યું હતું. બહેરામે અનેક ચાંપો દબાવ્યા બાદ મોટી હેડલાઇટ ઑન કરી. સિગ્નલ બતાવવાની ચાંપ દબાવવા જતાં વીન્ડસ્ક્રીન પર વાઇપર ફરવા માંડ્યું બહેરામ બહુ મથ્યો પણ વાઇપર કેમે કરી બંધ ન થાય. છેવટે એને ફરવા દઈ બહેરામે ઊંચી ડોક કરી રસ્તા પર પોતાનું સમગ્ર ધ્યાન કેન્દ્રિત કર્યું.

બડબડાટ કરતી જાડી બાઈ, કાળી ટોપી દ્વારા ચલાવાતી લાલ ગાડી અને વરસાદ વગર ફરતું વાઇપર જોઈ લોકોએ ભૂત જોયું હોય તેમ નાસભાગ કરવા માંડ્યા.
બહેરામની અદમ્ય ઇચ્છા ‘મન્નુભાઈની મોટર ચાલી પમ પમ પમ’ ગાવાની હતી તેના બદલે મમ્માંએ બારીનો કાચ ખોલી, ડોકું બહાર કાઢી બૂમો પાડી, “બાજુ… બાબુ સમજો ઇશારે હોરન પુકારે પમ પમ પમ. બહેરામ ડીકરા હોર્ન મારની. લોકો ગમ્મે ટાંથી કૂડી ના પડે. જોની ગાડી ગમ્મે ટાં જાયછ.”

એમાં ગૂંચવાયેલા બહેરામે ગાડી સાઇડ પર લઈ ઊભી રાખી દીધી. તે લગભગ રડવા જેવો થઈ ગયો.

“મમ્માં ટમે ચૂપ રેસોની ટોજ હું ગાડી ચલાવસ. આંઇ સું માંડ્યુંછ? બઢ્ઢાં આપનને જ જોયછ. હું આપરા ઘરનો રસ્ટો ભૂલી ગીઓ. આપરે કાં જવાનુંછ ટે બી યાડ નૈ આવટું. હવે ટો બ્રેક કાંછ અને ક્લચ કાંછ ટે બી ખબર નૈ પરટી. ડીમાગનું ડહીં ઠૈ ગ્યું.” બહેરામને બોલતાં બોલતાં પરસેવો વળી ગયો.

“ટને ડિમાગ પન છે? ટું જનમીયો ટારે ડૉક્ટરને ડાઉટ હુટો. મમ્માંને આવું બોલેછ જોની?” પછી તેમણે પર્સમાંથી રૂમાલ કાઢી બહેરામનો પરસેવો લૂછતાં કહ્યું, “નૈરે નૈ ડીકરા હું ટો ટારી હેલ્પ કરસ. એક્ચુઅલી ભાયખલ્લા રાઇટમાં નૈ લેફ્ટ બાજું છે ટે મારી ભૂલઠી મિસ્ટેક ઠઈ ગઈ. ચાલ હવે ડાહ્યો ઠઈ જા જોંઉં. આજ ટો ઘેરે જઇને ફટાફટ ધાનસાક બનાવી નાખસ. એક કામ કરની, સામ્મેની ઈરાનીમાંઠી પાંવ ખરીડી લાવ.”

અતિપ્રિય ધાનસાકનું નામ સાંભળતાં મમ્માંનો કહ્યાગરો દીકરો પાઉં લેવા દોડ્યો. ઉતાવળમાં ગાડીને ગિયરમાં નાંખવાનું તે ભૂલી ગયો. ભારેખમ મમ્માંના ધરખમ વજનથી ન્યુટ્રલ ગિયરમાં પડેલી ગાડી આગળના ઢાળ તરફ ઢળવા લાગી. બહેરામની ગેરહાજરીમાં મમ્માંની લૂલી વશમાં હતી પરંતુ ગાડી વશમાં ન રહી તે જોઈ મમ્માં દરવાજો ખોલી બહાર કૂદી પડ્યા. તેના હરખમાં વજનહીન ગાડી ધસમસતી લપસીને આગળ ઊભેલા તોતિંગ વૃક્ષને ભેટવાના ઈરાદે મધુર મિલન કાજે દોડી.

“બહેરામ… ડીકરા…” મમ્માંએ ચીસાચીસ કરી.

“માય ડાર્લિંગ મમ્માં…” દૂરથી ગાડીને ઝાડ સાથે અથડાતી જોઈ બહેરામ પાઉં લેવાના પડતા મૂકી ટોપી પકડી દોડ્યો. તેને એમ કે વહાલી મમ્માં હજુ ગાડીમાં છે. તેણે લાલ ગાડી તરફ દોટ મૂકી. ગાડીની હેડલાઇટ અને બોનેટના ભૂકકા બોલી ગયા હતાં.

તે જોઈ બહેરામે પોક મૂકી, “ઓ મમ્માં ટમે આમ અચાનક મને એકલો મૂકીને ખોડાયજી પાસે કેમ ચાલી ગીયા?”

“ગઢેડા, આહહ… હું આંય જીવટી જાગટી છઊં. પન ટારી ગાડી ગઈ ડીકરા. ઓહહહ…” પીડાને લીધે ઊંહકારા બોલાવતી મમ્માંએ ખભે લટકાવેલી પર્સમાંથી હેરબ્રશ કાઢી વાળ ઓળ્યા, લાલ લિપસ્ટિક કાઢી હોઠ રંગ્યા. પછી ફરી ઊંહકારાનું અનુસંધાન સાધી નવેસરથી “ઊંહહહ…” કર્યું. હાલબેહાલ લાલ ગાડી પાસે ઊભા રહી તેમણે સેલ્ફી લીધી. તે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી લખ્યું, “અવર ન્યુ કાર મેટ વીથ એક્સિડેન્ટ”

ધડાધડ લાઇક્સ મળવા માંડી. થમ્સ અપ અને સ્માઇલીના સિમ્બોલ મળ્યાં. કોઈકે રડતા ચહેરા મોકલ્યા.

પડુંપડું થતી મમ્માંને હાથનો ટેકો આપી બહેરામ બોલ્યો, “પપ્પાઝ પ્રેડીક્શન વૉઝ રાઇટ માઇ. મારા નસીબમાં લાડી અને ગાડીનું સુખ નૈ મલે.” તેની આંખમાં આંસુ ચમક્યાં.

“પન ટારી મમ્માંનું છેની. ચલ ડીકરા, ટેક્સી બોલાવની. આપરે ઘેરે જઈએ.”

“ટો પછી આ ગાડીનું સું માઈ?”

“ટેને અડધા ભાવે ઓએલએક્સ પર વેંચવા મૂકી ડે. ફોટો નીચે લખજે, મૉડેલ એકડમ નવ્વું વાપર્યા વગરનું સોજ્જું છે. આગલપાછલ જરીક અમથી ઠોકાઇ છે. ગાડી સાઠેની ટારી સેલ્ફી બી મૂકજેની.”

“પન્ન મમ્માં, ટેનો કલર બરોબ્બર નથ્થી.” કહી બહેરામે ટેક્સીને હાથ હલાવી રોકી, “પારસી કૉલૉની લેલોની બાવા.” તે બબડ્યો. તેણે ટેક્સીની પાછલી સીટ પર બેઠક જમાવી. બીચારી લાલ ગાડી તેને વિલે મોઢે જતાં જોઈ રહી. બેહરામે મોટેથી ગાડી પરનું લોગો વાંચ્યું, “ટાટા”

ઓએલએક્સ પર મોટા કેપ્શન સાથે, બહેરામ સહિત ગાડીની સેલ્ફી મુકાયેલી છે. “ફૉર સેલ” રસ ધરાવતી પાર્ટીએ આપેલ નંબર પર સંપર્ક કરવો.

સુષમા શેઠના અક્ષરનાદ પરના આ સ્તંભ ‘તમને હળવાશના સમ’ ના બધા લેખ અહીં ક્લિક કરીને માણી શકાશે.


આપનો પ્રતિભાવ આપો....

15 thoughts on “બહેરામબાવાની બચુકડી ગાડી – સુષમા શેઠ

 • Samir Shah

  ખૂબ્બજ્જ મજ્જા આવી ગઈ. સારા નસીબે, ગાડી વેચનાર પણ બાવાજી નીકલ્યા. અને પછી ચાલી હાસ્યની ભરમાર ! અમને ભલે સ્વાર્થી કહો – અમને કાબુલ-મંજુર છે પરંતુ અમારા લાભાર્થે પણ અહર્નિશ લખતાં રહો.

 • BHARAT CHAKLASHIYA

  એકડમ જોડડાડ કોમેડી..નાની વાતોમાંથી કેવું હાસ્ય નિષ્પન્ન કરો છો..!
  પારસી બોલીને પરફેક્ટ રીતે રજૂ કરીને ખૂબ હસાવ્યા..

 • હર્ષદ દવે

  જ્યોતીન્દ્ર દવે પોતાની જાત વિષે કહીને હાસ્ય નિષ્પન્ન કરતા હતા. અહીં પારસી બોલી દ્વારા અને રમુજી સળંગ સૂત્રતા દ્વારા
  હાસ્ય ઉત્પન્ન થાય છે. દુખ અને સુખની ગાડીમાં સવાર મનુષ્યો હસતાં રડતાં જીવન વ્યતિત કરે છે. પણ જીવનમાં હાસ્ય અને
  વિનોદનું એક ચોક્કસ સ્થાન છે અને તેથી જ લાઈફને લાઈકીંગ્સ મળે છે. સરસ.

 • Harish Dasani

  એકદમ સહજ રીતે બનતા રમૂજી પ્રસંગો અને પારસી બોલીની રંગત. વાહ સુષમાબેન વાહ.કમાલ કરો છો તમે. મજા આવી ગઈ.