શિક્ષક… બાળમાનસમાં કોતરાઈ જતું એક નામ – ભારતીબેન ગોહિલ 7


શું તમે તમારાં લાડકાં સંતાનો માટે ઉત્તમ વિદ્યાલયની શોધમાં છો? તો માત્ર આલીશાન બિલ્ડિંગ, આધુનિક સુવિધાઓ કે સ્માર્ટ રૂમ્સ જ ન જોશો. બાળકોના વિકાસમાં અત્યંત આવશ્યક એવા આ પાસા પર પણ અચૂક વિચારજો! તમારું અત્યંત સ્નેહ અને લાડથી ઉછરેલું બાળક જેને સોંપવા જઈ રહ્યાં છો ત્યાં કદાચ ભવ્ય આધુનિક સુસજ્જતા નહીં હોય તો ચાલશે પણ તમારાં બાળકને પ્રેમથી હાથ પસવારનારાં સહૃદયી શિક્ષકો જોશે.

સવારનો સમય. નાનકડી કાવ્યાને સખત તાવ ચડેલો. આખી ધ્રૂજે અને ધ્રૂજતી ધ્રૂજતી ભાગે. બોલતી જાય, “મમ્મા..મને નવરાવીને તૈયાર કરી દે. મારે સ્કૂલે જવું છે.” પૂર્વાને આશ્ચર્ય થયું. કાવ્યાને તાવ હતો એટલે પોતે મુશ્કેલી હોવા છતાં ઑફિસમાંથી રજા લીધી અને કાવ્યા? કાવ્યા તો સ્કૂલે જવાની જીદ લઈને બેઠી છે!

પૂર્વાએ તેને સમજાવતા કહ્યું, “તારે તારી ફ્રેન્ડ જિયા પાસે જવું છે ને? હું ફોન કરી દઈશ. તે અહીં આવશે તારી પાસે. અને હું પણ છું આજે ઘરે. રમાદીદી (કાવ્યાને સાંચવનાર આયા)ને આજે છુટ્ટી… ઓકે?” કાવ્યા ઘડીક ચૂપ થઈ ગઈ. પછી હળવેથી બોલી, “મમ્મા.. મારે જિયા પાસે નહીં મારા મેડમ પાસે જવું છે. તું જોજે. એ મને માથે હાથ ફેરવશે એટલે તાવ ભાગી જશે. પહેલા પણ એણે તાવ ભગાડ્યો હતો.”

પૂર્વા તો આ સાંભળીને સ્તબ્ધ થઈ ગઈ. એક મા કરતાં પણ પોતાની લાડકી દીકરીને તેનાં મેડમ પર વધારે શ્રદ્ધા હોઈ શકે તે હકીકત તેની કલ્પના બહારની હતી!

mother helping her daughter use a laptop
Photo by August de Richelieu on Pexels.com

દીકરીના આવા વર્તન પાછળ કઈ બાબત હશે? તે વિચારવા લાગી. ઘણું ઘણું વિચાર્યું પણ તાત્કાલિક કોઈ તારણ પર ન આવી શકી.
જોકે વાત દેખાય છે એટલી સહજ નથી.
વાત સમજાય છે એટલી સરળ નથી.
અને વાત જણાય છે એટલી ટૂંકી પણ નથી.
નાનકડી આ વાસ્તવિક વાતના પગરવ બદલાયેલા સમાજ સુધી પહોંચે છે.

છેલ્લાં કેટલાંક વર્ષોમાં એજ્યુકેશન અને ટેકનોલોજીના ક્ષેત્રમાં જબરું પરિવર્તન આવ્યું છે. ખાસ કરીને બહેનો તમામ અભ્યાસક્રમોમાં જોડાય છે અને સફળતાપૂર્વક પૂર્ણ પણ કરે છે. પોતાના વ્યક્તિગત સ્વપ્નો સાકાર કરવા, મેળવેલ શિક્ષણનો ઉપયોગ કરવા અને પરિવારની આર્થિક સ્થિતિને વધુ સમૃદ્ધ કરવા તે નોકરી કરતી થઈ છે. સમાજ માટે આ પરિવર્તન સુફળ આપનારું નીવડ્યું છે.

પણ કહેવાય છે ને દરેક સ્થિતિને બે બાજુઓ હોય છે. સારી અને નબળી. અહીં એક બાજુ પ્રકાશિત છે તો બીજી બાજુ ભલે થોડાઘણા અંશે પણ તેનાથી વિપરીત સ્થિતિ પણ હોવાની.

પરિવારની જવાબદાર મહિલા જ્યારે વ્યવસાયાર્થે ઘરની બહાર જાય છે ત્યારે તેની સીધી અસર ઘરની વ્યવસ્થા પર પડે છે. ખાસ તો પરિવાર વિભક્ત હોય અને ઘરમાં નાનાં બાળકો હોય ત્યારે. વડીલોની ગેરહાજરીમાં બાળકોને સાચવવા આયા પર આધાર રાખવો પડતો હોય છે.

અહીં પણ એ જ વાત હતી. પૂર્વા પોતાના વ્યાવસાયિક જીવનમાંથી દીકરી કાવ્યા માટે પૂરતો સમય ફાળવી શકતી ન હતી. શક્ય છે કાવ્યાને આ અભાવ અકળાવતો હોય. હા… કાવ્યાની આર્થિક જરૂરિયાતો પૂરેપૂરી સંતોષાતી હતી. પરંતુ કહે છે ને “બાળકને સાધન નહીં સમય જોઈએ છે.” પૈસો માની હૂંફ, લાગણી કે મમતાની તોલે ક્યાંથી આવી શકે?

પણ કાવ્યા માટે એક સદભાગ્યની વાત હતી તેને મળેલ શિક્ષિકાબહેન. અને એટલે જ કાવ્યાએ મમ્મીની અવેજીમાં આયા સાથે રહેવાને બદલે શાળાએ જવાની જીદ પકડી હતી.

બદલાતા સમાજમાં એક પાત્ર અહીં આપણા સૌ માટે આશાનું નવું કિરણ લઈને આવ્યું છે. એ છે શિક્ષકનું પાત્ર!

આમ તો કહેવાય છે કે શિક્ષણ આપે તે શિક્ષક,

જ્ઞાન આપે તે શિક્ષક, કેળવણી આપે તે શિક્ષક, બાળકમાં પડેલાં કૌશલ્યોને વિકસવાની તક આપે તે શિક્ષક. પરંતુ બદલાતા સમયમાં શિક્ષકોની જવાબદારી અહીંથી આગળ વધીને બાળકનાં ભાવજગત સુધી પહોંચતી હોય તેવું લાગે છે.  માતાપિતાની વ્યસ્તતાને કારણે બાળકના જીવનમાં લાગણીનો, હૂંફનો, સલામતીનો, સ્નેહનો અને વિશ્વાસનો જે ખાલીપો સર્જાય છે તે ખાલીપો ભરવાની જવાબદારી શિક્ષકો પર આવી છે.  આમ પણ બાળક પોતાના પરિવારને બાદ કરતા મોટાભાગનો સમય વિદ્યાલયોમાં શિક્ષકોના સાંનિધ્યમાં વિતાવે છે. એ રીતે પણ શિક્ષકની જવાબદારી માતાપિતાની સમકક્ષ આવીને ઊભી રહી છે!

આ સ્થિતિમાં દરેક માતાપિતાને પણ એક ભલામણ કરવી જરૂરી લાગે છે. તમે તમારાં બાળક માટે જ્યારે શાળાની પસંદગી કરવા જાવ ત્યારે માત્ર ભૌતિક સુવિધાઓ, સ્માર્ટ વર્ગખંડો કે આલીશાન બિલ્ડિંગ જોવાને બદલે શાળાનું ભાવાવરણ જોજો.

તમારું અત્યંત સ્નેહ અને લાડથી ઉછરેલું બાળક જેને સોંપવા જઈ રહ્યાં છો ત્યાં કદાચ ભવ્ય આધુનિક સુસજ્જતા નહીં હોય તો ચાલશે પણ તમારાં બાળકને પ્રેમથી હાથ પસવારનારાં સહૃદયી શિક્ષકો જોશે.
તો જ તમારું બાળક ખીલશે.
તો જ તમારું બાળક વિકસશે.
તો જ તમારું બાળક કિલકિલાટ કરતું શાળાએ જશે.

બાળક ઈશ્વરનું એક એવું અનોખું સર્જન છે જેને સારી રીતે સંભાળવું એ મોટેરાંઓ માટે એક પડકારરૂપ કાર્ય છે. તેનું વિસ્મય, તેનાં સપનાં, તેની ઊર્જા અને તેની મહત્વાકાંક્ષા એવાં તો ભરપૂર હોય છે કે તેને સંતોષવા એ વિશાળ આભને મુઠ્ઠીમાં સમાવવા જેવું, દરિયાને આંખમાં સમાવવા જેવું, ટહુકાઓને કેદ કરવા જેવું કે ઝાડને બાથમાં ભરવા જેવું અઘરું કામ છે.

ને પછી તેમાં નિષ્ફળતા મળતા રમેશ પારેખ કહે છે તેવી જ અનુભૂતિ થાય છે.

પાંદડાંને વીણી વીણી થાક્યાં
રે જીવણા મારા, તો યે ન ઝાડ આવ્યું હાથમાં
ટેરવાં ય બોર જેમ પાક્યાં
રે જીવણા મારા, તો યે ન ઝાડ આવ્યું હાથમાં!

ને આમ કરતાં કરતાં કશું હાથમાં ન આવતા બાળક અને બાળપણ આપણા હાથમાંથી ધીરે ધીરે સરકી જાય છે.

આ વાત તો હજુ આપણે નોર્મલ બાળકોની જ કરી કરી રહ્યાં છીએ. બાકી તો અનાથ બાળકો, દિવ્યાંગ બાળકો, અત્યંત મેધાવી બાળકો, લાડમાં ઉછરેલાં બાળકો, અભાવમાં ઉછરેલાં બાળકો, સામાજિક તરછોડાયેલા વર્ગના બાળકો કે માતાપિતાના ઝઘડાના ભોગ બનેલાં બાળકો. જેટલાં બાળકો એટલી વ્યથા ને એ વ્યથાની કહાનીઓ ગણી ગણાય નહીં એટલી!

એની દાસ્તાન પણ કોઈ વાર આલેખીશું.

બિલિપત્ર

એક કિશોરી ચાલુ વર્ગે સ્ટાફરૂમમાં આવી. ગભરાતા અને મૂંઝાતા એણે શિક્ષિકાબહેનને પોતાના પ્રોબ્લેમની થોડી વાત કરી. શિક્ષિકાબહેન થોડામાં પણ ઘણું સમજી ગયાં. પોતાના પર્સમાંથી તેમણે એક પેકેટ કાઢ્યું અને કિશોરીના હાથમાં આપ્યું. બહુ જ પ્રેમથી બધી વિગત સમજાવી. પછી તેને માથે  વહાલભર્યો હાથ મૂક્યો. કિશોરી બધું જ સમજી ગઈ!

થોડીવાર પહેલાં તો તે રડું રડું થઈ રહી હતી એની આંખમાં ઝળઝળિયાં આવી ગયાં. બહેન સામે આભારભરી નજર નાખી એક આત્મવિશ્વાસ સાથે એ બહાર નીકળી.

ઈશ્વરને પ્રાર્થના આપણાં દરેક લાડલાં સંતાનોને આવાં શિક્ષકો પ્રાપ્ત થાય!

— ભારતીબેન ગોહિલ

two girls doing school works
Photo by Pragyan Bezbaruah on Pexels.com

Leave a Reply to bindubenCancel reply

7 thoughts on “શિક્ષક… બાળમાનસમાં કોતરાઈ જતું એક નામ – ભારતીબેન ગોહિલ

  • Parag

    મને મારી શાળાના એકાધીક શિક્ષકો યાદ છે. કેટલાંક એવી અમીટ છાપ મૂકી જાય છે જે કદી ભૂલાય નહીં.ખૂબ સરસ મુદ્દો મૂકયો છે.

  • Mayurika Leuva

    ખરેખર જે બાળકોને આવાં શિક્ષકો મળે એના જીવનનો પાયો મજબૂત જ બનવાનો.
    દરેક શિક્ષકોએ વાંચવા જેવો લેખ.