મારા ક્ષેમ કુશળની જવાબદારી ઉઠાવીશ ને? – નીલમ દોશી 1


હે પરમાત્મા, હવે જયારે હું મારી જાત વિશે સભાન બન્યો છું, એક નવી રીતે જીવવાનો નિશ્વય કર્યો છે ત્યારે હું મારા અવગુણોને દૂર કરવા કટિબધ્ધ બનીશ. જોકે એ કામ કંઇ રાતોરાત નથી થવાનું. પણ હવે મારા જીવનનું સુકાન તને સોંપવું છે.

પરમ સખા પરમેશ્વરને.. : ૪

અબ સૌંપ દિયા ઇસ જીવનકા, સબ ભાર તુમ્હારે હાથોમેં,
હૈ જીત તુમ્હારે હાથોમેં, ઔર હાર તુમ્હારે હાથોંમેં.

હે પરમાત્મા, હે મારા પરમ સખા, આજથી મેં મારા જીવનનો ભાર, બધી જવાબદારી તને સોંપી છે. તારા માર્ગદર્શન નીચે, તારી ઇચ્છા મુજબ કાર્ય કરતા રહેવું એટલી જ મારી ફરજ. તું મને જે કંઇ પણ કામ સોંપીશ એ દિલ રેડીને, પૂરી પ્રામાણિકતાથી કરવાનું વચન આપું છું પછી તો હે સખા, તું મારી જવાબદારી ઉઠાવીશ ને? પછી મારા કામમાં તારે મને સફળતા આપવી કે નિષ્ફળતા એ તારી ઉપર જ નિર્ભર રહેશે. તેં મારે માટે જે નિર્માણ કર્યું હશે તેને હું કોઇ ફરિયાદ સિવાય સ્વીકારીને, તારી મરજી સમજીને માથે ચડાવીશ. હે ઇશ્વર, પછી તો તું મારો દોસ્ત બની રહીશ ને?

મારું મન અનેક જાતના સામાનથી ખીચોખીચ ભરેલું છે. એમાં કદાચ અનેક  જન્મારાનો કચરો એકઠો થયેલો છે, સાંભળેલું વાંચેલું,જોયેલું, માનેલું અને સ્વીકારેલું એવા અનેક કચરા એમાં સંચિત થયેલા છે. રાગ, દ્વેષ, મોહ, માયા, વેર, ઝેર, કટુતા, ઇર્ષ્યા, શત્રુતા વગેરે અનેક પૂર્વગ્રહોના તાણાવાણામાં મારું મન અટવાયેલું રહેતું હોય છે. એ હું જાણું છું. એમાં સારા વિચારો ઓછા છે અને નરસા વિચારોનું પ્રમાણ ઘટવાને બદલે દિવસે દિવસે વધતું રહે છે. બીજા કોઇ પાસે નહીં પણ તારી પાસે તો મારે એ વાતનો સ્વીકાર  કરવો જ રહ્યો ને? આમ પણ તું તો અંતર્યામી છો. તારાથી હું શું છૂપાવી શકવાનો હતો?

Photo by Jignesh Adhyaru

પરંતુ હે પરમાત્મા, હવે જયારે હું મારી જાત વિશે સભાન બન્યો છું, એક નવી રીતે જીવવાનો નિશ્વય કર્યો છે ત્યારે હું મારા અવગુણોને દૂર કરવા કટિબધ્ધ બનીશ. જોકે એ કામ કંઇ રાતોરાત નથી થવાનું. પણ હવે મારા જીવનનું સુકાન તને સોંપવું છે. મારા અંતરના તારને તારી સાથે જોડવા છે. મારા વૈચારિક જગતમાથી હું બધા જ અસત્યોને દૂર રાખવાનો પ્રયાસ કરતો રહીશ કેમકે હે ઇશ્વર, તું જ જીવનનું અંતિમ અને પરમ સત્ય છે એ હું જાણી ચૂકયો છું. મારા હ્રદય સિહાસન પર સદા તારુ જ સ્થાન છે એ જાણી લીધા પછી અંતરમાંથી તમામ અનિષ્ટોને હાંકી કાઢવાનો હું પ્રયત્ન ન કરું તો મારા જેવો મૂરખ બીજો કોણ ગણાય? આમ પણ સફળતા, નિષ્ફળતા તો તને સોંપી જ દીધી છે, પછી મારે શી ચિંતા કરવાની છે? હે પરમ સખા, મારા ક્ષેમ કુશળની જવાબદારી તું ઉઠાવીશ ને?

ચપટીક અજવાળું

ન્હાયે, ધોયે ક્યા ભયા,જો મનકા મૈલ ન જાય,
મીન સદા જલમેં રહે, ધોયે બાસ ન જાય

બાહ્ય સ્વચ્છતાથી, ફકત શારીરિક સ્નાન કરવાની શું વળે ? એનાથી મનનો મેલ દૂર થતો નથી. એમ તો માછલી હમેશા પાણીમાં જ રહે છે ને ? એને લાખ ધોઇએ તો  પણ એની દુર્ગંધ દૂર થતી નથી.મુખ્ય વાત મનનો મેલ, મનના અંધકારને દૂર કરવાની છે.

પ્રાર્થના એટલે..

કોઇના  ઉદાસ હોઠ પર સ્મિત ફરકાવવું,. 

વીજળીના ઝબકારે..

બીજાની ભૂલો શોધીને બતાવવામાં સમય ન બગાડો. તમારી પોતાની ભૂલો સુધારો.

— નીલમ દોશી

અક્ષરનાદ પર દર રવિવારે પ્રસ્તુત થઇ રહેલા નીલમબેન દોશીનાં ઈશ્વરને લખેલા સુંદર સંવેદનાસભર પત્રોનું પુસ્તક ‘પરમ સખા પરમેશ્વરને..’ ના બધા ભાગ અહીં ક્લિક કરીને વાંચી શક્શો.


આપનો પ્રતિભાવ આપો....

One thought on “મારા ક્ષેમ કુશળની જવાબદારી ઉઠાવીશ ને? – નીલમ દોશી