પરમ સખા પરમેશ્વરને – નીલમ દોશી (એક સુંદર શરૂઆત) 1


સૌ પ્રથમ તો હે પરમાત્મા, આજે ફરી એકવાર જાગી શકાયું એ માટે દિલથી આભાર. અનેક લોકો સૂતા પછી બીજી સવાર જોઇ શકતા નથી એ હું જાણું છું. પણ તેં મને એક વધુ સવારની અણમોલ  ભેટ આપી છે.

હે પરમાત્મા તું સહુને સારા કરજે પણ એની શરૂઆત મારાથી કરજે.

એક સુંદર શરૂઆત

સૌ પ્રથમ તો હે પરમાત્મા, આજે ફરી એકવાર જાગી શકાયું એ માટે દિલથી આભાર. અનેક લોકો સૂતા પછી બીજી સવાર જોઇ શકતા નથી એ હું જાણું છું. પણ તેં મને એક વધુ સવારની અણમોલ  ભેટ આપી છે. હવે એ સવારને વેડફું નહીં, એને વધારે સુંદર બનાવવાની જવાબદારી તો મારી જ કહેવાય. પણ હે કરૂણાસાગર, તારી મદદની જરૂર તો મને ક્ષણે ક્ષણે પડવાની જ ને ? તું મારો  પરમ સખા બનીશ ને ? મને રસ્તો બતાવીશ ને ? મને જાણ છે કે તને સખા બનાવવા માટે મારે પાત્રતા કેળવવી પડશે.  એ પાત્રતા કેળવવા માટે હું પૂરા દિલથી સંનિષ્ઠ પ્રયાસ કરીશ. પણ કયારેક એમાં ચૂકી જાઉં, કદીક થાકી જાઉં કે હારી જાઉં, ભૂલ કરી બેસું, કદીક નિરાશ બનીને બેસી રહું એવે સમયે પણ હે ઇશ્વર, તું મારો સાથ છોડી તો નહીં દે ને ?  કદીક ખીજાઇને, કદીક કોઇ રૂપે ઠપકો આપીને , નાની મોટી સજા કરીને પણ આખરે તો તું સાથ આપીશ જ ને ? આખરે તો હું તારું સર્જન, તારો જ એક અંશ છું ને ? હું ખોટે રસ્તે ન ચાલું એ જોવાની તારી પણ ફરજ ખરી કે નહીં ? મારો કાન પકડવાની તને છૂટ છે. મારી ભીતર બેસેલો તું મને બસ રસ્તો ચીંધતો રહેજે. એ રસ્તે ચાલવાની મારી  જવાબદારી હું નિભાવીશ. હે પરમાત્મા, આજે હું તને જ નહીં મારી જાતને વચન આપું છું. હું છું એના કરતા ભલે થોડોક જ..પણ વધારે સારો માનવ બનવાની કોશિષ કરતો રહીશ. સફળતા કે નિષ્ફળતા એની મને જાણ નથી. પણ મારી મથામણ તો ચાલુ રહેશે જ.

મારા મનમાં ચાલતા સારા, નરસા દરેક વિચાર તારી સમક્ષ ઠાલવીને હળવા બની રહેવાનો મારો આ ઉપક્રમ છે. મારી ભીતરની આરઝૂ અહીં  વ્યક્ત કરવાનો પ્રયાસ કરીશ. મારો દોસ્ત, બનીને પૂરી સહર્દયતાથી તું મારી વાત સાંભળીશ ને ? મને જાણ છે આજે તું  અમારાથી નિરાશ થયો છે. તારી પરીક્ષામાં અમે સૌ ઉણા ઉતર્યા છીએ. પણ હે સખા, છતાં યે હું તને એટલો વિશ્વાસ અપાવવા માગું છું કે  મારી અંદરની સારપ ઝાંખી જરૂર પડી છે પણ સાવ નષ્ટ નથી થઇ.ઊંડે ઊંડે કયાંક એકાદ નાનકડી ચિનગારી, એકાદ તણખો હજુ પ્રગટી રહ્યો છે એમ  કહું તો હે ઇશ્વર, તું મારી વાત સ્વીકારીશ ને ? 

ચપટીક અજવાળું..

તુરક મસિદે, હિન્દુ દેહરે, આપ આપકો ધાય,
અલખ પુરુષ ભીતરે, તાકો દ્વાર ન પાય.

અર્થાત..

પરમાત્માના દર્શન માટે મુસલમાન મસ્જિદ તરફ અને હિન્દુ મંદિર તરફ દોટ મૂકે છે.. સહુ પોતપોતાના સ્થાનક તરફ દોટ મૂકે છે. પરંતુ  પરમાત્મા તો આપણી અંદર છે. જે બહાર દોટ લગાવતા ફરે છે એને અંતરમાં વસતા ઇશ્વરના દ્વાર મળતા નથી.

પ્રાર્થના એટલે..

પરમ પિતા સમીપમાં છે એમ અનુભવવું અને તે મુજબ જીવવું,

– નીલમ દોશી
૭૯૯૦૨ ૯૦૦૬૭
nilamhdoshi@gmail.com

વીજળીને ઝબકારે..

દુનિયામાં ખૂબ જ સહેલાઇથી, જલદીથી કોઇને છેતરી શકાય તેમ હોય તો તે પોતાની જાત જ છે.

અક્ષરનાદ પર દર રવિવારે પ્રસ્તુત થઇ રહેલા નીલમબેન દોશીનાં ઈશ્વરને લખેલા સુંદર સંવેદનાસભર પત્રોનું પુસ્તક ‘પરમ સખા પરમેશ્વરને..’ ના બધા ભાગ અહીં ક્લિક કરીને વાંચી શક્શો.


આપનો પ્રતિભાવ આપો....

One thought on “પરમ સખા પરમેશ્વરને – નીલમ દોશી (એક સુંદર શરૂઆત)

  • हर्षद दवे

    આત્મવિશ્વાસ અને આત્મશ્રદ્ધાને પ્રબળ કરતી સકારાત્મક સુંદર પ્રાર્થના…