ગીતમલ્લિકા : સુરેશ દલાલ – હીરલ વ્યાસ 10


આ પુસ્તકમાં કુલ એકસો ચાળીસ (૧૪૦) ગીતો છે. વિષયનું વૈવિધ્ય તો છે જ પણ ભાવોની નવીનતા ઊડીને આંખે વળગે એવી છે. ગીતોના લયમાં ઝૂલવા આ પુસ્તક વાંચવું રહ્યું. હું પ્રયત્ન કરું કે થોડાં ગીતોના હીંચકાં અહી હું તમને પણ નાખું!

લેખક પરિચય – શ્રી સુરેશ દલાલનું નામ સાહિત્ય જગત માટે નવું નથી. એમણે ગુજરાતીમાં પીએચ.ડી. કર્યું અને વિવિધ કોલેજોમાં પ્રોફેસર તેમ જ ગુજરાતી ભાષાના હેડ તરીકે ફરજ બજાવી. તેઓને ૨૦૦૫માં ગુજરાતી લેખકો માટેનો સાહિત્ય અકાદમી એવોર્ડ મળેલ છે. બીજા અનેક એવોર્ડોની સાથે પાંચ વખત ગુજરાત સરકાર અવોર્ડ પણ મળેલ છે.

તેઓ એક કવિ, નિબંધકાર, બાળસાહિત્યકાર, અનુવાદક અને સંપાદક હતા. તેમણે માતબર વિવેચનો પણ કર્યા છે. એમની ગીતો માટેની રુચિ સ-વિશેષ હતી. અને એટલે જ ગુજરાતી સાહિત્યને ‘ગીતમલ્લિકા’ જેવું સરસ પુસ્તક મળયું.

પુસ્તક વિશે– ‘ગીતમલ્લિકા’ એટલે વર્ણમેળ છંદમાં લખાયેલા ગીતો. (મલ્લિકાનો અર્થ – આઠ અક્ષરનો એક વર્ણમેળ છંદ. તેના દરેક ચરણમાં રગણ, જગણ, લઘુ અને ગુરુ હોય છે.)

આ પુસ્તકમાં કુલ એકસો ચાળીસ (૧૪૦) ગીતો છે. વિષયનું વૈવિધ્ય તો છે જ પણ ભાવોની નવીનતા ઊડીને આંખે વળગે એવી છે. ગીતોના લયમાં ઝૂલવા આ પુસ્તક વાંચવું રહ્યું. હું પ્રયત્ન કરું કે થોડાં ગીતોના હીંચકાં અહી હું તમને પણ નાખું!

શ્રી કૃષ્ણ, રાધા અને મીરાં ક્યારેય જૂના થતાં નથી. બસ, દરેક કવિની દૃષ્ટિ પ્રમાણે બદલાતાં રહે છે. 

માથા પર મોરપીંછ મૂક્યું ને રાધાએ એક દિવસ વાંસળી વગાડી,
એક ક્ષણ ગોપી થયું હરિવરનું હૈયું ને હરિવરની આંખો ઉઘાડી.
મીરાં પાછળ પ્રભુ પડ્યા છેઃ માધવ પાછળ મીરાં,
તનમનમાં તો બજી રહ્યા છે બંદી ને મંજીરા.

ખુમારીથી જીવેલા કવિનો સ્વભાવ એમના ગીતોમાં પણ ઝળકે છે.

પાનખરમાં હું ટકી રહ્યો ને વસંતમાં હું છક્યો નથી,
આભને મેં તો જોયું સદાયે પણ ધરતીથી પગ ખસ્યો નથી.

પ્રેમમાં ઉદ્દભવતી મૂંઝવણ કવિ આવા શબ્દોમાં વ્યકત કરે છે.

પ્રેમની પ્રથમ ક્ષણ!
કેમ કરી ઝીલવી એના રણકાર તણી રણઝણ?
મૌનમાં વીંટી રાખ્યાં આપણે,
એકબીજાનાં નામ.

માણસ પ્રેમમાં હોય ત્યારે ચારેકોર સંગીત સંભળાય. વળી એ સાવ સહજ હોય!

ગીત સહજ ને સ્ફુરતું છે,
હું પ્રેમ કરું તે પુરતું છે.

પ્રેમ સરળ છે, પ્રેમની ભાષા પણ સરળ છે. કહેવાય છે કે ગમે તેટલા પ્રયત્નો કરો પ્રેમ ગોપનીય રહેતો નથી. પણ પ્રેમને નિભાવવો અઘરો છે. પ્રેમ જેવી જ સરળ ભાષામાં આ ગીત દ્વારા કહેલી વાત

દિવસ સફેદ પૂણી જેવોઃ પીંજાઈ જાતી રાત,
‘હું તને પ્રેમ કરું છું’, કેટલી સરળ વાત.
પ્રેમમાં કોઈને પૂછવાનું શું:
આપમેળે સમજાય.
વસંત આવે ત્યારે કોયલ,
કેમ રે મૂંગી થાય?

Photo by Sanjay Vaidya

વળી, ઈશ્વર પરની શ્રદ્ધાની વાત નોખી રીતે થાય. ઈશ્વર કરે એમ જ થાય ને એમાં જ રાજી રહેવાની વાત.

ભગવાનને ભરોસે અમે જીવીએ,
અંધકારને દીધો હટાવી નાની અમથી દીવીએ.
પાયા ઉપર મંદિર ઊભું:
એના ઉપર ધજા,
ફર ફર એ તો રહે ફરકતી,
જો હોય પ્રભુની રજા.
ઈશ્વરની રાજીમાં રાજીઃ હા-માં હા પરોવીએ.
ભગવાનને ભરોસે અમે જીવીએ.

માણસમાત્રને ચિંતા હોય છે. પણ ઈશ્વરની મહેરબાની હોય તો વળી વાત શી પૂછવી! એ વાત જિંદગી સાથે જોડાઈ જાય ત્યારે આવું ગીત મળે.

ચિંતામાંથી વિચારવાયુઃ
ત્યાંથી ઊંડી ખીણ,
શબ્દો વરાળ થઈને ઊડે
મોઢે વળતાં ફીણ.
ઈશ્વરની જો હોય કરુણા તો જિંદગી મ્હોરી જાય
મનને ચિંતા કોરી જાય.

પ્રકૃતિ એ આપણી ચોપાસ છે. આંખ ખોલીએ ને આકાશ, પગ મૂકીએ ને ધરતી. બાલ્ક્નીમાં રાખેલો નાનો છોડ કે પછી ઘર પાસેનું વૃક્ષ હોય. આ પ્રકૃતિને આપણે આપીએ છીએ એના કરતાં એ આપણને વધુ આપે છે.

મારું એક ઝાડ
એને પંખી લડાવે છે ટહુકાના લાડ
ફૂલે ફૂલે એની ફોરમ જીવંત
ગીતનો જાણે કોઈ વિરલ ઉપાડ,
મારું એક ઝાડ.

આવું જ પ્રકૃતિથી મઘમઘતું બીજું એક ગીત. જેમાં કવિને પોતાની પાસે પર્યાપ્ત છે એની અનુભૂતિ થાય છે.

મોગરા લીધા ને મેં તો ચંપા વીણ્યા
અને ચુંટ્યા મેં લાલ લાલ ગુલાબ,
મારી પાસે નથી મારું પોતાનું કશું:
મારી પોતાની છલકે છે છાબ.

માણસ હંમેશાં ઉચાટમાં, ચિંતામાં, ઉતાવળમાં જીવવા ટેવાયેલો છે. કારણો શોધવામાં માણવાનું ચૂકી જાય છે.  સુખ અને દુઃખની અવસ્થામાં એના મનને માપવાનું  બેરોમિટર હજી સુધી શોધાયું નથી. શ્રીમદ્ ભગવદ્ ગીતામાં મનુષ્યને સ્થિતપ્રજ્ઞ રહેવાનું સૂચન છે. આવી જ અવસ્થા કવિ ગીતમાં પામવાની ઈચ્છા વ્યકત કરે છે.

ભમરાને ભૂલીને કેવળ
ગુંજનને હું માણું,
એવી એક અવસ્થાઃ
જેમાં કાંઈ કશું નવ જાણું.

માણસ મનની સૌથી મોટી વિટંબણા છે કે મૃત્યુ આવશે ત્યારે કશું જ સાથે નથી લઈ જવાનું એ ખબર હોવા છતાં ઘણું ભેગું કરતો રહે છે. બ્રહ્માંડના અસ્તિત્વની સામે એ પામર છે છતાં એ વાત જલદી સ્વીકારી શકતો નથી. નીચેના ગીતમાં કવિ આવી જ વાત કરે છે.

લખચોરાશી ફેરા,
એક એક આ ભવમાં મેં તાણ્યા તંબુ-ડેરા.
કાળનો વ્હેતો રહે કાફલોઃ
એનો હું વણજારો છું,
કદી સૂર્ય ને કદીક ચંદ્રઃ
હું નાનો અમથો તારો છું.         

આંખ બંધ હોય ત્યારે માણસ સપનાં જોવે ને આંખ ખુલે એટલે એ સપનાં પૂરા કરવા મહેનત કરે. એ સપના જ છે જે માણસને આંખ ખોલવા પ્રેરણા આપે છે. સપનાંની જ વાત લઈને આવે છે આ ગીત

સપનાં વિનાની આંખ વાંઝણી જી રે,
સપનું એ શુકનવંત આંજણી જી રે.   

કવિ પોતાનો રસ્તો પોતે જ શોધવાનો ને પોતે જ એ રસ્તે પહોંચવાની વાત કેટલી ખુમારીથી કરે છે જુઓ.

હું તો મારે રસ્તે ચાલી
મારે રસ્તે પહોંચું જી.
કોઈનો રુમાલ લઈને
મારાં આંસુને નહીં લૂછું જી.

પોતાની મોજમાં ગીત ગાતો કવિ ઈશ્વરમાં લય પામે છે. શ્રી સુરેશ દલાલને એમના જ શબ્દોમાં અંજલિ.

હું તો મારી સાથે જીવું:
સૌની સાથે નાતો,
શબ્દોને હું લયમાં ઘૂંટીઃ
ગીત નિરાંતે ગાતો.

અન્ય માહિતી – પ્રકાશન વર્ષ ૨૦૦૫, પ્રકાશક અને પ્રાપ્તિ સ્થાન – ઈમેજ પબ્લિકેશન, પુસ્તક કિંમત – રુ. ૮૦

.- હીરલ વ્યાસ


Leave a Reply to Bhartiben GohilCancel reply

10 thoughts on “ગીતમલ્લિકા : સુરેશ દલાલ – હીરલ વ્યાસ