લદ્દાખ (સફરનામું) ભાગ ૨ – સ્વાતિ મુકેશ શાહ 9


પૂનમનો ચાંદ હતો તેથી ચોમેર ચાંદની પથરાઈ ગઈ. બધું ચમકતું લાગતું. આકાશમાં વાદળ ઓછા હતાં એટલે નભોદર્શનની ખૂબ મજા માણી ઠંડી વધતાં રુમમાં ભરાઈ ગયાં. એવું જાણવા મળ્યું હતું કે પેન્ગોંગ લેકની ઉપર આકાશમાં આખી આકાશગંગા સુંદર દેખાય છે. તેનામાટે પરદેશથી અને આપણા દેશના ખગોળશાસ્ત્રી અમાસની રાતે ખાસ અભ્યાસ કરવા આવે છે,

લદ્દાખની સફરનો પ્રથમ ભાગ અહીં ક્લિક કરીને વાંચી શકાય છે.

મિત્રો આજે તમને હું લદ્દાખના ઉત્તરીય પૂર્વ ભાગમાં લઇ જઉં. આ ભાગમાં જવા હું પણ ઘણી ઉતાવળી હતી એનું મુખ્ય કારણ ખારડુંગલા પાસ પર જવાનું હતું. દુનિયાનો સૌથી ઊંચા ગતિશીલ માર્ગ પર જવાનું હતું. એ પાસ વટાવી અમે ડેસ્કિટ તરફ જવાના હતાં. ખારડુંગલા પાસ લેહથી ઓગણચાલીસ કિલોમીટર આગળ લગભગ ૧૮,૯૯૦ ફીટ ઉંચાઈ પર આવેલ છે.

મારી ઉત્તેજનાનો અંત આજે આવવાનો હતો. અમે સવારે વહેલાં તૈયાર થઇ નીકળ્યાં. પહાડમાં કહેવાય છે કે બપોર પછી હવામાનનો કોઈ ભરોસો ન હોય. અમારે હવામાનનું કોઈ જોખમ લેવું નહોતું. સવારમાં આકાશ સ્વચ્છ હોય, હુંફાળો નરમ તડકો હોય એમાં ચારેકોર આવેલાં બરફના પહાડ કેવા અનેરા લાગતાં હશે તે કલ્પના માત્રથી હું ખુશ થઇ ઉઠી. વાંકાચૂકા રસ્તા પર પેટમાં વાલોવાટ થતો હતો પણ આગળ વધવાની ઝંખના કશું રોકી શકતી નહોતી.

મુકેશને ફોટા પાડવા હતાં તો પણ મેં આગ્રહ રાખ્યો કે ખારડુંગલા પહોંચીને જેટલા ફોટા પાડવા હોય તેટલા પાડે. આમ તો અમારે નુબ્રાવેલીમાં ડેસ્કિટ ગામ જવાનું હતું જે લેહ થી ૧૧૫ કિલોમીટરની દૂરી પર આવેલું હતું. પણ વચ્ચે ખારડુંગલા અમે ઉભાં રહ્યાં. ત્યાં મિલીટરી થાણું હતું ત્યાં જરુરી કાગળ અને આગળ વધવાનો મંજુરી પત્ર અમારાં વાહન ચાલકે લઇ લીધો. હું તો ચારેકોર બરફ છાયા વાતાવરણને જોઈ મંત્રમુગ્ધ થઇ ગઈ.

બહુ ઊંચાઈને કારણે ઘણાબધા લોકોને શ્વાસની તકલીફ થાય છે. અમારાં વાહનચાલકે ખાસ સુચના આપેલી કે વધુ સમય રોકાવું હિતાવહ નથી. વધુમાં વધુ સમય અમને પંદર મિનીટ નો આપ્યો હતો. આંખ અને કેમેરામાં ભરાય એટલું ભરી અમે સમયસર આગળ વધ્યાં. જેમજેમ નીચે ઉતરતા ગયાં તેમતેમ લીલોતરી ઓછી થતી જણાઈ અને દૂર નજર નાખતાં નુબ્રાની ખીણમાં રેતીના રણ જેવું દેખાવા લાગ્યું.

પાછળ જોઉં તો બરફના પહાડ અને આગળ રેતીનું રણ. કુદરતની કમાલ અજીબની છે. જોકે ઉતારવાનો રસ્તો પણ ઘણો વાંકોચૂકો હતો એટલે બહુ પાછળનું દેખાતું નહોતું. લડાખમાં રસ્તાનું અંતર ઓછું બતાવે પણ ગંતવ્ય સ્થાન પર પહોંચતા ઘણી વાર લાગે. લડાખમાં જે સૌન્દર્ય જોવાનું છે તે છે  રસ્તા પરનું કુદરતી સૌન્દર્ય.  પહાડની નીચે ઉતરતા અમે એક ધાબા ઉપર ઉભાં રહ્યાં. અમારે પણ ગંતવ્ય સ્થાન ઉપર પહોંચવાની કોઈ ઉતાવળ નહોતી. મનમાં થતું ક્યાંક આ નઝારો ફરી જોવાં ના મળે તો! ધાબા ઉપર કાલી દાલ અને રોટી તથા મેગી નુડલ્સ મળતાં હતાં. અમે ગરમ ગરમ દાલ રોટી ખાઈ અમારાં પેટને તૃપ્ત કર્યું. હજી આંખ તૃપ્ત થવાની બાકી હતી એટલો કુદરતનો ખજાનો અહી ઠલવાયેલો હતો. રસ્તામાં પદ્મનાભસ્વામીની મોટી મૂર્તિ જોઈ ત્યાં જવાની લાલસા જાગી પછી નક્કી કર્યું કે પછીથી ડેસ્કિટ  મોનેસ્ટ્રી જોવાં જઈશું ત્યારે જોઈશું. 

અમે રણ ભણી આગળ વધ્યાં. ડેસ્કિટ ગામ ખૂબ સુંદર હતું. વધારે તો પ્રવાસીઓ માટેના નિવાસ સ્થાન હતાં. ગામમાં બહુ વસ્તી નહોતી. અમે અમારાં નિવાસસ્થાન પર પહોંચી સામાન મુકી થોડીવાર આરામ કરી રણમાં થતો સુર્યાસ્ત માણવા નીકળ્યાં.

આ રણની ખાસિયત કહીએ તો અહિયાં બે ખુંધ વાળા ઊંટ જોવાં મળે. આમતો બધે એકજ ખુધવાળા ઊંટ હોય છે પણ બે ખુંધ વાળા ઊંટ અહીયાની ખાસિયત છે. બધાં પ્રવાસીઓની જેમ અમે પણ ઊંટ સવારીનો લાભ લીધો. દસ મીનીટનો અમારો એ પ્રવાસ ખૂબ રોમાંચકારી હતો. ત્યારબાદ અમે ત્યાં એક તંબુમાં ત્યાંના લોકોનું  નૃત્ય જોવાં ગયાં. વિવિધ રંગના કપડામાં તેઓ ખુબ સુંદર લગતા હતાં.

અડધો કલાક ત્યાં પસાર થયો અને સૂર્યાસ્તનો સમય થવા આવ્યો હતો. અમે એક ઉંચાણ વાળી ટેકરી પર જઈ બેઠાં. રેતીનું રણ, તેની પાછળ દુર દેખાતાં બરફથી ઢંકાયેલી પર્વતમાળા અને સૂર્યદેવનું અસ્ત થવું .. અત્યારે આ લખતાં પણ મારાં રૂંવાડા ઉભાં થઇ જાય છે એટલું મનોરમ્ય દ્રશ્ય હતું. સૂર્ય આથમી ગયાં પછી પહાડ પાછળથી આવતા કેસરી રંગની ચાદર જાણે આખાં રણ ઉપર છવાઈ ગયી હતી. ઈશ્વરીય લીલાનો આનંદ ઉઠાવી અમે હોટલ પાછા ફર્યા.

સવારે અમારે ટુરતુક જવાનું હતું જે ડેસ્કિટ થી ૯૦ કિલોમીટરની દૂરી પર છે. આ ગામ એ ભારતનું છેલ્લું ગામ છે. એનાં પછી પાકિસ્તાન શરુ થાય. ઓગણીસો ઈકોતેર નાં યુદ્ધ દરમ્યાન પાકિસ્તાન પાસેથી આ ભાગ પાછો લેવામાં આવ્યો અને ૨૦૧૦માં પ્રવાસીઓ માટે ખુલ્લું મુકવામાં આવ્યું. અમે અઢી કલાકનો રસ્તો પસાર કરી પહોંચ્યાં. નાનું એવું ગામ હતું. એમાં એક ભાઈ જે પોતાને રાજાના વંશજ માનતા હતાં તેમણે ઘરમાં નાનું સંગ્રહાલય બનાવ્યું હતું તે જોયું. લડાકી લોકો કરતાં અહીયાના લોકોમાં મુસ્લિમ છાપ વધારે દેખાય છે. તેઓમાંના ઘણાં પોતાને બાલીસ્તાની કહેવડાવે છે.

આમ હિન્દુસ્તાન પાકિસ્તાન નો મેળાપ જોઈ ઘણો આનંદ થયો. ત્યાંના લોકો સાથે વાત કરવાની પણ બહુ મજા આવી. થોડો સમય ત્યાં વિતાવી અમે ડેસ્કિટ પાછા ફર્યા. પાછો સૂર્યાસ્તનો લાભ લઇ અમે ગંતવ્ય સ્થાન પર પહોંચ્યા.

સવારમાં અમારે પાછું બસો પચીસ કિલોમીટર આગળ વધવાનું હતું. સામાન્ય રીતે આ રસ્તો અમુક સમયે જ ખુલે છે. જે નુબ્રાથી સ્પાંગ્મિક થઇ ને જાય છે. બાકી તો પાછા લેહ જવું પડે અને લેહથી પેન્ગોંગ લેક જવાય. અમે સજ્જ થઇ પેન્ગોંગ લેક તરફ જવા રવાના થયાં. તે પહેલાં ડેસ્કિટ મોનાસ્ટ્રી ફરી જોઈ.

પેન્ગોંગ લેક વિષે ઘણું બધું સાંભળ્યું હતું એટલે જોવાની જીજ્ઞાસા કાબુમાં રાખવી પડે તેમ હતું. રસ્તો હમણાં ખુલ્યો હોવાથી થોડો ઉબડખાબડ હતો. પણ રસ્તાની બંને તરફના અફાટ સૌંંદર્યને જોતાં અમારો રસ્તો કયાં પૂરો થયો ખબર જ ન પડી.

અંદાજિત ૪૩૫૦ મીટરની ઊંચાઈ પર આવેલું પેન્ગોંગ લેક ખૂબ સુંદર છે. પેન્ગોંગ લેકની ખાસિયત કહીએ તો આટલી ઊંચાઈ પર આવેલું એક માત્ર ખારાપાણીનું વિશાળ તળાવ છે. જે લગભગ બાસઠ કિલોમીટર લાંબુ અને પહોળાઈ લગભગ છ થી સાત કિલોમીટર હશે. આ તળાવનો લગભગ ૨૫% ભાગ જ હિન્દુસ્તાનમાં છે બાકી ચાઈનામાં છે.

ક્યારે પાણી નજીક જઈએ અને પગ બોળીએ તેની જીજ્ઞાસા વધતી જતી હતી. અમે રુમ પર સામાન ગોઠવીને લેક પર ગયાં. લગભગ સાંજ પાડવા આવી હતી. તળાવની ઝાંખી કરી ત્યારનું વર્ણન શબ્દમાં લખવું મુશ્કેલ છે. એ રોમાંચકારી અનુભવ માટે જેટલા વિશષણ વાપરું તેટલા ઓછા પડે. જોતાંજ જાણે ધરતી ઉપર સ્વર્ગ ઉતરી આવ્યું હોય તેવી અનુભુતી થઇ.

પેન્ગોંગ લેકની ચારેતરફના પહાડનો પડછાયો જે રીતે એમાં પડતો હતો એ પ્રમાણે તળાવના પાણીનો રંગ બદલાતો હતો. અહિયાં ભગવાનમાં રહેલા કલાકારના સાક્ષાત દર્શન થયા. કોઈક જગ્યાએ પાણી વાદળી રંગનું લાગે તો કોઈક જગ્યાએ પાણી લીલા રંગનું લાગે. એક જ તળાવમાં રંગોને કારણે પાણી છુટું પડતું જોવું એ એક અનેરો લહાવો હતો.

પાણીમાં પગ પલાળ્યા ત્યારે તે કેટલું ઠંડું હતું તેનું ભાન થયું. અમે જેટલો સમય ત્યાં ઉભાં રહ્યાં તેટલો સમય કોઈકોઈની સાથે એક અક્ષર બોલી નહોતાં શક્યાં. મંત્રમુગ્ધ્તાની પરાકાષ્ટા એ પહોંચ્યા હઈશું એવી અનુભૂતિ થઇ.

ત્યાં અમારાં ડ્રાઈવર ભાઈ અમને બોલાવવા આવ્યાં અને કહ્યું કે હવે પવન અને ઠંડી વધશે આપણે હોટલ પર જવું જોઇશે. ત્યાંથી પણ લેક આવુજ સુંદર દેખાશે. તળાવના સૌન્દર્ય સાથે પહાડનું સૌન્દર્ય પણ વિશેષ લાગતું હતું. કોઈક પહાડ માટીનો લાગતો તો કોઈક વળી બળેલા પથ્થર જેવો દેખાય. પાછળ ઊંચાં બરફથી ઢંકાયેલા પહાડ દેખતા હતાં. કોઈક પહાડ એટલો અણીયાળ લાગે કે જોતાં થાય ભગવાને રંગ ભરેલી પીંછી તો વાપરી જ છે પણ સાથે પહાડ કાપવાની છીણીનો પણ ઉપયોગ કર્યો છે.

રાત પડતાં પેન્ગોંગ લેઈકનું વાતાવરણ એકદમ બદલાઈ જાય છે. ઠંડો પવન શરુ થાય. અમે જલ્દી જદલી જમી અને પાછા અમારી હોટલની અગાશીમાં ગોઠવાઈ ગયાં. એવા તો પેટીપેક થઇ બેઠાં કે હવા અમને સ્પર્શવાનું નામ નહીં લે એવું અમે ગૌરવપૂર્વક માનીને બેઠાં. પૂનમનો ચાંદ હતો તેથી ચોમેર ચાંદની પથરાઈ ગઈ. બધું ચમકતું લાગતું. આકાશમાં વાદળ ઓછા હતાં એટલે નભોદર્શનની ખૂબ મજા માણી ઠંડી વધતાં રુમમાં ભરાઈ ગયાં. એવું જાણવા મળ્યું હતું કે પેન્ગોંગ લેકની ઉપર આકાશમાં આખી આકાશગંગા સુંદર દેખાય છે. તેનામાટે પરદેશથી અને આપણા દેશના ખગોળશાસ્ત્રી અમાસની રાતે ખાસ અભ્યાસ કરવા આવે છે,

અમારે તો પાછો સૂર્યોદયનો આનંદ પણ લેવો હતો એટલે ફટાફટ ઉંઘી ગયાં. સવારે વહેલાં ઉઠી તૈયાર થઇ કુદરતની સવારની લીલાં માણી, થ્રી ઇડીયટ સ્કુલ જોઈ ભારે હૈયે આગળ વધ્યાં. પણ હજી અમારે લડાખનો દક્ષિણ પૂર્વીય ભાગ જોવાનો બાકી હતો એટલે તેની જીજ્ઞાસા ઘણી હતી.

મિત્રો  હું તમને મારી સાથે લડાખનો દક્ષિણ પૂર્વીય પ્રદેશની સફરે લઇ જઈશ જ્યાં સોમોરીરી લેક આવેલું છે. પેન્ગોંગથી અંદાજિત ૩૬૫ કિલોમીટર દુર દક્ષિણમાં આવેલું આ સોમોરીરી તળાવ ત્યાંના પ્રદેશમાં ઘણું પ્રખ્યાત છે. ૪૫૨૨મ મી ની ઊંચાઈ પર આવેલું આ એકમાત્ર ખારાપાણીનું તળાવ છે જે પક્ષી પ્રેમી લોકો માં બહુ પ્રખ્યાત છે.

આઠ કલાકની સફર બાદ થાકીને પહોંચ્યા ત્યારે સોમોરીરી તળાવ જોઈ બધો થાક ઉતરી ગયો. ચાંગયાંગ પ્રદેશમાં આવેલું આ તળાવ લગભગ ૧૯ કિલોમીટર લાંબુ અને ૭ કિલોમીટર પહોળું છે. તેનું પાણી કાળાશ પડતું છે પણ સુર્યપ્રકાશ અને આજુબાજુના પહાડ ના પ્રતિબીબને કારણે તનો રંગ ખુબ સુંદર વાદળી દેખાય છે.

બોર્ડરની નજીક હોવાથી ત્યાં જવા ઇનર લાઈન પરમીટ લઇ ને જઈ શકાય છે. અમે બધી વ્યવસ્થા અગાઉથી કરીને ગયાં હતાં એટલે અમને કોઈ તકલીફ ના પડી. સૂર્યાસ્તનો નઝારો માણી  અમે ઉંઘી ગયાં પાછું સવારે વહેલાં સૂર્યોદય જોવાનો હતો. સૂર્યોદયનો આનંદ લઇ અમે લેહ તરફ આગળ વધ્યાં. સોમોરીરી લેહ લગભગ બસોવીસ કિલોમીટર હતું. વચ્ચે સોકર નાનું તળાવ જોઈ અમે ચારેકોરનું સૌન્દર્ય માણતા આગળ વધ્યાં. રસ્તામાં અમને થોડાં વણઝારા જોવાં મળ્યાં. અમે ગાડીમાંથી ઉતરી અને તેઓને મળવા જવાની ઈચ્છા વ્યક્ત કરી એટલે અમારાં વાહનચાલકે ગાડી બાજુમાં ઉભી રાખી.

આ વિસ્તારના લોકો બહુ પ્રેમાળ અને શાંત પ્રકૃતિના હોય છે. ભાષા થી અજાણ પણ અમને બહુ સરસ આવકાર આપ્યો. અંદર ઝુંપડા જેવા જઈને જોયું તો બકરીના પેટમાં યાકનું દુધ ભરી તેને વલોવી તેમાંથી પનીર બનાવતા હતાં. નાની એવી વસ્તીમાં સહુ પોતપોતાના કામમાં વ્યસ્ત હતાં. યાકના દૂધમાંથી પનીર બનાવતા હતાં તેને કારણે આખો વિસ્તાર બહુ દુર્ગંધ વાળો હતો. ઝુંપડીની બાજુમાં કેટલીક બહેનો પ્લાસ્ટિક ઉપર તે પનીરને સુકવતી હતી. અમને જાણવા મળ્યું કે આ સુકવેલા પનીરને તેઓ શિયાળા માટે રાખી મુકે છે. શિયાળામાં જયારે બહુ ઠંડી પડે ત્યારે ખાવાની અગવડને કારણે આ સંગ્રહ કરેલા પનીરનું ખીચા જેવું રાંધીને પેટ ભરી લેતાં હોય છે. તેમના ઝુંપડામાં જોતાં નજર પડી કે તેઓ સોલર લાઈટ વાપરતા હતાં. તે જોઈ આપણા દેશની પ્રગતિ જાણી વિશેષ આનંદ થયો.

અમારાં આ પ્રવાસમાં એક આનંદનો વધારો થયો કે અમે લડાખના વણઝારાને  મળી શક્યાં. જે રસ્તે પાંચ કલાક માં પહોંચાય તેને બદલે અમને સહેજે છ થી સાત કલાક થઇ જતાં. પણ અમને એનો સંતોષ થતો કે ત્યાંના સ્થાઈ માણસોને મળાયું અને વણઝારાને પણ મળવાનો લાભ મળ્યો. મનમાં ખુશી ભરી રસ્તામાં હેમીસ, થીક્સે મોનેસ્ટ્રી બહારથી જોઈ હોટલ પર પહોંચ્યા.

લેહ પહોંચતા લગભગ સાંજ પડી ગઈ. બસ આજે અમારો અહી છેલ્લો રાત્રીરોકાણ નો દિવસ હતો એટલે બધાં સાથે બેસી ખુબ વાતો વાગોળી. અમને જાણવા મળ્યું હતું કે પ્લેનમાંથી એરિયલ ફોટોગ્રાફી ખુબ સરસ કરી શકાય છે .

અમે તો સવારે એરપોર્ટ વહેલાં પહોંચી ગયાં. જઈને જોયું તો જાત પર હસવું આવ્યું. હજી એરપોર્ટના મુખ્ય દરવાજા ખુલ્યા પણ નહોતા. બીજી ગાડીઓ પણ આવવા લાગી. જેવાં દરવાજા ખુલ્યાં તેવાં અમે અંદર જઈ પ્રેમપૂર્વક અમને જોઈતી સીટ માંગી અને તે મળી પણ ગઈ. આમ ફરવાનો તો આનંદ લીધો પણ પાછા આવતાં ઊંચાં હિમાલયને પણ મન ભરી નીરખ્યો..

ચાલો ત્યારે હવે રજા લઉં લેહ અને લદ્દાખની આ સફર વાગોળો ત્યાં પંદર દિવસ પછી પાછી બીજી આવી જ અદ્રુત સફર કરાવીશ. અસ્તુ.

— સ્વાતિ મુકેશ શાહ (ફોટો કર્ટસી- મુકેશ શાહ)


આપનો પ્રતિભાવ આપો....

9 thoughts on “લદ્દાખ (સફરનામું) ભાગ ૨ – સ્વાતિ મુકેશ શાહ