સ્મશાન યાત્રા – કમલેશ જોષી 6


પહેલો શ્વાસ લઈને મેં મારા અંતિમ શ્વાસ તરફની યાત્રા શરુ કરી. શું એને અંતિમ યાત્રા કે સ્મશાન (તરફની) યાત્રા કહેવી એ સાચું નથી? અને હવે હું જે કહેવા જઈ રહ્યો છું એ કદાચ તમને નહિ ગમે; આ સ્મશાનયાત્રા મારી એકલાની નથી તમારી પણ આ અંતિમયાત્રા જ છે.. માટે શ્રદ્ધાપૂર્વક શ્વાસોચ્છવાસના ડગલા માંડતા ભીતરે વાગતા ‘રામ નામ સત્ય હૈ’ ના નાદને સાંભળવાની કોશીશ કરો.

ઈશ્વરના દરબારમાં ચિત્રગુપ્તે મારો હિસાબ રજુ કર્યો અને મને સ્વર્ગ તરફ રવાના કર્યા. ઈશ્વરે કહ્યું, “સ્વર્ગમાં તમે કુમળા બાળક તરીકે પ્રવેશ કરશો. મોજથી માણો સ્વર્ગના સુખ.” મેંં હાથ જોડ્યા. ઈશ્વરે આશીર્વાદની મુદ્રામાં જમણો હાથ ઉંંચો કર્યો.

થોડા સમય બાદ દેવદૂતો અદ્રશ્ય થઇ ગયા અને કોઈ સ્વરૂપવાન દેવીના અજાણ્યા ખોળામાં અમે પહેલો શ્વાસ લીધો. એ પ્રેમાળ દેવીએ મને ચુંબનોથી નવડાવી નાંખ્યો. એવા જ એક દેવતાએ પણ મારા દેહને ઉચકી, એની હુફાળી છાતીએ ચાંપ્યો. મારામાં ગરમાવો આવી ગયો. એ વ્હાલ મને ખૂબ ગમ્યું. પછી મારા ટચુકડા દેહને એ દેવીએ બહુ સંભાળપૂર્વક માલીશ કરવા માંડ્યું. એ સ્પર્શ મને ખૂબ ગમ્યો.

અજવાળું – અંધારું વીતવા માંડ્યા. રોજ એ દેવી અને દેવ મને રમાડતા. ઉપર ત્રણ પાંખિયાવાળું કૈંક ગોળગોળ ફરતું અને એમાંથી આવતી પવનની લહેરખી મને ખૂબ ગમતી. ક્યારેક ક્યારેક કોઈ અન્ય દેવી દેવતાઓ મારી ખબર કાઢવા આવી પહોચતા, ચુંબન કરતા. કોઈ કૈંક રમકડું લાવતું, તો કોઈ રંગબેરંગી ઝબલુંં લાવતું. લાલ, લીલા પીળા રંગો મને ખૂબ ગમતા. હવે મને ડાબે-જમણે પડખેથી સુંદર ટેકો કરી આપતા અને સતત ડોલતા રહેતા ઘોડિયામાં સુવાડવામાં આવ્યો. ઉપર લટકતો ઘૂઘરો ગોળ ગોળ ફરતો. પેલા દેવી સતત મારી આસપાસ હાજર રહેતા. મને ભીનું લાગે તો એ કોરું કરી આપતા. ઘોડિયામાં ડોલતા રહેવાની મને મજા આવતી.

ધીરે ધીરે મે જોયું કે મારાથી સહેજ જ મોટી એક પરી પણ સતત મારી આસપાસ રહેતી અને મને રમાડ્યા કરતી. જે દિવસે મે પહેલું ડગલું માંડ્યું તે દિવસે તો મારા એ સાહસને સૌ દેવી દેવતાઓએ ખૂબ બિરદાવ્યું હતું. ધીરે ધીરે મે ભાખોડિયાંં ભરવા માંડ્યા. પેલી દેવી સતત મને મદદ કરતી. ક્યારેક પેલા દેવ મને બગલમાં ઊંચકી સ્વર્ગની સફરે લઇ જતા. મને મજા પડતી.

એક દિવસ મને સ્વર્ગના એ મહેલમાં લઇ જવામાં આવ્યો જ્યાં અમારા જેવડા ઘણાંં બાળકો હતા. પેલી દેવી મને મૂકીને જવા લાગી ત્યારે પહેલી વખત એવું લાગ્યું કે હવે એ પાછી નહિ આવે. મને એ ગમ્યું નહિ. મેં એને મારા નાનકડા હાથથી પકડી રાખી. મહેલની બીજી બે’ક દેવીઓએ મને એમના તરફ ખેંચ્યો. મને રડવું આવ્યું. થોડી વારે મારી દેવી મને રડતો મૂકીને જતી રહી. મારી બાજુમાં બેઠેલા મારા જેવડાંં જ બાળકે મને વહાલથી કહ્યું : “રડ નહિ, હું છું ને!” હું એને તાકી રહ્યો. એ સહેજ હસ્યો. હું પણ હસ્યો. એ જેમ કરતો એમ હું પણ કરવા માંડ્યો. મજા પડી ગઈ. મહેલની બીજી દેવીઓ પણ અમને જાતજાતના રમકડાથી રમાડવા માંડી. આ તો મજાની જગ્યા હતી. થોડી વાર થઇ ત્યાં મારી દેવી મને દેખાઈ. હું રાજી થઇ ગયો. એણે મને તેડી લીધો અને ચુંબનથી ફરી નવરાવી નાખ્યો. હવે એ મને રોજ પેલા મહેલમાં મૂકી જતી. મારા જેવડો જ મારો મિત્ર મારી સાથે રમતો. ધીરે ધીરે બીજા મિત્રો પણ અમારી સાથે રમવા લાગ્યા. મહેલની દેવીઓ તો મોટી હતી પણ તોય અમારી જેમ નખરા કરતી. ક્યારેક નાચવા માંડે, ક્યારેક ફુગ્ગા ફૂલાવે. અમેય એની જેમ કરતા. ધીરે ધીરે એ લોકોએ અમને ગાતા શીખવ્યું. ‘હાથી ભાઈ તો જાડા, લાગે મોટા પાડા…’ અમે પણ એની જેમ બંને હાથ ‘જાડા’ની મુદ્રામાં કમરે વાળી બતાવતા, સુંઢ માટે નાક આગળ અમારા હાથની કોણી લઇ જતા અને હાથની હથેળી ઉંચીનીચી કરતા. અમને ખુબ મજા આવતી.

પછી તો શરુ થયું ‘ક’, ‘ખ’, ‘ગ’. શું હતું એ? એ તો ખબર ન પડી પણ બોલવાની બહુ મજા આવતી. બૂમો પાડવાનો આનંદ જ અનોખો હતો. એ મહેલમાં જ અમને ત્રણ પૈડાવાળી સાઇકલમાં બેસાડવામાં આવ્યાંં. પેલી દેવીઓ પહેલા તો સાયકલને ધક્કો મારી અમને મજા કરાવતી. પછી અમારા પગ ઘસડી અમે પોતે એ મજા લેવા માંડ્યા. પેલી મુખ્ય દેવી રોજ સવારે અમારા પર પાણી રેડતી, એ અમને ન ગમતું. અમે રડી પડતા. પણ પછી આખો દિવસ મજા આવતી. હું રડું ત્યારે જેમ એ દેવી મારી પાસે આવી જતી એમ જ હું ‘મા’ બોલું ત્યારે ય એજ દોડી આવતી. પેલા દેવ પણ હું ‘પા’ બોલતો કે તરત જ મને જવાબ આપવા માંડ્યા હતા.

હવે ઘૂઘરા કરતા સાયકલ મને વધુ ગમતી. જયારે ‘પા’ નામના દેવ મને તેડીને અમારા મહેલની બહાર લઇ જતા ત્યારે ત્યાં એવું ઘણું જોવા મળતું જે અમારા મહેલમાં ન હોય. એક જગ્યાએ તો અમારા માટે રમકડાના ઢગલા ગોઠવવામાં આવતા. રાતી ચાંચ વાળો લીલો પોપટ, જાડો પાડો હાથી, રેલગાડી, મોટરકાર ઓહોહો.. હું તો જોતો જ રહી જતો. મારે તો એ બધા જ લેવા હોય. પણ ત્યાં બેઠેલા દેવ એક એક જ આપે. એ રમકડું હું ઘરે લાવતો. ‘મા’ અને ‘પા’ મને ક્યારેક બહુ દૂર લઇ જતા. કાળા રંગની મોટી સાયકલ ‘પા’ ચલાવતા, ‘મા’ મને પાછળ, એકદમ ટાઈટ રીતે પકડીને બેસતી. હું જોયા કરતો. સ્વર્ગ બાકી અદ્ભુત હતું હોંં!

એક વખત તો અમને બહું નવાઈ લાગી. ‘મા’ જે પાણી રોજ સવારે અમારા પર નાંખતી એવું જ પાણી અમારા આખા મહેલ પર પડતું હતું. આસપાસના મહેલો પર પણ પડતું હતું. ચારે બાજુ પડતું હતું. ઉંચે ઉંચે કૈંક ઝબકતું હતું. ‘મા’ તો અમને પકડીને ઘરમાં દોડી ગઈ પણ ‘પા’ એ મને ફરી મહેલ બહાર લઇ જઈ એ પાણીમાં પલાળ્યો. મને તો કઈ સમજાયું નહિ પણ મજા બહુ આવી. મેં જોયું, પેલી મારા જ મહેલમાં રહેતી પરી એ પાણીમાં કૂદાકૂદ કરતી હતી. પાએ મને પણ એની પાસે મૂક્યો. હું પણ કુદ્યો. પણ મારા પગ જમીન છોડી શક્યા નહિ. સૌ હસતા હતા. મને ખુબ ગમ્મત પડતી હતી. પણ કોણ જાણે કેમ જયારે અંધારું થયું ત્યારે હું ધ્રુજતો હતો. મને એક સફેદ વસ્ત્રોવાળા દેવ પાસે લઇ જવામાં આવ્યો. એમણે મારા કપાળે હાથ મૂક્યો. છાતીએ કૈંક સાધન લગાડ્યું. મને બીક લાગી. હું રડવા લાગ્યો. ઘરે પહોચ્યા ત્યારે મને એક ચમચી ભરીને શરબત પીવડાવાયું. સ્વાદ વિચિત્ર હતો. પણ ધીરે ધીરે મારી ધ્રુજારી ઓછી થઇ ગઈ. (ક્રમશ:)

– કમલેશ જોષી

મિત્રો, તમને થતું હશે કે તમે તો મારી સ્મશાનયાત્રામાં આવ્યા હતા અને સ્મશાન યાત્રા એટલે મૃત્યુ બાદ ઘરેથી સ્મશાન સુધી મૃતદેહને નનામીમાં લઇ જવાની યાત્રા. જયારે અહી તો પ્રથમ શ્વાસથી વાતની શરૂઆત થઈ. તો હું આપ સૌને પૂછવા માંગું છું કે શું જિંદગીનો પ્રથમ શ્વાસ એ અંતિમ શ્વાસ તરફની યાત્રાનું પહેલું ડગલું નથી? Journey begins with its first step! યાત્રાની શરૂઆત પ્રથમ ડગલું માંડીએ ત્યારથી થઇ કહેવાય ને? પહેલો શ્વાસ લઈને મેં મારા અંતિમ શ્વાસ તરફની યાત્રા શરુ કરી. શું એને અંતિમ યાત્રા કે સ્મશાન (તરફની) યાત્રા કહેવી એ સાચું નથી? અને હવે હું જે કહેવા જઈ રહ્યો છું એ કદાચ તમને નહિ ગમે : આ સ્મશાનયાત્રા મારી એકલાની નથી તમારી પણ આ અંતિમયાત્રા જ છે.. માટે શ્રદ્ધાપૂર્વક શ્વાસોચ્છવાસના ડગલા માંડતા ભીતરે વાગતા ‘રામ નામ સત્ય હૈ’ ના નાદને સાંભળવાની કોશીશ કરો. મળીશું આવતા અંકે


Leave a Reply to Hiral VyasCancel reply

6 thoughts on “સ્મશાન યાત્રા – કમલેશ જોષી