બાળકોને રમતાં કરવાં એ આપણા માટે તો રમતવાત હોવી જોઈએ! – ભારતીબેન ગોહિલ 8


રમતો એ કેળવણીનું અભિન્ન અંગ છે. બાળવિકાસને ગતિ આપતી કેડી છે. ઉમંગ ઉલ્લાસનો જાણે રંગભર્યો ફુવારો છે. બાળકમાં સુષુપ્ત રીતે પડેલ ચેતનાને જગાડતી શક્તિ છે. જાણો, એ રમતોના ફાયદા પણ કેવા કેવા છે!

હુતુતુતુ 
હુતુતુતુ  હુતુતુતુ,
જામી રમતની ઋતુ
આપોઆપ એકમેકના થઈને ભેરુ સારું
જગત રમતું આવ્યું ને રમે છે હુ તુ તુ તુ
તેજ ને તિમિર રમે  હુ તુ તુ તુ  હુ તુ તુ તુ
પાણીને સમીર રમે હુ તુ તુ તુ  હુ તુ તુ તુ
વાદળની ઓથે બેઠા સંતાયેલા પ્રભુજીને
પામવાને સંત ને ફકીર રમે હુ તુ તુ તુ હુ તુ તુ તુ…

ભાગ્યે જ કોઈ એવું હશે જેણે અવિનાશ વ્યાસની આ અમર રચના સાંભળી નહીં હોય! ધૂન પણ એવી કર્ણપ્રિય કે બસ સાંભળ્યા જ કરીએ એવું થાય. રચનાની ખાસિયત તો એ છે કે બહુ પ્રખ્યાત રમત હુતુતુતુથી શરૂ થાય છે ને ધીરે ધીરે કરતા સમગ્ર બ્રહ્માંડ સુધી પહોંચે છે.. બ્રહ્માંડથી પણ આગળ એ આપણને ઈશ્વરને પામવાની વાત સુધી ખેંચી જાય છે. આપણામાં પડેલ રમતતત્ત્વ જાગ્રત કરીને આપણને બસ રમતમાં જ રમમાણ કરી દે છે!

જો મોટેરાંઓને પણ રમતો આટલી આકર્ષતી હોય તો બાળકોની તો વાત જ શું કરવી? આમ જોઈએ તો રમતવૃત્તિ બાળકના જન્મ સાથે જ તેના સ્વભાવ સાથે વણાઈ જતી જોવા છે. વડીલોનું અનુકરણ હોય કે સ્વયંસ્ફુરણા…બાળક સદાયે રમતું રમતું શીખે છે ને શીખતું શીખતું રમતું જાય છે. એ રમતોની સાથે સાથે તેનામાં પડેલાં વિવિધ કૌશલ્યો પણ વિકસિત થતાં જાય છે.

થોડું મોટું થતાં બાળક શાળાકીય પ્રવૃત્તિઓમાં જોડાય છે. ત્યાં પણ બાળકેળવણીના એક ભાગ રૂપે રમતો રમાડવામાં આવે છે. અહીં મેદાનમાં રમાતી કે વર્ગખંડોમાં રમાતી રમતો તેના શારીરિક, માનસિક અને બૌદ્ધિક વિકાસના અનેક આયામો ખોલી આપતી તકો લઈને આવે છે.

આપણા પ્રખર કેળવણીકારોના વિચારો વાંચીએ તો તેઓ મુખ્ય વાત એ કહે છે કે જો બાળકોને રમતોના માધ્યમથી શિક્ષણ આપવામાં આવે તો બાળક ભણતરના કોઈ જાતના ભાર વગર શિક્ષણ પ્રાપ્ત કરી શકે છે.

એટલે કહી શકાય કે રમતો એ કેળવણીનું અભિન્ન અંગ છે. બાળવિકાસને ગતિ આપતી કેડી છે. ઉમંગ ઉલ્લાસનો જાણે રંગભર્યો ફુવારો છે. બાળકમાં સુષુપ્ત રીતે પડેલ ચેતનાને જગાડતી શક્તિ છે. જાણો, એ રમતોના ફાયદા પણ કેવા કેવા છે!

  • બાળકનું શરીર ખડતલ બને છે.
  • વિવિધ સાંઘિક રમતોથી બાળકમાં સંઘભાવનાનો વિકાસ થાય છે.
  • તેનામાં નેતૃત્વના ગુણો વિકસે છે.
  • એકાગ્રતા, ચપળતા, મૈત્રી, ખેલદિલી, શૌર્ય, ધૈર્ય, સ્થૈર્ય, દેશપ્રેમ જેવાં મૂલ્યોની સંસ્થાપના શક્ય બને છે.
  • “લક્ષ્યપ્રાપ્તિ”નો મહત્વનો ગુણ આવે છે.
  • ખૂબ અગત્યની વાત. રમતોમાં જીતહાર થતી રહેતી હોવાથી બાળક જીતનો આનંદ મેળવતા અને હાર પચાવતા શીખે છે.
  • જીવનમાં કોઈ ગોલ નક્કી કરવાનું કૌશલ્ય આવે છે.
  • સફળતાનું મેનેજમેન્ટ કેવું હોય? ભવિષ્યમાં ઉપયોગી આ બાબતનો પાયો રમતો દ્વારા નખાતો જાય છે.
  • એક મોટા સમૂહને ખુશ કરવાનું નિમિત્ત કેમ બનાય? તે શીખે છે.
  • વિવિધ રમતોમાં મળતી સફળતા તેના પરિવાર, સમાજ, શહેર, રાજ્ય અને આગળ જતાં દેશનું ગૌરવ બને છે.
  • રમતોમાં છોકરા-છોકરીઓના ભેદભાવો બહુ ઓછાં હોય છે તેથી મૈત્રીભાવથી સૌ સાથે રમતોનો આનંદ માણે છે.

ખાસ કરીને દીકરીઓ માટેનો આ મૈત્રીપૂર્ણ માહોલ એક વિશેષ સમજણની તક લઈને આવે છે. સાહજિક અવસ્થામાં સાથે રમતાં હોવાથી ‘ગુડટચ’ અને ‘બેડટચ’ માટેની સેન્સ સારી રીતે વિકસી જાય છે તેથી આ અંગેની જાગૃતિ તેનામાં આવી જાય છે. અને ભરપૂર આત્મવિશ્વાસ આવવાથી પોતાનું રક્ષણ સારી રીતે કરી શકે છે અને જાતીય શોષણ રોકી શકે એટલી મજબૂત બને છે!

ઘણીવાર કેટલાંક પેરન્ટસ ફરિયાદ કરે કે, “અમે પણ ઇચ્છીએ કે અમારાં બાળકો રમતો રમે. પણ ઘરમાં લીધેલાં રમકડાંથી થોડો સમય રમે પછી તે કંટાળે છે. દરેક વખતે તેને પ્લે ગ્રાઉન્ડમાં લઈ જવાં કે નવાં રમકડાં અપાવવાનું શક્ય બનતું નથી.”

તો સાંભળો બહુ સરળ ઉપાય છે. મેદાન અને રમકડાં સિવાય પણ બાળકોને ઘણું ઘણું રમાડી શકાય! દાદાજી જો વાંકા વળી બાળક માટે ઘોડો બની શકતા હોય તો મમ્મીપપ્પા કેમ ન બની શકે? દાદીની પૂજાની ટીન.. ટીન.. ટકોરી જો રમકડું બની શકે તો મમ્મીના રસોડાનાં વાસણો કેમ બાળકનાં રમકડાં ન બની શકે? પપ્પાની બિનજરૂરી ડાયરીઓ અને વાહનોની ચાવીઓમાંથી કેટકેટલીય રમતો રમી શકાય!

વડીલોને યાદ હશે.. તેઓ તો પત્થર, ચણોઠી, સોડા બોટલનાં ઢાંકણાં, માચીસના બોક્સ, તૂટેલી બંગડીના કાચ, શેરડીનાં છોતાં અને કાળી માટી જેવી વસ્તુઓમાંથી કેવી કેવી રમતો રમતાં. કાચના રંગીન ટુકડાઓમાંથી બનાવેલું પેરિસ્કોપ તો આજે પણ મેઘધનુષ જેવો સપ્તરંગી રોમાંચ ઉત્પન્ન કરે છે!

આ ઉપરાંત આગળા વડે, રૂમાલ વડે, દોરી વડે, ફુગ્ગા વડે, રિંગ વડે, અંકો વડે, કાગળની ચિઠ્ઠીઓ વડે અનેક રમતો રમી શકાય. અરે ઉખાણાં, ક્વિઝ, યાદશક્તિ, અભિનય અને શોધખોળ જેવી રમતો તો કોઈ સાધન વગર પણ રમી શકાય છે. જરૂર છે ઇચ્છાશક્તિની.

જો આપણે ઇચ્છતા હોઈએ કે બાળક ટીવી કે મોબાઈલની પકડમાંથી છૂટે તો અસરકારક વિકલ્પ માત્ર ને માત્ર રમતો જ હોઈ શકે!

અને એટલે જ આજે NSS, NCC, Scout Guid જેવી તાલીમની ખાસ આવશ્યકતા છે. સરકાર દ્વારા ચાલતા ખેલ મહાકુંભ જેવા કાર્યક્રમોથી બાળકોને રમત રમવા માટેની પ્રેરણા અને પ્રોત્સાહન મળી રહે છે.

ઘણીવાર એવું પણ બને છે કે કોઈ જગ્યાએથી રમતોના ફાયદા જાણવા મળે કે કોઈ બાળકને રમતમાં મોટી જીતના સમાચાર મળે ત્યારે આપણે એકદમ ઉત્સાહમાં આવી જઈ બાળકને રમાડવા પાછળ ઘેલાં થઈ જઈએ છીએ. આવું ન થવું જોઈએ. આપણને નહીં પણ બાળકને જ્યારે ઈચ્છા થાય ત્યારે રમાડવાં જોઈએ. બાળકની ઉંમર, તેની શારીરિક ક્ષમતા, તેની રમત પસંદગી બધું જ ધ્યાનમાં રાખીને રમતો રમાડવમાં આવે તો તેનું પરિણામ સારું આવે છે.

Pic: newsworldindia.in

બાળકને રમત સમયે અપાતી સૂચનાઓ તે સમજી શકે એવી ભાષા અને અવાજમાં આપવી જોઈએ. શીખી ગયા પછી તે જાતે રમે તે જરૂરી છે. તેનાથી તેનામાં નેતૃત્વના ગુણો વિકસે છે. ખાસ તો શબ્દોથી તેને પ્રોત્સાહિત કરીએ પણ ઈનામ, લાલચ કે હરીફાઈ એમાં ન પ્રવેશે તેની કાળજી જરૂર લઈએ.

દરેક બાળકની ક્ષમતા, રસ, મર્યાદા, કૌશલ્ય અને આવડત અલગ અલગ હોય છે… અને એટલે જ આપણા બાળકની કોઈ અન્ય બાળક સાથે સરખામણી કરવી એ વાત વાજબી નથી. રમતોની સાથે આ બાબતો અંગે પણ જાગૃત રહીએ. બાળકો રમતો રમતાં થાય એવાં બાળગીતો પણ પુષ્કળ પ્રમાણમાં સર્જાયા છે. આપણા બાળકોને તેનો પણ પરિચય કરાવીએ.

જેમ કે…

અમે ગોળ ગોળ ગોળ ગોળ ફરીએ,
અમે તાળી દઈને રમીએ….

ગાડી ગાડી રમીએ ચાલો છોકરાંઓ આવો, 
હું બનું છું એન્જિન ને ડબા સૌ થઈ જાઓ..

હું ને ચંદુ છાનામાના કાતરિયામાં પેઠા
લેસન પડતું મૂકી ફિલમ ફિલમ રમવા બેઠા.

મા મને રે મામાને ઘેર જાવા દે
રોજ રોજ રમવા.. મામાને ઘેર જાવા દે..

બાળકો સાથે આપણને પણ ગાવાનું ને રમવાનું મન થઈ જાય એવી આ દુનિયા. પણ જોજો. હવે આ બાળકો ખૂબ શાણાં થઈ ગયાં છે. એ પોતે જ રમતોના ફાયદા જાણી ગયાં છે. જો તમે નહીં કહો તો એ સામેથી કહેશે…

અડકો દડકો દહીં દડુકો ફેર ફુદરડી ફરવા દે,
ફરવા દે..
ઓ મારી મમ્મી…..અમોને રમવા દે.
અમોને રમવા દે..!!

(આ દિવસોની આપણને રાહ રહેશે!)

આ જુઓ..

પરી : પપ્પા, આજે વોકિંગમાં ચાલીને નથી જવું.
પપ્પા : તો કેવી રીતે જઈશું?
પરી : ગાડી લઈને!
પપ્પા : શું? ગાડી લઈને વોકિંગમાં એમ?
પરી : હા..પછી બગીચામાં ખૂબ રમાયને!

– ભારતીબેન ગોહિલ


આપનો પ્રતિભાવ આપો....

8 thoughts on “બાળકોને રમતાં કરવાં એ આપણા માટે તો રમતવાત હોવી જોઈએ! – ભારતીબેન ગોહિલ

  • Harshad Dave

    એકાકી ન રમતે…અને એટલે જ શૂન્યમાંથી સર્જન થયું સરજનહાર દ્વારા.
    ‘પોલીએના’ અને ‘તોત્તોચાન’ જેવી કથાઓ આ દિશામાં ખૂબ આગળ વધે છે.
    ઇનડોર અને આઉટડોર રમતો અને સર્જનાત્મક કે રચનાત્મક દિશામાં લઇ
    જાય તેવી રમતો રમવી જોઈએ. જુલે વર્ન કે એનિડ બ્લાયટન, જીવરામ જોશી
    અને ગીજુભાઈ બધેકા, મૂછાળી મા જેવા લેખકોને વાચવા જોઈએ.
    ચેસ અથવા પઝલ…યસ આપણાં ઉખાણાં, કોયડા, ચતુરાઈની વાતો
    અને જોડકણાં બાળકોને આકર્ષે તે જ રીતે કુદરતી વાતાવરણમાં વન અને
    નિસર્ગ પાસેથી રમતરમતમાં ઘણું શીખવા મળે…રાખનાં રમકડાંને રામ
    રમતાં રાખે છે…આપણે નિમિત્ત બનીએ એ કેટલી સારી વાત ગણાય!
    સહુ રમતા રહે અને રમતિયાળ બની લખતાં-લખાવતા રહે…..!

    • BHARTIBEN GOHIL

      ખૂબ ખૂબ આભાર હર્ષદભાઈ.
      સાચે જ રમતો બાળવિકાસ માટે અત્યંત જરૂરી.

    • PARAG GYANI

      ખૂબ સરસ લેખ. આપણી તકલીફ એ છે કે આપણે બાળકને રમકડું સમજી રમવા માંડીએ છીએ. ઉદયન ઠક્કર ની એક કવિતામાં ઈશ્વર વયસ્ક થયેલા બાળકને પૂછે છે, “ચાલ ભેરુ! લખોટી રમશું ?”❤️

      • BHARTIBEN GOHIL

        આભાર ભાઈ.
        લખોટી એટલે સર્વમાન્ય રમકડું. એને વાર્તાઓમાં પણ સ્થાન મળ્યું છે!

      • Neha

        અરે વાહ,મને આ કવિતા નથી ખબર. જણાવજો.