નીતિશતકના મૂલ્યો (૪) – ડૉ. રંજન જોશી 2


નીતિશતક ભર્તુહરીના ત્રણ પ્રસિદ્ધ શતકમાંથી એક છે જેમાં નીતિ સંબંધી સો શ્લોક છે, બીજા બે શતક છે શૃંગારશતક અને વૈરાગ્યશતક. સંસ્કૃતના અભ્યાસુ અને વિદ્વાન ડૉ. રંજન જોશી નીતિ શતકના શ્લોકોને તેના અર્થ અને વિસ્તાર સહ આ સ્તંભ અંતર્ગત સમજાવે છે. આજે પ્રસ્તુત છે શ્લોક ૧૧ થી ૧૩ ના અર્થ સહ વિસ્તાર.

शक्यो वारयितुं जलेन हुतभुक् छत्रेण सूर्यातपो
नागेन्द्रोनिशितांकुशेन समदो दण्डेन गौर्गर्दभः।
व्याधिर्भेषजसंग्रहैश्च विविधैः मन्त्रप्रयोगैर्विषं
सर्वस्यौषधमस्ति शास्त्रविहितं मूर्खस्य नास्त्यौषधम् ।। ११ ।।

અર્થ :- આગને પાણીથી બુઝાવી શકાય, તાપને છત્રથી નિવારી શકાય, અંકુશથી હાથીને વશ કરી શકાય, દંડથી બળદ અને ગર્દભને અંકુશમાં રાખી શકાય, વિવિધ પ્રકારની ઔષધિઓથી રોગોને નષ્ટ કરી શકાય, વિવિધ મંત્રથી વિષ દૂર કરી શકાય. દરેકનું ઔષધ શાસ્ત્રવિહિત છે, પણ મૂર્ખનું કોઈ ઔષધ નથી.

વિસ્તાર :- શાર્દૂલવિક્રીડિત છંદમાં રચાયેલા પ્રસ્તુત શ્લોકમાં ભર્તૃહરિ જણાવે છે કે પ્રત્યેક ઔષધિ શાસ્ત્રવિહિત છે, પરંતુ જે જન્મજાત મૂર્ખ છે તેને મૂર્ખતામાંથી છોડાવનાર એક પણ ઔષધ મળતું નથી. મૂર્ખતા એ અસાધ્ય રોગ છે. ઉપરોક્ત તમામ મુશ્કેલીઓને ઉપાય દ્વારા નિવારી શકાય પરંતુ મૂર્ખની મૂર્ખતા દૂર કરવાનો એક પણ ઉપાય નથી. તેથી જ સંસ્કૃતમાં કહેવાયું છે કે

पोतो दुस्तरवारिराशितरणे दीपोऽन्धकारागमे
निर्वाते व्यजनं मदान्धकरिणां दर्पोपशान्त्यै सृणिः।
इत्थं तद्भुवि नास्ति यस्य विधिना नोपायचिन्ता कृता
मन्ये दुर्जन चित्तवृत्तिहरणे धातापि भग्नोद्यमः।। हितोपदेश २/१६५

આ પૃથ્વી પર એવી કોઈ વસ્તુ નથી જેનો વિધાતાએ ઉપાય ન સર્જ્યો હોય. તેમણે દુસ્તર સમુદ્રને પાર કરવા માટે વહાણ, અંધકાર માટે દીપક, હવા ન હોય તેવા સ્થાન માટે પંખો, મદમસ્ત હાથીને વશમાં રાખવા માટે અંકુશ વગેરેનું નિર્માણ તો કર્યું છે પરંતુ દુષ્ટજનોનું હૃદય પરિવર્તન કરવામાં તો તેમની પણ હિંમત ખૂટી જાય છે.

શેક્સપિયર પણ ‘As you like it’ માં લખે છે કે મૂર્ખ સ્વયંને બુદ્ધિમાન માને છે પરંતુ બુદ્ધિમાન સ્વયંને મૂર્ખ માને છે. – The fool doth think he is wise, but the wise man knows himself to be a fool.

આથી, બુદ્ધિમાન લોકોએ આવા વ્યક્તિ, સમાજ કે સમુદાય સાથે વાદવિવાદ કરવો જોઈએ નહીં. જે મનુષ્ય આવો વ્યર્થ પ્રયત્ન કરે છે તેના માટે ‘ભામિની વિલાસ’માં લખ્યું છે કે

हालाहलं खलु पिपासति कौतुकेन
कालानलं परिचुचुंबिषति प्रकामम् ।
व्यालाधिपं च यतते परितब्धुमद्धा
यो दुर्जनं वशयितुं तनुते मनीषाम् ॥

જે વ્યક્તિ કોઈ દુર્જનને પોતાના વશમાં કરવા ઇચ્છે છે, તે કૌતુકવશ વિષ પી રહ્યો હોય છે. કાલાગ્નિને વારંવાર ચૂમી રહ્યો હોય છે, તક્ષકને ગળે લગાવી રહ્યો હોય છે. આમ, દરેક વસ્તુનું નિવારણ શક્ય છે પણ મૂર્ખતાનું નહીં.

Advertisement

साहित्यसंगीतकलाविहीनः
साक्षात्पशुः पुच्छविषाणहीनः।
तृणं न खादन्नपि जीवमानः
तद्भागधेयं परमं पशूनाम् ।। १२ ।।

અર્થ :- જે મનુષ્ય સાહિત્ય, સંગીત અને કલાથી વિહીન છે તે પૂંછડા અને શીંગડા વિનાના સાક્ષાત્ પશુ સમાન છે. ઘાસ ન ખાવા છતાં તે જીવે છે તે આવા પશુઓનું પરમ સૌભાગ્ય છે.

વિસ્તાર :- પ્રસ્તુત શ્લોક ઈન્દ્રવજ્રા છંદમાં રચાયેલો છે. ભર્તૃહરિ યોગી છે છતાં વિદ્યાપ્રિય અને કલારસિક છે. અહીં તે જીવનની સાર્થકતાના ત્રણ સૂત્ર જણાવે છે. ૧) સાહિત્ય, ૨) સંગીત અને ૩) કલા. આ ત્રણ વિનાના મનુષ્ય અને પશુ વચ્ચે એટલો જ ભેદ છે કે આવો મનુષ્ય ઘાસ ખાધાં વિના પણ જીવે છે. આમ, આ શ્લોક દ્વારા ભર્તૃહરિએ ભારતીય સંસ્કૃતિના ઘરેણાંરૂપ સાહિત્ય, સંગીત અને કલાની ચર્ચા કરી છે.

સાહિત્ય :- સાહિત્ય એટલે કોઈ પણ ભાષાની જીવન મૂલ્યવર્ધક, નીતિવર્ધક વાંચન સામગ્રી. ભારતીય સંસ્કૃતિમાં પુરાણો, ઉપનિષદો, વેદો, મહાકાવ્યો, નાટકો  વગેરેને સાહિત્યમાં સમાવિષ્ટ કરવામાં આવે છે. સાહિત્ય વિશે મહાનુભાવો શું કહે છે?

सच्चे साहित्य का निर्माण एकांत चिंतन और एकान्त साधना में होता है|
– अनंत गोपाल शेवड़े

साहित्य का कर्तव्य केवल ज्ञान देना नहीं है , परंतु एक नया वातावरण देना भी है।
– डा सर्वपल्ली राधाकृष्णन

સંગીત :- સંગીતી સંસ્કૃત ભાષાનો શબ્દ છે. સંગીત = સમ્ + ગીત, સમનો અર્થ સમાન-બરાબર રીતથી અને ગીતનો અર્થ છે ગાવું, અર્થાત્ ઉત્તમ રીતે ગાવું એનું નામ સંગીત. सम्यक् प्रकारेण गीयते इति संगीत। મહાકવિ કાલિદાસે અભિજ્ઞાન શાકુંતલમાં વર્ણવ્યા પ્રમાણે गीतं वाद्यं नर्तनं च त्रयं संगीतमुच्यते। ગીત, વાજિંત્ર અને નૃત્ય એ ત્રણેય મળીને સંગીત કહેવાય છે. પંડીત દામોદરકૃત સંગીતદર્પણમાં કહ્યું છે કે ગીત, વાદ્ય અને નૃત્ય ત્રણેયનો સામાન્ય ગુણ મનોરંજન છે. આથી સંગીતમાં રક્તિગુણ અનિવાર્ય છે. ભરત મુનિએ ભરતનાટયશાસ્ત્રમાં गान्धर्वं त्रिविधं विद्यात् स्वरतालपदात्मकम् । અર્થાત્ સ્વરાત્મક, તાલાત્મક તથા પદાત્મક એટલે સંગીત. એ રીતે સંગીતની વ્યાખ્યા આપી છે.

સૂર, લય અને તાલનો સમન્વય એટલે સંગીત. હિંદુસ્તાની સંગીત પ્રણાલીમાં હાર્મોનિયમ, સિતાર, વાંસળી, તબલાં, ઢોલ, તાનપૂરો, ખંજરી, મૃદંગ વગેરે અનેક વાજિંત્રોનું જ્ઞાન આપવામાં આવે છે, જેના સતત અભ્યાસ દ્વારા જીવ અને શિવ વચ્ચે સામીપ્ય સાધી શકાય.

સંગીતનું મહત્વ દર્શાવતા નેપોલિયન જણાવે છે, “Music is what tells us that the human race is greater than we realize.” લૂથર જણાવે છે, “Music is the art of the prophets and the gift of God.” આમ, સાહિત્ય, સંગીત અને કલા મનુષ્યત્વ પ્રદાન કરનાર બાબતો છે. તેથી જ કહેવાયું છે કે

Advertisement

काव्यशास्त्रविनोदेन कालो गच्छति धीमताम्।
व्यसनेन तु मूर्खाणां निद्रया कलहेन वा।।

કલા :- કલા શબ્દનો પ્રયોગ કદાચ સૌથી પહેલાં ભરતના “નાટ્યશાસ્ત્ર”માં જ થયો હોય એમ મળી આવે છે. પછીથી વાત્સ્યાયન અને ઉશનસ જેવા ઋષિઓએ ક્રમશ: પોતાના ગ્રંથ “કામસૂત્ર” તેમ જ “શુક્રનીતિ”માં કલાનું વર્ણન કર્યું હતું. “કામસૂત્ર”, “શુક્રનીતિ”, જૈન ગ્રંથ “પ્રબંધકોશ”, “કલાવિલાસ”, “લલિતવિસ્તર” ઇત્યાદિ બધા ભારતીય ગ્રંથોમાં કલાનું વર્ણન પ્રાપ્ત થાય છે. અધિકતર ગ્રંથોમાં કલાઓની સંખ્યા ૬૪ જેટલી છે એવું માનવામાં આવેલું છે. “પ્રબંધકોશ” ઇત્યાદિમાં ૭૨ કલાઓની સૂચી મળી આવે છે. “લલિતવિસ્તર”માં ૮૬ કલાઓનાં નામ ગણાવવામાં આવેલાં છે. પ્રસિદ્ધ કાશ્મીરી પંડિત ક્ષેમેંદ્રે પોતાના ગ્રંથ “કલાવિલાસ”માં સૌથી અધિક સંખ્યામાં કલાઓનું વર્ણન કર્યું છે. એમાં ૬૪ જનોપયોગી, ૩૨ ધર્મ, અર્થ, કામ, મોક્ષ, સંબંધી, ૩૨ માત્સર્ય-શીલ-પ્રભાવમાન સંબંધી, ૬૪ સ્વચ્છકારિતા સંબંધી, ૬૪ વેશ્યાઓ સંબંધી, ૧૦ ભેષજ, ૧૬ કાયસ્થ તથા ૧૦૦ સાર કલાઓની ચર્ચા છે. સૌથી અધિક પ્રમાણિક સૂચી “કામસૂત્ર”માં આપવામાં આવેલી છે.

“કામસૂત્ર” અનુસાર ૬૪ કળાઓ નિમ્નલિખિત છે:

(1) ગાયન,
(2) વાદન,
(3) નર્તન,
(4) નાટય,
(5) આલેખ્ય (ચિત્રકલા અને લખાણ),
(6) વિશેષક (મુખાદિ પર પત્રલેખન),
(7) ચોકમાં રંગ પૂરણી, અલ્પના,
(8) પુષ્પશય્યા બનાવવી,
(9) અંગરાગાદિલેપન,
(10) પચ્ચીકારી,
(11) શયન રચના,
(12) જલતંરગ વાદન (ઉદક વાદ્ય),
(13) જલક્રીડ઼ા, જલાઘાત,
(14)શ્રુંગાર (મેકઅપ),
(15) માલા ગૂઁથન,
(16) મુગટ રચના ,
(17) વેશ પરિવર્તન,
(18) કર્ણાભૂષણ રચના,
(19) અત્તર આદિ સુગંધદ્રવ્ય બનાવટ,
(20) આભૂષણધારણ,
(21) જાદૂગરી, ઇંદ્રજાળ,
(22) અરમણીય ને રમણીય બનાવવું,
(23) હાથની સફાઈ (હસ્તલાઘવ),
(24) રસોઈ કાર્ય, પાક કલા,
(25) આપાનક (શરબત બનાવવું),
(26) સૂચીકર્મ, સિલાઈ,
(27) કલાબત,
(28) કોયડા ઉકેલ,
(29) અંત્યાક્ષરી,
(30) બુઝૌવલ,
(31) પુસ્તક વાંચન,
(32) કાવ્ય-સમીક્ષા કરવી, નાટકાખ્યાયિકા-દર્શન,
(33) કાવ્ય-સમસ્યા-પૂર્તિ,
(34) વેણી બનાવવી,
(35) સૂત્તર બનાવટ, તુર્ક કર્મ,
(36) કંદોઇ કામ,
(37) વાસ્તુકલા,
(38) રત્નપરીક્ષા,
(39) ધાતુકર્મ,
(40) રત્નોની રંગપરીક્ષા,
(41) આકર જ્ઞાન,
(42) બાગવાની, ઉપવનવિનોદ,
(43) મેઢ઼ા, પક્ષી આદિની લડાઈ,
(44) પક્ષીઓને બોલતા શીખવવું,
(45) માલિશ કરવું,
(46) કેશ-માર્જન-કૌશલ,
(47) ગુપ્ત-ભાષા-જ્ઞાન,
(48) વિદેશી કલાઓનું જ્ઞાન,
(49) દેશી ભાષાઓનું જ્ઞાન,
(50) ભવિષ્યકથન,
(51) કઠપૂતલી નર્તન,
(52) કઠપૂતલીના ખેલ,
(53) પુનઃ કથન
(54) આશુકાવ્ય ક્રિયા,
(55) ભાવ બદલીને કહેવું
(56) છલ કપટ, છલિક યોગ, છલિક નૃત્ય,
(57) અભિધાન, કોશજ્ઞાન,
(58) મહોરું બનાવવું (વસ્ત્રગોપન),
(59) દ્યૂતવિદ્યા,
(60) રસ્સાકસી, આકર્ષણ ક્રીડા,
(61) બાલક્રીડા કર્મ,
(62) શિષ્ટાચાર,
(63) વશીકરણ અને
(64) વ્યાયામ.
આ ઉપરાંત ધર્મને પણ મનુષ્યનો વિશેષ ગુણ ગણવામાં આવે છે. આથી જ કહેવાયું છે કે

आहार-निद्रा-भय-मैथुनं च
सामान्यमेतद् पशुभि: नराणाम् ।
धर्मो हि तेषामधिको विशेष:
धर्मेणहीना: पशुभि: समाना: ।।

— ડૉ. રંજન જોષી

ડૉ. રંજન જોશીના અક્ષરનાદ પરના આ સ્તંભ ‘નીતિશતકના મૂલ્યો’ ના બધા લેખ અહીં ક્લિક કરીને માણી શકાશે.

Advertisement

આપનો પ્રતિભાવ આપો....

2 thoughts on “નીતિશતકના મૂલ્યો (૪) – ડૉ. રંજન જોશી