શું સ્મૃતિ પાસે વીતકભાવોને પુનર્જીવિત કરવાની કોઈ સંજીવની રહેલી છે? ત્રીસત્રીસ વર્ષો બાદ પણ સ્મૃતિમંજૂષામાંથી નીકળેલા ભાવો તરોતાજા હોઈ શકે? જવાબદારીઓ અને માહિતીઓના મસમોટા વજન તળે દબાઈને છેક નીચે બેસી ગયેલી ક્ષણોમાં વીંટાયેલા ભાવોને તાપ, તડકા, વરસાદ, આધિ, વ્યાધિ, ઉપાધિ, વિસ્મૃતિ કોઈ જર્જરિત નથી કરી શકતું?
ગયું અઠવાડિયું આખું લગનસરામાં હતાં. લગનવાળાં ઘરની સુંદરતા મંડપ વિના કેવી રીતે કલ્પી શકાય? સફેદ કપડાંને લાલ, રાણી, વાદળી, જાંબલી કે પીળા રંગની કોર કરી, વચ્ચે ભાતભાતની ઝૂલ, ઝુમ્મર રચી સજાવેલા મંડપ મધ્યે લગ્નસંસ્કારની વિધી દીપી ઊઠે. ઝાકઝમાળ, ચમકદમક, કોલાહલ, ગાણાંફટાણાં અને ડિજેડિસ્કો વચાળે ઊડતી આનંદની છોળોમાં મારું મન સમયકાળના પાછલા પ્રવાહમાં તરવા લાગ્યું. ખરું વિચાર્યું તમે. જળરાશિ વહાવતી નદી હોય કે કાળનદી, કોઈનો પ્રવાહ કદી પાછો નથી જતો. એ તો બસ વહ્યા કરે છે આગળ ને આગળ. માત્ર મન જ એવી અમોઘ શક્તિ ધરાવે છે કે એ સમયના પ્રવાહને પલટીને પાછું જઈ શકે છે, એને આ અજાયબ સફર કરવા જે હોડીમાં બેસવું પડે છે એનું નામ છે સ્મૃતિ. સ્મૃતિની નૌકામાં બિરાજી, ખટમીઠાં સંસ્મરણોના હલેસાં મારી મારીને મનની નિર્ઝરીમાં એ દૂરસુદૂર વિહાર કરી શકે છે. લગ્નમંડપ નીચે બેઠાંબેઠાં હું પણ પાછલા વર્ષોમાં સરી ગઈ. બીજાત્રીજા ધોરણના વૅકેશનમાં વૈશાખના બળબળતા બપોરની મીઠી નીંદર માણ્યાં પછી નમતા પહોરે રમવા નીકળી પડતી અમારી ટોળકી, ગાંધીનગરના સેક્ટર–૨૮માં સાવ સાદા મકાનના આંગણે ઊભો કરેલો મનીવેલનો મંડપ, મને આ મંડપમાંથી રીતસરનો ઉપાડી ગયો. ચારે બાજુના ખૂણે ચાર અને ચારે બાજુની વચ્ચે ચાર એમ આઠ લાકડાના ટેકે અડીખમ ઊભેલો અને લગભગ ૨૦” x ૨૦”ના આંગણાંને પોતાની શીતળતાથી ઢાંકતો અને લીલોતરીથી લીંપતો મનીવેલનો આટલો મોટો મંડપ અગાઉ ક્યારેય નહોતો જોયો. લીલાલીલા, કોમળ પર્ણોથી અને નાજુક છતાં પોતાના અસ્તિત્ત્વનો ગર્વ હોય એવી ખુમારીથી ટટ્ટાર રહેવા મથતી એની ડાળખીઓથી મઢેલું વિશ્વ મારા માટે કોઈ રાજમહેલથી કમ નહોતું. સાતઆઠ વર્ષની, કૂતુહલતાથી છલોછલ આંખોમાં એ દૃશ્ય હજુ જેમનું તેમ અકબંધ છે. માત્ર દૃશ્ય જ નહીં, એ સમયે પામેલી અચરજ, એ વખતે અનુભવેલો રોમાંચ અને પોતાના ઘરે પણ આવું માંડવાવિશ્વ રચવાની અદમ્ય ઝંખના. …અને મને આવી રહ્યો છે એ શાતામય પવનનો સ્વાદ, હું માણી શકું છું લીલોતરીની એ ભીનપ ધરાવતી ખુશબૂ. શું સ્મૃતિ પાસે વીતકભાવોને પુનર્જીવિત કરવાની કોઈ સંજીવની રહેલી છે? ત્રીસત્રીસ વર્ષો બાદ પણ સ્મૃતિમંજૂષામાંથી નીકળેલા ભાવો તરોતાજા હોઈ શકે? જવાબદારીઓ અને માહિતીઓના મસમોટા વજન તળે દબાઈને છેક નીચે બેસી ગયેલી ક્ષણોમાં વીંટાયેલા ભાવોને તાપ, તડકો, વરસાદ, આધિ, વ્યાધિ, ઉપાધિ, વિસ્મૃતિ કોઈ જર્જરિત નથી કરી શકતું? આવા અનેક વિચારવમળો મનતરંગિણીમાં ઘૂમરાવા લાગે છે.

લીલોતરીની લીલાશ છેક ત્યારથી મારામાં રોપાઈ હશે! એ વિચારે અત્યારસુધી જોયેલી, જાણેલી, સ્પર્શેલી વેલીઓ નજર સામેથી રીલની માફક પસાર થઈ ગઈ. લાલગુલાબી ઝુમ્મર જેવા ઝૂલતાં ફૂલોથી કોઈના બંગલાનો પ્રવેશદ્વાર મહેકાવતી મધુમાલતી શ્વાસોમાં પ્રસરી તો શાળાઓ અને ઑફિસબિલ્ડિંગના કમ્પાઉન્ડ વૉલની ઉપર પથરાઈને પોતાના રાણી, સફેદ, કેસરી ફૂલોથી સુંદરતા બક્ષતી બોગનવેલે નજરને પણ રંગોની ભરી દીધી. ગામડાગામમાં ખેતરોની વાડ પર આપમેળે ઊગી નીકળેલી ગળી જેવા રંગના ફૂલો આપતી અપરાજિતા (ગોકર્ણી) યાદ આવતાં શ્રીનાથજીની છબી મલકી ઊઠી હોય એવું લાગ્યું. એક ફૂલછોડના શોખીન મિત્રના ઘરે વિતાવેલી સાંજ અને મંદમંદ સુગંધ ફેલાવી અમને ત્યાં જ રોકી રાખતી જાદુગરણી જૂઈચમેલીની વેલ કેમ કરીને ભુલાય? ચળકતાં લંબગોળ લીલા પર્ણોમાં છૂટાંછૂટાં ઊગતાં પીળા ફૂલોથી ભવ્ય દેખાવ સર્જતી અલમાન્ડા ક્રીપરવેલની ભભક સામે બધી ફિક્કી. પણ વેલ ઉગાડીને ઉછેરેલી હોય તો જ લાવણ્યમયી ભાસે? આડેધડ, આપમેળે ઊગી નીકળેલી વેલમાં વનક્ન્યા જેવું લાલિત્ય હોય છે. કવયિત્રી રાધિકા પટેલને વીજળીના તાર પર ચડેલી વેલીને જોઈને ગીત સ્ફૂરી શકે છે.
વીજળી તારે વેલ ચડી;
જડ્વત ઊંચા પર્વત ઉપર જાણે કોઈ રેલ ચડી..
વીજળી તારે વેલ ચડી.
ભખ-ભખ, ભખ-ભખ લીલું બોલે-સુણતો રહે પહાડ;
લળી-લળી વીંટળાતી જાતી, સમજી એને ઝાડ.
મૂંગા કાળા જળને પીતી, લીલી રેલમછેલ ચડી…
વીજળી તારે વેલ ચડી.
પળમાં લાગે મીરાંબાઈ, પળમાં લાગે દીવો;
લીલીછમ પીડાના પથ પર સર્જન ઊંચું જીવો.
આતમપીડન-જીવનજોખમ, એ તો સહેજે સહેલ ચડી..
વીજળી તારે વેલ ચડી.
ઘેલીને જઈ કોઈ વારો, ડારો પાછી વાળો;
ઝેર કટોરો લઇ ઊભો છે-કરંટ ત્યાં ભમરાળો.
ગાંડીપો કોઈને ના ગાંઠે એ તો ગઈ અલબેલ ચડી …
વીજળીના તારે વેલ ચડી.
– રાધિકા પટેલ
મારો ઘરબગીચો પણ જાતભાતની વેલનો વિસામો છે. ફૂલવેલ, ઔષધિવેલ અને જંગલીવેલ સંપથી અહીં ફૂલેફાલે અને વિકસે છે. નાગરવેલ અને મનીવેલ કૂંડામાં પોતાની બાલ્યાવસ્થા ગાળી રહી છે તો મધુમાલતી અને બોગનવેલ મહેંદીની વાડેવાડે પોતાને નિર્બંધ વિસ્તારી રહી છે. અપરાજિતા, અમૃતા, ચમેલી ફૂલછોડની સાથે જમીનમાં પોતાના મૂળિયાં જમાવી રહી છે તો પાંડવવેલ પ્રવેશદ્વારની શોભામાં અભિવૃદ્ધિ કરી રહી છે. અરે હા, સમજાયું. મનીવેલના માંડવાનું પેલું બીજ મનમાં ક્યાંક ઊંડે ધરબાઈ પડ્યું હતું એ પાંડવવેલના શિશુમાંડવાથી અંકુરિત થયું હોય એવું સહેજે વર્તાય છે. ઘરઆંગણાંના પ્રવેશદ્વાર પર લોખંડના સળિયાના આધાર પર ચડેલી પાંડવવેલ, જ્યારે નર્સરીમાંથી આણી હતી ત્યારે માત્ર ત્રણ પાંદ ધરાવતો નાજુક રોપો હતો, એને જમીનમાં રોપ્યો ત્યારે આશંકા હતી કે ઊગશે કે કેમ? પણ આજે એણે પોતાનું સામ્રાજ્ય એટલું વિસ્તાર્યું છે કે પાંડવવેલનો નાનકડો માંડવો રચાઈ ગયો છે. જ્યારે એને પ્રથમ કળી બેઠી હતી ત્યારે જે ઉમંગ વ્યાપ્યો હતો એ લીલોતરીએ મને આપેલા કોઈ શિરપાવ સમો જણાયેલો. ફક્ત પંદર મિનિટ માટે કળી ખીલીને ફૂલ બન્યું અને બિડાઈ ગયું હતું. ત્યારબાદ તો અનેક કળીઓ બેઠેલી અને ખીલતાં-મૂરઝાતાં કૌરવ-પાંડવ ફૂલો જોવા એ દિવસની પ્રિય પ્રવૃત્તિ બની ગઈ હતી. પાંડવવેલ સાથેનો અનુબંધ એ હદે બંધાયેલો કે એ તે દિવસોની ઘટમાળનું અભિન્ન અંગ હતી. પ્રવેશદ્વારમાંથી અંદર આવતી કે બહાર જતી વખતે એના ફૂલોમાંથી રેલાતી કેડબરી ચૉકલેટ જેવી મીઠી સુગંધ મનોમસ્તિષ્ક પર કબજો જમાવી લેતી. રસ્તે આવતાંજતાં રાહદારીઓ પણ ઘડીક અટકીને પાંડવવેલના ફૂલોને તાકી રહેતાં. ફૂલની મધ્યમાં પાંચ પુંકેસર એ પાંચ પાંડવ અને ગોળફરતે જાંબુડી રંગના અનેક તાંતણાં એટલે કૌરવો. છે ને મજાની વાત!

પોતાના સ્વબળે ઊભી ના રહી શકતી વેલ જ્યારે કોઈનું અવલંબન લે છે ત્યારે એને ઢાંકી દેતી હોય છે, ચાહે એ મજબૂત વૃક્ષ જેવો સજીવ આધાર હોય કે લોખંડના સળિયા જેવો નિર્જીવ. એ જે પણ આધારને વીંટળાય છે, એના પર એનું આચ્છાદાન એટલું સઘન અને સંકુલ હોય છે કે એ આધારની હયાતી હોવા છતાં કળાતી નથી. વેલ એને ટેકો આપનારને પોતાનું સર્વસ્વ અર્પી દે છે કે એનું સર્વસ્વ લઈ લે છે એ જાણી શકાતું નથી. વેલ અને એના આધારનો સંબંધ કેટલો વિલક્ષણ છે!!! એ રીતે જોવા જઈએ તો વેલ એટલે અવલંબનનું બીજું નામ. વેલની નિયતિ જ છે અવલંબન લેવું. સૌંદર્યમય, રેસાદાર, લચીલો, મજબૂત દેહ હોવા છતાં અને સુંદરતમ, આકર્ષક ફૂલોની ધારિણી હોવા છતાં એ આધાર વિના ટકી શકતી નથી. એને ઊણપ ગણવી કે વિશેષતા? વેલના સર્જન થકી કુદરતની ઇશારત એ તરફ તો નથી ને કે સંપૂર્ણતા એ જીવનનું આખરી લક્ષ્ય નથી!
આજે હરિત કોમલાંગીએ પાઠવેલી લીલોતરીની કંકોતરીનો ટહુકો કવિશ્રી ઊજમશી પરમારના શબ્દોથી…
“એક વેલ્ય ચડી ગૈ વાદળમાં
ખેરવતી જળની કળીઓ રે
લ્યો કળી ખીલી પરપોટા થ્યા!”
– મયુરિકા લેઉવા-બેંકર
મયુરિકા લેઉવા બેંકરના અક્ષરનાદ પરના આ સ્તંભ ‘લીલોતરીની કંકોતરી’ ના બધા લેખ અહીં ક્લિક કરીને માણી શકાશે.
અરે વાહ! સુંદર આલેખન!
આભાર આરઝૂ.
ફક્ત વાંચવાથી નહીં ચાલે, અનુભૂતિ કરવા તમારે આંગણે આવવું પડશે.
જી. જરૂર પધારો આરતીબેન.
ખૂબ સરસ. વાંચીને મન જે તે પ્રદેશમાં પહોંચી જાય છે.
ખૂબ આભાર.
સુંદર લલિત નિબંધ
આભાર…
બહુ જ મસ્ત.
આભાર શ્રદ્ધાબેન.
ખૂબ જ સરસ.
આભાર હીરલબેન.
ખૂબ ગમ્યો લેખ, સુંદર ભાષા, સ્પર્શી જાય એવા મનોભાવ.
અદ્ભૂત
આભાર પ્રફુલ્લાબેન.
મજા આવી માત્ર વિષય નહીં, રજુઆત, સરળ શૈલી અને રાધિકા પટેલ ની રચના અને ઉજમશી પરમારના મુકતક સાથે વાત જેમ કોઇ આધાર પર વેલ આંબી જાય એમ વાત હૃદયને આંબી ગઈ…. અભિનંદન
આભાર હરેશભાઈ.
mast.
આભાર રાજુલબેન.
લીલોતરીની મનભાવન કંકોતરી.
સુંદર આર્ટિકલ.
અભિનંદન…
ખૂબ આભાર ભારતીબેન.