પતંગિયું અને પુષ્પ – મયુરિકા લેઉવા બેંકર 8


લીલોતરીથી મઢેલા મારા બાગમાં હું ખુલ્લી આંખે ધ્યાનમગ્ન થઈ શકું છું. લીલોતરીના સાંનિધ્યમાં રમમાણ મને આ રંગીન જીવો ફૂલો પર તલ્લીન થઈને મધુ ચૂસતાં ને ત્વરાથી ઊડાઊડ કરતાં અનેક વાર જોવા મળે છે. તેમની અંદર એટલી બધી ચંચળતા ભરેલી છે કે ચંચળતાનો ગુણ પ્રદર્શિત કરવા માટે ‘પતંગિયું’ ઉપમા જ નહીં, પર્યાયવાચી તરીકે પણ પ્રયોજાવા લાગ્યું છે.

પતંગિયું! આ શબ્દ કાને પડતાં જ નજર સમક્ષ એક ફૂલથી બીજાં ફૂલ પર આમથી તેમ ઉડાઉડ કરતો હવા જેવો હલકો, નાજુકનમણો, રંગબેરંગી પાંખાળો જીવ ઉપસ્થિત થઈ જાય. જેટલી અનોખી એટલી જ રહસ્તમયી લીલોતરીની આ આલમમાં અસ્તિત્ત્વ ધરાવતાં તમામ જીવોને આપણે આપણાં જન્મ અને મૃત્યુના બે બિંદુઓ વચ્ચેથી પસાર થતાં સુધીમાં જોઈ શકીએ, જાણી શકીએ તોય ભયો ભયો. ડગલે ને પગલે ચકિત કરી દેનારી લીલોતરી જેટલી ગોચર છે એટલી જ અગોચર. એની જેટલી ગમ મેળવતાં જઈએ એટલી જ અગમ ભાસે. નરી આંખે ન જોઈ શકાતાં સૂક્ષ્મજીવોથી માંડીને હાથી જેવા મહાકાય જનાવરો સુધી, રંગહીન જીવોથી લઈને રંગોની અનેકવિધ છટાઓ ધારણ કરનાર જીવો સુધી, ભૂગર્ભમાં વસનારા જીવોથી માંડીને ભૂતલ પર, પાણી પર, વૃક્ષો પર રહેનારા જીવો સમાવનારી આ સૃષ્ટિને નીરખતાં એવું કળાઈ આવે કે વૈવિધ્ય એટલે જીવંતતા, એકસરખાપણું એટલે જડતા. મારો બાગ એટલે આ સૃષ્ટિમાં ચૈતન્યથી ભરેલો નાનકડો ટુકડો. લીલોતરીથી મઢેલા મારા બાગમાં હું ખુલ્લી આંખે ધ્યાનમગ્ન થઈ શકું છું. લીલોતરીના સાંનિધ્યમાં રમમાણ મને આ રંગીન જીવો જરબેરા, લાલ-કેસરી-સફેદ એક્ઝોરા, સ્ટાર ક્લસ્ટર ફૂલગુચ્છ, ઝિનીયા, પૅશન ફ્લાવર વગેરે ફૂલો પર તલ્લીન થઈને મધુ ચૂસતાં ને ત્વરાથી ઊડાઊડ કરતાં અનેક વાર જોવા મળેલ છે. તેમની અંદર એટલી બધી ચંચળતા ભરેલી હોય છે કે ચંચળતાનો ગુણ પ્રદર્શિત કરવા માટે ‘પતંગિયું’ ઉપમા જ નહીં, પર્યાયવાચી શબ્દ તરીકે પણ પ્રયોજાવા લાગ્યું છે.

રંગરંગનાં પતંગિયાંઓની ચેષ્ટા ભાળીને ક્યારેક બાળસહજ વિસ્મય પ્રગટે છે તો ક્યારેક જીવન પ્રત્યેનો રસ ઉદ્ઘાટિત થવાથી જીવન આખું જીવવા જેવું મધુર લાગે. તો ક્યારેક એનાં અલ્પ આયુષ્યચક્રની પ્રતીતિ થતાં વૈરાગ્યનો હળવો પવન મનને અડું અડું કરતો છેવટે અડકી જાય છે. પતંગિયાંના રંગો, એની ભાતો, એનું કદ, એની ઢબછબ આપણને વશીભૂત કરી મૂકે એટલી હદે આકર્ષક ને મનોહર હોય છે. જાતભાતનાં, નાનાંમોટાં ફૂલોની ઉપર અને આસપાસ, એમની ઊડાઊડી જોઈને જ્ઞાપ્તિ થાય છે કે ફૂલોનું જીવન ધન્ય કરવા માટે જ ઈશ્વરે જ પતંગિયાંનું સર્જન કર્યું હશે. કોઈ સુકુમાર ડાળીએ ઊગીને આથમી જતાં પહેલાં એને તોડ્યાં વિના, ચૂંટ્યાં વિના, એનું મધુ પીને એનું જીવન સાર્થક કરવા બદલ ફૂલ પતંગિયાંઓનું ઓશિંગણ જરૂર થતું હશે. પથ્થરની મૂર્તિને ચરણે કે કબર પર ચડવામાં ફૂલની ધન્યતા છે એ ભ્રમનો ભાંગીને ભૂકો થઈ જાય, જો તમે ફૂલો પર બેસીને, તન્મયતાથી રસ પીતાં પતંગિયાંને જુઓ. અનાકર્ષક કોશેટો જ્યારે પાંખો ધારણ કરી પતંગિયું બની જાય છે ત્યારે આકર્ષક કેવી રીતે બની જતું હશે? મનમાં ઉદ્ભવેલ પ્રશ્નનું સમાધાન મન જાતે જ મેળવી લે છે. પતંગિયું વિધવિધ રંગનાં ફૂલો પર આસન જમાવી, એનો અર્ક ચૂસે છે ત્યારે ફૂલોનો રંગ એની પાંખોમાં સમાવી લેતું હશે ને!!!

કવિવર રવીન્દ્રનાથ ટાગોરના મનની પાંખ પતંગિયાંને આ રીતે જુએ છે.

‘કેટલાય વખતથી
ફૂલને થતું’તું કે
હું ક્યારે ઊડું?
મન ફાવે ત્યાં ફરું…
એક દિવસ
ફૂલને પાંખ ફૂટી
ને એ બની ગયું પતંગિયું.’

આ અદ્ભુત કલ્પનાને આગળ લઈ જઈ કવિ શ્રી કૃષ્ણલાલ શ્રીધરાણીએ ‘પતંગિયું ને ચંબેલી’ નામનું અનુપમ કાવ્ય રચ્યું છે.

પતંગિયાં ને ફૂલોનો અજોડ સંબંધ જાણવા માટે આ કાવ્ય માણવું જ રહ્યું.

પતંગિયું ને ચંબેલી

‘મળું મળું વ્હાલાને ક્યારે?
વીંટળાઉં ક્યારે?’ ઘેલી,
કોડ ભરી આવા ઉરમાં કૈ
લળતી આશભરી વેલી.

મુખ પર પુષ્પ કરે કેલી!
ફૂલરાણી શી ચંબેલી!

આરસનોયે અર્ક કરીને
બ્રહ્માએ આલેખ્યું રૂપ
સરસ્વતીની વેણીમાંથી,
ફૂલમાં પૂર્યા ગંધ અનુપ.

ફૂલડાંને ઊડવા આકાશ
પાંખ વિના પૂરે શે આશ?

મેઘધનુષી પાંખોવાળા
પતંગિયાને ભાળી પાસ
ચંબેલી મલકંતી પૂછે
‘એક જ મારી પૂરશો આશ?

મારો દેહ, તમારી પાંખ
-એક બનીને ઊડશું આભ?’

ચંબેલીનો દેહ રૂડો, ને
પતંગિયાની પાંખ ધરી,
અવની, આભ, અનંતે ઊડે
મલકંતી મ્હેકંતી પરી.

પતંગિયું ને ચંબેલી!
એક થયાં ને બની પરી!

પતંગિયું, ચમેલી અને પરી જેવાં બાળસહજ પ્રતીકોથી રચાતાં આ કાવ્યનું પોત, ફૂલ અને પતંગિયા વચ્ચેના સંબંધની કરેલી અપ્રતિમ કલ્પનાના કલેવર પર શોભી ઊઠે છે. પતંગિયું અને ફૂલ એકમેકમાં ઓતપ્રોત થઈ જાય તો રસિકજનના મનમાં કેવો જાદુ સર્જાય છે એનું તાદૃશ્ય ઉદાહરણ એટલે ઉપર ટાંકેલું કાવ્ય. જેવો સાગર અને શશીનો સંબંધ, વર્ષા અને ચાતકનો સંબંધ, મયૂર અને વાદળનો સંબંધ, આમ્રકુંજ અને કોકિલનો સંબંધ એવો જ પતંગિયા અને પુષ્પનો સંબંધ.

કવિ શ્રી ચંદ્રેશ મકવાણા ‘નારાજ’ પતંગિયા અને પુષ્પના વિરહને અલગ ઊંચાઈ પર લઈ જાય છે. તેઓ લખે છે,

‘એટલી ડાળો ઉપર છે બેસણાં
જેટલા ફૂલો છે આ ફૂલછાબમાં.’


ખરેખર, પતંગિયાની કલ્પના પુષ્પો વિના કરવી અશક્ય છે. સ્તબ્ધ વાતાવરણમાં ઊભેલાં ફૂલછોડ, વેલીવૃક્ષોને ક્યાંકથી આવી ચડેલું પતંગિયું સ્પર્શે ત્યારે નિશાળેથી છૂટીને આવેલું બાળક ભારેખમ વાતાવરણમાં ઝલાયેલાં ઘરનાં મોટેરાંઓને ચૂમી ભરે એવું લાગે.

પતંગિયું એટલે ઉત્સાહને આવકારો.
પતંગિયું એટલે ઉદાસીને જાકારો.

આશા છે, આ લેખ વાંચીને તમારાં મનનું પતંગિયું પણ ઊડાઊડ કરવા લાગ્યું હશે, નહીં? એને એનાં ગમતાં પુષ્પ સુધી પહોંચાડી દો. હું રજા લઉં. આવજો.

– મયુરિકા લેઉવા-બેંકર


આપનો પ્રતિભાવ આપો....

8 thoughts on “પતંગિયું અને પુષ્પ – મયુરિકા લેઉવા બેંકર