સારા માણસ બનવાનું ગમે છે? (પરમ સખા પરમેશ્વરને : ૩) – નીલમ દોશી


સારા માણસ બનવાનું ગમે છે?

સારા માણસો બધાને ગમે છે પણ સારા માણસ બનવાનું કેટલાને ગમે છે?

હે પરમાત્મા, ગઇ કાલથી મેં તારી સાથે દોસ્તી બાંધીને મારા જીવનની એક નવી શરૂઆત કરવાનું મારી જાતને વચન આપ્યું છે. આજ સુધી જે જિવાયું છે,  સારું કે ખરાબ..જેવું પણ જિવાયું છે..એ બધું ભૂલી જવું છે. આજે મારું જીવન  જેવું પણ છે એને એનાથી થોડું વધારે સારું બનાવવાની આ મારી મથામણ અવિરત ચાલુ રહે એ જ મારી પ્રાર્થના છે. નવી કેડીએ ચાલવાનું શરૂ કર્યું છે. ગતિ ધીમી પણ હોઇ શકે. પણ અટકશે તો નહીં જ..બસ..એ શ્રધ્ધા સાથે જ જીવતરની આ યાત્રા નવેસરથી શરૂ કરી છે.

હે ઇશ્વર, મને જાણ છે કે હું મારી અનેક આદતોનો બંદીવાન બની ગયો છું.. મેં પોતે રચેલા કેદખાનામાં પૂરાઇ ગયો છું. ફૂલ પર રહેલા ઝાકળનુ સૌન્દર્ય માણતા મને નથી આવડતું, આસપાસના કોલાહલમાં ડૂબીને મારા કાન એવા બહેરા બની ગયા છે કે પંખીનો કલરવ કે ઝરણાનું ખળખળ સાંભળવાથી હું વંચિત જ રહી જાઉં છું. હું મારી દુન્યવી ચિંતાના ઘૂઘવતા દરિયામાં એવો તો રમમાણ થઇ ગયો છું કે મારી ચોપાસ પથરાયેલા કુદરતના સૌન્દર્ય અને સંગીતથી  અજાણ જ રહી જાઉં છું. અનેક આવરણોમાં હું જાણે વીંટળાઇ ગયો છું. એક પછી એક એ આવરણોને દૂર કરવાના મારા પ્રયાસોમાં હે પરમાત્મા, તું મને સાથ આપીશ ને?

હે પરમાત્મા, હું જાણૂં છું કે હજુ  આપણા બે વચ્ચે કોઇ સેતુ નથી રચી શકાયો. હજુ તો આપણી વચ્ચે  દીવાલ છે અને આ દીવાલ મેં જ રચી છે.એનીય મને જાણ છે. આ દીવાલ, મારા અહમ, મારા રાગ દ્વેષ, લોભ, મોહ, અને મનના અનેક કાવાદાવાઓથી રચાઇ છે. પણ ઇશ્વર, આજે જયારે મેં આ દીવાલ તોડવાનો સંકલ્પ કર્યો છે, એક નવી શરૂઆત કરવાનો પાક્કો નિર્ણય દિલથી કરીને તારી તરફ દોસ્તીનો હાથ લંબાવ્યો છે ત્યારે હે કરૂણાસાગર, મારી ભીતરની એ દીવાલ તોડવામાં મને તું સહાય તો કરીશ ને ? મને જાણ છે કે મારો રસ્તો આસાન નથી અને હું એક સામાન્ય, અદનો માણસ છું બની શકે કદીક થાકીને બેસી પણ જાઉં. અવારનવાર હિંમત હારી બેસું એવું તો થતું જ રહેવાનું, પરંતુ હે કૃપાળુ, હું ડગી ન જાઉં અને હારીને કે નિરાશ બનીને પ્રયત્નો છોડી ન દઉં એ માટે મારી સાથે રહીશ ને ? મને વિશ્વાસ છે કે જો મારા પ્રયાસો સાચા દિલના હશે તો મને તારો સાથ મળવાનો જ છે.

ચપટીક અજવાળું..

जो बड़ेन को लघु कहे, नहिं रहीम घटि जांहि। 
गिरिधर मुरलीधर कहे, कछु दुख मानत नांहि।।

અર્થાત.. જે ખરેખર મોટા, મહાન છે,  એને નાના કે ક્ષુદ્ર કહેવાથી એમનું મહત્વ ઘટી નથી જતું. ગિરિધર..પર્વત ઉંચકનારને મુરલીધર કહીએ તો પણ એ દુખ લગાડતા નથી. મુરલીધર કહો કે ગિરિધર શો ફરક પડે છે ?

પ્રાર્થના એટલે..

એટલે પરમાત્મા સાથે ગોઠડી, પરમાત્માનું ચિંતન અને પરમાત્માનો એહસાસ

વીજળીના ઝબકારે..

હું સુખી છું તેનું સૌથી મોટું અને અગત્યનું કારણ એ છે કે  મારે કોઇની પાસેથી કશું જ જોઇતું નથી અને કોઇ જ અપેક્ષા નથી.

અક્ષરનાદ પર દર રવિવારે પ્રસ્તુત થઇ રહેલા નીલમબેન દોશીનાં ઈશ્વરને લખેલા સુંદર સંવેદનાસભર પત્રોનું પુસ્તક ‘પરમ સખા પરમેશ્વરને..’ ના બધા ભાગ અહીં ક્લિક કરીને વાંચી શક્શો.

આપનો પ્રતિભાવ આપો....