(‘લીલોતરીની કંકોતરી’ સ્તંભ અંતર્ગત ત્રીજો મણકો)
ઑફિસમાં એકધારું કામ અનેક કલાકો કરવાના પ્રસંગો જેટગતિએ વધતા જાય છે. ફાઇલોમાંથી આવતી હવડ ગંધથી ઉબાઈ ગયેલું નાક અને કૉમ્પ્યુટર સ્ક્રીનમાંથી નીકળતા વિકિરણો સામે હારી ચૂકેલી આંખો મગજને સતત અહીંથી ભાગી છૂટવાના આદેશો આપ્યા કરે છે. નાનકડા ખંડની સુસ્ત હવામાં જકડાયેલું મન મુક્ત થવા ધમપછાડા કરે છે.
જેમ બાળકની કાલીઘેલી માગણીઓનું ઠાવકા માબાપ સામે કંઈ ચાલતું નથી એમ જ મનનું પણ કંઈ ચાલતું નથી. પણ મન કોને કહ્યું? હરિયાળી દૃશ્યમાળ અને તાજગીસભર હવા ઝંખતું મન તો એના પુદ્ગળને છેહ આપીને ઊડી ચાલ્યું લીલોતરીની વાટે અને જઈ પહોંચ્યું ઘરબગીચે. કવિ જિતેન્દ્ર જોષી કહે છે કે,
વાત મેં તારી જરા છેડી અને
કોણ આવ્યું બાગને તેડી અને?
લીલોતરીની વાત છેડતાં જ જે પ્રથમ વિચાર કે પહેલું દૃશ્ય મન:ચક્ષુ પર ખડું થાય છે એ છે ઘરબગીચો. પૂર્વાયોજનો, લક્ષ્યો, વચનો, અતિમહત્ત્વના કાર્યો કે તાત્કાલિક કરવાના કાર્યો જેવા તણાવોના ધમધમતા મારગ પર જડતું નિરાંતનું સરનામું એટલે ઘરબગીચો. ભગવાનને જોવા માટે દિવ્યચક્ષુઓની જરૂર પડે છે પરંતુ એમણે રચેલી લીલારૂપી લીલોતરીને નિહાળવા માટે કોઈ દિવ્યચક્ષુઓની જરૂર નથી પડતી. આપણને મળેલા સ્થૂળચક્ષુઓથી જ નિત્ય નવલ એવી લીલોતરીનાં અવનવા રૂપો જોઈ શકાય છે. ઈશ્વરની હયાતીની સાક્ષી પૂરતાં પુષ્પો અને ઈશ્વરના લાડકવાયાં વિહંગોનું નિવાસસ્થાન એટલે લીલોતરી. સફેદ રંગમાંથી ઉદ્ભવે છે તમામ રંગો અને કાળા રંગમાં વિલીન થાય છે તમામ રંગો. પરંતુ આ રમ્ય સૃષ્ટિમાં લીલોતરીની ગોદમાં ખીલે છે વિવિધ રંગો અને એ લીલોતરીની આગોશમાં જ જન્મે છે બહુવિધ રંગો.

ખેર, આજે ચક્ષુરિન્દ્રિયને ઠારતી લીલોતરીના પ્રાંતમાં પ્રવેશે છે ઘ્રાણેન્દ્રિયને મલાવતી શ્વેતરંગી ખુશબો. ઘરબગીચામાં બિરાજતાં મોગરો, રજનીગંધા, ટગર, અનંતા, ચંપો, સફેદ જાસૂદ, પારસ, પારિજાત, સફેદ બામ, જૂઈ વગેરે શુભ્રકુસુમોને યાદ કરતાં કરતાં પ્રિય કવિ રમણીક અગ્રાવતજીનું ગમતું કાવ્ય ‘ફૂલો’ સહેજ સ્મરણ થઈ જાય, જે કાનમાં ધીમેથી કહી જાય ફૂલોની મહેકની ખાનગી વાત.
‘ફૂલો’
“એકાંતમાં જે જે વાતો કરી તારાઓએ
ધીરે ધીરે કહી રહ્યું છે સવારને
આ પારિજાત.
નરી મહેકની ધજા
ફરકાવે છે મોગરો.
દરવાજો પણ કાન દઈને સાંભળી રહ્યો છે
પગરવ મધુમાલતીનો.
વરંડામાં આમતેમ ચહલકદમી
કરી રહી છે જૂઈ.
ઘૂંટાઈ ઘૂંટાઈને ભભકી ઊઠી રાત
સુગંધની રાણી જાગી રહી છે.
સુગંધ સાથે નર્યું એકાંત
ફેલાઈ રહે છે ફૂલોમાંથી.
નીરખો
મૂંગા રહો
સુગંધને કદી કહી શકાતી નથી.”
સાવ સામાન્ય ઇચ્છા જ્યારે કામના, વાંછના કે ઈપ્સાનું રૂપ ધારણ કરે ત્યારે એમાંથી નાગરાજ વાસુકિએ ભીમને પીવડાવેલી પેલી વનસ્પતિનો રસ અચૂક ઝરતો હોવો જોઈએ નહીંતર એના ઉદ્ભવ સાથે સ્મૃતિનું બળ સહસ્ર હસ્તી સમાન કેમનું બની જાય? કે ક્ષણમાં હડસેલી મૂકે વર્ષોનો ભાર. બાળપણમાં માણેલી સફેદ રંગની અનેક ફોરમોને શ્વસી લેવા મન ભૂંરાટું થયાં કરે છે. સ્મૃતિની સ્રોતસ્વિનીમાં તણાઈ જાય છે મન અને પહોંચી જાય છે એવા સમયમાં જ્યાં એક સમયે એક જ કામ થતું. જમવા ટાણે માત્ર જમતાં એટલે ખોરાકને એના રંગ, રૂપ, સ્વાદ, સોડમ અને સ્પર્શથી માણતાં. એટલે એ ઘટના ચિત્તાવકાશમાં અંકિત થઈ જતી અને દીર્ઘકાળ સુધી એમ જ તાજી રહેતી. અત્યારે તો એકસાથે અનેક ક્રિયાઓ/કાર્યો કરવાનો જમાનો છે, સમયની માંગ છે. એટલે મોગરાની મહેક નાકમાં જાય અને સાથે કોઈ વિચાર મગજમાં જાય તો મોગરાની મહેકને જગ્યા મળતી નથી. એ ટકોરા દઈદઈને, વિલા મોઢે પરત ફરે છે. આ કારણોથી પરિપક્વતાના ચોકઠાંમાં ગોઠવાયાં પછીના અનુભવો કરતાં નાનપણમાં થયેલી અનુભૂતિઓ વધુ સભર અને સબળ લાગે છે. જુઓને, સુગંધ માણવા જેવી ક્ષુલ્લક વાતમાં પણ બાળપણની ચેતના જ પ્રકટ થઈ.
ભાગેડું મન જાણે ભમરો બની ગયું છે અને ઘડીકમાં મોગરાના સુંદરતમ બુટ્ટાઓની ચોફેર તો ઘડીકમાં રજનીગંધાની ધરતીમાંથી ઊગી નીકળેલી ગુલછડીઓ પર તો વળી, થોડીવારે ચંપાના ફૂલો પર ચકરાવા લે છે અને ઝીલે છે એમાંથી ઝરતી સુવાસ.
સર્વે તણાવો શોષી લઈને દૂરસુદૂરના કોઈ શાંતિલોકમાં હરી જતી, શાતા દેનારી મોગરાની ભીની ભીની પરિમલને જેણે માણી હોય એ આલોકમાં રહીને પણ સ્વર્ગલોકની હવાનો અણસાર પામી શકે. જો મોગરાની સુગંધને નારીદેહ આપવામાં આવે તો સર્વાંગસંપૂર્ણ, શ્વેતવસ્ત્રધારિણીમાં પરિવર્તિત થાય. જે કામિની કે મોહિની ન હોય પણ શિવગામિની હોય. જેનો સંગ ન થાય, સત્સંગ થાય. જે લઈ જાય તમસથી દૂર, સત્ત્વની સમીપ.

રજનીગંધાની અતિમંદ, અતિઅલ્પ પ્રસરતી અને આથી અતિતેજ નાસિકા દ્વારા અનુભવાતી દુર્લભ સુવાસ તમને અકથ્ય સુખની અનુભૂતિ કરાવે. બીડેલાં નયનોમાંથી લસરી જતાં કોઈ સ્વપ્ન સમી કે પછી હાથમાંથી સરી જતાં રેશમી પોત જેવી ભાસે. એકવાર સૂંઘ્યાં પછી તરત જ બીજીવાર સૂંઘવા મળશે કે કેમ એ નક્કી ના હોય ત્યારે આ મનોરમ સુગંધ, સફેદ શણગાર સજેલી કોઈ રહસ્યમયી સુંદરી પ્રતીત થાય. ક્યારેક છેક ફૂલની નજીક નાક લઈ જાવ તોય ના મળે અને ક્યારેક એની પાસેથી પસાર થતાં એની મેળે આવીને રેલાઈ જાય નાકમાં, નાકથી વિસ્તરે મનમગજ સુધી, પછી ફેલાઈ જાય નસેનસમાં, સમગ્ર અસ્તિત્ત્વમાં. બેપળ માટે આ જગત સાથેનો તંતુ છેદી નાખે, લઈ જાય એના રહસ્યમયી દેશમાં.
સફેદ ચંપાફૂલોની આછી, નિર્મળ સુગંધ મગજના સ્મૃતિકોષોમાં અક્ષુણ્ણ સચવાયેલી પડી છે. બગીચામાં રોપેલો અને જતનથી ઉછેરેલો શિશુચંપો હાલ તો પૂર્ણરૂપે ફૂલીફાલીને યુવાનીમાં બેસી ગયો છે. એનાં ડાળીએ ડાળીએ બેઠેલાં, મધ્યભાગમાં પીળી ઝાંયવાળા અને સાત્ત્વિક સુવાસથી સભર કરી દેતાં સુકોમળ ધવલકુસુમો એના ઐશ્વર્યના દ્યોતક બની શોભે છે. ડાળીની ટોચ પર છ, સાત કે આઠના ગુચ્છમાં ખીલતા આ ફૂલોને મોટા, લંબગોળ, બરછટ, ચળકતાં, ઘાટા લીલા પાનથી ઢંકાયેલા ચંપાક્ષુપ પર મહોરેલાં જોઈએ તો તો એમ જ લાગે જાણે કોઈ કુશળ ભરતિયાએ લીલીલીલી ઓઢણી પર સલૂકાઈથી રેશમી દોરાના સફેદ ફૂલો ના ભર્યાં હોય! એના બેરંગ થડિયા જેવા કોઈ સાધારણ ભળાતા સ્ત્રીપુરુષ પણ એ ઓઢણી ઓઢે તો એમનાં ચહેરાનું તેજ ઝળકી ઊઠે. એની આછી આછી સુગંધ એની પાસેથી પસાર થતાં માણસોને એની હાજરીની નોંધ લેવડાવવા સક્ષમ છે પણ ચંપો જેનું નામ. એ એની ફોરમનો ઢોલ પીટવામાં નથી માનતો, એની પરિમલ તો કોઈ છાને ખૂણે ગણગણાતાં ધીમા ગીત જેવી હોય છે. એનો જાણતલ હોય એ જ કળી શકે, માણી શકે અને પામી શકે.
સત્ત્વશીલ સફેદની કામના રસપૂર્તિ હેતુ પણ થઈ શકે! -એ વિચારે આ દિવ્ય સૃષ્ટિ બીજું કંઈ નહીં પણ માયા જ છે એ શાસ્ત્રોક્ત વાતમાં પૂર્ણ શ્રદ્ધા બેસે છે. આ માયા કાજે કાયાનો દ્રોહ કરીને નાસી ગયેલું નટખટ મન જ્યારે ડાહ્યુંડમરું બનીને પાછું આવી જાય છે ત્યારે શરીર એનો અસ્વીકાર ના કરે એટલે લાંચમાં આપે છે અગણિત લીલીછમ ઘટનાઓનું અત્તર. ફાઇલમાં મોઢું રાખીને લીલોતરીના પર્યાય સમા ઘરબગીચાની સેર કરી ત્યારે પાછા વળતાં મન તો ગાતું હતું કવયિત્રી પન્ના નાયકનું પેલું અલબેલું ગીત…
“હવે જાઉં છું …
તારા બગીચામાં રહેતી ગઈ ને ટહુકાનું પંખી એક દેતી ગઈ
અને કહેતી ગઈ કે હવે જાઉં છું
ઝાડવાની લીલેરી માયા મને
ફૂલની, સુગંધની છાયા મને
અને વહેતા આ વાયરામાં વહેતી ગઈ, કંઇક જન્મોની વાતને ઉકેલતી ગઈ
અને કહેતી ગઈ કે હવે જાઉં છું
આ દિવસ ને રાતની કળીઓ ખૂલી
અહીં પળપળના ગુંજનની ગાથા ઝૂલી
હું તો ભમતી ગઈ ને કશું ભૂલતી ગઈ ને યાદ કરતી ગઈ
અને કહેતી ગઈ કે હવે જાઉં છું…”
– મયુરિકા લેઉવા બેંકર
મયુરિકા લેઉવા બેંકરના અક્ષરનાદ પરના આ સ્તંભ ‘લીલોતરીની કંકોતરી’ ના બધા લેખ અહીં ક્લિક કરીને માણી શકાશે.
વાહ બહુ મજા આવી લેખિકા માયુરીકાજીના કોઈ પુસ્તક કે સંગ્રહ બહાર પડ્યા હોય તો જણાવશો તેમની શૈલી મને બહુ અસર કરી ગઈ છે. તેમનું સર્જન વાંચવાની ઈચ્છા છે.
આહા મયુરિકા, જાણે કે સાક્ષાત સુગંધના દેશમાં પહોંચી ગઈ!
શ્વેત સુગંધનો દરિયો જડ્યો
ઘર બગીચે ઝૂમતો જડ્યો
લીલોતરીની કંકોતરી વાંચી
આંખોમાં તરવરતો જડ્યો
ખૂબ ખૂબ આભાર સરલાબેન.
સરસ આલેખન…સરળ ભાષા હોત તો વધારે પમરાટ ફેલાત.
મસ્ત રંગ- સુગંધ ભર્યો લેખ.
અભિનંદન..
ખૂબ આભાર ભારતીબેન.
આભાર મીનાક્ષીબેન.
શ્વેત પુષ્પોનું આખું વિશ્વ નજર સમક્ષ ખડું થયું. એકદમ સરસ.
ખૂબ ખૂબ આભાર શ્રદ્ધાબેન.
વાંચીને મન બાગબાગ થઈ ગયું. સુગંધ રેલાવતો લેખ. બહુ જ સુંદર શબ્દો વાપર્યા છે. અભિનંદન.
ખૂબ ખૂબ આભાર
સુગંધ અહીંયા સુધી પહોંચી..
આભાર રાજુલબેન.
ખૂબ જ સુંદર. શ્વેત પુષ્પોનું સુંદર વિશ્વ આંખ સામે ઉઘ્ડતું લાગ્યું.
ખૂબ ખૂબ આભાર..