આઝાદીની પૂર્વસંધ્યાએ.. : અર્ધી રાત્રે આઝાદી – ધર્મેન્દ્ર કનાલા 14


આઝાદીને ભારતીયો જે માત્ર મર્યાદિત દ્રષ્ટિકોણથી જુએ છે એને આ પુસ્તક બહુવિધ આયામો પૂરાં પાડવાનું બૌદ્ધિક કાર્ય કરે છે. આ પુસ્તકના પાત્રો તો માભોમના સપૂતો જ છે એટલે એમની સાથે આપણને સૌને તાદાત્મ્ય થાય જ એ સ્વાભાવિક જ છે. આમાં બનતી બધી જ ઘટનાઓ આપણા સમગ્ર અસ્તિત્વને એક વર્તુળમાં ઘેરી લે છે અને એટલે જ પુસ્તકો ટાઈમ ટ્રાવેલ કરાવી શકવાની તાકાત ધરાવતા હોવાનો પ્રત્યક્ષ પરચો મળે.

પુસ્તકનું નામ : અર્ધી રાત્રે આઝાદી (Freedom at Midnight નો અનુવાદ)
લેખકનું નામ: Larry Collins અને Dominique Lapierre
ગુજરાતી અનુવાદ: શ્રી અશ્વિની ભટ્ટ

આજથી ઘણાં વર્ષો પહેલાં આલ્બર્ટ આઇન્સ્ટાઇને એક શંકા વ્યક્ત કરેલી કે આગામી સદીનાં લોકો ગાંધીજીને અને તેની અહિંસક આઝાદીની લડતની વાતને માનવા તૈયાર નહિ થાય.આ શંકાનું સમાધાન કરવા કદાચ લાખો લાંબી-લાંબી દલીલો કરી શકાય અથવા વિકલ્પરૂપે જે-તે વ્યક્તિનાં હાથમાં એક પુસ્તક મૂકી શકાય.આ પુસ્તક એટલે ‘અર્ધી રાત્રે આઝાદી’.આ પુસ્તક ગાંધીજીની દીર્ઘદ્રષ્ટિની સાથોસાથ વિચારોના અમરત્વની સાક્ષી પૂરે છે.આઝાદી ગાંધીજીએ જ અપાવી એ પૂર્ણ સત્ય ન હોવા છતાં આપણી આઝાદીની દરેક કથાની ખરી શરૂઆત અને પૂર્ણાહૂતિ તો ગાંધીજી જ છે એનો અહેસાસ આ પુસ્તક વધુ એક વાર કરાવે છે. અહીં આ પુસ્તક ભલે સામાન્ય રીતે વિદેશી લેખકો દ્વારા જે સંશોધનના પરિપ્રેક્ષ્યમાં લખાતું હોય એમ લખાયું હોવા છતાં ક્યાંક ને કયાંક ગાંધી કથા તો બની જ રહે છે. આમ આ પુસ્તક આપણા સૌના ગૌરવનો એક અક્ષરદેહી દસ્તાવેજ છે.

Larry Collins અને Dominique Lapierreના આ પુસ્તકનાં પત્તે-પત્તે રુંવાડાં ઊભાં કરી દેનાર ભૂતકાળ શાબ્દિક દેહે પડ્યો છે. એ ઈતિહાસ કે જે સમજ્યા વિના આપણે ક્યારેય ભારતને યોગ્ય ભવિષ્ય આપી જ ન શકીએ. એ ઈતિહાસ કે જે આપણાં શહીદોનાં લોહીથી લખાયેલો છે, એ ઈતિહાસ કે જ્યાં ગાંધી અને ઈરવીન કરાર થતાં જ તમારાં સૌના મસ્તિષ્કમાં ક્યારેય ન રુજાયેલા ઝખ્મ જેવો પ્રશ્ન પણ વકરવાનો-” ગાંધીજી ભગતસિંહને બચાવવામાં મોડા પડ્યા કે મોળા પડ્યા?”એ ઇતિહાસ કે જેમાં ડોકિયું કરતાં સંવેદનશીલ વાચકને જલિયાંવાલા બાગની ચિચિયારીઓ પણ સંભળાવાની અને ૧૫મી ઓગષ્ટ, ૧૯૪૭ના રોજ આપણાં દેશ-બાંધવોએ લગાવેલો “જય હિન્દ’નો નારો પણ! એ ઈતિહાસ કે જેનો પાયો તુર્કો દ્વારા જીતાયેલ ઇસ્તંબૂલથી ગળાય છે અને વાસ્કો-દ-ગામા તેના પર ગુલામીની જંજીરનું ચણતર શરૂ કરે છે અને આ અધ્યાય મેકોલેના કાયદા પંચ સુધી લંબાય છે.

આ પુસ્તક વાચતાં-વાચતાં ક્યાંક મરક-મરક હસી પણ જવાશે અને ત્યાર પછીનાં જ પત્તે આંખમાંથી આંસુ રેલાઈ જાય તો પણ નવાઈ નહીં. ઇતિહાસને પુસ્તક તરીકે માણવા અને મમળાવવાની મજાનો અહેસાસ અવિસ્મરણીય બની રહે છે

આઝાદીને ભારતીયો જે માત્ર મર્યાદિત દ્રષ્ટિકોણથી જુએ છે એને આ પુસ્તક બહુવિધ આયામો પૂરાં પાડવાનું બૌદ્ધિક કાર્ય કરે છે. આ પુસ્તકના પાત્રો તો માભોમના સપૂતો જ છે એટલે એમની સાથે આપણને સૌને તાદાત્મ્ય થાય જ એ સ્વાભાવિક જ છે. આમાં બનતી બધી જ ઘટનાઓ આપણા સમગ્ર અસ્તિત્વને એક વર્તુળમાં ઘેરી લે છે અને એટલે જ પુસ્તકો ટાઈમ ટ્રાવેલ કરાવી શકવાની તાકાત ધરાવતા હોવાનો પ્રત્યક્ષ પરચો મળે.

ખાસ કરીને ‘પ્રકરણ-૯ ઇતિહાસનાં સૌથી જટિલ છૂટાછેડા’ વાચ્યા પશ્ચાત જો કોઈ કોમવાદ ફેલાવવાની વાત પણ કરે તો તેને માનવી ગણી શકાય જ નહીં. આ છૂટાછેડા એ હકીકતમાં માનવજાતના પોતાના માણસાઈ સાથેના છૂટાછેડા છે એવી પ્રતીતિ થયાં વગર રહેતી નથી. આ પુસ્તક વાંચ્યા પછી કોઈ ભારતીય કે પાકિસ્તાની પેલી રોટલી, બિલાડી અને વાંદરાની વાર્તા કરે તો કોણે હસવું કે કોણે રડવું એ નક્કી કરવું ખરા અર્થમાં મુશ્કેલ બની જાય! સમય સાથે આપણે જે કેટલાક હક ગુમાવી બેઠા છીએ અને એ હજુ આપણને પરત થયા નથી એવું અહીં સતત સમજાય છે.

આ પુસ્તક વાચતી વખતે આપણી સમક્ષ જ જાણે ગાંધીજી હાથમાં મીઠું લઈને બોલે છે કે, ” આથી હું અંગ્રેજોની સત્તાનાં પાયામાં આજથી લૂણો લગાડું છું!” અને એ જ ગાંધીજી વૈમનસ્ય, ઈર્ષ્યા, કોમવાદ અને હિંસાને ત્રણ ગોળીના રૂપે સામી છાતીએ ઝીલી ‘ હે! રામ’ નાં નાદ સાથે આપણી નજર સામે જ જાણે ગૌરવભેર શહીદી વહોરીને અમરત્વ પામે છે. ભારતની આઝાદીનો જ નહીં પણ સત્ય, અહિંસા અને સદાચારનો એક આખોય યુગ આપણી સૌની નજર સામે જ અસ્ત થતો દેખાય છે. આપણામાંથી જ કંઈક આપણપણું જતું રહ્યું હોય એવી સંવેદના ન થાય તો જ નવાઈ.

અને એટલે જ આ પુસ્તક જેમ-જેમ વાચતાં જઈએ તેમ-તેમ તેમાં રહેલી ઘટનાઓ સાથે કોઈ અદ્રશ્ય તાંતણા વડે ગાઢ રીતે જોડાતાં જઈએ છીએ. પછી તો જાણે આપણે જ આ પુસ્તકના પાને છપાયા છીએ અને ખુદને જ એ અક્ષરોના માધ્યમથી ઉકેલવા મથતા માનવી હોઈએ એવું લાગ્યા કરે .પુસ્તકનાં પાનાં ઉથલાવતાં-ઉથલાવતાં મનમાં એક કલ્પના થયા વગર નથી રહેતી કે આપણે પુસ્તકનાં પાનાંઓ પર રહેલી આઝાદી મેળવવા ૨૨૮ પત્તાઓ સુધી પણ ધીરજ નથી રાખી શકતાં , ત્રાસ પામી જઈએ છીએ, દુઃખી-દુઃખી થઈ જઈએ છીએ તો આપણાં એ બાંધવોની શી દશા થઈ હશે કે જેમણે આ પૃષ્ઠોની સંખ્યા કરતાં પણ વધારે વર્ષો ગુલામી ભોગવી હતી! આ માત્ર વિચારવા કરતા અનુભવવાની જરૂર છે. આટલું અનુભવ્યા પછી દેશપ્રેમનું આ સિવાય બીજું કોઈ પુસ્તક વાંચવાનું બાકી રહેશે નહીં

આ પુસ્તકનાં ૪૩૬ પત્તાઓ ઉથલાવ્યાં બાદ અને પચાવ્યા બાદ ખરી આઝાદીનો ઓડકાર પણ આવે અને એના જ અનુસંધાને વકરી રહેલા વર્તમાનની વોમીટ પણ થાય તેવું છે. ઇતિહાસ, વાર્તા, રસાળ , સરળ અને જકડી રાખે એવી શૈલી…. એવી બધી વાતોથી પર થઈને માત્ર મુક સાક્ષીભાવે “કાશ કેટલીક ઘટનાઓ ફેરવી શકાતી હોત તો..” નો લાચારીભાવ પ્રદીપ્ત થાય.

આ પુસ્તકની શરૂઆતમાં આપેલાં ફોટોગ્રાફ્સ અને અંદર આપવામાં આવેલી કેટલીક માહિતી અત્યંત દુર્લભ છે.અજાણી ગલીમાં પડેલી લાશોનો ફોટોગ્રાફ (પેઇજ નંબર ૧૦) કે પાના નંબર ૨૮૫ પર આપેલ ખૂનામરકીના શબ્દોનું વિવરણ વાચી એક માનવ હૃદયમાં કમકમાટી અને વલોપાત થયાં વગર રહે નહીં. આ પુસ્તકમાં એટલી તાકાત છે કે એ વાંંચ્યા પછી તેનો વાચક નથી રહેતો હિન્દુસ્તાની કે નથી રહેતો પાકિસ્તાની, તે કેવળ એક મનુષ્ય બની જાય છે! આ પુસ્તક વાંંચ્યા બાદ દરેક ઝનૂનીઓ અને ધર્માંધોને પણ માનવ અને માત્ર માનવ થઈ જવાનું મન થઇ આવે તેવું છે અને તે જ આ પુસ્તકની સૌથી મોટી સિદ્ધિ ગણાય. આપણે પુસ્તક દ્વારા લોકશિક્ષણ અને ભાવ પરિવર્તનની જે વાત કરીએ છીએ તે અહીં હકીકત બની જાય છે.

કોઈ વિદેશી દ્વારા ભારતની આઝાદીની વાત આટલી સરસ અને તટસ્થતાપૂર્વક આલેખાય એ આજ પુસ્તકમાં દેખા દેતાં ગવર્નર્સ અને વાઇસરોઇસને વાચ્યા બાદ સુખદ અપવાદ લાગે. શ્રી અશ્વિની ભટ્ટ દ્વારા આ પુસ્તકનું ભાષાંતર થયું છે ખરું પણ ઇતિહાસની બાબતમાં કોઈ ભાષાંતર કે ભાવાંતર ન હોવાનું પ્રસ્થાપિત થાય છે. પુસ્તકમાં આપેલા પ્રકરણોના શીર્ષક પણ ખૂબ જ રસપ્રદ અને બોલકા છે. લેખકની સત્ય અને સંશોધન આપવાની વૃત્તિ જ એમને ગાંધી સુધી ખેંચી જાય છે. આ પુસ્તક દ્વારા ઇતિહાસ વિશેની કેટલીયે ભ્રામક માન્યતાઓનો છેદ ઉડે છે. ખોટી માહિતીના દોષ પણ લેખક ઘણી જગ્યાએ આંકડા આપીને દૂર કરે છે.

૪૩૬ પૃષ્ઠોને મમળાવવાથી કદાચ આઝાદી ન સમજાય તો કશું નહીં પણ ક્યાંક એકાદ ક્ષણે, પૃષ્ઠનાં એકાદ ખૂણે, એકાદ શબ્દે વાચકમાં રહેલી માનવતા તેના હૃદયને આંખના માધ્યમ દ્વારા પખાળી નાખે તેવી સંભાવના નહીં પણ પૂરેપૂરી ખાતરી.

– ધર્મેન્દ્ર કનાલા


Leave a Reply to Rajesh vaghelaCancel reply

14 thoughts on “આઝાદીની પૂર્વસંધ્યાએ.. : અર્ધી રાત્રે આઝાદી – ધર્મેન્દ્ર કનાલા

    • અજયભાઈ પુરોહિત, જૂનાગઢ

      વિદેશી પત્રકારોએ લખી છે, એટલે તટસ્થ આકલન થયું છે.
      લેખમાં બ્રિટિશ રાજદૂત રેડકલીફ જેને વિભાજન રેખા આંકવાની જવાબદારી સોંપાઈ તેણે કરેલ ઉલાળિયા કે વેઠ વિશે લખ્યું નથી. જે માણસ દેશની ભૂગોળ, ઇતિહાસ, સમાજ વિશે ખાસ કશું જાણતો નથી, તેણે હિન્દુઓની રજૂઆતને જાજુ મહત્વ ન આપીને, સામે મુસ્લિમોની રજુઆત (કાયમી બ્રિટિશ નીતિ )ને પ્રાધાન્ય આપી 6 મહિનાના અશક્ય ટૂંકા ગાળામાં પૂર્વ પશ્ચિમ રેખા નક્કી કરી નાખી. લાહોર પ્રાંત શીખ બહુમતી સબબ ભારતમાંજ ભળવો જોઈએ, તે પાકીસ્તાનમાં ગયો. આ કુટિલતાનું ઉદાહરણ.
      બન્ને રાષ્ટ્રો આઝાદ થયાં ત્યાં સુધી સરહદ પરની પ્રજાને જાણ ન હતી, કે તેઓ ક્યાં રાષ્ટ્રમાં છે ?
      વિભાજન રેખા 17 ઓગષ્ટ જાહેર થઈ, અને હાહાકાર થઈ ગયો.
      બન્ને દેશ સ્વતંત્ર થયા પહેલાં આ થયું હોત તો ભીષણ રક્તપાત ટળ્યો હોત. આ માટે રેડકલીફ, માઉન્ટ બેટન કે બ્રિટિશ સત્તા/સંસદને ક્યારેય માફ કરી ન શકાય.
      આ બાબતે વધુ એક લેખ લખવો જોઈએ.

  • shamji babariya

    આ પુસ્તકમાં આઝાદીનું વર્ણન રુવાડા ઉભા કરી દે છે . ગાંધીજીની અહિંસા અને ભગતસિંહ જેવા ક્રાંતિવીરોનો દેશપ્રેમ વ્યક્ત કર્યો છે .આ લેખમાં આઝાદીના પળેેેપળેનો ભૂતકાળની યાદો તાજી થાય છે

  • બી.એમ.રામ

    ખૂબ સરસ સમીક્ષા રજૂ કરી.આઝાદીના ઓડકારનો વાસ્તવિક ચિતાર છે.ગાંધીજી અને અન્ય સ્વાતંત્ર્યવીરોની બુલંદ સંઘર્ષગાથાનો પરિચય થયો.પૂર્વગ્રહ વગરનું પારદર્શી લખાણ સૌએ વાંચવા જેવું છે.

  • Rajesh vaghela

    બહુ જ વંચાતી નવલકથા ”અર્ધી રાતે આઝાદી’ (freedom at midnight by Larry Collins & Dominique lepierre) આપશ્રી એ આ કૃતિની માત્ર સારી બાબતો તરફ જ ધ્યાન દોર્યું છે. નબળી બાબતો તરફ દિશાનિર્દેશ નથી કર્યો. જેમ કે આ કૃત્તિનો નાયક લૂઈ ફ્રાન્સિસ એલ્બર્ટ વિક્ટર નિકોલસ માઉન્ટબેટન છે.અહીં તમામ સારા કામનો યશ માઉન્ટબેટનને અપાયો છે અને અપયશ ભારતીય નેતાગીરી પર નખાયો છે. આ લેખકોએ સેંકડો ટુકડાઓમાં વહેંચાયેલા ભારતને એક કરનાર સરદાર પટેલને અક્ષમ્ય અન્યાય કર્યો છે. ભારતને અરાજકતામાંથી વ્યવસ્થા તરફ દોરી જવાનો, રજવાડાંઓના એકત્રીકરણનો સંપૂર્ણ યશ આ લેખકોએ માઉન્ટબેટનને આપ્યો છે. વિભાજનરેખા અંગેના તમામ બાલીશ નિર્ણયોને વાજબી ઠેરવવાની આ લેખકોએ પૂરી કોશિશ કરી છે. ઘણી બધી બાબતે ગેરરસ્તે દોરનારી આ કૃત્તિની ગુજરાતીમાં ૧૫ આવૃત્તિ થઈ ચૂકી છે.

  • મનસુખલાલ ગાંધી U.S.A.

    બહુ સરસ સમિક્ષા લખી છે.

    આ પુસ્તક અમેરીકામાં ક્યાં વંચવા મળે? ઈબુક ઉપર મળે?

    • Kanala Dharmendra Arjanbhai

      આ પુસ્તકની પીડીએફ પ્રાપ્ય નથી. પણ આપને એમેઝોન પર પાક્કું મળી રહેશે.

  • અનિરુદ્ધ ઠક્કર"આગંતુક"

    આપે એકદમ સત્ય વાત કહી. મારે ના કહેવું જોઈએ તો પણ કહું છું કે મેં એકવાર ક્યાંક એવું કહી નાખેલું કે આ પુસ્તક આપના દેશની તમામ યુનિવર્સિટીમાં ભણાવવું જોઈએ…ફરજિયાતપણે….જે તે રાજ્યની ભાષામાં. અને કોઈપણ સ્ટ્રીમનો વિધાર્થી હોય તેને આ પુસ્તક ભણાવવું જ જોઈએ. મેં 20થી વધુ વખત આ પુસ્તક વાંચ્યું છે. તો બધાને સમજાય કે..ગાંધી વિશે, તેમની લડત વિશે અને આપણા દેશની આઝાદીની લડાઈ કેટલા પરિમાણમાં અને કયા કયા મોરચે લડાઈ છે. સુભાષચંદ્ર બોસ ,નહેરુ અને ઇવન સરદાર વલ્લભભાઈના એકબીજા સાથેના આદર અને સન્માન સાથેના અવરોધને પણ પુસ્તકમાં જોરદાર રીતે કહેવાયા છે. તે સમયના ભારતીય રાજાઓ અને તેંમની જીવનલીલાઓ પણ જબરજસ્ત રીતે વર્ણવાઇ છે.એક તરફ ભાગલા વખતે પંજાબમાં થતી કત્લેઆમ માટે આખું લશ્કર અને બીજી તરફ કલકત્તામાં નોઆખલીમાં શાંતિ માટે લડલા એકલા ગાંધીજી…ઈશ્વરે શી ખબર કઇ તાકાત આપી હતી તેમને…. અને ભારત અને પાકિસ્તાનના ભાગલા માટે શબ્દ વપરાયો છે ઇતિહાસના સૌથી મોટા છૂટાછેડા….જેમાં વહીવટી વસ્તુઓની વહેંચણી નું પ્રકરણ દરેક ભારતીયે વાંચવું જોઈએ. હકીકત તો એ છે કે…વહીવટી બાબતમાં ભારતમાં…અંગેજોના સમયે જ વ્યવસ્થાપનો અને સંસ્થઓ બની ગયી હતી.એવી મોટા ભાગના ભારતીયોને હજુ આજેય સમજ જ નથી. આ પુસ્તક એ પુસ્તક નથી..એક રીતે કહો તો આ એક ગ્રંથ છે. આપણી આઝાદીની કથા કહેતો ગ્રંથ. હું એમ નથી કહેતો કે આ એક જ પુસ્તક આવી રજુઆત કરતું હશે. બીજા પુસ્તકો ય હશે. પણ…આ પુસ્તક અદભુત છે. જબરજસ્ત છે. આખી આઝાદીની કથાને નજર સમક્ષ લાવી મૂકે છે. વળી…આપણને ક્યાંક એવું લાગે કે તેમાં કોઈક જગ્યા એ લેખકોનો અંગત દ્રષ્ટિકોણ ઇતિહાસને નજરઅંદાજ કરી ગયો હશે..તો…પણ..તો એ બાબત નજરઅંદાજ કરીને ય આ પુસ્તક વાંચવું જોઈએ. વાંચવું જ જોઈએ…ભેટમાં આપવા માટેનું પુસ્તક…દરેક ભારતીયે..બીજા ભારતીયને…ભેટમાં આપવા લાયક પુસ્તક..

    — અનિરુદ્ધ ઠકકર”આગંતુક”