બીજુ બધ્ધું ભૂલી જાઊં પણ.. – સુષમા શેઠ 3


“એમ કાં? મનેય મારા ઈ વાલથી હાથણી જ કીયે સે. કેસે, પડખું ફર ત્યારે મને ચગદી નો નાખતી. મારી બા તો મને કાયમ કે’કે હાહરીમાં મારી જસ્સી હાવ હુકઈ જઇ.” હ્રષ્ટપુષ્ટ જસુ શરમાઈ જતાં બોલી તે સાંભળી સૌએ ફરી માથું ખંજવાળ્યું.

સુમંગલ સોસાયટીની મહિલાઓની ‘નૉ પ્રોબ્લેમ કીટી ક્લબમાં’ નાનામોટા પ્રોબ્લેમ્સ ઊભા થાય ત્યારે સન્નારીઓના બે જૂથ વચ્ચે હૂંસાતૂંસી પત્યા બાદ કીટીને સ્થાને ટેમ્પરરી કીટ્ટા થઈ જાય. ‘નો પ્રૉબલેમ’ તો નામ માત્ર બાકી…

સૌથી મોટો પ્રોબ્લેમ ભારતીનો હતો. એટલે કે ભારતી પટેલ સોમૈયા પટેલ. ના, ના. ત્રણ અટક ભૂલથી નથી લખાઈ; ભારતી પોતાના નામ પાછળ આ રીતે જ અટક લખે અને લખાવે છે તેની પાછળ એક કરુણ કથની છુપાયેલી છે.

“આયહાય! બીજું બધ્ધું ભૂલી જાઉં છું પણ એને? એને જ નથી ભૂલી શકતી બોલો.” ભારતી ખુરશી પર બિરાજતાં બોલી. તેની મોટી કાળી આંખોમાંથી મોટા મોટા અશ્રુબિંદુ ખરી પડ્યાં. બાજુમાં બેઠેલી ગીતાએ પોતાની પર્સમાંથી ઝટ હાથરૂમાલ કાઢી તેના હાથમાં પકડાવતા કહ્યું, “લે, તું લાવવાનું ભૂલી ગઈ હશે. તારા માટે જ રાઈખો છે. રડીશ નહીં. જે થયું તે ભૂલી જવાનું સમજી?” ભારતીએ રૂમાલ વડે સૂં… સૂં કરી નાક લસીક્યું. આંસુ લૂછ્યા અને ગીતાને “થેંક્યુ” કહી રૂમાલ પાછો આપવા માંડ્યો. કચવાતે મને ગીતાએ, “આ? આ તું જ રાખ. એક ડઝન ભેગા થઈ જાય ત્યારે ધોઈ, ઈસ્ત્રી ફેરવીને પાછા આપજે સમજી.”

“સમજી ગઈ હોં પણ અલી મને યાદ દેવડાવજે. એમાં એવું છે કે હું…” ભારતી વાક્ય પુરું કરે તે પહેલાં બધાં એકબીજાની આંખમાં જોઈ એકસામટા બોલી પડ્યા, “બધ્ધું જ ભૂલી જાઊં પણ એને નથી ભૂલી શકતી બોલો.”

બઘવાએલી ભારતીનું ડૂસકું ગળામાં અટવાઈ જઈ બહાર નીકળવાનું ભૂલી ગયું. પાર્ટીનું વાતાવરણ ન ડહોળાય માટે સરોજે હાઉઝીની ટિકિટો આપી રુપિયા ઉઘરાવવા માંડ્યા. “લાવો બધા પચાસ પચાસ કાઢો.”

સાત મીનીટ સુધી પર્સ ફંફોળી, ભારતીએ ફરી નાનકડું ડૂસકું મૂક્યું. “આયહાય! પર્સમાં એનો ફોટો મૂક્યો પણ પૈસા મૂકતાં જ ભૂલી ગઈ. શું છે કે આજે અહીં આવવાનું હતું તે જ યાદ નહોતું બોલો. એ તો ગીતાનો ફોન આવ્યો કે યાદ છેને? ત્યારે માંડ યાદ આવ્યું કે શું યાદ કરવાનું હતું. બધ્ધું ભૂલી જાઉં છું બસ એક એને જ નથી ભૂલી શકતી બોલો. સવારમાં દરરોજ ગેસ પર દૂધ મૂક્યું હોય તે ઊકળી ઉકળીને ચારેકોર ઊભરાઈ જાય અને બળવાની વાસ ચારે બાજુવાળાને ત્યાં જાય તોય મને યાદ ન આવે બોલો પછી એ લોકો બોલતા આવે કે કાંઈક બળે છે. ત્યારે એમેય કહેવાનુંય યાદ ન આવે કે મારું તો હૈયું બળે છે એની યાદમાં.”

“તે એમાં નવું શું છે?” કેટલાય લિપસ્ટિકવાળા પાતળા હોઠ ગુસપુસ કરતા મલકી ઊઠ્યા.

“ભારતી, તને એક સરળ ઉપાય બતાવું. દરરોજ રાત્રે પાંચ બદામ પલાળી વહેલી સવારે તેમાં એલચી ભભરાવી ચાવી ચાવીને ખાઈ જવી. ખાતી વખતે એક મંત્ર બોલવો, “જે યાદ નથી રાખવાનું તે ભૂલી જાઓ અને જે ભૂલી જાઊં છું તે યાદ રહો. ઓમ યાદશકિતદેવી નમ:” સમજુ સુષમાએ ભારતીને સહાયરૂપ થવા પ્રયત્ન આદર્યો.

“આયહાય પણ એ બધું કોણ યાદ દેવડાવશે?” ભારતી ભવ્ય ચિંતામાં ભરાઈ પડી.

“લે હું તારા સારા માટે કહું છું.” સુષમા પોતાની બેઠક પર સરખી ગોઠવાઈ.

“બદામની બદલે સીંગદાણા હાલે કે? હું છે કે રોજરોજની બદામ બવ મોંઘી પડે. મારો મનુ રોજ ભૂલમાં ને ભૂલમાં પાડોહણના ઘેરે જતો રીયે. અમારા ઘરના બાયણા ડીટ્ટો હરખા. ખાલી માળાનો જ ફરક. ઈનો નીચલો ને મારો ઉપલો.” જસુ બોઈલી સોરી, બોલી.

“તારો તો ઉપલો માળ જ ખાલી છે. બિચારા મનુભાઈનો કાંઈ વાંક નથી. તું તો શીંગદાણા પર મીઠું ભભરાવીને ખા. તારામાં એની જ તાણ છે.” સરલાએ મોટે સાદે કહ્યું એ સાંભળી જસુ સિવાય બધાં હસી પડ્યા.

“કાઢો દાંત કાઢો. બાકી મને હંધુંય યાદ રીયે હા. સરલાડી તારી આ વાતેય બરોબ્બર યાદ રાખીસ.” જસુ ઝઘડવાના મૂડમાં આવી ગઈ.

“એય જબાન સંભાળીને બોલ. સરલાડી કોને કીધું? તારાથી બધી રીતે મોટી છું સમજી?” સરલાનું વોલ્યુમ હાઈ પીચ પર ગયું.

“ઈ મને હમઝાવાની જરુર નથ. હંધુંય હમઝું છું. તમે બવ મોટા માણં તે અમ જેવા નાનાને દબરાવો ઈ નો હાલે. સરલાડી સરલાડી સરલાડી એક વાર નૈ હો વાર કૈસ. તું મોટી હું કરી લેવાની?” આખા શરીરમાં ચરબીના થર ફેલાવી બેઠેલી જસુના અવાજનું વોલ્યુમ કન્ટ્રોલ બહાર જઈ ચારે દિશામાં ફેલાઈ ગયું.

સરલા ઊવાચ: “યુ? ઘણું કરતાં અને બોલતા તો મનેય આવડે છે. યુ જસ્ટ શટ અપ યોર માઉથ. હું તારા જેવી જડસુ ગમાર નથી સમજી?”

“ના. ના આ આખી દુનિયા મંઇ એકલી તું જ હમઝદાર છો. બાકી હંધાય બબૂચક કાં?” જસી સાડીનો છેડો કમર પર ખોસીને ઊભી થઈ ગઈ. તેની સામે સરલા દુપટ્ટો ફંગોળી દઈ ઊભી થાય તે પહેલાં સમજુ સુષમાએ તેનો હાથ ખેંચીને તેને બેસાડી દીધી.

“બહેનો શાંત થાઓ. આપણે સૌના પ્રોબ્લેમ્સ સૉલ્વ કરવા ભેગા થઈને છીએ નહીં કે વધારવા.” કવિતા બોલી.

“એટલે હું એ જ કહેતી હતી સમજ્યા? પણ આ ગમાર નથી સમજતી.” સરલા શાંત ન જ રહી શકી.

“લે વળી પાછી?” સુષમા બેયની વચ્ચે ઊભી રહી ગઈ.

“બોલો હું બધ્ધું ભૂલી જાઊં પણ એને જ નથી ભૂલી શકતી. આયહાય આ શેનો ઝઘડો ચાલે છે?” ભૂલકણી ભારતીએ ગીતાને તદ્દન નિર્દોષભાવે પૂછ્યું.

woman covering her eyes
Photo by Riya Kumari on Pexels.com

“ભૂલી જા.” ગીતાનો ગુસ્સો નાકની લાલ થયેલી ટોચે આવી ગયો. તેણે પર્સમાંથી વધુ એક રૂમાલ કાઢીને પોતાની ખાસ બહેનપણી ભારતીને આપ્યો, “મને રડવું આવે ત્યારે યાદ કરીને આપજે સમજી.”

“આયહાય પણ કેમ?” ભારતી ફરી આસપાસ બેઠેલી ભામાઓની ઊચ્ચ ભાવનાઓની ભ્રમણકક્ષામાં ભૂલી પડી. “પ્લીઝ કે’ને, તું મારી સાથે આવું નૈ કર.”

“રૂમાલ આપ.” ગીતા છલકાતી આંખે બોલી.

વાત જાણે એમ હતી કે ભારતી પટેલને કૉલેજકાળમાં તેની સાથે ભણતા સચિન સોમૈયા જોડે ગાઢ દોસ્તી બંધાઈ ગઈ હતી. ભારતી કરતાંય સચિનને સિગારેટ સાથે વધુ ગાઢ સંબંધો હતાં. ભારતીને તેના ધુમાડા જરાય પસંદ નહોતા. “આયહાય તું સિગારેટ છોડે તો જ હું તને પરણું.” ભારતીએ અલ્ટીમેટમ આપી દીધું.

સચિને સિગારેટ ન છોડી પણ ભારતીને છોડી દીધી. ભારતીની પ્રણયકથાનો ધુમાડો થઈ ગયો અને તેના અરમાનો બળીને રાખ થઈ ગયા. ત્યારથી તેની યાદોની ભૂલભૂલામણીમાં ભટકતી ભારતી ભૂલકણી થઈ ગઈ બોલો!

“હું તો મનોમન એને વરી ચૂકેલી બોલો. એટલે મેં સરનેઈમમાં બધ્ધે સોમૈયા જોડી દીધું. હવે એને તો કેમ ભૂલાય? પણ ઓફિશિયલી એ મને ન પરણ્યો માટે આમ હું પરણેલી પણ આમ ન પરણેલી કહેવાઊં એમાં આમને આમ રહી ગઈ. એ ગયો અને સરનેઈમ આપતો ગયો. આખો દિવસ મૂંઝાતી રહું છું કે હું પરણેલી છું કે નહીં. યાદ જ નથી આવતું. હવે મારે ફરી નથી જ પરણવું. બોલો હું પરણ્યા વગર પરણી ગઈ એ જ યાદ છે. બાકી બધ્ધું ભૂલી જાઊં છું પણ એને…”

ભારતીપુરાણ અટકે તે પહેલાં સૌ એકસામટા બોલ્યાં, “એને નથી ભૂલી શકતી બોલો.”

“હેં? કોણ? હું કોણ? મારું નામ શું? તમે બધા કોણ? હું ક્યાં છું?” ભારતીએ હોલસેલમાં સવાલો પૂછ્યા. ગીતાએ તેનો રીટેલમાં જવાબ વાળ્યો, “ચુઉ…ઉપ.”

“હા, યાદ આવ્યું, હું ભારતી પટેલ. તેને પરણીને સોમૈયા થઈ અને પાછી પટેલ થઈ ગઈ.”

“મારી એક ફ્રેન્ડ તો પોપટમાંથી હાથી થઈ ગઈ બોલો.” ગીતાએ ટમકો મૂક્યો. એ સાંભળી બધાએ માથું ખંજવાળ્યું.

“એમ કાં? મનેય મારા ઈ વાલથી હાથણી જ કીયે સે. કેસે, પડખું ફર ત્યારે મને ચગદી નો નાખતી. મારી બા તો મને કાયમ કે’કે હાહરીમાં મારી જસ્સી હાવ હુકઈ જઇ.” હ્રષ્ટપુષ્ટ જસુ શરમાઈ જતાં બોલી તે સાંભળી સૌએ ફરી માથું ખંજવાળ્યું.

બહુ વખતે કીટીક્લબમાં દીનાબેન પંડ્યા દેખાયા. ગળામાં રુદ્રાક્ષની માળા, લલાટે કેસરચંદનનું તિલક, ભગવા વસ્ત્રો અને હાથમાં જપમાળા લઈ  ફરતા બેઠી દડીના ઘઉંવર્ણા દીનાબેન હાથમાં પ્રસાદનું બોક્સ ખોલી હરખાતા બોલ્યા, “જય સ્વામીકી. સખીઓ તમને મળીને આનંદ થયો પરંતુ એક વાર તમે મારા સચ્ચાજૂઠાસ્વામીજીના આશ્રમમાં પધારો તો ધન્ય બની જશો.”

અમે રોમા રોયના ફાર્મહાઉસમાં બેઠેલા. સ્વીમીંગપુલ સામે સજાવેલા બારમાંથી તે અમને કંઈક ઓફર કરે અને વાતાવરણ અપવિત્ર બને તે પહેલાં અચાનક સમગ્ર વાતાવરણ પવિત્ર બની ગયું. અમે શાંતચિત્તે દીનાબેનને સાંભળી રહ્યા.

“જય સ્વામીકી. આ સંસારમાં ક્યાંય સુખ નથી. પામર મનુષ્ય ભવાટવીમાં ભટક્યા કરે છે. પરમ પૂજ્ય સચ્ચાજૂઠાસ્વામીજી ત્રિકાળ જ્ઞાની છે. તેઓ બધું જ જાણે છે. આપણી નૉ પ્રોબ્લેમ કીટીક્લબ પર તેમની અસીમ કૃપા વરસી છે. આપણી આજની ચર્ચાનો વિષય, “પતિઓની બૂરી આદતો કઈ રીતે છોડાવવી” એ મને ખબર પડી તેથી મેં એમને વિનવણી કરી કે, “હે સ્વામીજી, યોગ્ય માર્ગદર્શન આપો. કંઈ ઉપાય બતાવો. અમે અમારા પતિઓથી કંટાળેલી અબળા નારીઓ શું કરીએ?”

તેઓ આંખ મીંચી મને કહે, “બધાં મારી પાસે આવતા રહો.” પછી બોલ્યા, “અહો નાદાન વત્સ, આ ચમત્કારિક ભભૂતિની પડીકીઓ લઈ જા. બૂરી આદતો ધરાવતા પતિદેવોને ખોરાકમાં મેળવી ખવડાવી દેવી પછી જુઓ ચમત્કાર!”

“મને આપો દીનાબેન. મારા રમેસને રમીની એવી લત વળગી છે કે રમા રમા કરતાં રમી રમી કરવા પર ચડી ગયો. પાછો મને કહે, મને તો પહેલેથી રમી રમવાનો સોખ. તારું નામ રમા એટલે જ મેં તને પસંદ કરી. રમીના રવાડે એવો ચડ્યો છે કે અમારા ઘરબાર ખુવાર થઈ ગયા. સાચું કહું, એટલે જ મેં “રમાની રસાળ રસોઈ” ના કુકીંગ ક્લાસ શરુ કર્યા. મારી કારેલાની ચટણી તમે એકવાર ચાટો તો ચાટતા જ રહી જાવ. હું તો દાળમાં ઢોકળા નાખીને દાળઢોકળી એવી બનાવું કે ઘરવાળા પૂછે આ કઈ વાનગી છે? પૂરણપોળીના પૂરણમાં પાપડનો ભૂકો નાખી જુઓ, મને યાદ કરસો. “

દીનાબેને રમા રામાણીને એક પડીકી આપતા કહ્યું, “એક નાનકડી વિધિ કરવાની. તમારા પતિની સાસુના ફોટાને લાલ કંકુ અને ચોખા ચોડી એ ફોટો પતિને બતાવવો. આ પડીકી એની જાણ વગર એના ખોરાકમાં મેળવી દેવી તેમાં ભૂલ ન થવી જોઈએ. જો ગરબડ થઈ તો એ આદત એને છોડીને આપનારને વળગશે. આમેય આપણે ઓછા આદતને વળગીએ છીએ? એ તો ઈવડી ઈ જ વળગવા આવે છે ને? બોલો બીજા કોને આ ચમત્કારિક પડીકી જોઈએ છે?”

“મારા એમને નસકોરાં બોલાવવાની આદત. હું આખી આખી રાત જાગું પછી એને ઢંઢોળીને જગાડું તો કેસે તારા બોલે છે, મારા નહીં. લાવો ત્યારે એક પડીકી મનેય આલો.” મીના બોલી. પછી તો બીના શેની રહી જાય.

બૂરી આદતો છોડાવવાની ચમત્કારિક પડીકીઓ પછી તો બધાએ ટપોટપ લઈ લીધી. મફત હતી ને.

“હેં! મારા માટે જ ન રહી. જય સ્વામીકી.” દીનાબેન બોલ્યા તે સૌએ સાંભળ્યું ન સાંભળ્યું કરી સાચેસાચ જૂઠ્ઠા એવા સચ્ચાજૂઠાસ્વામીજીની જય બોલાવી. મુઠ્ઠીમાં પડીકી દબાવી ખુશ થતાં થતાં સૌએ ઘર તરફ દોટ મૂકી. દરેકને પતિદેવોની અમુકતમુક આદતો છોડાવવાનો ઉત્સાહ હતો.

“ભારતી, ભૂલી ગઈ? તારે તો પતિ જ નથી. તેં પડીકી કેમ લીધી?” ગીતાએ પૂછ્યું.

“એમાં જ તો હું પતી ગઈ. એણે સિગારેટની બૂરી આદત ન છોડી અને મને છોડી દીધી. હું એના ફોટાની ઊપર આ ચમત્કારિક ભભૂતિનો અભિષેક કરીશ. કદાચ તેની સિગારેટ છૂટી જાય. ચમત્કાર થાય અને મારી પાસે એ પાછો આવી જાય. બહુ બહુ તો બધું ઊંધુ થશે એટલું જ ને. ઈસ્ક હૈ તો રિસ્ક હૈ.” ભારતી એ ડાયલૉગ નહોતી ભૂલી.

“તે હેં દીનાબેન આ કઈ રીતે લેવાની કહો ને. હું ભૂલી ગઈ.” ભૂલકણી ભારતીએ ભોળાભાવે પૂછ્યું.

“તું સચિન સોમૈયાના ફોટાને ફાડીને પાંચ વાર બોલજે, જા. જા. જા મુજે ના અબ યાદ આ. પછી આ ભભૂતિ આખા ઘરમાં છાંટજે. લખી લે લખી લે નહીંતર ભૂલી જઈશ. હવે ઘરે જા. ઘરનું સરનામું યાદ છે કે કરાવું? જા આજની મીટીંગ પૂરી થઈ.”

“પછી શું થયું તે ફરી મળીયે ત્યારે યાદ કરીને કહેજે.” દીનાબેન પંડ્યા મલકાતા બોલ્યા, “જય સ્વામીકી”

અઠવાડિયા બાદ દીનાબેનનો ફોન રણક્યો. સામે છેડે ભારતી હતી, “આયહાય શેના માટે ફોન કર્યો એ જ હું ભૂલી ગઈ. તમે શું કરવાનું કીધેલું દીનાબેન? સોરી હોં પણ સ્વામીજીને જરા પૂછી જોજોને મને સિગારેટ પીવાની ટેવ પડી ગઈ છે. એની યાદ જ ન આવે એના માટે શું કરું? બાકી બધ્ધું ભૂલી જાઊં છું બસ સિગારેટને જ નથી ભૂલી શકતી.”

“જય સ્વામીકી” કહી દીનાબેને કપાળ કૂટ્યું.

– સુષમા શેઠ 


આપનો પ્રતિભાવ આપો....

3 thoughts on “બીજુ બધ્ધું ભૂલી જાઊં પણ.. – સુષમા શેઠ