ચોરટી – નયના મહેતા; વાર્તા વિવેચન – એકતા નીરવ દોશી 1


આજની વાર્તા “ચોરટી” સ્વ. ભાવેશ ચૌહાણ સ્પર્ધા 2020માં તૃતીય ક્રમે વિજેતા બની હતી. ત્રીજા પુરુષમાં લખાયેલી આ વાર્તા શરૂ થાય છે, “ચોરટી, ચોરટી” શબ્દથી અને વાચકને ઉત્સુક કરી દે છે. એક સ્ત્રી ઉપર બાળક ચોરવાનો આરોપ છે.

લેખક પરિચય :

વાર્તાના લેખક નયના મહેતા રિટાયર્ડ બેંક ઓફિસર છે. પાટણમાં જન્મેલા નયના મહેતા, 24 વર્ષના હતાં ત્યારે પપ્પા ગુજરી ગયા. એક મોટા ભાઈ સાથે મળીને નાના પાંચ ભાંડુને ભણાવ્યા, પરણાવ્યા ને વિદેશ પણ મોકલ્યા. એમના પપ્પા રસતરબોળ થવાય એ રીતે દેશભક્તો, શહીદો અને પૌરાણિક પાત્રોની વાતો કહેતા, ત્યાંથી સાહિત્યના મૂળ રોપાયાં. સ્કૂલ કોલેજમાં  શિક્ષકોએ તેઓના નિબંધો અને લખાણને વખાણી એ મૂળિયાને પોષીને વૃક્ષ બનાવ્યું.

એમના નાના કહેતા કે કોઈ એવું કામ ના કરવું જેનાં લીધે મન ડંખે પણ લોકો ડંખે એનું શું? એ પ્રશ્નના જવાબમાં વાર્તાઓ લખાઈ, સંવેદનશીલ સ્વભાવે એને નીખારી.

લેખિકાના ત્રણ બાળવાર્તા સંગ્રહ, ‘તનુની ટોળી‘, ‘તનુની ટોળી ભાગ – 2‘, ‘દે…તાલી‘ ઉપરાંત એક નવલિકા સંગ્રહ- ‘રિટર્ન જર્ની‘ પ્રકાશિત થયા છે. તદુપરાંત તેમના અનેક સહિયારા સર્જનો પ્રકાશિત થયા છે. તેમની વાર્તાઓ વિવિધ માધ્યમમાં પ્રકાશિત થતી રહે છે.

“તનુની ટોળી” બાળકિશોર વાર્તા સંગ્રહને પ્રતિષ્ઠિત અંજુ નરસી એવોર્ડ સ્પેશિયલ કેટેગરીમાં મળ્યો છે. આ સિવાય પણ અનેક સ્પર્ધાઓમાં તેમને પારિતોષિક મળતા રહ્યા છે. આજની વાર્તા “ચોરટી” સ્વ. ભાવેશ ચૌહાણ સ્પર્ધા 2020માં તૃતીય ક્રમે વિજેતા બની હતી. આ વાર્તા અહીં ક્લિક કરીને વાંચી શકાશે તો ચાલો તપાસીએ આ વાર્તા મનના માઈક્રોસ્કોપથી..

ત્રીજા પુરુષમાં લખાયેલી આ વાર્તા શરૂ થાય છે, “ચોરટી, ચોરટી” શબ્દથી અને વાચકને ઉત્સુક કરી દે છે. એક સ્ત્રી ઉપર બાળક ચોરવાનો આરોપ છે, તેના હાથમાં ઘોડિયામાંથી ઉઠાવેલું બાળક હોય છે. તેની આંખમાં આંસુ છે, તે કહે છે કે હું કોઈ ચોર નથી, તે જ સમયે એ સ્ત્રી જેના ઘરે કામ કરે છે તે અલ્પા ત્યાં આવે છે. તે માનવા તૈયાર નથી કે એ સ્ત્રી ચોર હોઈ શકે પણ એક પછી એક લોકો એ સ્ત્રી ચોર છે એ વાતની સાબિતી આપતા રહે છે, અલ્પના આશ્ચર્ય વચ્ચે એ આરોપો સાચા નીકળે છે. અલ્પા તેને પૂછે છે, કે “શું આ વાત સાચી છે?” એ સ્ત્રી હા કહે છે, તેને પોલીસ પકડી જાય છે, અને પછી વાચકો  સમક્ષ વાર્તાના પડ ઉઘડતાં જાય છે, સંપૂર્ણપણે અભિધામાં લખાયેલી સંવેદનશીલ વાર્તા વાચકને લાગણીના ઝૂલામાં ઝુલાવે અને અંતે સુખદ અનુભૂતિ આપે છે.

વાર્તાની થીમ :

વાર્તાનો સૂર અથવા  તો થીમ છે, માતૃત્વ. માતૃહ્રદય પ્રેમ કરતી વખતે અન્ય કોઈ વિચાર કરતું નથી.

વાર્તાનો પ્લોટ:

એક બીમારીમાં પોતાનું બાળક ખોઈ બેઠેલી સ્ત્રી બીજા બાળકો ઉપર વાત્સલ્ય છલકાવતી રહે છે અને એ લાગણીનો પ્રવાહ તેને એવો તાણી જાય છે કે તે સારા-ખરાબ, સાચા-ખોટાનો વિચાર કરતી નથી.

પરિવેશ:

અન્ય આધુનિક વાર્તાઓની જેમ આ વાર્તામાં પણ પરિવેશ ઊભો કરવામાં નથી આવ્યો. તેમ છતાંય રસ્તા ઉપરનો માહોલ આબાદ ઝીલાયો છે. વાંચતાં-વાંચતાં રસ્તા ઉપર કોઈ ચોરીનું દ્દશ્ય જોતાં હોય તેવું અનુભવી શકાય છે. એ જ પ્રમાણે પોલીસ કે પોલીસ ચોકીનું કોઈ વર્ણન ન હોવા છતાં પણ વાચક અલ્પા સાથે આખી વાર્તાની અંદર હોવાનું અનુભવે છે. ટૂંકમાં પરિવેશ ન હોવા છતાં પણ આ વાર્તામાં તાદ્દશ થવાની તાકાત છે.

પાત્રાલેખન:

વાર્તાંમાં બે મુખ્ય પાત્ર છે : ચોરટી કમુ અને અલ્પા. તે સિવાય પોલીસ મોહનસિંહ, અલ્પાની દીકરી ઊર્જા અને અન્ય નાના મોટા પાત્રો છે,

કમુ – મુખ્ય પાત્ર કમુનું પાત્રાલેખન ખૂબ સારી રીતે થયું છે, શરૂઆતમાં લાચાર, બાપડી લાગતી કમુ અબુધ પણ છે, તો ભલી, કામઢી અને ઈમાનદાર પણ છે અને સૌથી વધારે એ લાગણીશીલ મા છે. જેની સાબીતી લેખકે જગ્યાએ જગ્યાએ આપી છે.. જેમ કે, “એક સોરો પીપૂડાથી  રમતો’તો ઈની હોમે હાથ કરીને રોતી’તી. મેં રમકડાની દુકાને ભાવ પૂસ્યો .દહ રૂપિયા કીધા.મારી જોડે પોંચ હતાં. મેં બીજા પાસળના રમકડાનો ભાવ પૂસ્યો પેલો ઊંધો ફર્યો એટલામાં મેં પીપુડું લઇ લીધું.” “‘બુન,ઇમનીમ ન’તુ લીધું, મારી જોડે હતા ઈ પોંચ રૂપિયા મેં ત્યોં નાખી દીધા’તા .”

અલ્પા – એક સહૃદયી સ્ત્રી છે. જેની પ્રતીતિ તે કમુને છોડાવવા પોલીસ સ્ટેશન જાય છે અને ઘરે આવીને પણ તેના માટે ચિંતિત રહે છે. એ વાત ઉપરથી થાય છે… જેમ કે,

  • અલ્પાને હવે શું કરવું તે સમજાતું નહોતું.એ ઝડપથી ઘેર ગઈ. શાકની થેલી ઘરમાં રાખી  પોતે એની કમ્મીને મદદ કરવા જાય છે.
  • અલ્પાને અકળાવી મૂકી.આખી રાત કમુની ચિંતામાં એ ઊંઘી પણ નહોતી શકી.આખી દુનિયા પર એને ગુસ્સો આવતો હતો,

મોહનસિંહ – એક હોવો જોઈએ તેવો પોલીસ. કડક પણ છે, તોછડો પણ છે, ખંધો પણ છે અને માનવતાવાળો પણ છે. પીળા દાંત, ભરાવદાર મૂછો ધરાવતો મોહનસિંહ પરંપરાગત પોલીસના વેશમાં જાણીતો લાગે છે.

“’પણ છોકરાં જોય તો દાનત બગડે.છોકરાં ઉપાડી જાય એનું શું?’મોહનસિંહ દાઢમાંથી બોલતા હોય તેમ બોલ્યા.

“ગેરસમજ ..?.તેય મને.?.’મોહનસિંહ ખંધુ હસતાં બબડ્યો,

જેવા વાક્યો મોહનસિંહનું પાત્ર ઉપસાવે છે.

ઊર્જા કમુને ચાહતી છોકરી છે, એ સિવાયના પાત્રો વાર્તાને આગળ ધપાવવામાં મદદરૂપ છે.

મનોમંથન:

લેખકે અહીં બધું વ્યક્ત કરી દીધું છે પણ તોય વાર્તામાં અલ્પાનું મનોમંથન દેખાયું છે :

1.  અલ્પા વિચારતી હતી,’કમુ અને ચોરી ?’કમનસીબે હાલ પૂરતો તો આ સવાલનો જવાબ ‘હા’ હતો.! કમુ વરસોથી અલ્પાના ઘેર ઘરકામ કરતી હતી.

‘કામઢી,પ્રેમાળ અને શાણી કમુ…એવા તે કેવા ગુનામાં આવી ગઈ હશે ? હું તો એના ભરોસે આખું ઘર રાખું છું. ઊર્જાને પણ કેટલીયે વાર એના ભરોસે છોડું છું.ઊર્જાને પણ કમુ માટે કેટલી લાગણી છે ? એટલે તો મમ્મી અને  કમુ ભેગું કરી એ કમુને “કમ્મી” કહે છે. ના, કમુ ગુનેગાર હોઈ જ ના શકે.’

2. ‘રીઢા ગુનેગારો ખુલ્લેઆમ ફરે છે એનું કંઈ નહિ, ને બિચારા નિર્દોષને..’ વિચારમાં પડેલી મમ્મીને ઉર્જાએ ઢંઢોળી.

મનોજગત :

કમુ કેન્દ્રમાં હોવા છતાં વાર્તામાં અલ્પાની દ્દષ્ટિ વધારે આવે છે, લેખકે કમુના ચોરીના કારણો અને અલ્પાના વિચારો દ્વારા કમુના મનોજગતનો સ્પષ્ટ ચિતાર આપ્યો છે. 

1.  કમુ ડરની મારી થરથરતી હતી.એને સમજાઈ ગયું હતું કે, પોતે અલ્પાબેને માનેલું એવી નહોતી.

2. ‘તે લાભુને રોતી રાખું ? હામે મંદિર પાસે સેંડલ દેખ્યાં તી લાભુ ઓલે લઇ લીધાં. ઈ તો ઓલા ભાઈ વોંહે પડ્યા તીમો ફેંકી દીધાં.’ જોકે એ સમજી ગઈ કે આ બીજું કામ પણ અલ્પાને ગમ્યું નથી.

3. કમુએ જે કર્યું તે એક માની નબળાઈના લીધે કર્યું .એની દીકરી,કલી, બે વર્ષ પહેલા મગજના તાવના લીધે બે જ દિવસની માંદગીમાં મરી ગઈ. કલી એનો શ્વાસ અને પ્રાણ હતી.એના મોતના લીધે કમુને સખત આઘાત લાગ્યો. છોકરી થોડો તાવ કમુના મગજમાં મૂકતી ગઈ છે. એટલે ઘણીવાર માનો તરસ્યો રહી ગયેલો પ્રેમ, એની પાસે આવું કરાવે છે.બાકી એ પેલી છોકરીને ઉઠાવતી નહોતી.ખાલી છાની રાખતી હતી.

4. રૂપિયાની સુટ થાહે ને ઉપરથી રૂપાળી સોડી મળી.જોણે ભગવોને મારી કલી મને પાસી આલી.’

સંઘર્ષ -પાત્ર પરિવર્તન :

વાર્તા શરૂ થાય ત્યારથી જ સતત સંઘર્ષ છે.
1.  કમુનો પોતાને નિર્દોષ સાબિત કરવાનો સંઘર્ષ.
2. અલ્પાનો કમુને છોડાવવાનો સંઘર્ષ.

આખી વાર્તામાં કમુ અને અલ્પાના પાત્રમાં કોઈ જ પરિવર્તન આવતું નથી પરંતુ મોહનસિંહમાં પરિવર્તન આવે છે. એક કડક, ખંધો, તોછડો પોલીસ- કમુની હકીકત જાણી તેને પોતાના જ ઘરે, પોતાની દીકરી ઉપર વાત્સલ્ય ઢોળવાની તક આપે છે.

ભાષાકર્મ :

અહીં ભાષાનો બહુ જ સરસ ઉપયોગ થયો છે. કમુની અભણ ભાષા તો અલ્પાની સુઘડ ભાષા તે ઉપરાંત અમુક ચમકારા જેમ કે,

1. કીડી સામે તોપ મંડાઈ ગઈ હોય એવો ઘાટ હતો.
2.ચપળ દેખાતી કમુ કલાકમાં તો કરમાઈ ગઈ.
3. કલી, બે વર્ષ પહેલા મગજના તાવના લીધે બે જ દિવસની માંદગીમાં મરી ગઈ. છોકરી થોડો તાવ કમુના મગજમાં મૂકતી ગઈ છે.
4. સોડી તો મધનું ટેપું જોઈ લો. મારું તો આયખું હુધરી જ્યું.

સારાંશ:

ખૂબ સામાન્ય રીતે કહેવાયેલી વાર્તા લાગણીના તાર ઝણઝણાવી મૂકે છે. વળી કમુની ભાષાનો સમન્વય વાર્તાને રસદાર બનાવે છે. પરંતુ લેખકે બાળકીના મોત પછીની વાત સીધેસીધી કહી દીધી છે ત્યાં તેઓ થોડીક વાત ગોપિત રાખી વાચકોને વધારે સારી રીતે રસપૂર્વક વિચારવા પ્રેરી શકત. વાચકોની બુદ્ધિ ઉપર અમુક વાતો છોડવામાં આવી હોત તો આ વાર્તાને એક વધું સારી ઊંચાઈ મળી શકી હોત.

હાલો ત્યારે આ વખતના રામ-રામ..
આવતાં -જતાં જરા, નજર તો નાંખતાં જજો,
બીજુ કંઈ નહીં તો વિવેચન કેમ છે કહેતાં જજો!

– એકતા નીરવ દોશી


આપનો પ્રતિભાવ આપો....

One thought on “ચોરટી – નયના મહેતા; વાર્તા વિવેચન – એકતા નીરવ દોશી