એક પત્ર સારંગપુરના ઘરને.. – નેહા રાવલ 13


તને આ પત્ર લખું છું એ દરેક ક્ષણે હું ફરીફરીને એ સમય જ તો જીવી રહી છું, લખવું તો બસ એક બહાનું છે!તું માત્ર કોઈ મકાન કે જગ્યા નથી, મારા બાળપણનો એક ટુકડો છે. જે નાનીનાની યાદોથી સિવાઈ સિવાઈને મારી ગોદડી બની ગયું છે. હું જયારે પણ એને ઓઢી લઉં… એ સમયની હુંફ મને ઘેરી વળે છે! 

મારું પ્રિય સારંગપુરવાળું (મામાનું) ઘર,

આહા… કેટલું લાંબુ સંબોધન! પણ હું જે રીતે તને ઓળખું છું, એ જ રીતે સંબોધન થાય ને? તને ખબર છે, જયારે જયારે મારી સ્મૃતિમાં કે પછી સપનામાં પણ કોઈ ઘર આવે  તો એક મારું જૂનું ઘર અને બીજું તું ! બસ, આ બે સિવાય આજ સુધી કોઈ ત્રીજા ઘરને પ્રવેશ નથી મળ્યો મારી દુનિયામાં, જેને હું સપનામાં જોઈ શકું. અરે, હું છેલ્લા વીસ વર્ષોથી જે ઘરમાં રહું છું એ ઘરને પણ હજુ મારા સ્વપ્નલોકમાં પ્રવેશ નથી  મળ્યો. તારી તોલે કોઈ આવી નથી શક્યું દોસ્ત..!

કેટલી બધી યાદો છે તારી સાથે જોડાયેલી! આજે પણ મને યાદ છે જયારે પહેલીવાર મમ્મી સાથે હું ત્યાં આવી હતી. બહાર મોટી ચોકડી હતી જેમાં બે નળ હતા. ત્યારે અમદાવાદમાં બધા નળને ચકલી કહેતાં અને એ શબ્દ નળ માટે મેં પહેલી વાર ત્યારે જ સાંભળ્યો હતો. તે વખતે ત્યાં મામા એમની સાઈકલ ધોતા હતા. ચોકડી પછી લાંબા ત્રણચાર પગથિયાં અને અંદર નાનો ચોક. એ ચોકમાં નાના રંગબેરંગી પથ્થરોની ટુકડીની ડિઝાઈનથી શોભતું ફલોરિંગ… વાહ! આવું રૂપાળું ઘર! ચોકમાં ઉપરથી સીધો આવતો સૂર્યપ્રકાશ ને એમાં ચમકી ઊઠતાં એ પથ્થરો જોવાની ખૂબ મજા આવતી. હું તો આવતાનીં સાથે જ તારા પ્રેમમાં પડી ગઈ હતી. એ ચોકમાં એક તરફ બાથરૂમ અને એની સામેની તરફ ઉપર જવાનો દાદર. એ દાદરના એકએક પગથિયે સવારના પહોરમાં અમે ગળામાં પોતપોતાના ટુવાલ લટકાવી  લાઇનમાં બેસી જતાં – નહાવા માટેની જ તો…! બીજી દીવાલ તરફ દાદાનો રૂમ – જેમાં એમનો એક જૂનો સોફો અને અધ ધ..ધ… પુસ્તકો! ત્યાં પ્રવેશતાં જ એ પુસ્તકોની સુગંધ અને દાદા પાસેથી મળતી સાકરની પ્રસાદી! કેટલી મોટી લાલચ હતી ત્યાં જવાની ..!

એ દાદર ચડીને ઉપર જઈએ એટલે એક મોટું રસોડું – એટલું મોટું જેમાં મોટ્ટો હીંચકો, પાણિયારું અને એક તરફ ખૂણામાં ટેબલ પર સમેટાઈ જતું સાચું રસોડું ! અમે સાતઆઠ ભાંડુંડાઓ એક સાથે જમવા બેસીએ અને તોયે બાકીના ચારપાંચ જોરજોરથી હીંચકા ઝૂલે, તોયે કોઈ કોઈને નડે નહીં. રસોડાની પાછળનો રૂમ, જેમાં સવારે મામા ભગવાનની પૂજા કરતા અને સાકરવાળું દૂધ ચાંદીની વાડકીમાં ભગવાનને ધરાવતા. બાકી વધેલું દૂધ પી જવાની લાલચે હું જાતે એ પ્રસાદી બધાને ચમચી વડે વહેંચતી અને વધેલી પ્રસાદી… ઓહિયાં! દૂધ પણ આટલું સ્વાદિષ્ટ હોય એ પહેલીવાર ત્યારે જ ખબર પડી હતી! તે પણ બોર્નવિટા કે બૂસ્ટ વગર! એ પૂજાવાળા ખૂણામાંથી ઊઠતી અગરબત્તીની સુગંધ, એ રૂમની બીજી તરફ ગાદલાના ઢગલામાંથી આવતી રૂ અને ગોદડીની સુગંધ, કબાટ ખોલતી વખતે આવતી કપડાં વચ્ચે મૂકેલા સુખડના પાવડરની સુગંધ, જૂના ફોટા જોતી વખતે એ પીળા પડેલા ફોટાઓ  વચ્ચેથી આવતી યાદોની સુગંધ, નીચેના દાદર પર આવતી જૂના લાકડાની સુગંધ- તારા એકેએક ખૂણામાં કેટકેટલી સુગંધો ભરી પડી હતી અને સૌથી વધારે ગમતી તો મામાની સુગંધ! માત્ર સફેદ અબોટિયું પહેરી મામા જયારે પૂજા કરવા બેસતા અને હું નાહ્યા વગરની મામાને પાછળથી વળગી પડતી… મામાની જનોઈથી રમતી. એ સમયે પૂજાની સુગંધની સાથે મામાની સુગંધ ભળી જતી અને સવાર સુધરી જતી! કેટલું બધું છે, જે માત્ર તારી સાથે, તારા હોવાથી જ આટલું સરસ લાગ્યું છે. મામાએ બીજું ઘર બદલ્યું, ત્યાં પણ પૂજા અને કબાટ બધું એનું એ જ હતું… છતાંય આ પેલી સુગંધ જેવી સુગંધ ફરી ક્યારેય કે ક્યાંય ન અનુભવાઈ. તું માત્ર કોઈ મકાન કે જગ્યા નથી, મારા બાળપણનો એક ટુકડો છે. જે નાનીનાની યાદોથી સિવાઈ સિવાઈને મારી ગોદડી બની ગયું છે.  હું જયારે પણ એને ઓઢી લઉં…એ સમયની હુંફ મને ઘેરી વળે છે!

યાદ છે તને? એક વાર ઠોકર વાગવાને કારણે હું ખૂબ રડતી હતી. બધાંના અઢળક પ્રયત્નો   છતાં શાંત ન થઈ, ત્યારે મામાએ શું કહીને મને શાંત પાડી હતી? ત્યારે મામાએ કહ્યું હતું, ‘તું રડે તો આપણા ઘરને નહિ ગમે. આ ચોકની વેલી પર જે ફૂલ ઉગ્યા છે, એ કરમાઈ જશે.’ ઓહ્હો.! આવું તે કંઈ થવા દેવાય? એ ફૂલોની ડીઝાઈનથી તો તું વધુ સુંદર લાગતું  હતું. અને એ ફૂલોના કરમાવાની બીકથી ત્યારપછી હું ત્યાં તો ક્યારેય રડી જ ન હતી. ઠોકર તો આજે પણ લાગે છે દોસ્ત, પણ હવે એવું ખોટું બોલીને મને શાંત કરવાવાળા મામા નથીને, એટલે રડવાનુંય મન ક્યાં થાય છે?

એ વેકેશનો તો અદભૂત હતા…! સવારના ઊઠીને તરત હાથમાં પોતપોતાનો ટુવાલ લઈને દાદર પર લાઇનમાં ગોઠવાઈ જવાનું, નહાવાના વારાની રાહમાં! એક મામી બાથરૂમની અંદર – સહુને ઘસી ઘસીને નવડાવે, અને બાથરૂમની બહાર બીજા મામી – જે સૌ ને બબૂચકમાંથી સ્માર્ટ બનાવી દે. મોં પર પાવડર, માથામાં ચપોચપ તેલ નાખી, પટિયા પાડી વાળ ઓળી દે. અને આખી ફોજ તૈયાર… પોળમાં ધમાચકડી મચાવવા! દૂધ પીને નીકળી જ પડવાનું હોય! વેકેશનમાં બીજું ક્યાં કશું કરવાનું જ હોય! એ રણછોડજીની પોળ, એની પાછળ આવેલી ફાફડાની પોળ, ત્યાં રહેતા દોસ્તોના ઘર, કોઈના પણ ઘરમાં ગમ્મે ત્યારે ઘૂસી જવાની આઝાદી! એ સમયે આપણે આ બધું ભરપૂર જીવ્યા અને માણ્યું છે. ફરી એ સમય જીવવા મળી જાય તો કેવી મઝા આવે! પણ સાચું કહુંને દોસ્ત, તો તને આ પત્ર લખું છું એ દરેક ક્ષણે હું ફરીફરીને એ સમય જ તો જીવી રહી છું, લખવું તો બસ એક બહાનું છે!

મારી જેમ તને પણ તો અમારા બધાની હાજરી, ધમાલ-મસ્તી, વેકેશનો ગમતાં હશે ને? એમ જ તો મામી એવું નહિ કહેતા હતાં ને,‘વેકેશન પછી તો આ ઘર સૂનું પડી જાય છે.’ તે તારો સૂનકાર તું મામીને સંભળાવતું હતું?  ઓ સારંગપુરના ઘર, તું માત્ર મકાન જ તો ન હતું.  મકાનમાંથી ઘર બનવાની દરેક લાયકાત તારી પાસે હતી. તારી પોતાની, અમે બધાએ આપેલી હોય એવી નહીં! અમે પોળમાં રમતા હોઈએ ને મામીની બૂમ સંભળાતી “….એ તારક વિશાલ….. એ પ્રતિક તપન… એ જીગું રીન્કુ… જીગર શીવુ….. નેહા…. જમવા ચાલો ..” અમે ગમે તેટલાં દૂર સંતાયા હોઈએ કે ‘ચોર પોલીસ’ રમતાં રમતાં ગમે ત્યાં ભાગતા હોઈએ તોપણ એ સંદેશો  અમારા સુધી પહોચી જતો. એ માત્ર મામીનો જ અવાજ તો ન હતો, થોડો તારો પણ સાદ એમાં ભળ્યો  હશે ને..! નહિ તો આટલી મજાની રમતો છોડીને અમે કંઈ ફક્ત જમવા પાછા આવીએ એવા તો ન જ  હતા.

સાંજ પડતાં જ જેવો તડકો આથમે એટલે અગાશી પર પથારીઓ પાથરવાની અને ફરી પાછા નીચે ભાગવાનું. પેલા બરફગોળાવાળાની રાહ જોવાની. એ આવે એટલે એની ઘંટડી વગાડવાની અને મામાના આવવાની રાહ જોવાની! મામા આવે પછી જ તો બરફગોળો ખાવા મળેને! આખા દિવસની ભાગંભાગ અને ધમાચકડીથી થાકેલા અને પસીનાથી નીતરતા અમારા શરીર અને મન જાણે એ નાનકડા બરફની ચુસ્કીથી ઠંડક પામતા! અને એ ગોળાની ચુસ્કીઓ સાથે આજે ‘ચોરપોલીસ’માં કઈ ટીમ હારી અને કાલે કોણ પોલીસ બનશે એની વાતોની પણ ચુસ્કીઓ લેવાતી રહેતી. પછી રાતની અંધારાની રમતો!  પેલા મોટા ચોરસ દાદર પાસે ‘અંધારામાં સંતાકૂકડી’ અને ‘છપ્પો’…! તે છે…ક મામી  રાતના જમવા માટે બોલાવે નહિ ત્યાં સુધી! જમ્યા નથી  કે સીધા ભાગવાનું  અગાશીએ. અને  પવનથી પેલી ઠંડી  ઠંડી થઇ ગયેલી પથારીઓમાં આળોટવાનું, ઉપરથી પસાર થતા વિમાનો જોવાના. જે પહેલું ઊંઘી જાય એને સળી કરીને પજવવાનું…

કેટલું બધું તેં યાદોના ખજાનામાં ભરી આપ્યું છે!  એ માટે તને ‘થેંક યુ’ કહું? ના… ના… તો તો આપણો સંબંધ ફોર્મલ થઇ જાય. તું તો મારી યાદોની ચોપડીનું પહેલું પાનું છે. મારા બાળપણની પ્રસ્તાવના છે. મારા સમગ્ર અસ્તિત્વમાં જ્યાંજ્યાં તારો સ્પર્શ છે એ હિસ્સો આજે પણ માત્ર તારી સુગંધથી અકબંધ રહ્યો છે. ભરપૂર રહ્યો છે. તારા કરતાં વધારે મોટા કે વધારે સગવડોવાળા મકાનોમાં રહેવાનું બન્યું છે,  છતાં તેં જે પોતીકાપણાનો અહેસાસ આપ્યો એ બીજું કોઈ ના આપી શક્યું. તેં ઘણું બધું આપ્યું છે, તો જયારે તારા માટે લખું ત્યારે તને હું વિદાય કેવી રીતે આપી શકું? આપણે આમ જ મળતાં રહીશું.

લિ. તારા અગણિત કિસ્સાઓનો એક હિસ્સો…

કુમુદબેનની વચલી

– નેહા.

નેહા રાવલની કલમે સંવેદનાસભર પત્રો દર પખવાડિયે તેમની કૉલમ ‘વાયા લેટરબૉક્સ’ અંતર્ગત અક્ષરનાદ પર પ્રસ્તુત થઈ રહ્યાં છે, અહીં ક્લિક કરીને એ પત્રગુચ્છ વાંચી શક્શો.


આપનો પ્રતિભાવ આપો....

13 thoughts on “એક પત્ર સારંગપુરના ઘરને.. – નેહા રાવલ

  • Pravin mayatra

    આ પત્ર વાંચે અને બાળપણ યાદ ના આવે તો જ નવાઈ…

    ઘણા શબ્દો એ ઈમોશનલ કર્યો.. ઘણા બધા શબ્દો દિલ ને સ્પર્શી ગયા…અમુક sentance વખતે આંખ ભીની થઈ…
    ખબર નહિ એ એરણ કેવું હશે જ્યાંથી નેહા આ તારા શબ્દો ટીપાઈ ને આવે છે…
    ખાસ કરીને
    તુ મકાન નથી પણ મારા બાળપણ નો ટુકડો છે..

    જ્યારે પણ એ સમય ને ઓઢી લવ..ત્યારે એ સમય ની હુંફ મને ઘેરી વળે છે…આ લાઈન પર તો ફિદા..

    ઘર માં પ્રેવશતા જ પુસ્તકો ની સુગંધ..
    તુ રડીશ તો આ બધા ફૂલ કરમાઈ જશે..☘️

    મારા સમગ્ર અસ્તિત્વ માં જ્યાં જ્યાં તારો સ્પર્શ છે..એ હિસ્સો આજે પણ તારી સુગંધ થી અકબંધ રહ્યો છે.. ભરપૂર રહ્યો છે…✨✨

  • Bhartiben Gohil

    સાચે જ મામાનું ઘર એટલે મધપૂડો.
    મીઠાશ માણવાની અને સંબંધો જીવવાના.
    સુંદર લેખ.
    અભિનંદન…

  • Hitesh Thakakr

    Thanks for taking us to our own memories of home. 1st home on Top – 3rd Floor with 8 months in year we enjoyed sleeping under the sky enjoying the terrace …I and my sister after 45 years also become nostalgic about our small single room home of childhood.

    • Sushma sheth

      મામાનું ઘર કેટલે? ઊનાળુ વેકેશન અને મોસાળ સાંભરી આવ્યું.

  • Swati Shah

    વાહ, ખૂબ સુંદર લખ્યું છે. મને મારાં મોસાળની યાત્રા કરાવી એવું લાગ્યું.

  • Meera Joshi

    વારંવાર વાંચવાનું મન થાય એવું સુંદર વર્ણન.. જેનું વર્ણન આટલું સરસ રીતે ઊઘડ્યું એ ઘરની સ્મૃતિ કેટલી જીવંત હશે!

  • Manhar oza

    ખૂબ સુંદર અને સંવેદના સભર પત્ર. મજા પડી ગઈ વાંચવાની, અભિનંદન.

  • Hiral Vyas

    ખુબ જ સુંદર. મામાનું ઘર લગભગ દરેક વ્યક્તિના બાળપણનો એક ખાસ હિસ્સો અને અનેક કિસ્સાઓથી ભરેલું હોય છે.

    સંબોધન અને લિખિતંગ સ-વિશેષ ગમ્યાં.

  • ડો. અનિષ ગાંધી

    પ્રતિભાવ આપવા શબ્દો ખૂટી પડે એવી બાળપણ ની સ્મૃતિની પત્ર દ્વારા રજુઆત