જીવનનો વલવલાટ : ભુપેન્દ્ર શેઠ ‘નીલમ’ની ગઝલનો જિતેન્દ્ર પ્રજાપતિ દ્વારા આસ્વાદ 1


જીવનનો વલવલાટ (ગઝલ)

રોજ પારેવા સમી પળ જાય છે,
કાયમી ફફડાટમાં જીવાય છે.

ને પ્રકાશી દ્રશ્યો ગમતાં ક્યાં પછી,
ફૂંક મારી દીવડી બૂઝાય છે.

ઝાંઝવાં દોડે સમયની રેત પર
રણ બિચારું ક્યાં કદી ભીંજાય છે?

ભાગ્ય જશરેખા ધરાવે ક્યાં અહીં?
જીવ મદદ કરતાં સતત ખચકાય છે.

હાથ ફેલાવી જુઓ મન થાય તો-
ભેટવાની ઝંખના શું થાય છે?

 – ભુપેન્દ્ર શેઠ ‘નીલમ’


આધુનિક સાહિત્યની હરણફાળમાં ગુજરાતી ગઝલ અત્યારે પોતાના સર્વોચ્ચ શિખરે બિરાજેલી જોવા મળે છે. આધુનિક અને અનુઆધુનિક સંવેદનાનો સ્પર્શ આપણને અત્યારની કવિતામાં સતત અનુભવવા મળે છે. આવા આધુનિક સ્પર્શ વચ્ચે પણ પરંપરાગત વિચારધારાની યાત્રા આપણે ત્યાં હજી ચાલી રહી છે. પરંપરા અને આધુનિક સંવેદનના આ સાનિધ્યમાં જે સર્જકો પોતાનો પ્રકાશ પાથરી રહ્યા છે એ સર્જકોમાં ભૂપેન્દ્ર શેઠ સાહિત્યક્ષેત્રે જાણીતું નામ છે. ‘નીલમ’ ઉપનામ ધરાવતા આ સર્જક પાસેથી આપણને માતબર સાહિત્ય પ્રાપ્ત થયું છે. જામનગરના આ કવિ 2003 માં ‘પડછાયા યાદોના’ અને ‘ટહુકા મખમલી યાદોના’ લઈને આપણા સાહિત્યમાં પગલાં પાડે છે. બાળકાવ્યોના ત્રણ સંગ્રહો, મોનો ઈમેજના બે સંગ્રહો, હિન્દીમાં બે સંગ્રહો, પ્રેમવિષયક શેરના બે સંગ્રહો તેમજ સંપાદનથી માંડીને ‘ગઝલપ્રિયા’ (2016) નામે ગુજરાતી ગઝલોનો સંગ્રહ તેમજ હમણાં 2018માં’ ગઝલદીપ’ ગઝલસંગ્રહ લઈને તે આપણા ભાષા સાહિત્યને 85 ગઝલોની ભેટ આપે છે. ‘ગઝલદીપ’ સંગ્રહમાં સમાવાયેલી મોરપિચ્છ સમી ગઝલોમાંની પ્રસ્તુત ગઝલ કવિના મનોજગતનો માર્મિક ચિતાર આપે છે.

રોજ પારેવા સમી પળ જાય છે,
કાયમી ફફડાટમાં જીવાય છે.

જન્મ લઈને આવેલા દરેક જીવને જીવવાની તમન્ના હોય છે. એ જીવ પછી પશુ હોય કે પક્ષી હોય કે પછી માણસ. જીવવાની તમન્ના લઈને આવેલા જીવ અહીં પોતાનું જીવન સલામત રીતે પસાર થાય તેવી આશા સેવે છે. પણ તેની આ આશા ક્યારેક નિરાશામાં પરિણમે છે. આપણે જોવા જઈએ તો કાયમી એક ફફડાટ વચ્ચે જિંદગી જીવી રહ્યા હોય એવું લાગે છે. આવનારી પળ ઉલ્કાપાત લઈને આવશે કે પછી આનંદ લઈને આવશે એ નક્કી કરવું મુશ્કેલ છે. પ્રવર્તમાન સમયનું જ એક ઉદાહરણ લઈએ તો કશ્મીરમાં જિંદગી જીવી રહેલા લોકો માટે કવિની આ સંવેદના જાણે કે યથાર્થ લાગે છે. કાયમી ફફડાટમાં, બીકમાં ત્યાંની પ્રજા શ્વાસ લઇ રહી છે.

ને પ્રકાશી દ્રશ્યો ગમતાં ક્યાં પછી,
ફૂંક મારી દીવડી બૂઝાય છે.

‘મારી આંખે કંકુના સૂરજ આથમ્યા’ જેવી અવિસ્મરણીય કવિતા આ ક્ષણે સ્મરણમાં આવે છે. મૃત્યુના આભાસ સ્વરૂપે કવિ રાવજી પટેલે આ ગીત લખ્યું હતું. આસ્વાદ્ય ગઝલમાં કવિ આપણને કંઇક આ પ્રકારના સંવેદનનો સ્પર્શ કરાવે છે. કવિને અંધાર એટલો વહાલો લાગે છે કે તમામ ઝળહળતા દ્રશ્યોને સમેટી લેવાની વાત કરે છે. મૃત્યુના આગમન પછી પધારતા અંધકારને કવિ અનુભવે છે. પ્રકાશમય જીવનનો દિપક બુઝાવાની ક્ષણોને  કવિએ અહીં શબ્દસ્થ કરી છે.

ઝાંઝવાં દોડે સમયની રેત પર
રણ બિચારું ક્યાં કદી ભીંજાય છે?

રણની છાતીમાં સમાયેલા ઝાંઝવાના જળને કવિએ દ્રશ્યમાન કર્યું છે. રણની વાત છે, એ પણ ક્ષણોનું રણ. સમયની રેત પર પથરાયેલા ક્ષણોના રણને કોરા કોરા ભીંજાવાની વાત અહીં કૂંપળ કાઢતી જોવા મળે છે. સમયની રેત પર રહેલા ઝાંઝવાના જળની ભીનાશ ક્ષણોના રણને સ્પર્શતી નથી. એ વાત દ્વારા કવિ સમયની ભીનાશને ભેગી કરે છે.

ભાગ્ય જશરેખા ધરાવે ક્યાં અહીં?
જીવ મદદ કરતાં સતત ખચકાય છે.

માનવજીવન અનેક ચઢાવ-ઉતારથી ભરેલું છે. અહીં આપણને આનંદની પળો પણ પ્રાપ્ત થાય છે અને વિષાદની પણ.પરાઈ પીડા પોતાની જાણીને, અનુભવીને જીવાતું જીવન જ શ્રેષ્ઠ જીવન છે. આ અનુસંધાનને લક્ષ્યમાં રાખીને કવિ મદદ કરવાની ખેવના તો રાખે છે, પણ પોતાના હાથમાં જશની રેખા જ નથી એવો પણ અનુભવ કવિને પોતાના કિસ્મતે વારંવાર કરાવ્યો છે. આ બધી જ વાતોને વાગોળતાં કવિ મદદ કરવાની ભાવના હોવા છતાં પણ ખચકાટ અનુભવતા હોવાનું કબૂલે છે.

હાથ ફેલાવી જુઓ મન થાય તો-
ભેટવાની ઝંખના શું થાય છે?

મનની મોકળાશ લઈને જીવતા માણસો આ નાશવંત જગતને ટકાવી રાખે છે. મનની સંકુચિતતાઓ પણ કહેવાતા જગતનું જ એક પરિણામ છે. અહીં એવું પણ જોવા મળે છે કે નાના ગણાતા માણસોના મન મોટા હોય છે. જ્યારે કહેવાતા મોટા માણસોના મન સંકુચિત હોય છે. વિષમતાથી ભરેલા આવા જગત વચ્ચે પ્રસ્તુત ગઝલના કવિ મનમાં આવે ત્યારે હાથ ફેલાવવાની વાત કરે છે. કોઈને મળવાની, મદદ કરવાની, અગર ઝંખના જાગે તો તેને તુરંત જ અમલમાં મૂકવાનું કવિ જણાવે છે.

આસ્વાદક : કવિશ્રી જિતેન્દ્ર પ્રજાપતિ

કવિ શ્રી જીતેન્દ્ર પ્રજાપતિના આ સ્તંભ ‘રસ કિલ્લોલ’ના બધા આસ્વાદ લેખ અહીં ક્લિક કરીને વાંચી શકાશે.


આપનો પ્રતિભાવ આપો....

One thought on “જીવનનો વલવલાટ : ભુપેન્દ્ર શેઠ ‘નીલમ’ની ગઝલનો જિતેન્દ્ર પ્રજાપતિ દ્વારા આસ્વાદ