Mank : એક વાંદરા અને મદારીઓની કથા – નરેન્દ્રસિંહ રાણા 12


એક હતો વાંદરો. એને એક મદારીએ પાળેલો. મદારી રોજ એને સરસ કપડાં અને ઘરેણાં પહેરાવે. રાજાની જેમ તૈયાર કરે. સરસ તૈયાર થયેલા વાંદરા પાસે મદારી રોજ ખેલ કરાવે. વાંદરો જેમ નાચે એમ વધુને વધુ તાળીઓ મળે. વાંદરો મોજમાં આવે અને કાયમ વિચારે કે એ ન હોય તો બિચારા મદારીનું શું થાય?

એના નાચ વગર મદારીનું જીવન સાવ નકામું. એના મદારી પર કેટલા બધા ઉપકાર! આ વાત મગજમાં રાખીને ખુશીથી નાચતો વાંદરો એના ગળામાં બાંધેલી દોરીને ભૂલી જાય. એ ભૂલી જાય કે એ પરવશ છે. એના જેવા બીજા પણ કેટલાય વાંદરા છે જે બટકું રોટલો મેળવવા મદારીઓના ઈશારા પર નાચતાં રહે છે.

વાત બહુ સીધી સાદી છે. આપણે સૌ કોઈને કોઈના ઈશારે નાચતાં વાંદરાઓ છીએ. કોઈ પોતાના બોસના ઈશારે નાચતું હશે તો કોઈ સંબંધ સાચવવા જીવનસાથીના ઈશારે. નાચનારને ક્યારેક આ વાંદરા જેવું થાય કે દુનિયા આખી મારા કારણે છે. હકીકતમાં એ આ દુનિયાના મશીનનો સાવ નાનકડો ભાગ હોય. 

સર્જકો જાતને કાયમ દુનિયાથી અલગ માનતા રહે છે. એમને કાયમ એમ લાગે કે તેઓ સ્વતંત્ર છે. એમના પર કોઈનું આધિપત્ય નથી. આ ભૂલભરેલી માન્યતા છે. સર્જકની દોરી પ્રેક્ષકો, વાચકોના હાથમાં હોય. એ પણ યોગ્ય પ્રતિભાવો મેળવવા ઑડિયન્સના ઈશારે નાચતો રહે છે. જેમકે અત્યારે આ લખતી વખતે હું પણ એવું જ વિચારું કે વાંચનારને મજા આવશે કે નહીં? 

આવા જ એક સ્વકેન્દ્રી, વિચિત્ર અને પ્રતિભાશાળી સર્જકની વાત લઈને આવી છે એક વિચિત્ર ફિલ્મ- Mank. વિશ્વની શ્રેષ્ઠ સ્ક્રિપ્ટમાં 1941 માં આવેલી ફિલ્મ Citizen Kane ની સ્ક્રિપ્ટની ગણતરી થાય છે. આ ફિલ્મ હૉલીવુડ અને વિશ્વ સીનેમાંની એક અમૂલ્ય કૃતિ છે. ફિલ્મ એક અખબારી સમ્રાજ્યના શહેનશાહની વાત કરતી હતી કે જેના જીવનનો ખાલીપો પૈસા અને સત્તા ભરી નથી શકતા. MANK આ ફિલ્મની સ્ક્રિપ્ટ કેવીરીતે લખાઈ એની વાત કરે છે. ફિલ્મની સ્ક્રિપ્ટ લખવા વિશે એક ફિલ્મ- કહ્યુંને કે ફિલ્મ વિચિત્ર છે!

ફિલ્મનો હીરો છે હરમન મેન્કેવિકઝ ઉર્ફે મૅન્ક. આ ભાઈ સ્ક્રિપ્ટ રાઇટર છે. ચાલીસના દાયકામાં હૉલીવુડ પર અલગ અલગ સ્ટુડિયોઝનું રાજ હતું. મૅન્ક આવા જ એક પ્રખ્યાત MGM સ્ટુડિયો માટે સ્ક્રિપ્ટ લખતો હતો. હવે એનો સિતારો અસ્તાચળે છે. એની પાસે કામ નથી. સ્ટુડિયોઝ હવે એની સાથે કામ કરવા રાજી નથી. આવા કઠોર સમયે એને એક સ્ક્રીનપ્લે લખવાનું કામ મળે છે. એના કમનસીબે કામ મળ્યા પછી તરત જ તેને અકસ્માત નડે છે અને ભાઈને હાથપગમાં ફ્રેક્ચર થાય છે. બનનારી ‘Citizen Kane’ ફિલ્મનો નિર્માતા ઓરસન વેલ્સ આ લેખક એટલે કે મૅન્કને શહેરથી દૂર એક નાનકડા ફાર્મહાઉસમાં મોકલી આપે છે. સાથે એક નોકરાણી, ડીકટેશન માટે એક લેખિકા અને નજર રાખવા માણસ પણ મોકલે છે. નિર્માતા વેલ્સ મૅન્કને બે મહિનામાં સ્ક્રિપ્ટ તૈયાર કરવા કહે છે. એ પછી એને ગમશે તો સ્ક્રિપ્ટ રાખશે નહિતર બીજા કોઈની સ્ક્રિપ્ટ પસંદ કરશે. આ એવો સમય હતો કે જ્યારે લેખકોને સ્ક્રીપ્ટ માટે ક્રેડિટ આપવામાં આવતી નહિ. નિર્માતા સ્ક્રિપ્ટ ખરીદી લેતો અને લેખકને માત્ર આર્થિક વળતર મળતું. 

ફિલ્મની શરૂઆત મૅન્ક અને સ્ટાફના ફાર્મહાઉસ પર પહોંચવાથી થાય છે. શરૂઆતમાં જ નાયક કેટલો વિચિત્ર છે એ દર્શાવતા દ્રશ્યો છે. એ બોલે તે લખવા માટે સાથે આવેલી લેખિકાને એ સીધું જ કહે છે કે એનો પતિ યુદ્ધમાંથી પાછો આવે એવી શકયતા નહીવત છે કેમકે એ જે વિમાન ઉડાવે છે એ એકદમ ભંગાર છે. મૅન્કને દારૂની આદત છે. એની વાઇફને એ ‘બિચારી’ કહીને સંબોધે છે. કોઈને પણ મોઢા પર ચોખ્ખું સંભળાવી દેવાની એને ટેવ છે. લેખક હોવાના નાતે એના અવલોકનો કાયમ ચોટડુક હોય છે. આ કારણે તે પાર્ટીઓમાં કાયમ આકર્ષણનું કેન્દ્ર બનતો રહે છે. એની રીત-રસમો વિચિત્ર છે. એક વખત પોતાના એક લેખક મિત્રને સ્ક્રિપ્ટ લખવાના કામ માટે બોલાવવા એણે આ મુજબનો તાર કરેલો- ‘લાખો કમાવાની તક છે અને તારા હરીફો માત્ર ગધેડાઓ હશે. જલ્દી આવી જા’. આવો વિચિત્ર માણસ હોવા છતાં એ પોતાના કામમાં નિષ્ણાત છે. ‘વિઝાર્ડ ઑફ ઑઝ’ જેવી પ્રખ્યાત ફિલ્મની સ્ક્રિપ્ટ એણે સુધારી હતી. 

ફિલ્મ સતત વર્તમાન અને ભૂતકાળમાં સતત આંટા માર્યા કરે છે. વર્તમાનમાં મેન્કની સ્ક્રિપ્ટ લખવાની તકલીફો છે તો ભૂતકાળમાં એના જીવનની વાતો છે. એની પ્રતિભાને કારણે એક અખબારી સામ્રાજ્યનો માલિક અને સ્ટુડિયોનો માલિક એને સાચવતા. જેમ જેમ કથા આગળ વધતી જાય છે એમ એમ પ્રેક્ષકોને ખબર પડે છે કે મૅન્ક માટે આ સ્ક્રીપ્ટ એક યુદ્ધ લડવાની રીત છે. એ એક ભ્રષ્ટ અને આપખુદ તંત્ર સામે લડવા માટે શબ્દોનો ઉપયોગ કરી રહ્યો છે. મૅન્કની બુદ્ધિક્ષમતાની કિંમત ઘણાએ ચૂકવી હોય છે. આ કિંમત શું હોય છે? શું મૅન્ક બે મહિનામાં સ્ક્રિપ્ટ પૂરી કરે છે? શું એનું યુદ્ધ એ જીતે છે? આ જાણવા તમારે નેટફ્લિક્સ પર ફિલ્મ જોવી રહી. 

ફિલ્મમાં એક બીજી વાત પણ છે. ફિલ્મ સત્તા અને પૈસાનો ઉપયોગ કરીને શક્તિશાળી લોકો કેવી રીતે સામાન્ય માણસોના જીવન સાથે રમે છે એની વાત બહુ હળવી શૈલીમાં કરે છે. ફિલ્મને તમે પાર્ટીમાં આવેલા કોઈ દારૂડિયા સાથે સરખાવી શકો કે જે હસતા હસતા જીવનનું કોઈ સત્ય કહી જાય. 

ફિલ્મમાં મૅન્કના મદારી તરીકે બે વ્યક્તિઓ છે. એક છે એમ.જી.એમ. સ્ટુડિયોના સ્થાપક લુઈસ મેયર અને બીજો છે અખબારી સામ્રાજ્યનો માલિક વિલિયમ હર્સ્ટ. આ બન્નેને મૅન્ક ગમે છે કેમકે એની કટાક્ષપૂર્ણ વાતો એમને મજા કરાવે છે. મૅન્ક માટે આ બન્ને માત્ર પૈસા મેળવવાનું સાધન છે. હર્સ્ટની ગર્લફ્રેન્ડ અને અભિનેત્રી મૅરીયોન ડેવિસ માટે મૅન્કને સોફ્ટ કોર્નર છે. એ તેની સાથે ફરતો રહે છે. એને મારીયોન કાયમ ભોળી લાગે છે. મૅન્ક અને આ પાત્રોના સંબંધોમાં એક ચૂંટણીના કારણે પરિવર્તન આવે છે. એના પરિણામે જ ‘Citizen Kane’ ફિલ્મની સ્ક્રિપ્ટનો જન્મ થાય છે. ફિલ્મમાં મૅન્કના લગ્નજીવનની વાત બહુ ઓછા દ્રશ્યો વડે સચોટ રીતે કહેવાઈ છે. પત્ની સારાહ વિચિત્રતાઓથી ભરેલા મૅન્કની તાકાત છે. બન્ને વચ્ચેની સમજણનું ઘણું સુંદર ચિત્રણ નિર્દેશકે કર્યું છે. જેના માટે મૅન્કને સોફ્ટ કોર્નર છે એવી અભીનેત્રી મૅરીયન પાર્ટી છોડીને જતી રહે છે ત્યારે મેન્ક એની પાછળ જવાની રજા માંગવા પત્ની સામે જુએ છે અને પેલી હસીને રજા આપે છે. આ બન્ને વચ્ચેની સમજણનું જરાય બોલકું ન લાગે એવું ચિત્રણ છે.

ફિલ્મ સત્યઘટનાઓ પર આધારિત છે. ફિલ્મના મોટાભાગના પાત્રો પણ ચાલીસના દાયકામાં હોલીવુડના પ્રસિદ્ધ લોકો હતા. ફિલ્મના નિર્દેશક ડેવિડ ફિન્ચરે આખી ફિલ્મ બ્લેક-એન્ડ-વ્હાઈટમાં બનાવી છે. આ કારણે ચાલીસના દાયકાની કોઈ ફિલ્મ જોતા હોય એવો અનુભવ થાય છે. 

ફિલ્મમાં મૅન્કની  ભૂમિકા ગૅરી ઑલ્ડમેને ભજવી છે. ગૅરી હાલ બાંસઠ વર્ષના છે. એમણે ભજવેલું પાત્ર માત્ર બત્રીસ વર્ષનું છે. તેમ છતાં ક્યાંય પણ પ્રેક્ષકોને ગૅરીની સાચી ઉંમરનો ખ્યાલ નથી આવતો. આ વર્ષના ‘બેસ્ટ એકટર’ માટેના ઑસ્કર માટે ગૅરી પ્રબળ દાવેદાર છે. 

ફિલ્મ આજની વ્યવસ્થા પર કટાક્ષ છે. આજે પણ મીડિયા, રાજકારણીઓ અને ઉદ્યોગપતિઓ સત્તા કે પૈસાનો ઉપયોગ કરીને પોતાનો સ્વાર્થ સાધે છે જયારે સામાન્ય માણસ નિસહાય બનીને જોતો રહે છે. ખોટો પ્રચાર ભલભલાના વિચારો બદલી શકે. હાલની પરિસ્થિતિમાં આ ફિલ્મની વાત સચોટ રીતે બંધ બેસે છે. ‘નિર્બલ કે બલ રામ’ જેવું કશું હોતું નથી. દુનિયા માત્ર ‘જેની લાઠી એની ભેંસ’ના નિયમ પર ચાલે છે.

છેલ્લી રિલ
મૅન્ક – હું આટલો વિચિત્ર છું તો તું મને છોડી કેમ નથી દેતી?
સારા – કેમકે તારી સાથેના જીવનમાં મને ક્યારેય કંટાળો નથી આવ્યો. 
(સુખી લગ્નજીવન માટેની ચાવી આપતો આ ફિલ્મનો એક સંવાદ).


12 thoughts on “Mank : એક વાંદરા અને મદારીઓની કથા – નરેન્દ્રસિંહ રાણા