કોલકાતામાં માણેલા લગ્નો અને કોલકાતાની ચટાકેદાર વાનગીઓ! – હરસુખ રાયવડેરા 3


કોલકાતાની બીજી એક સારી વાત એ છે કે બધી વાનગીઓના ભાવ પણ અહીં વ્યાજબી છે. અહીં રહેતા મજૂરો ૩૦ રૂપિયામાં ભરપેટ દાળ, ભાત અને રોટલી ખાઈ શકે છે. અને એટલે જ ભારતના કોઈ પણ શહેર કરતાંં ગરીબ લોકોની વસ્તી અહી વધારે છે. અહી બસના ભાડા પણ ઘણાંં ઓછા છે.

૧૯૬૨ માં મહાજનવાડી અસ્તિત્વમાં આવી. એ દિવસોમાં લોહાણા બધા બડાબજારમાં જ રહેતા. ત્યારે લગ્ન પ્રસંગો માટે કોઈ સારી વાડી નહોતી. સમાજના અગ્રણીઓની મહેનતથી આ વાડી બન્યા બાદ લોહાણાઓ માટે આશીર્વાદરૂપ પુરવાર થઈ. એ વખતમાં નાના મોટા સૌ આ વાડીમાં જ લગ્ન પ્રસંગો માટે આવતા હતાંં. પણ ૧૯૮૦ પછી લોકોનું વલણ બદલાયું. પાર્કિંગની જગ્યા ન હોવાથી અને પોલીસ હેડક્વાર્ટર તથા કચરાયાર્ડ સામે જ હોવાથી ત્યાં લગ્નપ્રસંગો ઓછા થવા લાગ્યા.. બીજું મહાજન વાડીમાં રહેવા માટે કોઈ રૂમ વગેરેની વ્યવસ્થા નહોતી એ પણ એક મોટું કારણ હતું પ્રસંગો ઓછા થવાનું. ઉચ્ચ વર્ગીય લોકો, ભવાનીપુરમાં રહેવા ગયા બાદ લક્ષ્મીનારાયણ મંદિર અને ગુજરાત સમાજમાં લગ્ન કરવાનું પસંદ કરવા લાગ્યા. જો કે મહાજનવાડીનું ભાડું ખૂબ જ ઓછું હોવાથી અને મુખ્ય વિસ્તારમાં હોવાથી મધ્યમવર્ગીય લોકો માટે તે હજુ પણ આશીર્વાદ સમાન જ છે.

હવે ત્યારના ગુજરાતી પરિવારોની જમણવાર પધ્ધતિની વાત. ૧૯૬૫ પહેલા જમણવાર કરાવવા માટે કેટરર વગેરે નહોતા અથવા તો ઓછા હતા. લોકો રસોઈના મહારાજને તેના માણસો સાથે જ રાખી લેતા. આગલે દિવસે ઘરના લોકો શાકભાજી અને અનાજ લઈ આવીને તૈયારી કરવામાં લાગી જતાં. ઘરનાં બે ચાર જણ ત્યાં રોકાઇ પણ જતાં અને ધ્યાન રાખવાની સાથે સાથે શાકભાજી સુધારવામાં પણ મદદ કરતાંં. ત્યારે બુફે સિસ્ટમ નહોતી. લોકોને નીચે બેસાડીને પાટલા થાળી ઉપર જમાડતા. પીરસવાવાળા પણ પરિવારના જ સભ્યો અથવા તો મિત્રો રહેતા. એમાં પણ પરણવાલાયક છોકરાઓને ખાસ પીરસવા મોકલતા કે જેથી બધાની નજરે પડે. પરણવાલાયક છોકરીઓને પણ તૈયાર કરીને ખાસ સ્ત્રીઓની પંગતમાં પીરસવા મોકલતા. આનો એક ફાયદો એ હતો કે પીરસનાર છોકરો અને છોકરી એકબીજાના પરીવારની નજરમાં આવી જતા! જો પરિવારને પસંદ પડે તો પછી સંબંધ માટેની વાત આગળ વધતી.

fashion people woman art
Photo by Suman Karmakar on Pexels.com

જમણવારમાં જ બપોરના ત્રણ ચાર વાગી જતા. ખૂબ તાણ કરી કરીને પંગતને જમાડતા. છેલ્લે ભાત પીરસવા પહેલાંં, ઘરના વડીલ બધાને મોઢામાં મીઠાઈના બટકા ખવડાવવા નીકળતા. જમણવારની મીઠાઈમાં ત્યારે ગુજરાતી લોકો લાડવા અને મોહનથાળ રાખતા. કોણ વધારે લાડવા ખાઈ શકે છે તેની હરીફાઈ થતી! ખાવાવાળા અને ખવડાવવાવાળા બંંને વચ્ચેની આ હરીફાઈ જોઈને મજા આવતી! લોકોને પણ ખવડાવવામાં ત્યારે ખૂબ આનંદ આવતો. હવે તો બધું જ બદલાઈ ગયું છે. મીઠાઈઓ બદલાઈ ગઈ છે. લાડવાની જગ્યાએ નવી નવી મીઠાઈઓ આવી ગઈ છે. મહારાજની જગ્યાએ કેટરર આવી ગયા છે. બેસવાની જગ્યાએ બુફેમાં ઉભા ઉભા ખાવાની સિસ્ટમ આવી ગઈ છે. થાળીની જગ્યાએ પ્લેટો આવી ગઈ છે. મોઢામાં બટકા આપવાની પ્રથા સમાપ્ત થઈ ગઈ છે. બટકા આપવાનો આગ્રહ કરવા જાવ તો લોકો પણ હવે નારાજ થઈ જાય છે. પહેલા લગ્નનાં સમારંભો ચાર ચાર દિવસો સુધી ઉજવવામાં આવતા. લોકો પાસે પૈસા હોય કે ન હોય પણ ઉત્સાહ ખૂબ હતો, સમય હતો, સંબંધો હતાં, લાગણી હતી. હવે તો સમય પણ નથી અને એટલી શારીરિક શક્તિ પણ નથી! સૌ જલ્દી જલ્દી પ્રસંગ પતાવીને પોતાના કામમાં વ્યસ્ત થઈ જવા માંગે છે. પહેલા ઘરની સ્ત્રીઓ લગ્ન પ્રસંગે ફટાણા (લગ્નનાંં ગીતો) ગાતી. આ ફટાણામાં સામસામે વેવાઈઓના ઘરના સભ્યોની મજાક કરતા ગીતો ગવાતા. વરરાજાના મા બાપને ફટાણામાં અલગ અલગ નામ દેવામાં આવતા. સામે છોકરીવાળાઓની પણ ખૂબ મજાક ઉડાવવામાં આવતી. છતા કોઈને ખોટું લાગતું નહી. ઉલટું બધા આવા ફટાણાંં – ગીતોનો ભરપૂર આનંદ લેતા!

અને હવે ?

હવે તો જો કોઈ આવા ગીતો ગાય તો લગ્ન સંબંધ જ તૂટી જાય!

એ વખતના ફટાણાંં આવા હતા..
“જેવા છાણમાંના કીડા
એવા પન્નાવહુના વીરા
નાણાંવટી રે સાજન બેઠું માંડવે. “
કે
“વેવાંણ, આઘી રે’ આઘી, તારી ઘાઘરી ગંધાય…”

કોલકાતાની ચટાકેદાર વાનગીઓ !

કોલકાતામાં ૧૯૬૦ સુધી ડિનર કે લંંચ માટે લોકો પાસે માત્ર એક જ વિકલ્પ હતો, રેસ્ટરન્ટ. તે દિવસોમાં રસ્તાઓમાં ખાવા પીવાના સ્ટોલ કે ઠેલા બહુ જ ઓછા હતાંં. રડ્યા ખડયા એકાદ બે ઠેલા દેખાતા. બહુ બહુ તો મસાલામૂડી અને સમોસાવાળા વધારે દેખાતા. ૧૯૬૫ પછી આ ઠેલાવાળા ખૂબ જ વધી ગયા. એનું મુખ્ય કારણ હતું સામ્યવાદી સરકારે ફેરિયાઓને આપેલી છૂટ. આ છૂટને હિસાબે દરેક રસ્તાઓ ઉપર સામાન વેચતા ફેરિયાઓ તો વધી જ ગયા સાથે ખાવા પીવાના ઠેલા પણ ધીરે ધીરે વધતાંં ગયા. મુખ્યત્વે આ બધા ઠેલાવાળા ઉત્તરપ્રદેશ અને બિહારના જ હતાંં. દરેક જગ્યાએ જાતજાતની વાનગીઓ દેખાવા લાગી. સતનારાયન પાર્કમાં તો આવા ઠેલા ખૂબ વધી ગયા. આમેય મારવાડી ગુજરાતી ખાવા પીવાના શોખીન હોય જ છે અને ધીરે ધીરે આ શોખ બંગાળીઓમાં પણ પ્રસરી ગયો. દરેક જગ્યાએ ખાઉં ગલી ખુલી ગઈ.

હવે આપણે વાત કરીએ કઈ જગ્યાએ કઈ સારી વાનગી મળે છે તેની..

સતનારાયન પાર્ક પાસે તિવારી બ્રધર્સની બે દુકાનો છે. તેઓ કોલકાતામાં મીઠાઈ અને સમોસા માટે પ્રખ્યાત થઈ ગયા છે. તેઓની મીઠાઈ આખા કોલકાતામાં વખણાય છે. મીઠાઈની દુકાનમાં આખો દિવસ લોકોની ભીડ લાગેલી જ હોય. તેમની રસદાર મીઠાઈ ખાધા પછી બીજી
મીઠાઈ ખાવાની ઈચ્છા જ ન થાય. તેમની સતનારાયન પાર્કની મોટી દુકાનમાં ૧૯૭૦ થી તેમણે એક રેસ્ટરેન્ટ પણ ખોલી નાખી છે. અને તેનું એક કારણ છે સતનારાયન પાર્કમાં વધી ગયેલી સ્ત્રીઓની ભીડ!

આ જગ્યાએ સતનારાયન ભગવાનનું એક ખૂબ જૂનું મંદિર આવેલું છે. અહી ૧૯૯૦ સુધી એક પાર્ક પણ હતો. એને તોડીને એ જગ્યાએ એક અંડર ગ્રાઉન્ડ માર્કેટ ખૂલી ગઈ છે. ઉપર એક ગ્રીન પાર્ક (જે માત્ર શોભા જ વધારે છે!) અને નીચે માર્કેટ. આ આખો એરિયા જ સતનારાયન પાર્ક તરીકે ઓળખાય છે. આ એરિયામાં બધી ચીજોની દુકાનો છે. આખા કલકતાની અને બહારની સ્ત્રીઓની અવરજવર ચાલુ જ હોય. આ બધું જોઈને તિવારીએ અહીં પણ એક રેસ્ટૉરન્ટ ખોલી નાખી. તેની આ મોટી દુકાનના સમોસા અત્યંત પ્રખ્યાત થઈ ગયા. બીજા કરતાંં તેના સમોસાના ભાવ ખૂબ વધારે છે. શુદ્ધ ઘીમાં બનતા આ સમોસા કોલકાતા જાવ ત્યારે જરૂર ખાવા જોઈએ. જીવનભર યાદ રહી જશે તેનો સ્વાદ.

અહી મલિક સ્ટ્રીટમાં કાલી ગોડાઉનની નીચે એક બુંદી વાળાની જુની દુકાન છે. તેની જલેબી પ્રખ્યાત છે. દશેરાને દિવસે અમારી ઘરે તેની જલેબી અને અંબિકાના ગાઠીયા ખાસ મંગાવતા.! અમરતલ્લા સ્ટ્રીટ એટલે ગુજરાતીઓનો અડ્ડો. અહીં આખો દિવસ તમને કોઈને કોઈ ગુજરાતી સ્ત્રી દેખાઈ જ જાય. અહીં કોલકાતાની એક જૂની બાગરી માર્કેટ આવેલી છે. અહીં ચીજો જથ્થાબંધના ભાવમાં છૂટકમાં વેચાય છે તો ક્યારેક છૂટકના ભાવમાં જથ્થાબંધ પણ વેચાઈ જાય છે! ખૂબ જાણીતું છે આ માર્કેટ! આ માર્કેટની બહાર ખાવાની વાનગીઓના સ્ટોલ લાગેલા છે. આખો દિવસ અહીં ખાવાવાળાની ભીડ હોય છે. અહીં ૨૨ અમરતલ્લાની નીચે એક ચાટવાળો બેસે છે. સરસ ચાટ બનાવે છે. એ ચાટ વાળાનો ફોટો પણ અહીં આપેલો છે. આ સિવાય કોલકાતામાં સાઉથ ઈન્ડિયન, નોર્થ ઇન્ડિયન, પાંંવભાજી , ચાઈનિઝ, છોલા પેટીસ અને બીજી અનેક વાનગીઓના ઠેલા જોવા મળશે. આ બધું ખાઈને પછી રેલીસનુ પ્રખ્યાત રોઝ સિરપ કે ખસ સિરપ પીવું હોય તો રેલીસની પોતાનું કાઉન્ટર પણ એમ. જી રોડ પર છે. ઘણો જૂનો એક કુલ્ફીવાળો એની બાજુમાં જ બેસે છે. જો ગાંંઠિયા ખાવા હોય તો મલ્લિક સ્ટ્રીટમાં અંબિકા સ્વીટ્સના ગાંંઠિયા જરૂર ખાવા જોઈએ. બપોરે જો બહાર જમવાની ઈચ્છા થાય તો કોલકાતા
સ્ટોક એક્સચેન્જ પાસે ઘણાંં કાઉન્ટર મળી જશે. બેસવા માટે ત્યાં બાંકડાની સરસ વ્યવસ્થા પણ છે. પનીર અને બીજી બધી જાતના શાક, કઠોળ પણ અહીં આરામથી મળી જશે. પરોઠા, તંદુરી રોટી કે બ્રેડ પકોડા વગેરે જે માંગો તે અહીં મળી જશે.

કોલકાતાની બીજી એક સારી વાત એ છે કે બધી વાનગીઓના ભાવ પણ અહીં વ્યાજબી છે. અહીં રહેતા મજૂરો ૩૦ રૂપિયામાં ભરપેટ દાળ, ભાત અને રોટલી ખાઈ શકે છે. અને એટલે જ ભારતના કોઈ પણ શહેર કરતાંં ગરીબ લોકોની વસ્તી અહી વધારે છે. અહી બસના ભાડા પણ ઘણાંં ઓછા છે. રાતના બહાર નિકળશો તો શહેરની ફુટપાથો ઉપર ઘણા માણસો સૂતેલા દેખાશે. ખેર આ આડવાત થઈ.

વાનગીઓની વાત કરીએ ત્યારે અહીંંનું હૉટેલ કલ્ચર પણ ભૂલી શકાય નહી. અહીંનો પાર્ક સ્ટ્રીટનો એરિયા આખો હોટલો – રેસ્ટોરન્ટથી ભરેલો છે. શહેરની પ્રખ્યાત રેસ્ટોરેન્ટ બધી અહીં આવેલી છે. વર્ષો પહેલાંં – આઝાદી પહેલા અહીં માત્ર અંગ્રેજો જ રહેતા. ત્યાર પછી અહી એન્ગલો ઇન્ડિયન આવી ગયા. આ વિસ્તારમાં એટલે જ ક્રિશ્ચિયન લોકોની રહેણીકરણી વધારે જોવા મળે છે. પહેલા રાતના મોડે સુધી લોકો અહીં ટહેલતા રહેતા. સામ્યવાદી સરકાર આવ્યા પછી પરિસ્થિતિ ખરાબ થવાથી એ બધું બંધ થઈ ગયું. કોલકાતાની પ્રખ્યાત ગાયિકા ઉષા ઉત્થ્યુપ અહીંંની જ એક રેસ્ટોરન્ટમાં ગીતો ગાઈને આગળ વધી હતી. ઉષાનું ગીત હરિ ઓમ હરિ પણ સૌને યાદ હશે જ!

શહેરની પ્રખ્યાત સેન્ટ ઝેવયર્સ કૉલેજ અહીં આવેલી છે. આ વિસ્તાર અહીની નાઇટ લાઇફ માટે ખૂબ જ પ્રખ્યાત છે. અપર્ણા સેનની પ્રખ્યાત ફિલ્મ ૩૬ ચૌરંગી લેનની વાર્તા પણ અહીં જ આકાર પામેલી છે અને તેનું શૂટિંગ પણ આ વિસ્તારમાં જ થયું હતું.

અહીની રેસ્ટોરન્ટના ભાવ બીજા વિસ્તારો કરતા મોંઘાં છે. બીજું આ બધી હોટલોમાં બાર પણ સાથે હોવાથી એવા લોકો વધારે આવતા હોય છે જેમને ખાવાની સાથે પીવાનો પણ શોખ હોય. જો કે ફેમિલી માટે અને જેમને પીવાનો શોખ ન હોય તેમના માટે બેસવાની અલગ વ્યવસ્થા પણ કરેલી હોય છે. નાતાલના દિવસોમાં અહીંનો નજારો જોવા જેવો હોય છે. આખો વિસ્તાર રંગબેરંગી રોશનીથી ઝગમગતો હોય છે. મોડી રાત સુધી પીપુડી વગાડતા વગાડતા લોકો ટોપી પહેરીને ફરતા હોય છે. હોટેલોમાં બેસવાની પણ જગા મળતી નથી.

કોલકાતામાં રહેવા છતાં આ વિસ્તારમાં હું બહુ ઓછું ફર્યો છુંં. એ.સી માર્કેટમાં દુકાન
હતી ત્યારે અહીની ફ્ર્રી સ્કૂલ સ્ટ્રીટની હોટલમાં ઉતરતા લોકો પાસે ચોકલેટ વગેરે ખરીદવા ઘણીવાર જવું પડતું.આ દિવસોનું, મારા એ. સી. માર્કેટના દિવસોનું એ ચિત્ર આજ પણ નજર સામે ખડું થઈ જાય છે.

કેટલા મધુર હતા એ દિવસો! એ દિવસોની એ મધુર યાદ ને કારણે જ મારા આ લેખ આકાર પામ્યા છે.

— હરસુખ રાયવડેરા


આપનો પ્રતિભાવ આપો....

3 thoughts on “કોલકાતામાં માણેલા લગ્નો અને કોલકાતાની ચટાકેદાર વાનગીઓ! – હરસુખ રાયવડેરા