કશુંક બદલાઈ રહ્યું છે : તારી અને મારી વચ્ચે! – મીરા જોશી 7


વાતોનો દોર ખૂટતાં, મારું ગીત ગાવું ને તારું નિરાંતથી મારા ખોળામાં સુઈ જવું! કેટલો સરળ છેને તું..! ગીત ગમ્યું કે નહિ, અવાજ કે રાગ ઠીક હતો કે નહિ એની કોઈ જ ચિંતા નહિ. બસ કોઈક છે, જે તમારા સુધી પોતાનું સંગીત રેલાવતું જાય છે, ને માત્ર તમે જ એને સાંભળવાનો આનંદ લઈ શકો છો.

જરા પૂછો તો ખરા જઈને રાતરાણીને
સુગંધ છે? કે છે માતમ? બહુ ઉદાસ છે રાત! – શોભીત દેસાઈ

અવ્યક્તનો ભાર..!

ગઈકાલે આપણે સાવ અમસ્તા જ મળ્યાં. અલકમલકની કામ વિનાની વાતો કરી જે આપણા સ્વભાવમાં જ નથી! ને એકબીજાએ કબૂલ પણ કર્યું કે ‘આ રીતે નાદાનની જેમ વર્તવાની આપણી પ્રકૃતિ નથી. આપણે જાણે નાના બાળક બનતા જઈએ છીએ.’ પણ હું માનું છું કે જેની સામે અને જ્યાં જાતને ‘પ્રોટેકટ’ કરવાના પ્રયત્નો ન કરવા પડતા હોય ત્યાં જ આપણે પ્રયત્ન વિના નાના અને નાદાન બનીએ છીએ.

વાતોનો દોર ખૂટતાં, મારું ગીત ગાવું ને તારું નિરાંતથી મારા ખોળામાં સુઈ જવું! કેટલો સરળ છેને તું..! ગીત ગમ્યું કે નહિ, અવાજ કે રાગ ઠીક હતો કે નહિ એની કોઈ જ ચિંતા નહિ. બસ કોઈક છે, જે તમારા સુધી પોતાનું સંગીત રેલાવતું જાય છે, ને માત્ર તમે જ એને સાંભળવાનો આનંદ લઈ શકો છો.

તારી બંધ થયેલી પાંપણો બાદ, તારા ચહેરા પર છવાઈ જતી શાંતિ નિહાળું છું. લાગે છે જાણે આટલા સમયથી કોઈક ભાર લઈને તું જીવતો હતો. આંખો બંધ થતા જ તારા વિચારો બંધ થાય અને ચહેરા પર એક પરમ શાંતિ ઊપસી આવે છે. સુખ અને એકાંતની જણસ કહેવાય એવી ક્ષણો તે ક્યારેય જીવી જ નથી. મિત્રો વિના જેની સાંજ ન પડતી હોય, નાના નાના કામમાં પણ જે કોઈને સાથે લઈને જતો હોય, એકલા રહેવું જેને સજા જેવું લાગતું હોય એવી વ્યક્તિ જેને એકાંત જરાયે સદતું નથી, પણ મને મળવા તો એકલા જ આવવું પડે છે! એકલા રહેવું ભલે તારા સ્વભાવમાં નથી, છતાં તારા અઢળક મિત્રોને, તારા અનેક કામોને છોડીને, તું મને મળવા આવી જાય ત્યારે મને ડર લાગે છે, ક્યાંક હું જ તારી આદત ન બની જાઉં ને એકરારવિહીન આ સંબંધમાં તને એકલતાનો અવસાદ ન આપી દઉં…

અચાનક તું જાગીને મને પૂછે છે, ‘લાલી, મારાથી ક્યારેય દૂર તો નહિ જાય ને?’ તારી કલ્પના -હું દૂર જઈ રહી છું, ખુબ દૂર ને એ ડરથી મારા ખોળામાં તું સફાળો જાગી જાય છે!’ એક જ ક્ષણે બે અલગ અલગ મગજમાં એક સમાન વિચારો કઈ રીતે આવી શકતા હશે?

પણ તું જાણે છે? આ દિવસોમાં મને એવો આભાસ થાય છે જાણે મારું મન કોઈ અન્યના વશમાં આવી ગયું છે. કોઈક અદ્રશ્ય ખેંચાણથી હું તારી નજીક આવી રહી છું અને આ લાગણી હું માત્ર મારા સુધી જ સીમિત રાખું છું. તારી પ્રત્યેના ‘ગમ્ય’ ખેંચાણની એ લાગણીને મારી અંદર જ છૂપાવીને જ તને મળું છું, તારી સાથે ખાલી સમયની ફોગટ વાતો કરું છું.

એવું’યે લાગે કે આ લાગણીને તારી સમક્ષ વ્યકત કરી દઈશ તો એનું નાવીન્ય, એનો રોમાંચ ગાયબ થઈ જશે! ખબર નહિ હું ખુદને તારા સુધી આવવા કેમ રોકું છું? કદાચ ડર મને પણ લાગે છે… દૂર થઈ જવાનો!?


છોડ દીવાને પહેલાં તું મને પ્રગટાવને,
આવવા તૈયાર છું, રસ્તો જરા બદલાવને! – અનિલ ચાવડા

કશુંક બદલાઈ રહ્યું છે – તું અને હું ની વચ્ચે!

હાથમાં કલમ છે, સામે ડાયરી છે ને હ્રદય મૌન છે. લખવાનો સામાન મળી જવા માત્રથી લખી શકાતું નથી, અક્ષરોને પણ પ્રાણ હોય છે ને અર્થને પણ નસીબ હોય છે, અનેક જીવનને સ્પર્શી શકવાનું નસીબ!

ગઈકાલે આપણા કાયમના મળવાના સ્થળે આવી તું તુરંત મને ભેટી પડ્યો. તું ખુશ હોય, કઇંક સારું બન્યું હોય ત્યારે આમ જ આદતવશ ભેટી પડે છે. ને દિવસભરની વાતો કર્યા બાદ એકબીજાની આંખોમાં ‘અપલક’ જોવાની ગેમ રમતા આપણે, પણ એ આંખોની શરારતમાં ખોવાઈ જઈએ એ પહેલા જ તારા ઘરેથી આવેલા ફોને એ આનંદની ક્ષણોને અટકાવી દીધી. ને મારા મનમાં વાતોની અધૂરપ મૂકીને તું ચાલ્યો ગયો. હું તારી દોડતી જતી ગાડી પાછળ મારી ખુશી, ક્ષણીક ખુશીને જતી જોઈ રહી. હક નહોતોને તને રોકવાનો, પ્રેમનો એકરાર માત્ર તારા પક્ષે જો હતો.

તારા ગયા બાદ ઊતરતી સાંજે પુલ ઉપરથી સડસડાટ દોડતી જતી ગાડીઓમાં મારા વિચારોની ગાડી પણ દોડવા લાગી. તું અને હું! શું છીએ? મિત્રો, પ્રેમીઓ, એકબીજાનું વર્તમાન કે ભવિષ્ય? કે પછી રોજીંદી એકરૂપ જિંદગીની ખુશી છીનવી લેતા એકબીજાના જ દુશ્મન? તારા જીવનમાં ‘મારું’ હોવું કારણથી છે- પ્રેમનું કારણ, પણ મારા જીવનમાં ‘તારું’ હોવું અકારણથી છે. એ સત્ય જે અત્યાર સુધી હંમેશ મારી સાથે પડછાયાની જેમ ચાલતું હતું એ સત્યએ ગઇકાલે મારી આંગળી પકડી લીધી! તારા પ્રત્યે મારા મનમાં કોઈ લાગણી નથી તો તારા જવાથી સાંજ એકલી કેમ લાગે છે? તારા ન મળવાથી કશુંક ખાલી ખાલી કેમ ભાસે છે?

તે ક્યારેય પૂછ્યું નથી, કે તું મને પ્રેમ કરે છે? તે નથી કહ્યું, તારા વિચારોને મારી તરફ વાળ, આ બેનામ સંબંધને કોઈ નામ આપ છતાં ક્યાં કારણથી હું તારી તરફ ઢળી રહી છું? જયારે અડધી રાત્રે તું ઊંઘમાંથી ઝબકી જાય છે, ત્યારે એ કયું તત્વ છે જે મને પણ ભરઊંઘમાંથી જગાડી દે છે? કશુંક મારામાં મારી જાણ વિના જ બદલાઈ રહ્યું છે.

હવે આ કાગળ પર શબ્દો આસાનીથી ઊતરતા નથી! એના પર લખાયેલા ‘હું અને તું’નામના બે પાત્રો મને ‘આપણા’ વિશે લખાવે છે. મારા હ્રદયને તો હું તારા સુધી પહોંચતા રોકી રાખું, પરંતુ આ કલમ જે મારા હ્રદયનું સાચેસાચ અહીં આ કાગળ ઉપર ઠલવી દે છે એની સાથે કઈ રીતે ન્યાય કરું?

કશુંક બદલાઈ રહ્યું છે – તું અને હું ની વચ્ચે!

– મીરા જોશી


Leave a Reply to Narendra chauhanCancel reply

7 thoughts on “કશુંક બદલાઈ રહ્યું છે : તારી અને મારી વચ્ચે! – મીરા જોશી