શબ્દ રૂપી બ્રહ્મની સમજણ – શ્રદ્ધા ભટ્ટ 6


વાક્ એ આ સૃષ્ટિનું મૂળ તત્વ છે. નિરુક્ત શાસ્ત્રમાં વાક્ નો એક પર્યાય સરસ્વત પણ છે. સરસ્વતી વાગ્દેવી પણ કહે છે. सरौ विविधम ज्ञानम विद्यते यस्याम चितौ सा सरस्वती। જેના ચિત્તમાં દરેક પ્રકારનું જ્ઞાન વિદ્યમાન છે તે સરસ્વતી. કેવું જ્ઞાન? सरस्: ज्ञानम અર્થાત પ્રશંસિત જ્ઞાન. જેની પ્રશંસા સમાજમાં કરી શકાય એવું જ્ઞાન.

वाग वै ब्रह्म : વાક્(ગ) એટલે કે વાણી અથવા શબ્દ જ બ્રહ્મ છે. વાક્ – શબ્દ, બોલ, ભાષા. સંસ્કૃત શબ્દ છે વાચ. સંપૂર્ણ સંસારને ગતિશીલ રાખવા માટે શબ્દ જરૂરી છે. વાક્ શબ્દના લગભગ ૫૭ પર્યાયમાંનો એક એટલે શબ્દ.

દૈનિક જીવનમાં વપરાતા શબ્દોને બે ભાગમાં વહેંચીએ તો એક થાય વ્યક્ત અને બીજો ભાગ થાય અવ્યક્ત. જે સ્પષ્ટ બોલી શકીએ એ વ્યક્ત અને જે સ્પષ્ટ રીતે બોલી ન શકીએ, મનમાં વિચારીએ એ અવ્યક્ત. શબ્દ વિષે આટલી પ્રાથમિક માહિતી આપ્યા બાદ ફરી આવીએ વાક્ પર. 

चत्वारि वाक् परिमिता पदानि तानि विदुब्राह्मणा ये मनीषिण:।
गुहा त्रीणि निहिता नेङ्गयन्ति तुरीयं वाचो मनुष्या वदन्ति।
(ऋग्वेद-1-164-45)

ઋગ્વેદના ઉપરોક્ત સૂક્ત અનુસાર વાક્ ના ચાર ચરણ છે – પરા, પશ્યન્તિ, મધ્યમા અને વૈખરી. આમાંથી ત્રણ ચરણ ગુપ્ત રહે છે અને ચોથું ચરણ વૈખરી એ મનુષ્યની ભાષા છે. વળી શતપથ બ્રાહ્મણમા કહ્યું છે –

वागेय विश्वा भुवनानि जज्ञे वाच इत्सर्वममृतं यच्च मर्त्यम् |

વાક્ એ આ સૃષ્ટિનું મૂળ તત્વ છે. મનુષ્ય લોકનું અમૃત એટલે વાક્. વેદ, ઉપનિષદ, બ્રાહ્મણ ગ્રંથો લગભગ દરેકમાં વાક્ નો મહિમા કરેલો છે. વાક્ છે શું? આપણે જે બોલીએ એ વાણી, પણ વાક્ એનાથી થોડું જૂદું પડે છે. કઈ રીતે? 

વાક્ ના ચાર ચરણ છે – પરા, પશ્યન્તી, મધ્યમા અને વૈખરી. વૈખરી એટલે જે આપણે બોલીએ એ. મનુષ્યોની ભાષા. બાકીના ત્રણ ચરણની ભાષાઓ આત્મસાત કરવી થોડી અઘરી છે. અઘરી એટલા માટે  કેમ કે એ ત્રણેય ચરણમાં સંવાદ માટે જરૂરી અક્ષરો,શબ્દો કે વાક્યો વપરાતા જ નથી, અથવા તો શબ્દોનો ઓછામાં ઓછો ઉપયોગ થાય છે! મધ્યમા, પરા અને પશ્યન્તી – આ ત્રણેયના ય અલગ અલગ સ્તર છે. મધ્યમા વાક્ એટલે જેમાં શબ્દોનું ઉચ્ચારણ ન હોય પણ સંકેતો દ્વારા માહિતીનું આદાનપ્રદાન થાય. કહે છે કે, ચેહરો એ તમારા વ્યક્તિત્વનો અરીસો છે. ચેહરો વાંચીને કોઈની મનસ્થિતિનું અનુમાન લગાવી શકાય છે. ચહેરા પરના હાવભાવ અને ખાસ કરીને આંખોની ભાષા થકી થતા સંવાદમાં કંઈ કહેવા કે સાંભળવાની જરૂર રહેતી જ નથી. મધ્યમા વાક્ દ્વારા શબ્દોની મદદ વિના પણ વ્યક્તિ એકબીજાના મનની વાત જાણી શકે છે. ‘તારો ચહેરો જ કહે છે, તું ઠીક નથી!’ કોઈ વ્યક્તિ સાથેનું અદમ્ય તાદાત્મ્ય આપણને કયારેક આવું કહેવા પ્રેરે છે. આ થયું, વાક્ નું પ્રથમ સ્તર. જે બે વ્યક્તિના પારસ્પરિક સાંકેતિક સંવાદમાં ભાષાથી ઉપર ઊઠીને સાધ્ય થઈ શકે. 

પરા વાક્ – મનમાં સતત ચાલતા વિચારો એટલે જ પરા. મનમાં સૂક્ષ્મ સ્તરે ચાલતા વિચારો ચહેરા પર મોટેભાગે દેખાતા નથી, પણ એનો પ્રભાવ બીજા પર પડ્યા વિના રહેતો નથી. પરાના સ્તર સુધી પહોંચવું અઘરું છે. પરા વ્યક્તિગત સ્તરે પ્રાપ્ત ન થઇ શકે. પરાને મંદિરમાં કરાતા ધૂપ સાથે સરખાવી શકાય. નાની એવી ધૂપસળી સમગ્ર મંદિરના વાતાવરણને પવિત્રતા અને શુદ્ધતાની આભાથી ભરી દે છે એ જ રીતે પરાના સૂક્ષ્મ તરંગો એની આસપાસ રહેલા લોકો સુધી પહોંચે છે અને એમને પરોક્ષ પ્રેરણા આપે છે. ગુંબજમાં પડઘાતો અવાજ સાંભળ્યો છે? એના શબ્દો ભલે ને કાન સુધી ન પહોંચે પણ એનું સ્પંદન સ્પર્શે જરૂર. પરા વાક્ એટલે પ્રાણ દ્વારા આસપાસના સમગ્ર વાતાવરણ સાથે થતી સ્પંદન રૂપી વાતચીત. ઋષિઓના આશ્રમમાં વાઘ અને બકરી એક જ તળાવનું પાણી પીએ એ પરા વાક્ નું  પ્રત્યક્ષ ઉદાહરણ ગણી શકાય. જેટલી સીમામાં પરા વાક્ નું  ગુંજન રહે એટલી સીમામાં પ્રાણીઓ વચ્ચે અહિંસા અને પ્રેમનો ભાવ બની રહે.  જે રીતે પરા વાક્ દ્વારા પ્રેમભાવ અને પવિત્રતાનો પ્રચાર થઈ શકે એ જ રીતે વેરભાવ પણ પ્રસરે. એટલે જ કહ્યું છે – સંગ તેવો રંગ. ‘તું ખોટું કામ કર.’ આવું કહેવું નથી પડતું. આપોઆપ એની સંગતની અસર થઈ જતી હોય છે. 

પશ્યન્તી – આ છે વાક્ નું સર્વોચ્ચ સ્તર. પશ્યન્તીને સાધ્ય કરવા મૌનનો અભ્યાસ બહુ જરૂરી છે. આત્માથી નીકળી આત્મા સુધી પહોંચવું એટલે પશ્યન્તી. પશ્યન્તી આત્માથી ઉદ્ભવે અને આત્માઓને પોતાના આકારમાં  ઢાળી દે. રાવણ પર વિજય મેળવ્યા પછી લંકામાં રાજ્ય સ્થાપના કરવામાં ઋષિઓનો ફાળો ઘણો મહત્વનો રહ્યો હતો. લંકાની સમગ્ર અસૂરી પ્રજાને જયારે ધર્માત્મા બનાવવાની વાત આવી ત્યારે ઋષિઓએ પશ્યન્તીના વિસ્તારનો મહાઅનુષ્ઠાન સંપન્ન કર્યો હતો. (સંદર્ભ – वैदिक चिन्तन में वाक् – त्रिभुवननाथ शुक्ल )

પશ્યન્તી અત્યંત તેજોમય છે. એનો પ્રભાવ દૂરગામી હોય છે. બહોળા સમુદાયની વિચારસરણીમાં સ્થાયી પરિવર્તન લાવવા માટે વૈખરી નહિ, પશ્યન્તીની જરૂર પડે છે. કંઈ જ બોલ્યા વિના ફક્ત આંતરિક પ્રેરણાના આદાનપ્રદાન થકી જ પશ્યન્તી જનસમુદાય પર ધારી અસર કરી શકે છે. ફક્ત વિચારોના માધ્યમથી આસપાસના વાતાવરણમાં એવા તરંગો ઉત્પન્ન કરવા જે સમષ્ટિને બદલવામાં સહાયરૂપ થાય – ફક્ત મૌન ધારણ કરવાથી જ આ શક્ય ન બને. મૌન એ સમજણ અને ધ્યાનની સૌથી ઉચ્ચ અવસ્થા છે. ચરિત્રની શુદ્ધતા સાથે ઉમદા ધ્યેયની પ્રાપ્તિ માટે કરેલી સાધનને અંતે જે અવસ્થા પ્રાપ્ત થાય એ છે મૌનની ઉચ્ચતમ સ્થિતિ.

ભગવદગીતા અનુસાર આત્મા માયાના ત્રણ શરીરોથી ઘેરાયેલો રહે છે. સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર અને કારણ શરીર. સ્થૂળ શરીર એટલે જેનો સ્થૂળ રીતે અનુભવ થઇ શકે એ. પાંચ મહાભૂતોથી બનેલો માનવદેહ. મન, બુદ્ધિ, ચિત્ત એ થયું આપણું સૂક્ષ્મ શરીર. સૂક્ષ્મ શરીરને સ્પર્શીને એનો અનુભવ ન કરી શકાય છતાં સ્થૂળ શરીર કરતાં સૂક્ષ્મ શરીર વધુ બળવાન છે. આપણા મનમાં ચાલતા વિચારો અનુસારની ક્રિયાઓ સ્થૂળ દેહ કરે છે. ત્રીજું છે કારણ શરીર. કારણ શરીર સૂક્ષ્મ અને સ્થૂળ શરીરોનું કારણ છે, તેથી તેને કારણ શરીર કહેવાય છે. સૂક્ષ્મ અને સ્થૂળ શરીર એના કાર્ય છે. કારણથી ઉત્પન્ન કાર્ય નષ્ટ થવા પર તે કારણમાં જ લીન થઈ જાય છે. જેવી રીતે માટી રૂપ કારણથી ઘડા રૂપી કાર્ય ઉત્પન્ન થયું અને એ ઘડો નષ્ટ થવા પર તે માટીમાં જ લીન થઈ જાય છે.

ત્રણ શરીરો વિશેની આ માહિતી પછી હવે વાત પશ્યન્તીના સાક્ષાત્કારની. પશ્યન્તીનું ઉદ્ભવસ્થાન છે માનવમનનું અંત:કરણ. એનો પ્રભાવશાળી પ્રભાવ ઉત્પન્ન કરવા માટે જરૂરી છે કે સ્થૂળ શરીર દ્વારા થતી ક્રિયાઓ, સૂક્ષ્મ શરીરનું  ચિંતન અને કારણ શરીરના ભાવો ઉચ્ચ કોટિના જ હોય. આ ત્રણેય શરીરની સંયુક્ત સર્વોત્તમ અવસ્થા જ પશ્યન્તી વાણીના નિર્માણ માટે જવાબદાર છે.

મંત્રની ચમત્કારિક ક્ષમતા જેના ઉચ્ચારણ પર આધારિત છે એને વાક્ કહે છે. વાક્ શક્તિને વિકસિત કરવા માટે મન, વચન અને કર્મને પવિત્ર અને શુદ્ધ કરવું પડે કે જેથી બોલાયેલો દરેક શબ્દ સાચા અર્થમાં ફળીભૂત થાય. આટલી પવિત્રતાથી બોલેલો મંત્ર અવશ્ય સફળ થાય જ. વાક્ અને વાણી વચ્ચે આ મુખ્ય તફાવત છે. મન,વચન અને કર્મની પવિત્રતા વાક્ નો મુખ્ય આધાર છે. વાણી તો કોઈ પણ બોલી શકે, પરંતુ વાક્ ના ઉચ્ચારણ માટે શુદ્ધ અને પવિત્ર મનસ્થિતિ હોવી અત્યંત આવશ્યક છે.

વાણી અને વાક્ વિશે આટલી વિસ્તૃત ચર્ચા શા માટે? ઋગ્વેદમાં વાગ્દેવીની સ્તુતિ કરેલી છે. પ્રથમ મંડળના ત્રીજા સૂકતમાં કહ્યું છે –

पावका नः सरस्वती वाजेभिर्वाजिनीवती।
यज्ञं वष्टु धियावसुः।।

નિરુકત શાસ્ત્રમાં વાક્ નો એક પર્યાય સરસ્વતી પણ છે. સરસ્વતીને વાગ્દેવી પણ કહે છે. સરસ્વતીનો અર્થ સમજવા જેવો છે અહીં.

सरौ विविधम ज्ञानम विद्यते यस्याम चितौ सा सरस्वती।

જેના ચિત્તમાં દરેક પ્રકારનું જ્ઞાન વિદ્યમાન છે તે સરસ્વતી. કેવું જ્ઞાન? सरस्: ज्ञानम અર્થાત પ્રશંસિત જ્ઞાન. જેની પ્રશંસા સમાજમાં કરી શકાય એવું જ્ઞાન.

જે અંત: પ્રેરણા અને પ્રકાશથી સમૃદ્ધ છે (वाजेभि – वार्जिनिवती), વૈચારિક રીતે જે ઐશ્વર્યવાન (धियावसु:) છે, જે યજ્ઞને ધારણ કરે છે (यज्ञं वष्टु) તેવી સરસ્વતી અમને સૌને પવિત્ર કરે (पावका नः सरस्वती). અહીં સરસ્વતીનો અર્થ ફક્ત વાણી કે ભાષા નહિ, પરતું વાક્ ના જે ત્રણ સ્વરૂપો છે એમાનું સૌથી ઉમદા અને પ્રભાવકારી સ્વરૂપ એટલે કે પશ્યન્તી વાણી. સરસ્વતી મનુષ્યની ક્રિયાશીલ ચેતનામાં એટલો પ્રચંડ પ્રવાહ ઉત્પન્ન કરે છે કે જેનાથી આપણા બધા જ વિચારો પ્રકાશમાન થઈ જાય છે. આ ચેતના સુધી પહોંચવા માટે શ્રમ કરવો પડે છે. સરસ્વતીની આ સ્તુતિ દ્વારા મધુચ્છંદા ઋષિ કહે છે કે અમને એવી અંત: પ્રેરણા મળે જેનાથી અમારા વિચારો હંમેશાં સત્ય પ્રતિ જાગૃત રહે. સત્યની પ્રતીતિ થતાં જ મન, વચન અને કર્મ પણ સંતુલિત થઈ જવાના! સરસ્વતીની સ્તુતિ એટલે અંત: કરણમાં સત્યની જ્યોત પ્રજ્વલિત કરવા તરફનું પ્રયાણ.

પશ્યન્તીના સાક્ષાત્કાર દ્વારા પ્રાપ્ત થયેલી સત્ય પ્રત્યેની સમજ મનના શુદ્ધ વિચારો સુધી દોરી જાય. પરા થકી સ્પંદિત થયેલા શુદ્ધ વિચારોની છાયામાં રહીને બોલાતી વૈખરી નામની સામાન્ય વાણી પણ અંતે વાક્ ની કક્ષાએ પહોંચી જ જાય! સરસ્વતીના આહ્વાન અને સ્તુતિ પાછળનો ગૂઢાર્થ છે – પોતાની વાણીને પવિત્ર કરવા માટેની જાતની સજ્જતા.  

સંદર્ભ ગ્રંથો –

  • वैदिक चिन्तन में वाक् की अवधारणा (त्रिभुवननाथ शुक्ल)
  • आचार्य भर्त्तुहरि की त्रयीवाग अवधारणा (डॉ. सदानन्द त्रिपाठी)
  • वैदिक ऋषिकाओं के मन्त्रो में निहित तत्वज्ञान (डॉ. अर्चना कुमारी दुबे)
  • ऋग्वेद संहिता
  • भगवद्गीता

– શ્રદ્ધા ભટ્ટ

બિલિપત્ર

સૌને ગમે એવી વાણી બોલવા કરતાં સત્યનાં પક્ષે રહેતી વાણી ઈશ્વરને વધુ ગમે.


Leave a Reply to Shirish M. DaveCancel reply

6 thoughts on “શબ્દ રૂપી બ્રહ્મની સમજણ – શ્રદ્ધા ભટ્ટ

  • Neha

    પશ્યન્તિ અને કારણ શરીરના કનેક્શન વિશે પહેલી વખત ખબર પડી. વૈખરી અને પશ્યન્તિ…. કાશ માઈક પકડીને બોલતા વકતાઓ આ બે નો ભેદ સમજી શકે! . ખૂબ ખૂબ સરસ આર્ટિકલ. આ કોમેન્ટ કરવા ત્રીજી વખત વાંચ્યો
    સરસ્વતી દેવી ગુગલ બાબા સાથે મળીને ઈચ્છે છે કે વાક દેવી વિશે મારું જ્ઞાન મજબૂત થાય.
    . પહેલી બે વખત વાંચી ને કોમેન્ટ લખી એ આવી જ નહીં

  • જયેન્દ્ર ઠાકર

    આપણી સંસ્ક્રુતિ અને સાહિત્યમાં જિવ અને તેના પ્રક્રુતિ સાથેના સંબંધો વિશે ઘણું લખાયું છે. વાક વિશે જે તમે લખ્યું તેથી જણાય છે કે સામાન્ય સમજણ તો Icebergની ટોચ જેવી જ છે. જેમ વાક્ બ્રહ્મ છે કે સરસ્વતી છે, તેમ વાણી એ માત્રીકા શક્તિ છે. એટલે તેનો ઉદ્ભવ એ દિવ્યનો પ્રસવ છે. એટલે જ ભાષાનું મુળ, અવિનાશી શક્તિ અથવા “અક્ષર” છે.

  • Meera Joshi

    વાણી તો કોઈપણ બોલી શકે પરંતુ વાકના ઉચ્ચારણ માટે શુદ્ધ અને પવિત્ર મનોસ્થિતિ હોવી જરૂરી છે. ખૂબ સાચું..
    સરળતાથી વિસ્તૃત સમજ આપી.