માણસાઈની મહેક – નિલેશ પટેલની ગઝલનો જિતેન્દ્ર પ્રજાપતિ દ્વારા આસ્વાદ 1


માણસાઈની મહેક

જાતથી બહાર નીકળાયું છે, 
કેટલું વિસ્તરી જવાયું છે.

મુઠ્ઠી ખોલીને ખૂબ રાજી છું, 
મુક્ત અંધારથી થવાયું  છે.  

ટીકા કરવાનું  છોડ, ટેકો કર, 
એ પૂજા કરતા પણ સવાયું છે.   

આવો પરવાનગી વગર આવો
જે રીતે સ્વપ્નમાં અવાયું છે.   

ધૂળ ચાલી ગઈ પવન સાથે, 
કાંકરાથી રહી જવાયું છે. 

– નિલેશ પટેલ

ગુજરાતી ગઝલના આકાશમાં અત્યારે અનેક તારલાઓ ટમટમી રહ્યા છે. આ તારલાઓમાં અમુક તારલા એવા છે જેમણે પોતિકા પ્રકાશથી દુનિયાને અજવાળી છે. નિલેશ પટેલ પણ આવા જ એક તેજસ્વી તારક છે. સુરત પાસે આવેલા સાયણમાં નિવાસ કરતાં આ કવિ મૂળ કચ્છના વતની છે. ‘આગ પર અક્ષર લખીએ’ નામે કવિએ એક ગઝલ સંગ્રહ પણ આપણા ભાષા સાહિત્યને આપ્યો છે. પરોપકારનો સ્પર્શ કરાવતી કવિની પ્રસ્તુત ગઝલ એક નવું પરિમાણ સાધે છે.

જાતથી બહાર નીકળાયું છે,        
કેટલું  વિસ્તરી  જવાનું  છે. 

ખુદમાંથી પર થવાની વાત કરીને કવિએ ગઝલને ઉઘાડ આપ્યો છે. પોતાનામાંથી બહાર નીકળવું ખૂબ અઘરું છે. આપણા ખુદના રાગ-દ્વેષ, ગુણ-અવગુણ આ તમામે તમામ મર્યાદાઓને છોડીને બહાર નીકળવાની વાત કવિએ આપણને કરી છે. ખુદમાંથી બહાર નીકળ્યા પછી મળતી મોકળાશને કવિએ નવા જ અર્થમાં મમળાવી છે. પોતાની કામયાબી અને સફળતા પાછળના રહસ્યને કવિએ જાણે કે આ શે’રમાં છતું કરી દીધું છે.

મુઠ્ઠી ખોલીને ખૂબ  રાજી છું,
મુક્ત  અંધારથી  થવાયું  છે.

આપણી ગુજરાતી ભાષામાં કહેવત છે કે’બાંધી મુઠ્ઠી લાખની’ આ કહેવતને કવિનો આ શેર ખોટી સાબિત કરે છે. કહેવત ખોટી ઠરે છે એ વાતનો વસવસો કવિએ  પ્રબળ પુરાવો આપીને દૂર કરી દીધો છે. બંધ મુઠ્ઠીને ખોલવાથી કવિ પોતે અંધારથી મુક્ત થયા છે,એ વાત તો સ્પષ્ટ છે. પણ કવિની મુઠ્ઠીમાં કેદ રહેલા અંધારને પણ આઝાદી મળી છે એ વાત માર્મિક રીતે અહીં વર્ણવાઈ છે.

ટીકા કરવાનું  છોડ, ટેકો કર,
એ પૂજા કરતા પણ સવાયું છે. 

માનવતાની મહેક આપણને કવિના પ્રસ્તુત શે’રમાં સચોટ રીતે અનુભવવા મળે છે. ટીકા કરવાની છોડી માનવીને ટેકો કરવાની વાત કવિએ અહીં વર્ણવી છે. માણસજાતનો જે મૂળભૂત ધર્મ છે, એ ધર્મનો મહિમા કવિએ કર્યો છે. માણસ માણસને કામ આવે એ ઈશ્વરની પૂજા કરતા પણ સવાયું છે, એ વાત તાર્કિક રીતે રજૂ થઈ છે.              

આવો, પરવાનગી વગર આવો,
જે રીતે  સ્વપ્નમાં અવાયું  છે. 

ઊંઘની સરખામણી મૃત્યુ સાથે કરવી હોય તો કરી શકાય, પણ આ બંનેમાં જે ભેદરેખા છે તે છે સ્વપ્ન. સ્વપ્ન માણસને જીવંત હોવાનો ભાસ કરાવે છે. સ્વપ્નમાં આવવા જવા માટે પરવાનગીની જરૂર પડતી નથી. એ વાતનો કવિએ અહીં વિસ્તાર કર્યો છે. પોતાનું પ્રિયપાત્ર જેટલી સહજતાથી સ્વપ્નમાં પધારે છે એટલી જ સહજતાથી પ્રિયપાત્રને જિંદગીમાં પધારવાનું આમંત્રણ કવિ પાઠવે છે.

ધૂળ ચાલી ગઈ પવન સાથે,
કાંકરાથી રહી જવાયું છે.

નિર્મળ અને નિર્લેપ થઈને જીવવાની મજા જ અલગ છે. વજનદાર કાંકરો પોતાના સ્થાને જ પડ્યો રહે છે. જ્યારે ધૂળનું હોવાપણું હવાની સાથે ચોતરફ છવાઈ જાય છે.       

માનવતાનો માર્મિક સ્પર્શ પામેલી અને માણસ જાતને અલગ રીતે જીવવાનો સંદેશ આપતી કવિની  પ્રસ્તુત ગઝલમાંથી પસાર થતાં આનંદ અનુભવાય છે. 

– જિતેન્દ્ર પ્રજાપતિ


આપનો પ્રતિભાવ આપો....

One thought on “માણસાઈની મહેક – નિલેશ પટેલની ગઝલનો જિતેન્દ્ર પ્રજાપતિ દ્વારા આસ્વાદ