આખું વર્ષ જડ થઈને જોગીની માફક ધ્યાન ધરીને ઊભેલાં વૃક્ષોમાં કંઈક ચૈતન્ય તત્ત્વ આવી બેઠું હોય એવું અનુભવાય છે? જેમ નજર સામે જ મોટું થતું હોવા છતાં બાળક રોજ કેટલું વધ્યું એ જાણી નથી શકાતું, નજર સામે હોવા છતાં કળીમાંથી ફૂલ ક્યારે બન્યું એ જોઈ શકાતું નથી એમ જ વસંતનું આગમન થતાં જ વૃક્ષોના દીદાર કેવી રીતે બદલાઈ જાય છે એ જાણી નથી શકાતું, માત્ર અનુભવી શકાય છે.
(લીલોતરીની કંકોતરી સ્તંભ અંતર્ગત મણકો ૭)
લીલોતરી એટલે અત્ર, તત્ર, સર્વત્ર લીલું, લીલું ને લીલું. પણ એવું રખે માનતા કે લીલોતરીમાં માત્ર લીલા રંગનું જ રાજ કે વર્ચસ્વ છે. જેમ જેમ દિવસ આગળ ધપે ને પ્રકાશનું રંગવૈવિધ્ય જોવા મળે છે એમ જ લીલોતરીના સામ્રાજ્યમાં પણ જેમ જેમ ઋતુ બદલાય એમ એમ લીલોતરીના લીલા રંગની દુનિયામાં વિવિધ રંગોની મનમોહક ચિત્રાવલિ સર્જાતી જોવા મળે છે. શહેરીજનો માટે એમનું વર્ષ સામાન્યપણે શિયાળો, ઉનાળો અને ચોમાસું એમ ત્રણ મુખ્ય ઋતુઓમાં વહેંચાયેલું હોય છે પરંતુ ગ્રામજનો અને પ્રકૃતિની નજીક વસતાં લોકો, આબોહવામાં અને એને કારણે, પ્રકૃતિમાં મુખ્યત્ત્વે લીલોતરીની સૃષ્ટિમાં થતાં સૂક્ષ્મ ફેરફારો કળી શકે છે, અનુભવી શકે છે. આવાં લોકો માટે એમનું વર્ષ વસંત, ગ્રીષ્મ, વર્ષા, શરદ, શિશિર અને હેમંત એમ છ અલગ અલગ ઋતુઓથી બનેલું હોય છે. આ છ ઋતુઓને વિક્રમ સંવતના બાર મહિનાઓ સાથે સાંકળવી હોય તો આ રીતે સાંકળી શકાય. કારતક-માગશરના ઠંડા દિવસો એટલે શિશિર. પોષ-મહાના રાત્રે અને વહેલી સવારે ઠંડા અને બપોરે ગરમીના દિવસો એટલે હેમંત. ફાગણ-ચૈત્રના ક્રમિક ગરમી વધવાના દિવસો એટલે વસંત. વૈશાખ-જેઠના લૂ વાતા, બળબળતા દિવસો એટલે ગ્રીષ્મ. અષાઢ-શ્રાવણના મેઘની રમઝટ વરસાવતા દિવસો એટલે વર્ષા તથા ભાદરવો-આસોના વરસાદ વગરના, ધૂપછાંવની સંતાકૂકડી રમતા દિવસો એટલે શરદ. કેવું સરસ! છ ઋતુઓએ સંપીને બાર મહિના વહેંચી લીધા.
આ છ ઋતુઓ પૈકી વસંત એટલે ઋતુરાજ અને વર્ષા એટલે ઋતુરાણી. કેમ અન્ય કોઈ નહીં ને વસંત જ ઋતુરાજ? આ પ્રશ્નનો ઉત્તર મેળવવો હોય તો ઘરમાંથી બહાર નીકળો અને શહેરના બાગબગીચા, માર્ગોની ધારેધારે વાવેલાં વૃક્ષો નિહાળો. કારણ કે અત્યારે આ ભારતભૂમિ પર વસંતનું સામ્રાજ્ય વ્યાપેલું છે. જો હમણાં નહીં જુઓ તો પછી આખું વર્ષ રાહ જોવી પડશે અને એ તમને કોઈ રીતે પાલવે તેમ નથી. ખરું ને? આ વૃક્ષોને નીરખતાં આખા વર્ષ કરતાં અત્યારે એનાં રંગરૂપમાં, એની કાંતિમાં, એની છટામાં, એના લાલિત્યમાં કોઈ બદલાવ આવ્યો હોય એવું ભળાય છે? આખું વર્ષ જડ થઈને જોગીની માફક ધ્યાન ધરીને ઊભેલાં વૃક્ષોમાં કંઈક ચૈતન્ય તત્ત્વ આવી બેઠું હોય એવું અનુભવાય છે?

સવાયા ગુજરાતીનું બિરુદ મેળવનાર કાકાસાહેબ કાલેલકર લખે છે,
“જેની રહેણી કુદરતથી વિખૂટી થઈ નથી, કુદરતને રંગે જે રંગાય છે તે વસંતનું આગમન વગર કહ્યે અનુભવે છે. નદીના ક્ષીણ પ્રવાહમાં એકાએક ઘોડાપૂર આવેલું જેમ આપણે જોઈએ છીએ તેમ આપણે વસંતને પણ આવતો બરાબર જોઈ શકીએ છીએ.’’
જેમ નજર સામે જ મોટું થતું હોવા છતાં બાળક રોજ કેટલું વધ્યું એ જાણી નથી શકાતું, નજર સામે હોવા છતાં કળીમાંથી ફૂલ ક્યારે બન્યું એ જોઈ શકાતું નથી એમ જ વસંતનું આગમન થતાં જ વૃક્ષોના દીદાર કેવી રીતે બદલાઈ જાય છે એ જાણી નથી શકાતું, માત્ર અનુભવી શકાય છે. આ અદ્ભુત સૃષ્ટિમાં ઈશ્વરે આવી અનેક ઘટનાઓ માત્ર ને માત્ર માણવા માટે ઘટાવી હોય એવું લાગે છે. પાંચેય ઇન્દ્રિયોથી એને માણવી, એમાંથી આનંદ મેળવવો, એનાથી અભિભૂત થવું એ જ એના ઉદ્ભવ પાછળના અંતિમ ધ્યેય હોઈ શકે.
પાનખરમાં જૂની માયા ઉતારીને નવાં પર્ણો, નવાં આવરણો સાથે વસંતનો પગરવ થતાંમાં તો ફૂલવાળાં વૃક્ષો મંજરીથી મહોરવાં લાગે. મોટાભાગનાં ફૂલો ધરાવતાં વૃક્ષો કોળીને ફૂલોથી આચ્છાદિત થઈ જાય, એમનાં પર પાંદડાં ઓછા ને ફૂલો ઝાઝાં જોવા મળે ત્યારે સમજવું કે વસંતનું રાજ વ્યાપી ગયું છે. વૃક્ષોના અંગેઅંગમાં દીપ્તી પ્રગટેલી દેખાય તો સમજવું કે વસંતે એનો વૈભવ આ સહુ પર ઠાલવી દીધો છે. પણ સઘળાં વૃક્ષોમાં વસંતના આગમનની હાકલ કરનાર, વસંતરાજનો સેનાપતિ એટલે ખાખરો. પોતાનાં કેસરિયાળાં ફૂલોથી મંડિત થઈ ગયેલો ખાખરો કેસરી ધજા ફરકાવતો, રણમેદાને આવી ચડેલો કોઈ જોદ્ધો જ જાણે. વડ કે મહુડા જેવું વિશાળ નહીં ને પારિજાત જેટલું નાજુક નહીં, એ બેની વચ્ચેનું મધ્યમ કદની ઊંચાઈ અને ઘેરાવો ધરાવતું આ વૃક્ષ એનાં ગોળાકાર જેવાં અને પવન આવે તો ફરફર્યાં કરતાં પાંદડાં સાથે આખું વર્ષ સાદું જીવન વિતાવે. પણ વસંતનું સામ્રાજ્ય વસાવવા એ કાબેલ યોદ્ધાની જેમ પળવારમાં એનો સાધુવેશ ત્યાગે દે છે અને માથે બાંધી લે છે કેસરિયાળો ફેંટો. ગયા રવિવારે એ મને ખેંચી ગયો નર્મદાના વગડામાં.
ઠેરઠેર કેસૂડાંમંડિત ખાખરા જોઈને પહેલી નજરે તો એવું લાગ્યું જાણે આ તો કોઈ કેસરિયાળું કટક. મને શહેરીજન જાણી ચેતવણી ના આપતા હોય, “સબૂર, ત્યાં જ રહેજે. અમને શહેરવાસીઓ પર ભરોસો નથી. કેસૂડાં પર મોહી ગયાં તો અમને આખાને આખા ખંખેરી નાખશો. ભરવસંતે પાનખર લાવી દેશો અમારામાં.” પછી તો એની નજીક જવાની હિંમત પણ માંડ કરીને મેળવી. એને હાથ લગાડવાની હામ ના થઈ તે ના જ થઈ. હું નજીક ગઈ કે તરત જ એની ટગલી ડાળ પર માળો બનાવી, બચ્ચાંપાલનની પ્રવૃત્તિમાં નિરાંતે રચેલાં કાળિયાકોશીના બે જોડાં ઉડ્યાં. એમને જોઈ બીજી ડાળ પરથી બે ગુલાબી વૈયાં ઉડ્યાં, પછી તો શક્કરખોરા, ફૂલસૂંઘણીને એમ કરીને એક પછી એક બધાંય વિહંગ મારું હળહળતું અપમાન કરી, મારાં આવવાથી રિસાઈને ચાલ્યાં ગયાં. મને ખૂબ લાગી આવ્યું પણ આ કાયમની વાત હતી, પ્રકૃતિનાં લાડકવાયાંઓનું મન પર શું લેવાનું? એમ વિચારીને જતું કર્યું. મને દુ:ખી જોઈને ખાખરાએ પહેલો વાયરો વાતા જ ટપોટપ તાજાં કેસૂડાં ખેરવીને મને આનંદિત કરવાની કોશિશ કરી.
ખાખરાએ જે કેસૂડાં આપણને આપવા સારું જાતે ખેરવ્યાં હોય એ જ વીણીને લેવા પડે, ઝાડ પરથી ના ચૂંટાય. આ વાત પણ મને ખાખરાએ આ રીતે કહી ત્યારે જ સમજાઈ કારણ કે લોકોને દેવા સારું એ પોતે જ ઢગલાબંધ કેસૂડાં ખેરવે છે, ખાખરાની નીચે કેસરી પથારી પથરાઈ જાય એટલાં બધાં. એનાં અગનજ્વાળા જેવાં મુલાયમ, કેસરીભખ્ખ ફૂલોને પહેલાં તો ધરાઈને જોયાં. એમની ઘેરી છીંકણી રંગની કળીઓ, કળીઓના ગુચ્છ, કળીઓમાંથી ડોકાં કાઢતાં મુકુલ, કોળેલાં ફૂલો, એમની ડાળીઓ પરની ગોઠવણી, ડાળીઓ પરથી તાજાં ખરીને ભોંય પર પડેલાં ફૂલો, ક્યારનાં ખરીને સુકાઈ ગયેલાં-અર્ધસુકાયેલાં ફૂલોને ભમરો બની, પતંગિયું બની, ફૂલસૂંઘણી બનીને જોયાં. તાજાં ખરેલાં કેસૂડાંને જતનથી હાથમાં લીધાં. એની કુમાશ એની પોતાની હતી, એને કોઈની ઉપમા આપીને વર્ણવી શકાય નહીં. એનો કેસરિયો રંગ હિપ્નોટિઝમ કરીને જોનારને બાંધી લે એવો કેફી હતો. કેસૂડાંરૂપે મને એવાં રમકડાં મળ્યાં જેમણે અનેક વસંતો પાછળ ધકેલી મને નાનકડી વનબાળા બનાવી દીધી. ને મેં હોંશેહોંશે ભોંયપથારી પર સૂતેલાં કેસૂડાં જાગે નહીં એવી રીતે વીણી વીણીને ઝોળીમાં ભરી લીધાં. પાછાં ફરતાં ખાખરો મને કેસરિયાળા રણબંકાને બદલે કેસરિયાળા રાજકુમાર સમો દીસતો હતો.

વસંત માત્ર લીલોતરીમાં વ્યાપ્ત પાનખરને જ નથી ખસેડતી, એને બે આંખોથી પીનાર, મન:ચક્ષુઓથી જોનાર માનવીઓમાં વ્યાપ્ત પાનખરને પણ ખસેડે છે. વસંત માત્ર પર્ણરહિત બની ગયેલાં વૃક્ષોને નવપલ્લવિત, નવકુસુમમંડિત કરી એમનો જ ઉદ્ધાર નથી કરતી, એ રસહિન માણસના મનને નવઉમંગ, નવોન્મેષથી ભરી ચૈતન્યઘન બનાવે છે.
આજની કંકોતરીનો ટહુકો કવિ નરેન્દ્ર મોદીના શબ્દોથી વસંત જાતે જ કરે છે.
અંતમાં આરંભ અને આરંભમાં અંત
પાનખરના હૈયામાં ટહુકે વસંત
સોળ વરસની વય, ક્યાંક કોયલનો લય
કેસૂડાંના કોના પર ઉછળે પ્રણય?
ભલે લાગે છે રંક, પણ ભીતર શ્રીમંત
પાનખરના હૈયામાં ટહુકે વસંત
આજે તો વનમાં કોના વિવાહ
એક એક વૃક્ષમાં પ્રગટે દીવા
આશીર્વાદ આપવા આવે છે સંત
પાનખરના હૈયામાં ટહુકે વસંત .
– મયુરિકા લેઉવા-બેંકર
મયુરિકા લેઉવા બેંકરના અક્ષરનાદ પરના આ સ્તંભ ‘લીલોતરીની કંકોતરી’ ના બધા લેખ અહીં ક્લિક કરીને માણી શકાશે.
તરબોળ કરી દેતો લેખ..
આભાર રાજુલબેન.
કેસરિયાળો લેખ!
આભાર શ્રદ્ધાબેન.
વસંત વૈભવ તાદ્દશ કરતો સૌંદર્યના મહિમાનો લેખ અને તેવાં જ સુંદર ફોટોગ્રાફ
આભાર.