તનસુખલાલનું મહાદુ:ખ – સુષમા શેઠ 11


(‘તમને હળવાશના સમ ’ સ્તંભ અંતર્ગત ત્રીજો મણકો)

“મારા ઈને તો જ્યાં ને ત્યાં લપહવાની ટેવ સે. પેલ્લાં મારું વજન માપી દીયોને તો મારે હું ખાવું ને હું નૈ ઈ ખબર પડે.” રમાએ તનસુખલાલના ગાયનમાં પલટો આપ્યો. તેને એમ કે એય ડૉક્ટરના દવાખાને ધક્કો ખાવાનો લાભ લઈ લે. કદાચ ડૉક્ટરની ફીમાં ‘એક પર એક ફ્રી’ની સ્કીમ હોય!

“ઓહહહ… આહ… ઊં… રમા… મારી આંખ…” બળતી આંખ પર હાથ દબાવી  તનસુખલાલે બાથરૂમભેદી બૂમ પાડી.

બાથરૂમમાં નહાતી વખતે આંખમાં સાબુ ગયો તેમાં ટેમ્પરરી અંધ બની ગયેલા તનસુખલાલને ફરસ પર રેલાયેલા સાબુનાં ફીણ ન દેખાયા અને તેમાં પગ લપસી જતા તેઓ ઓમ ધબાય નમ: થઈ એવા ચત્તાપાટ પડ્યા કે મોઢામાંથી “રમા…” એવી ભયંકર રાડ ભેગી ચીસ નીકળી ગઈ.

શ્રીમાનની રાડ સાંભળી તનસુખલાલના શ્રીમતી એટલે કે રમાગૌરીના હાથમાંથી કાચનું વાસણ છટક્યું અને માંહે પડેલો મહાસુખ માણતો શ્રીખંડ કાચની ખણણણ બોલતી કરચો સાથે ખંડખંડ થઈ આખા ખંડમાં ઠેરઠેર છાંટણાં કરવા ઉતાવળો થઈ ભોંય ભેગો થયો.

“આંખ મીંચીને ના’તાં ના’તાં ઓલા હીરોની પેઠે ઉલાલા ઉલાલા એવું બધું નો ગવાય. હવે આમ બૂમો સું પાડતા હઇસો? હરખું નાતાય નથ આવડતું? મારો સીખંડ ઢોળાઈ ગયો.” હંમેશા કપાળે મોટો ચાંલ્લો ચોડતી રમાગૌરીને ઢળી પડેલા તનસુખલાલ કરતાંય મોંઘા બદામ-પિસ્તા ભભરાવીને મહામહેનતે બનાવેલ ઢોળાઈને ચત્તાપાટ થઈ ગયેલા શ્રીખંડની વધુ ચિંતા હતી.

બાથરૂમનું દૃશ્ય જોઈ તેના મોઢામાંથી વછૂટેલા “હાય હાય મારો સીખંડ”ના આલાપે આખા ઘરને ધ્રુજાવી નાખ્યું. શ્રીખંડ બનાવવાની મહેનત પર પાણીઢોળ થવાથી તેણે બાથરૂમની લપસણી ફરસ પર ગુસ્સામાં ને ગુસ્સામાં એક ડોલ પાણી રેડ્યું. વળી એક ડોલ ઠંડા પાણીનો અભિષેક તનસુખલાલના શિરે કર્યો. બાળકો આ છોભીલો નજારો નીરખે તે પહેલાં રમાના બળુકા હાથોએ થરથર કાંપતા તનસુખલાલને ટુવાલમાં લપેટીને બેઠા કર્યા.

જોકે હાથમાંથી છટકેલો શ્રીખંડ મોઢા સુધી પહોંચવાનો નહોતો એ વિચારે ખારી થયેલી રમાની આંખમાંથી બોર જેવડાં આંસુ ટપકીને સાબુના ફીણ સાથે ભળીને વધુ ખારાં થઈ ગયાં.

રમાએ તનસુખલાલને મહામહેનતે ઊભા કરી પથારીમાં લાંબા કર્યા. ડૉક્ટર સુધી લાંબા થવાની તનસુખલાલની ઇચ્છાને તેણે ઉગતી જ ડામી દીધી. “નકામો ચાંલ્લો ચોંટસે.” કપાળમાં કરેલા મોટા ચાંદલાને ઉખેડીને ફરી યથાસ્થાને ચોંટાડતી રમા બબડી.

“હળદરનો લેપ કરી ઓલું વરસોથી ખાનામાં નક્કામું પડી રહ્યું સે ઈ પલાસટર લગાવી દઊં, હાસ આજે ઈ કામમાં આવી જાસે. તમે હાંજે તો આમ દોડતા થૈ જાસો. મારી બા એવું જ કરતી.” કહી એ હળદર લેવા દોડી.

“ઈની મંઈ જરીક હિંગ નાખી દવ તો નકામો વાયુ મગજમાં ભરાઈ રીયો સે ઇયે સૂટી જાય.” રમા બબડી. એ તો ભલું થજો તનસુખલાલનું કે રમાને લાલ મરચાંની ભૂકી યાદ ન આવી.

વહાલા સાસુમાના અખતરા અપનાવવાની તનસુખલાલની લગીરેય ઇચ્છા નહોતી પરંતુ દુ:ખતા બરડાને લીધે મુખેથી ઊંહકારા સિવાય કશું જ બહાર નીકળવાની હિંમત ન કરી શક્યું. પછડાઈને પકડાઈ ગયેલું આખું શરીર ચસકવાય તૈયાર નહોતું.

“જરીક બામ ચોળી પોટલીમાં લવિંગ હારે લસણની કળીઓ બાંધી ગોટો વાળી બયડે સેક કરી આલજે. આમ ચપટી વગાડતાને હારું થૈ જાહે.” રમાને તેની શાણી અનુભવી બાએ વળી બીજી મફત સલાહ આપી.

એવામાં પાડોશણ જયાબેન પરાણે ટચૂકડી સફેદ હોમિયોપથીની ગોળીઓ પકડાવી ગયા, “મનેય આવું જ થયેલું ત્યારે આ ઝીણી ઝીણી ગોળીઓ જ કામ આવી. તમને મારા સમ, આ ગળવી જ પડશે.” અને તેમના આગ્રહને તનસુખલાલ ટાળી ન શક્યા. વહાલી પાડોશણે સ્વહસ્તે ગળા પર ચપટી ભરીને લીધેલા સોગન નામે “તમને મારા સમ” સામે એ ગમ ખાઈ ગયા.

દિવસમાં પાંચ વાર જુદી જુદી દર્દશામક ગોળીઓ ગળ્યા બાદ પેટમાં એવો ગોટો વળ્યો કે પોતાનું પેટ દબાવી રાખતા તનસુખલાલ આગળપાછળ એમ બંને બાજુએથી દબાઈને પછડાઈને ગોબા પડેલા લોટા જેવા ચપટા થઈ ગયા. પીડાસભર મોઢું તો કોઈને બતાવાય તેવું નહોતું રહ્યું પરંતુ બાથરૂમ સુધીનું હલનચલન પણ પહાડ ચડવા જેવું આકરું બન્યું ત્યારે તેમણે ડૉક્ટરને પોતાના દુ:ખિયારા મુખના દર્શન આપવાનું નક્કી કરી જ નાખ્યું.

રમાના મામાશ્રીએ ભાણીને ચિંતિત સ્વરે કહ્યું, “પછવાડેની ગાદીનો મણકો આડોઅવળો થૈ ગયો હશે. જટ્ટ દાક્તરને બતાવો નકર ઓડનું ચોડ થૈ જશે.”

“તનશુખને નાનપણમાં શાએટીકા હતું શું?” ડાહીફોઈ ઘરે ખબર કાઢવા દોડતા આવેલા. તેઓ તનસુખલાલનો પાછલો ભવ્ય ઇતિહાસ સંભળાવે તે પહેલાં તનસુખલાલે મોટેથી નસકોરાં સંભળાવ્યા. “રમા, શરશવનું તેલ ચોપડજે શું?” વણમાગી સલાહ ચોપડાવી શું શું કરતા ડાહીફોઈ ડાહ્યાડમરા બની સ્વગૃહે રવાના થયા.

રમાએ કરેલા ડઝનેક ઉપાયો કારગત ન નીવડતા, છેવટે ચોથે દિવસે ડૉક્ટર શ્રી. નીરસભાઈ બાટલીવાલાને ત્યાં જવું જ પડ્યું.

“હવે ટેકસીનો ખરચો કરી જાંઈએ છીએ તો હંધાંય જાંઈ. નજીકના પ્રાણીબાગમાંય આંટો મારતા આવસું.” રમા બોલી.

દવાખાને સહકુટુંબ પહોંચેલા તનસુખલાલ હજુ કંઈ બોલે તે પહેલાં, “બદામ પીસ્તા કેસરવારો સીખંડ ઢોળાઈ ગયો બોલો!” રમાનું એ વાક્ય સાંભળી ડૉક્ટરના સતત ખવાતા બગાસા પર બ્રેક લાગી. શ્રીખંડનું નામ સાંભળી તેમના કાન ગળ્યા ગળ્યા થઈ ગયા. તેમને એમ કે તગડી ફી સાથે તગડો શ્રીખંડ પણ આવવાનો હશે. શું બોલવું તે તેમને ન સમજાયું. કડવી દવાઓ લખી આપતા ડૉક્ટરને પોતાને સ્વીટ ટુથ એટલે કે ગળ્યું ખૂબ ભાવતું.

તનસુખલાલને સહકુટુંબ પધારેલા જોઈ ડૉક્ટરે ચશ્મા પાછળની આંખો ઝીણી કરી મુદ્દાનો સવાલ કર્યો, “પેશન્ટ કોન છે બાવા?”

તનસુખલાલનું માંદલું “હુંઊંઊંઊં.” સાંભળ્યા પછી, “બોલો?” પોતાના નામ જેવો જ સવાલ દિવસમાં ત્રીસ વાર રટતા ડૉક્ટરે આંખો ચોળતા પૂછ્યો.

“આહહહ… લપસી ગયો હતો. ઊંહ…” વાક્યાલાપમાં ઊંહકારાનો તાલ આપતા તનસુખલાલ બેસૂરું ગીત ગણગણતા હોય તેવા દબાયેલા સાદે બોલ્યા.

“મારા ઈને તો જ્યાં ને ત્યાં લપહવાની ટેવ સે. પેલ્લા મારું વજન માપી દીયોને તો મારે હું ખાવું ને હું નૈ ઈ ખબર પડે.” રમાએ તનસુખલાલના ગાયનમાં પલટો આપ્યો. તેને એમ કે એય ડૉક્ટરના દવાખાને ધક્કો ખાવાનો લાભ લઈ લે. કદાચ ડૉક્ટરની ફીમાં ‘એક પર એક ફ્રી’ની સ્કીમ હોય!

“એક ટીંપુંય ઓછું થયું નથ. ગયે વખતે હેંશી હતું ને મારું સિત્તેર એટલે હું તારાથી આઘો રવ છું. બતાવા મને આઈવા તે જરા વાર મુંગી રે. તો શાયેબ, કહો હું સું બોલું?” તનસુખલાલ પીડાથી કરાંજતા બોલ્યા. અચાનક તેમનો સ્વર આલાપ કરતો અટક્યો તે સાંભળી ડૉક્ટરની ઊંઘ ઊડી ગઈ.

“લે, ઘરમાં વજનનો કાંટો નથી ને એક મીલીટ લાગે વજન જોતા તે તમને નો ગઈમું? લે મારી તો તમને કદર જ નથીઈઈઈ. લે હું આટઆટલું કરું ને તોય તે.” કહી રમાએ ઠૂઠવો મૂક્યો.

પતિપત્નીનું વાક્-યુદ્ધ સમાપ્ત થાય ત્યાં સુધી ડૉક્ટરે એક ખતરનાક શીઘ્ર ઝોકું ખાઈ લીધું.

પછી ઝબકીને જાગૃત થયેલા ડૉક્ટર પોતાના પેશન્ટને ચોફેરથી તપાસવા ઊભા થયા. “કપરાં કાઢીને અંડર પાટિયા પર આડા પડોની બાવા.”

“એટલે પેલ્લાં અંડર કાઢું કે પેલ્લાં આડો પડું?” તનસુખલાલનો એ સવાલ ડૉક્ટર સમજ્યા નહીં.

“પસ્સી આ બકુડીનેય સરદીની દવા આલી દેજો. બાકી ઉકાળો, નાઝ, બોમ, સૂંઠ હરદરવારું પોણી, હંધુંય કરી ઝોયું. આમનેય પલાસટર, લેપ, ગોટાનો સેક, પછવાડે ચોળી ચોળીને મલમ ઘઈસુ પણ ફેર નો પઈડો સાય્યેબ.” રમા બોલતી હતી પરંતુ ડૉક્ટરના કાનમાં સ્ટેથોસ્કોપ ભરાવેલું હતું એટલે રમાની અસ્ખલિત વહેતી વાગ્ધારા તેઓ ઝીલી ન શક્યા.

રમા ઉવાચ: “મું એમને દરરોજ્જે સફરજન ખવરાવું સું કેમકે ઓલું કીયે સે ને કે એક એપલ અડે ઈ કીપ દાકતર હવે.” બકુડીને ભણાવતી વખતે રમાએ બરોબર વાંચેલું તે શાણપણ તેણે પ્રકાશ્યું.

“હેં?” ડૉક્ટરે તનસુખલાલની છાતી પરથી ભૂંગળું હટાવી નકારમાં ડોકું હલાવતા મોટેથી પૂછ્યું. ત્યારે મોબાઈલમાં ગેમ રમી રહેલો રમાનો સુપુત્ર-રત્ન ચીંટુ જોરથી બોલ્યો, “આઉટ”

તે સાંભળી રમાએ બહાર સુધી સંભળાય તેમ ફરી વાર મોટેથી ઠૂઠવો મૂક્યો. “હેં?” કહી સાડીના છેડાથી જોરથી નાક લસીક્યું. “ઈ આમ હાવ આઉટ?”

રમાનું આક્રંદ સાંભળી નવાસવા ડૉક્ટર નીરસભાઈ બાટલીવાલાના દવાખાનામાં બહાર પોતાના વારાની રાહ જોઈ બેઠેલા માંડ માંડ જૂના થયેલા ચાર પાંચ પેશન્ટો એવા ઉચાળા ભરી ગયા કે કોઈની નજરે ચઢવા ન પામ્યા. કંપાઉન્ડર નારાજલાલ અમથાલાલે અંદર ધસી જઈ ચીંટુને એક ધોલ મારી દીધી. “ઓ બા…” કહી ચીંટુએ ભેંકડો તાણ્યો. તેને લઈ રમા કંપાઉન્ડર સામે ભવાં તાણી બાંયો ચડાવતી બહાર નીકળી. નારાજલાલ અમથાલાલનાં જાડા કાળા ભવા અંગ્રેજી અક્ષર “સી”ને બદલે “વી” જેવા વાંકાચૂંકા થયા અને તેની નીચે સદાય તગતગતા બે મોટા ડોળા પહોળા થઈ ગયા.

“માંડ માંડ આવેલા પેશાન્ટોને ભગાડી મૂક્યા.” કહી કંપાઉન્ડર નારાજલાલે મોઢું બગાડી નારાજગી પ્રદર્શિત કરી. છેવટે તેની કંપાઉન્ડરગીરીના પગારનો વિકટ પ્રશ્ન હતો.

“આમ તો રોજ્જે ટીવી હામ્મે યોગ, કસરત કરું છું. તેમાં જ્યારે રમાનો ઘાંટો હંભળાય કે હાલો ચા ઠંડી થાય છે બીજી વાર ગરમ નૈ કરું ત્યારે શીર્સાસન ઊંધું થઈ જાય અને પ્રાણાયામમાં યમ દેખાય બાકી તબિયતનું બવ ધ્યાન રાખું છું સાહેબ પણ આ સાલું ન થાવાનું થૈ ગ્યું. તેલ કકડાવીને બયડે ચોપડાય?” પૂછતા તનસુખલાલને તનમાં સુખની ઊણપ વરતાઈ.

“ટમારા બ્લડમાં ટેલની નહીં બાવા, વિટામિનની કમી છે. હું લખી આપું ટે બઢ્ઢાં ટેસ્ટ કરાવી લાવો. એક્સ-રે પારવા પરસે. ટાં સુઢી હું આ લખી આપસ ટે બઢ્ઢી ડવાઓ ચાલુ કરી ડો. કમરનો મણકો કડાચ ખસી ગયો હશે ટો ઑપરેશન કરવું પરે ટેવી ટૈયારી રાખજો હમજીયા કે? કડાચ માઈનર ક્રેક પન્ન હોઇ સકેચ.” ડૉ.નીરસભાઈ બાટલીવાલાએ રસપૂર્વક કહ્યું. તેમને પોતાને મળતા કટમાં વિશેષ રસ હતો.

“ખરચો?” તરડાયેલા તનસુખલાલના ક્રેક થયેલા ગળામાંથી એક જ શબ્દ નીકળી શક્યો તે સાંભળી આખું વાક્ય સમજી ગયા હોય તેમ ડૉક્ટર મોટું બગાસું ખાતા  બોલ્યા, “બહુ બહુ ટો દોઢ બે લાખ.”

“હેં?” કહી તનસુખલાલે લપસી ન પડાય માટે ખુરશીનો હાથો પકડી લીધો. અચાનક તેમના ગળામાંથી “ઓહ… આહ…ઊંહ…આઉચ…” જેવા વિચિત્ર અવાજો સમૂહમાં બહાર ફેંકવા માંડ્યા.

“મારાથી જાતે નાહી શકાય? ખોરાકમાં? મારાથી શીખંડ ખવાય?” પૂછવાનું કંઈ બાકી ન રહી જાય તેમ ગળગળા સાદે એક છેલ્લો સવાલ પૂછી, ડૉક્ટર નવેસરથી નવડાવી નાખે તે પહેલાં તેમને તપાસવાની ફી ચૂકવી દઈ બહાર કંપાઉન્ડર સાથે ઝગડી રહેલી રમાને રીતસર ખેંચીને તેઓ દવાખાનાના ઝાંપા બહાર ચાલવા માંડ્યા.

તેવામાં જ કોઈ પેશન્ટે કેળું ખાઈને ફેંકેલી છાલ પર તેમનો પગ પડ્યો અને તનસુખલાલનું સમગ્ર તન ત્યાં ધબ્બ કરતાં લપસ્યું.

“હાય હાય પાછા લપશી પડ્યા?” રમાએ ગગનભેદી નાદ સુણાવ્યો. “મારી બા કેતી’તી કે બયડે વેલણ ફેરવવાથી હારું લાગે હોં.”

એ સાંભળીને અચાનક બેઠા થઈ, ટટ્ટાર ઊભા થઈ ગયેલા તનસુખલાલ બોલ્યા, “અરે! મારી કમરનો ખસી ગયેલ મણકો પાછો એના યોગ્ય સ્થાને ગોઠવાઈ ગયો લાગે છે. હાલો ઘરભેગા થઈ જાંઈએ. હંધુંય બરાબર છે. એકેય ઉપચારની જરૂર નથી. આજે તો હું તને શીખંડ ખવડાવું, હાલ.” પછી મનોમન બોલ્યા, “એની બાને તો હમણા કહું એ.”

તનસુખલાલના ફફડતા હોઠ તરફ દ્ષ્ટિપાત કરી રમા બોલી, “હવે આ ચીંટુડાનો હાથ ઝાલી રાખો તો પાછા પડી નો જાવ.”

મોબાઈલમાં ક્રિકેટનો સ્કોર જોતા ચીંટુએ રાડ પાડી, “સિક્સર”

“મને હમના ને હમના સીખંડ ખાવો છે.” પગ પછાડીને બોલતી બુકુડીને એવી જોરથી છીંક આવી કે તેના મોઢામાંથી ઊડીને રસ્તા પર પડેલા શરદીના ગળફામાં તરડાયેલા તનસુખલાલનો મચકોડાયેલો પગ પડતો માંડ માંડ બચ્યો.

“પાછા લપશી નો પડતા ભઈશાબ.” તનસુખલાલના અધ્ધર રહી ગયેલા એક પગને જોઈ રમાગૌરી તાડૂકી.

બાજુમાંથી એક ફૂલફટાક તૈયાર થયેલી સુંદર લલના મીઠું મધુર હાસ્ય વેરતી પસાર થઈ ગઈ. તેના કમનીય વળાંકોને અપલક નેત્રે નીરખી રહેલા તનસુખલાલ સહેજ વાંકા વળ્યા અને સંતુલન ગુમાવી બેઠા.

“હેં! વળી પાછા?” રમાનો વાતાવરણ ધ્રુજાવતો ચિત્કાર પણ તનસુખલાલને ગુરુત્વાકર્ષણના નિયમ વિરુદ્ધ જતાં રોકી ન શક્યો.

પછીની રામાયણ સમજી જાવને, હવે આ નવી મોકાણનું લપસિંદર કાં કરવું?

– સુષમા શેઠ

સુષમા શેઠના અક્ષરનાદ પરના આ સ્તંભ ‘તમને હળવાશના સમ’ ના બધા લેખ અહીં ક્લિક કરીને માણી શકાશે.


આપનો પ્રતિભાવ આપો....

11 thoughts on “તનસુખલાલનું મહાદુ:ખ – સુષમા શેઠ

 • ARVIND PATEL

  બહુ જ સરસ અને સુંદર લેખ. વાંચીને ખૂબ જ આનંદ થયો.

 • Samir

  મઝા આવી —- ખાસ કરીને ડૉ. નિરસભાઈ બાટલીવાલાના પારસી લઢણના ઉદ્ગારોથી.
  સમીર,
  અમદાવાદ.

 • Anila patel

  ખડખડાટ હાસ્ય સાથે, વ્યંગ અને ભાષામાં પાવરધા રમાબેન ખૂબ હસાવ્યા.
  લેખિકાબેન ખૂબ ખૂબ ધન્યવાદ.

 • hdjkdave

  આ હાસ્યનું હુલ્લડ અડીખમ છે, તનસુખલાલના પતનની કથા વ્યથિત વાતાવરણને હળવું હાસ્ય પીરસે છે, ભલે શ્રીખંડ ભેળા ન થયા પણ અખંડ રહેવાનો અળવીતરો આનંદ પ્રસન્નકર છે. મરકતાં મરકતાં સ્મિત થઈ જાય અને સ્મિતવંતા હોઈએ ત્યારે ખડખડાટ હસી પડાય. પણ ધ્યાન રાખવું ક્યાંક લપસી ન પડાય!