રાખનાં રમકડાં.. – કમલેશ જોષી 2


મેં મમ્મીને જયારે ‘હાથી જોયા’ની વાત કરી તો મમ્મીએ પૂછ્યું, “કેવડો હતો એ હાથી?” ત્યારે મને થયું, બિચારી મમ્મીએ હાથીયે નથી જોયો. જો આજે એ મારી સાથે પૈડું ફેરવવા આવી હોત તો એને સાચોસાચ હાથી હું દેખાડત.

મારા પપ્પા રોજ સવારે મારા માટે ભાગ લેવા ચાલ્યા જતા. હા, મને હવે સવાર, બપોર અને સાંજ એટલે શું એ ખબર પડવા માંડી હતી. હું પપ્પા સાથે જવાની જીદ કરતો ત્યારે એ કહેતા કે ત્યાં ડોક્ટર સોય ખૂંચાડે, કડવી દવા પીવડાવે, એટલે એ ડોક્ટર નહીં હોય ત્યારે એ મને ત્યાં લઈ જશે. મને સોય, ડોક્ટર અને દવાની ‘બીક’ લાગવા માંડી હતી.

એ દિવસે નિશાળમાં બહુ મજા પડી. અમે બધા બાળકો ક્લાસમાં બેઠા હતા. હું અને પિન્ટુ બાજુ બાજુમાં બેઠા હતા. પહેલી બેંચ વાળા એક છોકરાની પેન્સિલ બેંચ નીચે પડી ગઈ હતી. મેં પિન્ટુને એ પડી ગયેલી પેન્સિલ દેખાડી. અમે બંને હસવા લાગ્યા. અમે ક્યારેક આવું અમથું અમથું હસતા. ત્યાં અચાનક ટીચરે એક પ્રશ્ન પૂછ્યો: “આપણા દેશનું નામ શું છે?”

થોડાં ઘણાં બાળકોએ આંગળી ઊંચી કરી. પિન્ટુએ પણ કરી. ટીચરે કહ્યું: “બોલ પિન્ટુ, તું જવાબ આપ.” પિન્ટુ ઊભો થયો. અદબ વાળી બોલ્યો: “જામનગર.” સૌ હસ્યા. પિન્ટુને એ ગમ્યું નહીં. ટીચરે બધાંને હસવાની મનાઈ ફરમાવી. એક છોકરીને કહ્યું: “બોલ બંસી.. તું કહે આપણા દેશનું નામ શું છે?” એ ઊભી થઈ, અદબ વાળી બોલી: “આપણા દેશનું નામ ભારત છે.” ટીચરે કહ્યું: “શાબાશ બંસી.” બંસી નામની એ છોકરી ખુશ થઈ ગઈ. ટીચરે પિન્ટુને કહ્યું: “બોલ પિન્ટુ, હવે તું કહે જોઈએ, આપણા દેશનું નામ શું છે?” પિન્ટુ એ કહ્યું: “ભારત.” ટીચરે કહ્યું: “સરસ.. બેસી જા.” પિન્ટુ ખુશ થતા બેસી ગયો.

મને યાદ આવ્યું. મારી મમ્મી મને આવું જ કાંઈક પૂછ્યે રાખતી હતી. ત્યાં ટીચરે પૂછ્યું: “આપણા રાજ્યનું નામ શું છે?” મને મમ્મી સાથેની રમત યાદ આવી. મને લાગ્યું કે ટીચર પણ એ જ રમત રમતા હતા. આ વખતે મેં પણ હાથ ઊંચો કર્યો. ટીચરે મને પૂછ્યું: “બોલ બંટી.” હું ઊભો થયો. અદબવાળી બોલ્યો, “ગુજરાજ.” સૌ એકબીજા સામે તાકવા માંડ્યા. હું ડરી ગયો. ટીચરે કહ્યું: “ફરીથી બોલ જોઉં…” હું રડવા જેવો થઈ ગયો. ટીચર મારી તરફ આગળ વધ્યા. મને પેલું ગાલ પર ટીચરે ‘હતા’ કરેલું એ યાદ આવ્યું. પણ ટીચરે વ્હાલથી પૂછ્યું: “બોલ બોલ બંટી… તારો જવાબ સાચો છે.” મને મમ્મીએ કહેલું યાદ આવ્યું. “આપણા રાજ્યનું નામ ગુજરાજ છે.” ટીચરે તાળી પાડી. સૌ ખુશ થયા. હું પણ ખુશ થયો. પણ ત્યાં ટીચરે કહ્યું: “ગુજરાજ નહીં.. ગુજરાત.. વેરી ગુડ…”

હા, અમને સમજાઈ ગયું હતું કે ટીચર પૂછે ત્યારે જે હાથ ઊંચો કરે એને વેરી ગુડ મળે. મમ્મીનેય વેરી ગુડ ગમતું. અમારા ક્લાસની પાછલી બેંચ પર બેસતા છોકરાઓ બહુ તોફાની હતા. એ ગંદુ બોલતા. એકબીજાને પછાડતા. એકબીજાને પેન્સિલની અણી ખૂંચાડતા. ટીચર એ લોકોને ખીજાઈને ક્લાસ બહાર ઊભા રાખતા. હા, હવે અમને ખબર હતી કે જો ટીચરને ન ગમે એવું કરીએ તો એ અમને સજા કરે. એ અમને ઊભા રાખે, અંગૂઠા પકડાવે. ગાલ પર ચીટલો ભરે. અને જો ટીચરને ગમે એવું કરીએ તો એ અમને વેરી ગુડ કહે, માથે હળવી ટપલી મારે, તાળી પાડે…

એક સવારે પિન્ટુના પપ્પાએ અમને એક નવી રમત શીખવી. એ હતી પૈડું ફેરવવાની રમત. અમે તો જોતા જ રહી ગયા. કાળા રંગનું એક પૈડું, દડતું મૂકો તો એ ફળિયાના એક ખૂણાથી છેક બીજા ખૂણા સુધી દોડી જતું. અમને તો ભારે મજા પડી. હું અને પિન્ટુ, તો રમવા માંડ્યા. એક વાર પિન્ટુ ફેરવે, એક વાર હું. અમે ફળિયાની બહાર નીકળ્યા. પૈડું તો દોડવા માંડ્યું. અમે એની પાછળ પાછળ. આમ જાય, તેમ જાય, પડી જાય. અમે ફરી એને ગબડાવીયે. અમને તો જાદુ જ લાગતું હતું, કે આ પૈડું એકલું એકલું દોડે કેવી રીતે? ત્યાં અચાનક પૈડું એક કૂતરા પર જઈ પડ્યું. કૂતરું ભડકીને ઊભું થયું, અમે ગભરાઈને ભાગ્યા. પિન્ટુ એક બાજુ અને હું બીજી બાજુ. ભગાય એટલું હું ભાગ્યો. મેં જોયું, પિન્ટુ ક્યાંય દેખાતો નહોતો. મેં ચારે બાજુ જોયું. બધું અજાણ્યું હતું. મારું ઘર ક્યાં? હું ક્યાં હતો? મમ્મી ક્યાં? આમ તેમ મેં જોયું, પણ આ હું ક્યાં આવી ચડ્યો હતો? મને ખબર ન હતી કે હું ‘ખોવાઈ’ ગયો હતો.

ઓહ ! આ આવડું મોટું શું છે? મેં બકરી અને કૂતરું જોયા હતા, મેં ગાય અને ભેંસ જોયા હતા, મેં કીડી અને મંકોડો જોયા હતા. પણ આ શું હતું? મને બીક લાગી. કેટલાય લોકો એને જોતા ઊભા હતા. એ ભેંસથીયે મોટું હતું. હું બીતો-બીતો એ બાજુ ગયો. સંતાઈને જોવા લાગ્યો. એક છોકરાને એના પપ્પા એ આંગળી ચીંધી કહ્યું: “જો બકુ..! હાથી.. જો..”  અરે! આ તો હાથી હતો. આવડો મોટો હાથી? પપ્પાએ વાર્તામાં જેની વાત કરેલી અને નિશાળે ‘હાથી ભાઈ તો જાડા’ ગાતી વખતે જેની વાત મેં સાંભળી હતી એ ‘હાથી’ આ હતો? મને અમે ગાતા એ યાદ આવ્યું: ‘આગળ લટકે લાંબી સૂંઢ, પાછળ લટકે ટૂંકી પૂંછ.’ પેલા છોકરાના પપ્પાએ એક દસની નોટ હાથી સામે હલાવી તો હાથીએ નજીક આવી એની સૂંઢથી એ નોટ લઈ ઉપર બેઠેલા માણસને લંબાવી.  મેં હાથીની સૂંઢ જોઈ, મેં એની પૂંછ જોઈ. હા, સાક્ષાત હાથી જ હતો એ! મારી તો આંખો પહોળી થઈ ગઈ. મને થયું લાવ પિન્ટુને બોલાવી લાવું. હું દોડ્યો. ત્યાં પિન્ટુ અને એના પપ્પા પેલા પૈડાં સાથે આવતા મને દેખાયા. હું “પિન્ટુ.. હાથી, પિન્ટુ હાથી..” કરતો દોડીને એની પાસે પહોંચી ગયો. એના પપ્પાની આંગળી ઝાલી અમે ફરી પેલા હાથી પાસે પહોંચી ગયા. આ બધાં વચ્ચે હું ‘ખોવાઈ’ ગયો હતો એ વાત જ મને વીસરાઈ ગઈ. અમે ધરાઈને હાથી જોયો. બહુ મજા પડી.

પિન્ટુના પપ્પા મને મારા દરવાજા પાસે મૂકી ગયા. મમ્મીએ મને ગાલ પર જોરથી ટપલી મારી દીધી. પછી વહાલ કરતા મને એક પૂરી ખાવા આપી. મેં મમ્મીને જયારે ‘હાથી જોયા’ની વાત કરી તો મમ્મીએ પૂછ્યું “કેવડો હતો એ હાથી?” ત્યારે મને થયું, બિચારી મમ્મીએ હાથીયે નથી જોયો. જો આજે એ મારી સાથે પૈડું ફેરવવા આવી હોત તો એને સાચોસાચ હાથી હું દેખાડત. મેં બંને હાથ પહોળા કરી કહ્યું “આવડો મોટો હતો હાથી…” મમ્મી મને જોઈને હસતી હતી. ત્યાં પપ્પા બહારથી આવ્યા. મેં એનેય હાથીની વાત કરી. મારી મોટી બેને તો કહ્યું “મેં હાથી જોયો છે.” એટલે એને વાત કરવાની જરૂર ન હતી. નહિંતર હું એનેય હાથીની વાત કરત.

પણ ધીરે ધીરે મને સમજાવા માંડ્યું હતું કે મારા ઘરની શેરી છે, એવી કેટલીયે શેરીઓ અમારી આજુબાજુમાં હતી. હું અને પિન્ટુ છીએ, એવા કેટલાંય બાળકો અમારી આજુબાજુની શેરીમાં રહેતાં હતાં. મને હવે દસની નોટ, પાંચની નોટ, બે રૂપિયાનો સિક્કો, એક રૂપિયાનો સિક્કો એવી ખબર પડવા માંડી હતી. આ બધાને પૈસા કહેવાય અને એ આપીએ એટલે રમકડાં, ચોકલેટ, પેન્સિલ અને એવું બધું મળે એ મને સમજાઈ ગયું હતું. આ બધું જ્યાંથી મળે એને દુકાન કહેવાય, એય મને સમજાઈ ગયું હતું.

બીજા દિવસે અચાનક મેં જોયું તો ઘોડિયું ફળિયામાં પડ્યું હતું. કોઈક મહેમાનને મમ્મી, એ ઘોડિયું આપી રહી હતી. હું તો જોતો જ રહી ગયો. એના પર લટકતો લાલ-લીલો-પીળો ઘૂઘરો જોઈ હું ચમકી ઉઠ્યો. મમ્મી કેમ મને હવે એમાં નથી સુવડાવતી એવો પ્રશ્ન મને થયો. હું ઘરમાં ભાગ્યો. મારા રમકડાંના ખાનામાંથી રમકડાંનો ઢગલો બહાર કાઢ્યો. ઓહો.. ઘૂઘરો, ઢીંગલી, ચકલું, ચકલી.. આનાથી તો મેં રમવાનું જ સાવ મૂકી દીધું હતું. જ્યારથી પાટી, પેન, દફતરથી રમવાનું શરુ કર્યું ત્યારથી મારા આ રમકડાં તો ભૂલાઈ જ ગયા હતા. હું એ રમકડાંઓ સામે તાકી-તાકીને જોઈ રહ્યો. મને આ શું થતું હતું? જે રમકડાંઓને હું રાત્રે સૂતી વખતે પથારીમાં મારી સાથે સૂવડાવતો એ રમકડાં કેમ મને સાવ ઓળખતા જ નહોતા? બસ.. કશુંક સરકી રહ્યું હતું. જે હું સમજી શકતો ન હતો. નવું પૈડું અને હાથી, નવી શેરી અને નવો પૈસો, નવો પ્રશ્ન અને નવું વેરી ગુડ… મારા બાળ માનસ પર જૂના રંગોને ભૂંસી નવા રંગો ચઢાવી રહ્યા હતા..

(વધુ આવતા અંકે)

જેટલું સાતત્ય જીવનનું છે એટલું જ સાતત્ય મૃત્યુનું છે. મૃત્યુ એટલે છોડી જવું. રોજ રોજ આપણે કંઈક ને કંઈક તો છોડી જ રહ્યા છીએ. બાળપણની રમતો છોડી યુવાનીમાં ગયા, કોલેજ છોડી ઓફિસોમાં ગયા, રિટાયર્ડ થઈ ઓફિસ પણ છોડી અને છેલ્લે બધું જ, આખી દુનિયાને છોડી ચાલ્યા જવાનું. સતત કંઈકને કંઈક છૂટી જ રહ્યું છે અને નવું પકડાઈ રહ્યું છે એટલે નવાના મોહમાં જૂનું છૂટવાનો રંજ રહેતો નથી. એક મૃત્યુ જ એવો પ્રસંગ છે જયારે જૂનું તો બધું છૂટે છે, પણ નવું શું પકડાય છે એ રહસ્યથી આપણે સૌ અજાણ છીએ, એટલે જ મૃત્યુ શુભને બદલે અશુભ પ્રસંગ બની ગયો છે. જે દિવસે માનવજાતને મૃત્યુ બાદ પ્રાપ્ત થતી નવી ઊંચાઈનો સાક્ષાત્કાર થઈ જશે તે દિવસે મૃત્યુ પણ શુભ પ્રસંગ બની જશે.

– કમલેશ જોષી


આપનો પ્રતિભાવ આપો....

2 thoughts on “રાખનાં રમકડાં.. – કમલેશ જોષી

  • Meera Joshi

    સ્મશાનયાત્રા, આમ તો શીર્ષકનું નામ આટલી સુંદર મજાની પ્રવાહિતા સાથે વહેતી વાર્તામાં વાંચવું ગમતું નથી. પણ અંતે કહ્યું એમ સત્ય પણ આ જ છે. બધુ છૂટતું જાય અને નવું પકડાતું જાય..