બપોરનો બોલાશ – મયુરિકા લેઉવા બેંકર 22


એવું નથી કે મેં જીવનના ત્રીસમા વર્ષે મધુમાલતી ભાળી છે, ત્રીસમા વર્ષે મધુમાલતીની સુંદરતા નિહાળવાની દૃષ્ટિ પામી છું.

(‘લીલોતરીની કંકોતરી’ સ્તંભ અંતર્ગત ચોથો મણકો)

આજે ભલે મંગળવાર છે પણ વાત છે અલસમન્થર ગતિએ ચૂપચાપ વહેતી રવિવારી બપોરની. આ ક્ષણે એવું લાગે છે કે પૃથ્વી પર સરતો સમય ભલે નિરાકાર હોય પણ રંગહીન નથી. રંગોની વિવિધ ભાતથી ભરચક છે. એની પાસે મોંસૂઝણું થવા ટાણે રચાતી મનોહર અસ્પષ્ટતા છે. સૂર્યોદય સમયની મોહક લાલિમા છે. વહેલી સવારના કુમળાપીળા તડકાની નિર્દોષતા છે, જે ચામડી પર પ્રસરે તો બાળકની હથેળીના મસૃણ સ્પર્શ જેવી મીઠાશ અર્પે છે. મધ્યાહ્ને માથા ઉપર ધખતા સૂરજની શુદ્ધ પીળી આક્રમકતા તમારા મનોબળની પરીક્ષા કરી લેવા પૂરતી છે. સુપરફાસ્ટ એક્સપ્રેસની ઝડપે સતત આગળ ધપી રહેલા દિવસમાં મધ્યાહ્ન પછી ખીલતી બપોર પેસેન્જર ટ્રેઇનની જેમ ગતિને ધીમી પાડે છે. એને કાનમાં કહે છે, “ભાઈ, જરા ધીમો પડ. તારી આસપાસનાં દૃશ્યો નિહાળ. હળવેથી વાતા વાયરાની હલક માણ. ધીરે ધીરે ટહુકતાં પંખીઓની મીઠાશ કાને ધર. જો, આ અબોલ દિશાઓ, આ ઉત્તુંગ વૃક્ષો. એમનું મૌન સાંભળ. આ નિરવ પળોનું સૌંદર્ય અલૌકિક છે.” ને એ આગળ વધુ કંઈ સમજાવે એ પહેલાં તો દિવસ બપોરની વાત માની જાય છે. નમતી બપોર પાસે છે તીખો સ્વાદ. રજાના આખા દિવસે આડે પડખે થઈથઈને પંપાળેલા બરડાને આ કેસરી તીખાશ ચાખવી ગમે. ને ઢળતી સંધ્યા! એની પાસે તો છે રંગોનો અખૂટ ભંડાર. એટલે જ તો એને મળેલી નાનકડી અવધિમાં આકાશીમંચ પર રજૂ કરે છે રંગરંગના ખેલ. રાત રહસ્યમયી અદાથી વીંટો વાળી દે છે સઘળાં રંગોનો એક મોટાં કાળાં કપડાંમાં. પળેપળ બદલાતી રંગલીલામાં બપોરનું ધૈર્ય બેજોડ છે. એના ગર્ભમાં સતત ઘૂઘવતી અસીમ શાંતિના મોજાં ક્યારેક જડતાની સરહદને સ્પર્શી જાય છે. એની પાસે ધોળા દહાડાના રણસંગ્રામમાં અવાજની તગતગતી તલવારને મ્યાન કરવાનું અનોખું કૌશલ છે. એ મૌનનો અવાજ બુલંદ કરે છે, તમને વધુ સંભળાય એ રીતે, તમને સારી રીતે સંભળાય એ રીતે. મૌનના પૂજકો માટે રાત ભલે કુળદેવી હશે પણ બપોર આરાધ્યસ્ત્રી તો ખરી જ. એની પાસે ઘણાં વરદાન છે તમને આપવા માટે, જો તમારી પાસે બપોરમય બની જવાનું સમર્પણ હોય તો. બપોરની નીરવ કેદમાં સ્વેચ્છાએ કેદ થઈ જવું એટલે સમયને સ્ટૅચ્યૂ કહી દેવું.

એક રવિવારે ઘરબગીચાના હીંચકે ઝૂલવાના કદીમદી મળતા વૈભવને માણી લેવાની મનીષા સાથે હું એના પર બિરાજી ત્યારે બપોર એની બંને ભુજાઓ પ્રસારી મને એનામાં સમાવી લેવા તત્પર હતી. બપોર જ્યારે લીલોતરીના સંસર્ગમાં ખીલે છે ત્યારે એની રોનક અદ્વિતીય હોય છે. બપોરની પીળાશ લીલોતરીના ખરલમાં ઘૂંટાઈ ઘૂંટાઈને ઘોળે છે ભીતરી આનંદ. જાતને એક એવા બિંદુ પર લઈ જાય છે કે જ્યાં વાણી મૌનના વાઘા પહેરી લે છે અને મૌનને ફૂટે છે ભાષા. હું મૌનરાગ આલાપું છું ને જ્યાં જ્યાં નજર પડે ત્યાં ત્યાં પથરાયેલી લીલોતરી પાર્શ્વસંગીત આપે છે. કોઈ વિશિષ્ટ સંગીતસમારોહના ભાગ બની ગયેલાં અમે એકમેકમાં ઓતપ્રોત થતાં જઈએ છીએ.

હીંચકે ઝૂલતાં ઝૂલતાં જોઉં છું તો સામે મધુમાલતીની કમનીય ડાળીઓ પર મહોરેલાં પુષ્પગુચ્છ પણ ઝૂલી રહ્યાં છે. હું તો હીંચકાને ઠેસ મારું છું પણ એમને તો ડાળીઓરૂપી પારણાં પર સૂતાં સૂતાં જ પવન હેતાળ ધક્કો મારે છે અને એ ઝૂલવા લાગે છે. હીંચકાની સામેની બાજુ મહેંદીની વાડની બહારની તરફ લોખંડના સળિયાના અર્ધવર્તુળાકાર આધાર પર વીંટળાઈ વળી છે મધુમાલતી. કોમળ અને રૂક્ષનું આ અનન્ય સાયુજ્ય વિરોધાભાસમાં ઉદ્ભવતા સૌંદર્યના દ્યોતક સમું ભાસી રહ્યું છે. કથ્થઈ ઝાંય ધરાવતી લીલી નાજુક ડાળીઓ પર છૂટાંછૂટાં ઊગેલાં પાંદડાં, એની આસપાસ ખીલતી કળીઓના ગુચ્છ, જે કોળી ગયાં પછી સફેદગુલાબી ફૂલોમાં પરિવર્તિત થઈ જાય છે. આ સફેદગુલાબી ફૂલો પૂર્ણ વિકસિત થયાં બાદ રાતાં રંગે રંગાઈ જાય છે. મધુમાલતીના પુષ્પગુચ્છનું આ જીવનચક્ર સહસા મને સ્ત્રીના જીવનની વિવિધ અવસ્થાઓ ભણી દોરી ગયું. કળીઓ એટલે જાણે કોઈ ભોળી બાળા. તાજી ખીલેલી સફેદ કળી એટલે કોઈ અલ્લડ કિશોરી. સફેદગુલાબી નવ્ય ફૂલ એટલે જાણે મુગ્ધ તરૂણી અને પૂર્ણ રાતા રંગને પ્રાપ્ત કરી શરમથી લળીલળીને, રીતસરની ધરતીમાં સમાઈ જવા પ્રયત્નરત રાતાં પુષ્પો એટલે લાવણ્યમયી યૌવના. (કે પછી પાનેતરમાં શૃંગારિત નવોઢા!) અત્યારે મધુમાલતી એની સોળે કળાએ ખીલેલી છે. ઠેરઠેર સફેદરાતાં પુષ્પગુચ્છ એમની જનની એવી વસુધાની દિશામાં મોં કરી ઝૂકેલાં છે. ક્યાંકથી વહી આવેલા પવનને હળવેથી આ પુષ્પોના પોલાણમાં ગરકીને ક્યાંય દૂર ચાલ્યો જતો હું જોઈ શકું છું. કોણે મોકલ્યો હશે એને મધુમાલતીની મહેક આણવા? ક્યાં લઈ જતો હશે એ આ મધુમાલતીની ફોરમ? શું કોઈ દુર્ગંધને નષ્ટ કરવા જતો હશે? કે કોઈ ગંધહીન હવાને સુગંધ બક્ષી એને સમૃદ્ધ કરવા જતો હશે? એક પછી એક ખેલાતી લીલોતરીની ક્રીડાઓ સાથે મારા મગજમાં આવતા વિચારો પણ કદમતાલ મેળવી રહ્યા છે.

એક બુલબુલ ક્યારની આવીને આ વેલઘટાને નાણી રહી છે. ઘડીકમાં વેલની અંદર, ઘડીકમાં બહાર. ઘડીકમાં વેલની ઉપરની તરફ તો ઘડીકમાં નીચેની બખોલમાં. મધુમાલતીની વેલઘટાનો નયનરમ્ય નજારો જોવામાં મારાં નયનો પરોવાયેલાં છે. જીવનના ત્રીસમા વર્ષે, પૃથ્વી પર લીલોતરીએ એના પ્રાગટ્યકાળથી અનાવૃત્ત કરી મૂકેલી સુંદરતા હું જોઈ રહી છું. ના, ના, એવું નથી કે મેં જીવનના ત્રીસમા વર્ષે મધુમાલતી ભાળી છે, ત્રીસમા વર્ષે મધુમાલતીની સુંદરતા નિહાળવાની દૃષ્ટિ પામી છું. લીલોતરીએ એના પાલવમાં સંગોપી રાખેલી આવી અનેક લીલાઓ ‘લીલોતરીની કંકોતરી’માં માણતાં રહીશું.    

ચાલો, કોઈ એક રવિવારે લીલોતરીના તાબે થઈ ગયાં પછી ડાયરીનાં પાને ઊતરી પડેલા શબ્દો, આજે તમારા સૌની સાથે વહેંચીને ગમતાંનો ગુલાલ કરું.  

~~ રજા ~~

આજે રજા હતી.
કશું જ કર્યું નહીં.
બેસી રહી આખો દિવસ હીંચકા પર…

સવારથી બપોર, બપોરથી સાંજ, સાંજથી રાત,
પળેપળ બદલાતા તડકાના રંગને કૌતુકતાથી નિહાળ્યા કર્યું. તેની તીખીમીઠી તીવ્રતાને ત્વચા પર સ્પર્શવા દેવાની કશ્મકશને શબ્દોમાં ઢાળી શકાય એમ નથી.

આકાશ સામે થોડીક વાર અપલક નેત્રે તાક્યા કર્યું, એની અસીમતા વિષે વિચારતાં નવેસરથી નવાઈમાં ગરક થઈ જવાયું.

ધૂંધળાં વાદળિયાં આકાશમાં લબૂકઝબૂક થતી લાઇટમાં ઍરોપ્લેન ભળાયું. થોડી વાર એની સાથે સફર કરતાં કરતાં મનમાં વિચારોની કેટલીય સફર પૂરી કરી દીધી.

સામેના ઘાસમાં ઠેકડા મારતાં અને લપક દઈને ચાંચમાં જીવાતો ભરી દેતાં લલેડાં, કાબર, દૈયડ અને દેવચકલીની અવનવી ચેષ્ટાઓ જોવામાં સમય જાણે થંભી ગયો.

કેટલા દિવસો પછી ઘાસનો લીલો રંગ, પાંદડાંનો લીલો રંગ અને કૂંપળોનો લીલો રંગ જોયો! આંખોમાં શીતળતા વ્યાપી ગઈ.

ક્યાંક દૂરથી આવતો ઘોંકિયાનો અવાજ સ્પષ્ટ સંભળાયો. એટલું જ નહીં, એને સામેથી મળતો પ્રતિસાદ પણ સંભળાયો. થોડીથોડી વારે કંસારાનું ટુક ટુક અને શક્કરખોરાનું ચ્વીક ચ્વીક પણ સાંભળ્યા કર્યું.

“આ મદહોશ કરી દેતી દેશી ગુલાબની ફોરમ ક્યાંથી આવે છે?” એવો પ્રશ્ન મનમાં ઊઠ્યો જ હતો કે ક્યારામાં ઊગેલાં છસાત રાતાં ગુલાબોના કૅફે મને જકડી લીધી. તેમના મોહપાશમાં હું કેટલો વખત હોઈશ એનો કોઈ હિસાબ નથી.

બસ, ક્ષણેક્ષણે બદલાતા સૃષ્ટિના સ્વરૂપોને નીરખ્યા કર્યું, સૂંઘ્યા કર્યું, ચાખ્યા કર્યું, સ્પર્શ્યા કર્યું, માણ્યા કર્યું.

આજે રજા હતી.
કશું જ કર્યું નહીં.
બેસી રહી આખો દિવસ હીંચકા પર..

– મયુરિકા લેઉવા બેંકર

મયુરિકા લેઉવા બેંકરના અક્ષરનાદ પરના આ સ્તંભ ‘લીલોતરીની કંકોતરી’ ના બધા લેખ અહીં ક્લિક કરીને માણી શકાશે.


આપનો પ્રતિભાવ આપો....

22 thoughts on “બપોરનો બોલાશ – મયુરિકા લેઉવા બેંકર

 • Tanvi k tandel

  આપના શબ્દોમાં પ્રકૃતિ સોળે શણગાર સજી ઉભરી આવી છે. ખૂબ સરસ લેખ. મધુમાલતી પર પ્રેમ ઉભરાઈ આવ્યો.

 • Anila patel

  આપની લેખન શૈલી અને વર્ણનશૈલી આગળ તો મારો પ્રતિભાવ ફીકોજ પડી જાય એટલે હું મારી વાણીને મૌન રહેવાનો આદેશ આપી લઉં છું.

 • Hiral Vyas

  ખૂબ જ સરસ. લીલોતરીથી તરબતર થઈ જવાય એવું જ વર્ણન. આવી બપોર કે સાંજ માણવા મળવી એ પોતે પણ એક વરદાન છે. કદાચ લીલોતરી ન પણ હોય તો’ય નિરાંત તો મળે જ.

 • Sushma sheth

  બહુ સરસ સુગંધીદાર લેખ. નજર સમક્ષ મધુમાલતી ઝૂમી ઊઠી.

 • Sarla Sutaria

  મધુમાલતીને કેવી રીતે જોવાય તે શીખી આજે તારી પાસેથી મયુરિકા. મધુમાલતીની હરેક અવસ્થાને સ્ત્રી જીવનની અવસ્થા સાથે સરખાવવાની વાત જ મને અભિભૂત કરી ગઈ. ખૂબ સુંદર લેખ… જાણે કે હૈયાને લીલુંછમ કરી ગયો.

   • દક્ષેશ

    ખૂબ જ સુંદર લેખ.જ્યારે પણ લેખ વાંચતા હોઈ એ ત્યારે આપણે ખુદ પ્રકૃતિ સાથે…નિહાળતાં હોય એમ લાગે.મન માં આનંદ અને રોમાંચ ભરેલી સવાર અને સાંજ નું વર્ણન…ખૂબ જ અદભુત કર્યું છે.

 • Librarian, K J Choksi Public Library

  અદ્ભૂત લેખ
  બપોરનું ધૈર્ય ઉત્તમ અલંકારિક વર્ણન.
  મધુમાલતી સદાકાળ ખીલેલી રહે.
  મારાં જૂના ઘરની સામેના બંગલામાં મધુમાલતી નો મંડપ હતો.
  ખસિકોલીઓ સાથે હું વાતો કરતો.
  એના ફૂલમાંથી પાતળી ડાંડી કાઢી ચૂસતા.
  જૂના સંસ્મરણો તાજાં કરાવતો લેખ.