“આપણે જીવીએ છીંએંં સેના માટે?” – સુષમા શેઠ 6


“કઊં છું, દાળ જરા ઓછી પીજો. વાલને તો અડકતા જ નૈ. તમારા પ્રચંડ વાયુપ્રકોપને કારણે અડધી રાતે હું ગભરાઈ જાઊં છું. ચીંટુ ઝબકીને જાગે અને પૂછે, “દાદી, ફટાકડા ક્યાં ફૂટયા? મારે પણ ફોડવા છે.” સુશીલા સૌમ્ય સ્વરે અચલભાઈના કાનમાં ગણગણી.

અચલભાઈની ચાળીસમી લગ્નતિથિ ઉજવવા આખો પરિવાર અને નજીકના સગાંસંબંધીઓ તેમના ભવ્ય બંગલામાં ભેગાં થયાં છે.

પુરુષવર્ગ વિશાળ ડાઈનીંગ ટેબલ પર જમવાની મોજ માણી રહ્યો છે. પુરુષો ભોજન માણી લે એટલે પોતાનો વારો આવે તેની રાહ જોતી મહિલાઓ ગપ્પા હાંકી રહી છે. ઘરની મહિલાઓ જાતજાતની વાનગીઓ પીરસી રહી છે. કેટલીક હોંશીલી મહિલાઓ રસોડામાં અચલભાઈની ધર્મપત્ની સુશીલાને કડછી હલાવવામાં સહાયરુપ બનવાનો ડોળ કરી રહી છે. જોકે તેમને વાનગીઓ કઈ અને કેટલી છે, ફ્રીજમાં શું દટાયું છે અને પ્રખ્યાત રસોયા મણિલાલ મા’રાજની કારીગરી જોવામાં વધુ રસ છે.

“સુસીલાને દરરોજનું રસોઈનું મેનુ તો આપણે જ આપીએ. અમે હૉટલમાં જંઈયે ત્યારેય આપણે જ ઓર્ડર નક્કી કરવાનો. સું છે કે આપણે ખાવાનો બઉ સોખ. આપણે જીવીએ છીંએં સેના માટે હેં? બે ચાર ટંક જમવાનું તો આપણા ટેસ્ટનું જોઈએં ને. સુસીલામાં નિમક ઓછું એટલે જાણે કે સુસીલાના સાકમાં મીઠું, તેલ, મરચું ઓછું હોય તો આપણે રિજેક્ટ કરી દૈયેં. આપણે ધરાર જાતે ઊભા રૈને સરખું બનાવડાવીંએં પછી જ જમવા બેસવાનું સું? આજે ખાસ “મણીમોતી” થાળીવાળા ફેમસ મણિલાલ મા’રાજને આપણે કૈ દીધું, ‘તમારે હાઈક્લાસ રસોઈ બનાવવાની છે. તમારે જાતેપોતે આવી જવાનું, એમાં કોઈ બાનું નૈ ચાલે સું?”

અચલભાઈ કદાચ એવા વહેમમાં રાચતા હતા કે પોતાનું શરીર અને ફાટફાટ થઈ વધતી ફાંદ એ બે ભિન્ન અંગો છે માટે જ્યાં ‘હું’ સર્વનામ વપરાય ત્યાં તેઓ ‘આપણે’ વાપરતા એટલે પંપાળીને મોટા કરેલા પેટને માઠું ન લાગે તેથી આશ્ચર્યમાં ગરકાવ તેમનું પેટ મોઢા મારફત દરેક વાક્યને છેવાડે “સું?” બોલાવડાવતું.

“સું સું” કરીને યજમાન દ્વારા આમંત્રિત મહેમાનોનું ભેજું ખવાય તે પહેલાં સૌ સ્વાદિષ્ટ રસોઈ આરોગવામાં વ્યસ્ત થઈ ગયા. અચલભાઈને દરેક વાક્યમાં સું ઘુસાડવાની ટેવથી સહુ વાકેફ હતા.

“સું ક્યો છો સાળાજી, દાળ કેવી છે? આપણે મારાજને કૈ દીધું કે તેલ મસાલા છૂટથી વાપરજો પણ રસોઈ ટેસ્ટી જોઈંએ. બધાને આંગળા ચાટતા કરી દંયે. આપણે જીવીએ છીંએં સેના માટે હેં?” અચલભાઈ ઊંચાનીચા થઈ બોલ્યા.

“અરે ફસ્સક્લાસ છે જીજ્જાજી. બાકી મારી બેનની દાળ તમારી સામે ન ગળે.” સાળાએ સગા બનેવીને પાનો ચડાવ્યો. રાધર ચડાવવો પડ્યો.

“એમ ત્યારે. મરચાના ભજીયામાં આપણે ચાઈનીઝ સ્ટફીંગ કરાવ્યું છે સું સમજ્યા.” ટેડીબેરના સ્ટફ્ડ ટૉય જેવા અચલભાઈએ કરસનકાકા તરફ ભજીયાની ડીશ જવા દીધી.

“આ દિવાળીએ શું પ્રોગ્રામ?” સદાય સ્પષ્ટ ઉચ્ચારમાં બોલતા ટટ્ટાર બેઠેલા પીઢ કરસનકાકાએ ભજીયું આરોગતાં ટમકો મૂક્યો.

“દિવાળીમાં ઘુઘરા, મઠીયા, ચોળાફળી અને ચકરી તો ખાવા જ જોઈએ. આપણી સુસીલાને સ્ટેન્ડિંગ ઈન્સ્ટ્રક્શન છે કે ઊતરાણમાં ચીક્કી સાથે ઊંધિયું, સિયાળામાં સાલમપાક, ઊનાળામાં કેરીના રસ સાથે પાતરાં અને ચોમાસામાં ભજીયા તો તારે વગર પૂછે બનાવી જ દેવાના સું. જીવીએ છીંએં સેના માટે હેં?” અચલભાઈ લાડુનો કોળિયો મોઢામાં ઓરતા પહેલાં સહેજ વિચલિત થયા. તેમણે હળવેકથી એક બાજુ નમી, બીજી તરફનો ઢગરો ઊંચો કરી પેટમાં ગુંગળાતા વાયુને ફાની દેહની બહાર પ્રસ્થાન કરવાની સગવડ કરી આપી.

એ તો સૌ સગાંવહાલાઓ જાણતા હતાં કે સુશીલા ‘આપણામાંની’ હતી બાકી બહારનું કોઈ હાજર હોત તો સુશીલાને દ્રોપદીથીયે ચડીયાતી માની લેત. કહેવત છે ને કે દરેક સફળ પુરુષ પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે તેમ અચલભાઈની પાળેલી ફાંદ પાછળ સુશીલાનો હાથ હતો.

“હું કયા સ્થળે ફરવા જવું તેનું પૂછું છું.” કરસનકાકાએ સ્પષ્ટતા કરી.

“હા હા આજે બધાં ભેગા થયા છીંએં તો નક્કી કરી જ લઈએ સું.” અચલભાઈએ પાપડ ભાંગતા પાછું સું કર્યું. તેમના પેટે સ્ટાર્ટ નહીં થતી ગાડીના બગડેલા એન્જીન જેવી ”ગરરર… ગરરર…” એવી જાતજાતની ગરેરાટી બોલાવી. પછી તેમણે મોટો ઓડકાર ખાધો. હજુ પચરંગી મુખવાસ ખાવાનો બાકી હતો.

વર્ષોની પ્રણાલી મુજબ દિવાળી આસપાસ આખો  પરિવાર સંયુક્તપણે જુદા જુદા સ્થળોએ વેકેશન ગાળવા માટે જતો.

“ભાણાભાઈ, તમારે હવાફેર કરવી ખૂબ આવશ્યક છે.” અચલભાઈની પડખે બેઠેલા મનુમામા નાક પર રૂમાલ દાબી બોલ્યા, “એનાથી તમારા ઘરનું સમગ્ર વાયુચક્ર શુધ્ધિ પામશે.”

“તો એમ કરીએ કોઈ ફોરેનની ટુર ગોઠવીએ. ઈન્ડિયા તો આપણે પતાવી નાઈખું.” અચલભાઈએ દાળનો સબડકો બોલાવ્યો.

“કઊં છું, દાળ જરા ઓછી પીજો. વાલને તો અડકતા જ નૈ. તમારા પ્રચંડ વાયુપ્રકોપને કારણે અડધી રાતે હું ગભરાઈ જાઊં છું. ચીંટુ ઝબકીને જાગે અને પૂછે, “દાદી, ફટાકડા ક્યાં ફૂટયા? મારે પણ ફોડવા છે.” સુશીલા સૌમ્ય સ્વરે અચલભાઈના કાનમાં ગણગણી. તેણે પીરસણિયાઓને કડક શબ્દોમાં સુચના આપી, “શેઠને વાલ પીરસ્યા તો તમારી ખેર નથી.”

તમામ સાવધાની રાખવા છતાંય જે થવાકાળ હતું તે થયું જ. કુદરતી ઘટનાઓ રોકવી પામર મનુષ્યના હાથમાં નથી હોતી. ત્યાં બેઠેલાઓ ક્ષોભ પામ્યા. તે અવગણીને જમ્યા બાદ આઈસ્ક્રીમ માથે છાશના બે ગ્લાસ પીધા પછી અચલભાઈ એક મોટો ઓડકાર ખાઈ, પુરુષવર્ગ સાથે સોફામાં ગોઠવાયા. ત્યાર પછી સ્ત્રીઓ જમવા માટે ઉતાવળી થઈ.

“અમારે ગેસ ક્યારેય ખલાસ ન થાય. પાઈપલાઈન છે.” સુશીલા થાળીઓ ગોઠવતાં બોલી.

“અમારે તો ભઇસા’બ રાતદી’ એક જ ચિંતા, રસોઈ સું રાંધવી.” કાકી કાકડી ચાવતાં બોલ્યા.

“તે આ કાંઈ ઓછા છે? સવારે પૂછે, સાંજે જમવામાં શું છે અને સાંજે પૂછે, સવારે શું છે. બપોરે બે ઘડી આડી પડું ત્યારે વિચાર કરી કરીને એવી થાકું કે બનાવવાનો વિચાર જ પડતો મૂકી દઊં. હોટલનું ટીફીન બંધાવી લીધું છે. તારા મામાને નથી ખબર. કૈ દેવાનું, ચોપડીમાંથી જોઈને મેં જ બનાઈવું છે. ભલે ઈ મામા બનતા.” મામી બોલ્યા.

“અમારાવાળા એમ બની નો જાય. સીધ્ધા રહોડામાં જ પેહી જાય. કેસે સાકમાં તેલ નાખ ને દાળમાં ઓલું કાળું હું કે હા હા કોકમ ઇ નાંખ બોલો. પાસા ઊભા ઊભા બોઈલા કરે જોજે બરી નો ઝાય, જોજે બરી નો ઝાય. બળ્યું, મને તો બારી નાખવાનું મન થૈ જાય, હાચ્ચુ હોં.”

“લે, મારા રસોડામાં તો બારી જ નથી. બળેલું ફેંકવું ક્યાં?”

“એને કંઊં, ઓછું ખાવ, તમને પછી ગેસ થૈ જાય છે તો કહે, આપણે કમાઈએ છીએ સેના માટે? આપણે જીવીએ છીએ સેના માટે? એક વાર તો મેં કહી જ દીધું  કે આપણે ખાવા માટે જ જનમ્યા છીએ અને પછી છીછી કરવા માટે જ જમીએ છીએ. હું તો શું કરું તે જ સમજાતું નથી. કો’ક વાર થાય કે એરંડિયામાં જ રસોઈ રાંધુ, બધુંય છૂટી જાય. હું વળી ક્યાં તારા કાકાને પરણી. મારા તો ભોગ લાગ્યા. મારી માએ બહુ સમજાવી’તી કે આવું જોખમ ન લે પણ એણે મને લગન પેલ્લાં એવું મસ્ત ઊંધિયું ખવડાવેલું કે હું પ્રેમમાં પડીને પછી એની સાથે લગન કરીને ઊંધી પડી. એના બાપદાદા મૂળ સુરતના. બાકી મારા પિયર વાપીમાં તો ડબ્બ્માં ચોપડાનો ઢગલો કરી રાખ્યો હોય. ભૂખ લાગે ત્યારે અથાણા સાથે ખાઈ લેવાનું. તારા કાકા જમીને ઊઠે ત્યારે થાય, હાશ આખી નાત જમીને ઊઠી.” સુશીલાએ ઘટસ્ફોટ કર્યો.

“જવા દો ને કાકી, તમારા ભત્રીજા તો સૌથી ચડે તેવા છે. હું કહું કે મને ચાઈનીઝ, ઈટાલિયન, મેક્સિકન એવું બધું નથી આવડતું તો ગુગલ ખોલીને બેસી જાય. કહે, રેસીપી જોઈને બનાવ. હવે હું બકુડાને ધવરાવું કે તમારા ભત્રીજાને નવું નવું ખવડાવું? એક વાર હિંમત કરીને બનાવી આપ્યું તો ચાખીને પૂછે કે આ શું છે? મેં કીધું જે હોય તે, બાપા બહુ મે’નત કરીને બનાવ્યું છે ખાઈ જાઓ તો કે બીજી વાર નો બનાવતી, આ ખાવામાંય બહુ મે’નત કરવી પડી. આજ સુધી નથી ખબર કે ઈ શું હતું પણ ત્યારથી તમારા ભત્રીજા ગુગલને પૂછવાનું ભૂલી ગ્યા. એ આઈટમ પચાવતાં આંતરડા એવા ગૂંચવાઈ ગયા કે વળી પાછું ગુગલ સર્ચ કરવું પડ્યું કે, આંતરડા સીધા કરવાનો ઉપાય શો? ત્યારે ગુગલે અમને ગોટે ચડાવીને એટલા જાતજાતના ઉપાયો બતાવ્યા કે અમે ગૂંચવાઈ ગયા.”

“અમારે સવારથી ચાલુ થાય. તને તો ખબર છે, તારા માસા હેલ્થ કોન્શિયસ. ઊઠે એટલે ગરમ પાણી માંગે. પછી તેમનો જ્યુસ કાઢીને તૈયાર રાખવાનો. ગાજર, બીટ, આમળાનો. પછી બદામ અખરોટ ચાવી ચાવીને ખાય. એ પતે એટલે આદુ ફુદીનાવાળી ચા પીવા સાથે ગરમ નાસ્તો પછી…” માસીનું માસાપુરાણ બધાએ જમીને હાથ ધોયા ત્યાં સુધી લંબાયું; “એને સરદી થાય તો અમારે બધાએ હળદરનો સુપ પીવાનો અને છીંક આવે તો છોલેલું લસણ ચાવી જવાનુ. તાવ ચઢે તો તુલસી…”

“મારા ટીનુ મીનુ તો ડબ્બા ભરીને નવરી પડું તેટલામાં ખાલી કરી નાખે. પાછા દિવસમાં દસ વાર ભૂખ લાગી, ભૂખ લાગીના ગીત ગવાય. એમાં મારી ભૂખ મરી જાય છે અને મગજ ખાલી ડબ્બા જેવું થઈ જાય છે. એકવાર મારી બનાવેલી સુખડી ખાઈને ઈ એવા રાજી રાજી થઈ  ગયા, મને કે, શાબ્બાસ દાંત હલતા હોય ત્યારે તારે આવી જ સુખડી બનાવવી, આપણે ડેન્ટીસ્ટનો ખરચો બચે.”

આ તરફ, હૉલમાં જાતજાતની ચર્ચાઓ વિચારણાઓ બાદ મીની વેકેશન માટે દુબઈ જવાનું નક્કી થયું. વાર તારીખ નક્કી કરીને સૌ ઊત્સાહમાં આવી ગયા. અચલભાઈના ભત્રીજા નવિને જવા આવવાની ફ્લાઇટની ટીકીટોનું બુકીંગ, ત્યાંની હોટલનું બુકીંગ તેમજ સાઇટ સીઇંગ માટેની વ્યવસ્થા સંભાળવાની જવાબદારી પોતાના શિરે લઈ લીધી.

“સાથે નાસ્તો સું લઈ જઈસું?” અચલભાઈએ મહત્વનો મુદ્દો ઉઠાવ્યો. “ત્યાં અજાણ્યા દેસમાં કેવું મળે ને સું મળે?”

“અરે, બધું જ મળે. અહીંથી ખાવાનું ન લઈ જવાય. ત્યાં સરસ રેસ્ટોરન્ટો છે.” કરસનકાકાએ સ્પષ્ટતા કરી.

“આપણે સુકુંપાકું સાથે રાખવું સારું. સું છે કે હરતાફરતા ભૂખ લાગે ત્યારે પાસે હોય તો કામ આવે. આપણને તો ઘર બહાર નીકળીએ એટલે બવ ભૂખ લાગે.” અચલભાઈ ફુલેલા ફુગ્ગા જેવી ફાંદ પર હાથ ફેરવતા ફરી પાછા વાંકા થયા.

“આમ તો જરુર નથી કાકા, બાકી જેવી તમારી મરજી.” નવિન તેના કાકાને બરાબર ઓળખતો હતો.

“ચાલો લેડીસો, નક્કી કરી નાખો કે કોણે સું લેવું. સુસીલા આપણને મેથીભાજીના થેપલાં તો જોઈસે જ સું.” અચલભાઈએ મહત્વનો નિર્ણય જાહેર કર્યો.

“મારો છૂંદો.” નવિનની પત્ની નીતાએ પળનોય વિલંબ કર્યા વિના કાકાજીના સાદમાં પોતાનો સાદ પૂરાવ્યો.

“હું સુખડી બનાવી લઊં?” સુનિતાફોઈએ પૂછ્યું તે સાંભળતાં જ ફુઆ ઊછળ્યા.

“ટાં પરદડેસમાં ડેન્ટિસ્ટ નીં મલે. સાઠે બઢાંએં હઠોડી રાખવી પડે ટે ચેકીનમાં એરપોટવાલા નીં લેઈ જાવા ડે.”

“અપચાની, ગેસની, પાચનની, એસિડિટી, ખાંસી, તાવ શરદી, ઊંઘવાની ગોળીઓ, ચૂરણ, ફાકી, શેકેલા અજમાનો મુખવાસ હું લઈ લઈશ. શું છે કે તારા માસા બહુ હેલ્થ કોન્શિયસ. ગમે ત્યારે ગમે તેની જરુર પડે. વાં અજાણ્યા દેશમાં અજાણ્યા દાક્તર પાસે નો જવાય.”

“હું ચેવડો અને ચકરી લઈ લઈશ.” કાકીએ કહ્યું અને આમ દુબઈ જવા માટે સૌ સુસજ્જ થયાં. મુંબઈથી સાંજની સવા ત્રણ કલાકની ફ્લાઈટ હતી. અચલભાઈ પરિવાર સહિતનો બાવીસ જણાનો કાફલો અઢી કલાક પહેલાં એરપોર્ટ પહોંચી ગયો.

“આયાં ચાકોફી નાસ્તાની સું વ્યવસ્થા છે?” અચલભાઈએ એરપોર્ટ પર પગ મૂકતાં જ ભત્રીજા નવિનને મહત્વનો પ્રશ્ન કર્યો.

“કાકા, પહેલાં ચેક ઈન, સિક્યોરિટી વગેરે વિધિઓ પતાવીએ, અંદર બધું મળશે.” નવિને ઠાવકું મોઢું રાખી કહ્યું.

કાફલો બધી ઔપચારિક વિધિઓ પસાર કરી ડિપાર્ચર ગેટ પાસે ગોઠવાયો. તેવામાં ટીનુ મીનુ મોટેથી બોલ્યા, “અમને ભૂખ લાગી છે.” તે સાંભળી બધી મમ્મીઓ, કાકીઓ, માસીઓ, ફોઈઓ ભાવવિભોર થઈ પોતપોતાની કેબિનબેગમાંથી નાસ્તાના ડબ્બા બહાર કાઢવાના ઊત્સાહમાં આવી ગઈ.

તેવામાં અચલભાઈના નાકમાં કડક કોફીની સુગંધે પગપેસારો કર્યો એટલે તેમનું મન ઢીલું પડ્યું અને આપોઆપ તેમના પગ એ દિશામાં વળ્યા. “નાસ્તા સાથે કોફી જોઈએં ને?” અચલભાઈની આઠ મહિનાની સગર્ભાની ફાંદની આગેવાની હેઠળ તેમની પીઠને અનુસરતો કાફલો કોફીશૉપમાં પહોંચ્યો. સામેના પાટીયા પર વંચાતા ભાવ જોઈને અચલભાઈ ચલિત થઈ ગયા.

“એ દોઢસોકી કોફી કીટલા લોકો પી સકતા? અમારે પંદર રુપિયાનો કપ મિલતા. હમ બાવીસ લોક હૈ.” અચલભાઈનો અણઘડ પ્રશ્ન સાંભળી ઘડાયેલા કેફે-સ્ટાફે તેમને સામો સવાલ કર્યો, “વીચ વન વુડ્ યુ લાઈક ટુ હેવ સર?” 

અચલભાઈ ગોટે ચડ્યા. ટીનુ મીનુ ધમાલ કરે એ પહેલાં સમય વરતી સાવધાન થઈ ગયેલા અચલભાઈએ યુ ટર્ન લઈ લીધો. “એ ચાલો, આપણા ચકરી ચેવડો કાઢો. આયાં કાંઈ મજા નથી.” પછી તો બધાએ હાથેથી જ ચેવડાના બુકડા ભરી મોઢાં ચોખ્ખાં કર્યાં. થોડો ચેવડો એરપોર્ટ લાઊન્જની સીટો તેમજ ભોંયનેય ચખાડ્યો.

ફ્લાઈટમાં બોર્ડિંગ શરૂ થવાની ઘોષણા થતાંવેંત રઘવાયા થયેલા કાકીએ ટીનુના હાથમાંથી ચેવડાનો ડબ્બો ખેંચ્યો. ટીનુએ પરત નહીં આપવાની જિદ્એ ડબ્બો વધારે ઝનૂનથી પોતાની તરફ ખેંચ્યો. દોરડાખેંચની સ્પર્ધા હોય તેમ મીનુ ભાઈની મદદે આવી. કાકા કાકીને વહારે આવ્યા અને હાર નહીં માનવાની મમતમાં તેમણે બમણા જોરે ડબ્બો ખેંચવા માંડ્યો તે ચેવડાને ન ગમ્યું અને તે અત્રતત્ર સર્વત્ર ઊછળ્યો. કાકીએ મોઢું વકાસીને ખાલી ડબ્બો બેગમાં મૂક્યો તે જોઈ કાકાએ ટીનુને એક ધોલ મારી દીધી. ગુસ્સામાં આવી જઈ ટીનુએ બોર્ડિંગ પાસ ફાડી નાખ્યો.

રોકકળ કરતા ટીનુને બાવડેથી ઝાલી ફુઆએ લાઈનમાં ઊભો રાખ્યો. કાફલો આગળ વધ્યો. કેબીન ક્રુને બોર્ડિંગ પાસ બતાવતા અચલભાઈએ મોટેથી ઓડકાર ખાધો. એ સાંભળીને એરહૉસ્ટેસનો હસતો ચહેરો વાંકોચૂકો થયો. ટીનુનો વારો આવ્યો પણ તેની પાસે પાસ ન હોવાથી બબાલ મચી ગઈ. એરહૉસ્ટેસનો ચહેરો વધુ વાંકો થયો. સમયસૂચકતા વાપરી નવિને ફાડીને કટકા કરેલ બોર્ડિંગ પાસ બતાવી, બધી હકીકત સમજાવી. ટીનુને ફરી એક ધોલ પડી એટલે તેણે કકળાટ કરી મૂક્યો. પાછળ લાઈનમાં ઊભેલા બીજા યાત્રિકોએ બબડાટ કરવા માંડ્યો.

છેવટે અંદર સૌ જેમતેમ ગોઠવાયા અને ફ્લાઈટ ટેકઓફ થઈ. મહામહેનતે ફાંદને બે સીટ વચ્ચે ગોઠવી અચલભાઈએ પરાણે સીટબેલ્ટ બાંધ્યો ત્યારે પાછળ બેઠેલાઓએ વિમાનમાં વાયુપ્રદૂષણ થયાની ફરિયાદ નોંધાવી. વાંકા ચહેરાવાળી એરહૉસ્ટેસે એરફ્રેશનર છાંટયું. પાયલટે માઈકમાં જાહેરાત કરી, “દિલગીરી સાથે જણાવવાનું કે અચાનક અણધાર્યા વાયુપ્રદૂષણને ખાળવા અમે અસક્ષમ છીએ માટે સૌને કાનને બદલે નાકમાં રૂના પૂમડાં ભરાવવાની ભલામણ કરવામાં આવે છે. આનું કારણ અમે વહેલી તકે શોધી તેને ડામવાનો પૂરતો પ્રયત્ન કરીશું. આપ સૌ શાંતિ જાળવી સહકાર આપશો તેવી આશા છે.”

થોડી વારે જમવાનું પીરસાયું. વાંકી ચહેરાવાળીએ વાંકો હાથ કરી જમવાની ટ્રે અચલભાઈ તરફ ધકેલી. ફાંદ પર સીટબેલ્ટ બાંધેલ હોવાથી અચલભાઈ બેઠાબેઠા વાંકા થયા. ટ્રેની અંદર પીરસાયેલી વાનગીઓ તરફ નજર કરતાં તેમને મુખના અગ્રભાગેથી અને પછવાડેથી એમ બંને બાજુએથી વાયુ છૂટી ગયો. તેમના ભવાં સંકોચાયા અને જડબું લબડી પડ્યું.

person standing inside airliner
Photo by Kelly Lacy on Pexels.com

“ઐસા કઠણ ગોળ ગોળ દડા જૈસા બ્રેડસે ક્યા હમેરેકો બેટબોલ ખેલનેકા હય? આટલા મોંઘા ટીકીટ ખરચકે ઐસા તેલ મસાલા વગરકા ખાના ખાનેકા? હમકો સું સમજતા હૈ? અને આ સું? ફ્લાઈટમાં છોલે દેનેકા? હમારા પીછવાડા છોલાઈ જાતા હૈ. પાછા ટૉઇલેટમેં ધોનેકા ડબ્બા નહીં મલતા એટલે ફાવતા નહીં.” અચલભાઈએ વાંકા ચહેરાવાળી એરહૉસ્ટેસને મોટે સાદે સીધેસીધું કહ્યું.

“ડબ્બા? વોટ ડબ્બા?” કાફલાના કલબલાટથી ત્રસ્ત વાંકીએ પરાણે નમ્રતા ધારણ કરી, વંકાયેલા મોઢે કહ્યું, “વેજિટેરિયન ફુડમેં યહી હૈ. કાન્ટ બી રિપ્લેસ્ડ સર.”

“સુસીલા, આપણા થેપલા કાઢ. આ લોકો તો આપણને ભૂખ્યા મારી નાખસે સું. પથરા જેવી બ્રેડ કાપવા કરવત ક્યાંથી લાવવી સું.” અચલભાઈને ગડ બેઠી કે અહીં મણિલાલ મા’રાજની રસોઈ ન મળે અને હવે બીજો કોઈ ઉપાય પણ નહોતો.

પણ સુશીલાનો થેપલાનો ડબ્બો ટીનુમીનુની બબાલમાં એરપોર્ટ પર જ ભુલાઈ ગયો હતો. સુશીલાએ કેબિનમાંથી બેગ ઊતારી ખાંખાંખોળા કરવા માંડ્યા. બેગમાં ગોઠવેલો સામાન આખો ફેંદી નાંખ્યો.

“હાય હાય ડબ્બો શીટ પરથી ઉપાડવાનો જ રહી ગયો.” સુશીલાનો હાયકારો સાંભળી અચલભાઈના પેટમાં ફાળ પડી. તેમણે ઊપાડો લીધો.

“સું? ડોબી. મુરખી. જા લઈ આવ. તને ભાન નથી? થેપલા વગર સું કરસું? આપણે જીવીએ છીંએં સેના માટે હેં?”

અચલભાઈના ઓડકાર જેવો જ મોટો અવાજ આગળ બેઠેલી નવિનની પત્ની નીતાના કાને પડ્યો. “હવે છૂંદાનું શું થશે?” તેણે આગવી ચિંતા વ્યક્ત કરતાં કહ્યું. નવીને અચલભાઈને કહ્યું, “કાકા અત્યારે શાંતિ રાખો અને જે છે તે ખાઈ લ્યો. હું દુબઈમાં ગમે ત્યાંથી થેપલા શોધી લાવીશ.”

તે સાંભળી નીતાને પોતે લાવેલ છૂંદો લેખે લાગશે તેની ખુશી થઈ. “કાકા, છૂંદો આપું? બન સાથે ખાશો તો જરી ટેસ્ટી લાગશે.”

છેવટે અચલભાઈએ ભોજનને, એરહૉસ્ટેસને, એરવેઝને, સુશીલાને ગાળો ચોપડાવતાં બનના બે ફાડિયા કરી વચ્ચે છૂંદો ચોપડીને ખાધું, પછી મોટો ઓડકાર ખાધો. છેક આગળ બેઠેલા માસીએ તેની ઓળખ પામી જઈ, બૂમ પાડી, “અચલભાઈ, ફાકી આલું? એસિડીટીની ગોળીઓય લાઈ છું હોં.”

ગુજરાતી નહીં સમજતા પેસેન્જરોમાંય હસાહસ થઈ ગઈ. એક મશ્કરાએ મશ્કરી કરી, “કાકી ફાકી આપો તો અમનેય રાહત થાય.”

“ઊંઘવાની ગોળીઓ હોય તો બધાને આપી દો. તમને અમે સ્પોન્સર કરીએ.” બીજો બોલ્યો.

“ઐય્યો, તુમ પ્લેનમેં ગોલી લાતા? હમકો સુરુસે ડર લગતા, મુત્તુસ્વામીકો બોલા કી આજકાલ કીતના પ્લેન હાઈજેક હોતા પર યે નૈ માના. અમકો અબ્બી કા અબ્બી ઊતર જાના. ઐયય્યો પ્લેન રોકોજી.” બાજુની સીટવાળી અમ્મા ઊભી થઈ બૂમાબૂમ કરવા માંડી.

તેવામાં મીનુએ ભેંકડો તાણ્યો, “મને છૂંદો… મને છૂંદો જોવે…”

સુશીલાબેને સામો જવાબ આપ્યો, “એ છૂંદાવાળી. તમારી બબાલમાં થેપલાં ત્યાં રહી ગયા.” તેમણે એરહૉસ્ટેસ પાસે દોડી જઈ વિનંતી કરી, “એ બેન, એરપોર્ટે જરા ફોન કરી જાણ કરીને કે’ કે ઓલી બારી પાસેની ચોથી શીટ પર સ્ટીલનો મોટો ગોળ ડબ્બો છે ઈ સાચવી રાખે. વળતાં લઈ લઈશું. થેપલા બગડી નહીં જાય.”

એ સાંભળી વાંકીનો મૂડ બગડી ગયો. પ્રસાદ વહેંચતી હોય તેમ અચાનક તેણે સૌને રૂના પૂમડાં આપવા માંડ્યા, “જીધર ડાલના હૈ ઊધર ડાલો.”

પાયલટે કૉકપીટમાંથી ઘોષણા કરી, “કેટલાક અવિવેકી પેસેન્જરો સભ્યતા ભૂલી જઈ બીજા પેસેન્જરોને ખલેલ પહોંચાડે છે માટે પ્લીઝ શાંતિ જાળવો નહીંતર પ્લેન દુબઈ પહોંચાડવામાં નહીં આવે.”

“સભ્યતા માય ફૂટ! થેપલાનો ડબ્બો ભૂલી ગયા.” બબડતા અચલભાઈ ફરી પાછા એમની સીટ પર ચલાયમાન થયા. કેપ્ટનની ધમકીની ધારી અસર થઈ. છેવટે પ્લેન દુબઈ લેન્ડ થયું.

પંચતારક હોટેલમાં ઉતારો હતો ત્યાં આ ધાડું પહોંચ્યું. ચાવીઓ સૌને સોંપતા પહેલાં નવિને શેફને બોલાવી ડીનરમાં થેપલા બનાવી આપવાની વિનંતી કરી. માથે લાંબો સફેદ ટોપો પહેરેલો શેફ બીચારો ગુંચવાયો. આજ પર્યંત કોઈએ આવી અજુગતી માંગણી નહોતી કરી. નવીને સુશીલાકાકીને બોલાવી તેને રીત સમજાવવા જણાવ્યું.

“લોટ લેનેકા. ઊસમેં મસાલા ડાલકે ભાજી સમારકે ડાલનેકા. ભારોભાર લસણ, મરચું ને ખાંડ ડાલનેકા. ફિર ગોળ ગોળ વણકે સેકનેકા. છૂટ તેલ ડાલકે તવામેં થેપલા થેપલીને ઊલટી કરકે સેકનેકા. ઊસમેં ફોડલા પડવા જોઈએ.” સુશીલાકાકીએ સરળ સમજણ આપી.

શેફને ગડ ન બેઠી, “ખાંડ? ફોડલા? વો ક્યા હોતા હૈ? લસુનકો ભારી બનાનેકા ઔર તેલકો છૂટ્ટી દેનેકા? ઔર ડાલકે ઊલટી ક્યું કરનેકા?”

“લે, ન કરે તો તો થેપલા કાળા હોકે બળ જાવે.” સુશીલાકાકીએ ચલાવે રાખ્યું.

ટીનુ મીનુ શેફ જેવી ટોપી અપાવવાની હઠે ચડ્યા. નવિનને કાળજે ધ્રાસકો પડ્યો. તેણે વાઈફને બોલાવી કાકીની રેસિપીનું શેફ સમક્ષ ભાષાંતર કરવા સમજાવી સૌને પરાણે રુમભેગાં કર્યા.

“બધા પરવારીને જમવા આવો એટલે કાલનો પોગ્રામ નક્કી કરીયેં.” ફુઆજીએ કહ્યું પરંતુ શેફના થેપલાની રાહ જોયા વગર “આપણે જીવીએ છીંએં સેના માટે હેં?” કહેતા અચલભાઈ ડાયરેક્ટ ડાઈનીંગહૉલમાં સિધાવ્યા. 

બીજે દિવસે આખી બસ કરીને લોકલ સાઈટ સીઇંગ, ગોલ્ડ-સુક વગેરે સ્થળોએ જવાનું નકકી થયું.

“બધા દબાવીને બ્રેકફાસ્ટ કરી લેજો. બપોરે સરખું જમવાનો ટાઈમ નહીં રહે.” નવિને જરુરી સૂચના આપી.
અચલભાઈએ ફાંદની ગરિમા જળવાઈ રહે તે મુજબ ઝાપટ્યું. ટીનુ મીનુએ થેલામાં ભરાય તેટલાં ફળ, કુકીઝ, ડ્રાયફ્રુટ્સ ભરી લીધાં પછી સૌ બસમાં રવાના થયા.

“લે આમા સું જોવાનું? આવા ઊંચા મકાન તો આપણે એરપોર્ટથી હોટેલ જતાં જોઈ લીધા અને આવો દરિયો તો આપણા મુંબઈમાંય છે. એટલા માટે છેક આંહી આવ્યા? આના કરતાં તો એકાદી મસ્ત હોટલમાં જમવા જાંઈયે. આપણે જીવીએ છીંએં સેના માટે?” અચલભાઈએ ઊંચાનીચા થતાં કહ્યું.

“કાકા, આપણે ફરવા આવ્યા છીએ, જમવા નહીં.” નવિને નછૂટકે ફોડ પાડવી જ પડી.

“અચલકુમાર, તમને ખાવા જમવા સિવાય બીજું કંઈ સુઝે ખરું?” સાળાસાહેબે ચોપડાવી.

“જુઓ પેલું દેખાય એકસોને સાઈઠ માળનું બુર્જ ખલીફા.” મનુમામાએ ફોટા પાડતા કહ્યું.

“લે અંદર જાવા ન મળે. આમાં સું જોવાનું?” અચલભાઈએ રસપૂર્વક ચેવડો ફાકતા પોતાની નીરસતા પ્રદર્શિત કરી.

હરીફરીને સાંજે હોટલ પહોંચ્યા ત્યારે સૌને કકડીને ભૂખ લાગી હતી. દુબઈમૉલમાં ગજવા હળવા થયાં બાદ પેકેજમાં ડિનર “ઈન્ક્લુડેડ” હોવાથી સૌએ પૈસા વસુલ કરવા, પેટ ભારે કરવાનો આનંદ પણ માણ્યો.

બીજા દિવસે દુબઈ-સફારીનો કાર્યક્રમ હતો. રાત્રે સુતા ત્યારથી અચલભાઈના પેટમાં ઘમ્મ વલોણું ફરતું હોય તેવા ચિત્રવિચિત્ર ધ્વનીએ તેમના નસકોરાંને ખલેલ પહોંચાડવા માંડી. હળવા થવા તેઓએ ટૉઇલેટના ચક્કર કાપવા માંડ્યા.

“સુસીલા, માસી પાસેથી ફાકી લાવ.” અડધી રાતે અચલભાઈનો ઘાંટો સાંભળી સુશીલાએ માસીના રુમને બારણે ટકોરા માર્યા. માસીએ દવાનું આખું પાઊચ તેના હાથમાં પકડાવી દીધું.
“કાલે તમતારે ફરી આવજો. મારે ઈ ધૂળના ડુંગરા નથી જોવા સું?” અચલભાઈ ઓડકાર ખાતા બોલ્યા.

“પણ તમે જમવામાં ધ્યાન રાખજો. તમને જાતજાતનું ખાવાના ચટાકા થાય છે .” કહી સુશીલાબેને પોચા પલંગમાં લંબાવ્યું.

ઊંટની સવારી હોવાથી ટીનુ મીનુ અતિ ઉત્સાહિત હતા. બીચારો એકાદ ઊંટ અચલભાઈની મહેરબાની ન પામવા સદભાગી થયો પરંતુ એમના પેટના એવાં નસીબ નહોતા.

ફાંદની ઈજ્જત રાખવા માગતા અચલભાઈ ખાવાનું ન ટાળી શક્યા અને તેમનું પેટ જાજરૂ જવાનું ન ટાળી શક્યું. ખાય અને જાય. ખાય અને જાય. પછી તો ઘનપદાર્થનું ડાયરેક્ટ પ્રવાહી સ્વરુપે વિસર્જન થવા માંડ્યું. છેવટે અચલભાઈને પ્લેટમાં પીરસાયેલ ખોરાકને પાંચ મિનિટ સુધી સજળ નેત્રે જોયા કર્યું પછી તેને જ પૂછ્યું, “હવે પેટમાં થઈને બહાર જાવું છે કે ડાયરેક્ટ?”

એ તો સારું કે પછીના દિવસે આરામ હતો. સૌએ હોટલનું પુલ, જીમ, સ્પા વગેરે માણ્યું. “આવું તો આપણે ત્યાંય મળે.” બબડતા અચલભાઈ પેટ દબાવતા એરપોર્ટની ડિપાર્ચર લાઊન્જમાં બેઠાબેઠા વિચારતા હતા, ‘પાછી પેલી વાંકી ન ભટકાય તો સારું.”

“જાજરુએ વારંવાર જઈને પેટ સાવ ખાલી થઈ ગયું સું. એ સુસીલા, ચકરી વધી હોય તો આપ. આપણે જીવીએ છીંએં…” અચલભાઈએ કહ્યું તે સાંભળી તેમનું પેટ પાછું ચકરાવે ચડ્યું.

કાકીએ વધેલી ચકરી સુશીલાને આપવા માંડી. અચલભાઈ ફ્લાઈટમાં પેસતાવેંત ટૉઇલેટમાં દોડ્યા તે જોઈ વાંકા ચહેરાવાળી એરહૉસ્ટેસનો ચહેરો ચકરી જેવો થઈ ગયો. એરફ્રેશનર હસ્તગત કરી લેવા તે દોડી.

– સુષમા શેઠ

સુષમા શેઠના અક્ષરનાદ પરના આ સ્તંભ ‘તમને હળવાશના સમ’ ના બધા લેખ અહીં ક્લિક કરીને માણી શકાશે.


આપનો પ્રતિભાવ આપો....

6 thoughts on ““આપણે જીવીએ છીંએંં સેના માટે?” – સુષમા શેઠ