જૉજો રેબિટ : લાગણીઓનું મેઘધનુષ – નરેન્દ્રસિંહ રાણા 6


દરરોજ ઘરની બહાર નીકળતી વખતે તમે શું વિચારો છો? આ પ્રશ્ન જ તમને વિચિત્ર લાગ્યો હશે ને! જો હું તમને એમ કહું કે ઘરની બહાર નીકળતા પહેલા કે કામ શરૂ કરતાં પહેલાં કે પછી દિવસ શરૂ કરતાં પહેલાં; બે મિનિટ અટકીને એમ વિચારો કે ‘તમે કોઈ નવું જ સાહસ કરવા જઈ રહ્યા છો અને એમાં બહુ જ મજા આવવાની છે’ તો? આવું વિચારવાથી તમારી દિનચર્યામાં કેવો અને કેટલો ફરક પડશે?

તમે કહેશો રોજ રોજ સાહસ કરવું કેમ પરવડે? પણ અહીં  એક આખો દિવસ પસાર કરવો એ ય અઘરી જ બાબત છે. દુનિયા ખરેખર ખરાબ નથી પણ કદાચ એને સારી ન રહેવા દેવામાં આપણો એટલે કે માનવોનો ફાળો વધુ છે. ચામડીના રંગ, જાતિ, ધર્મ – આવા અનેક ખાનાંઓમાં આપણે માણસોને વહેંચીએ છીએ. પછી આપણને અનુકૂળ આવે એવા પૂર્વાગ્રહોથી મનને રંગીને એમની સાથે વર્તન કરીએ છીએ. આથી જ કદાચ દુનિયામાં દરેક દિવસ વિતાવવો એ સાહસ જેવું જ છે. 

આ નફરત ભરેલી દુનિયામાં જીવવું હોય તો એક જ રસ્તો છે. પ્રેમ અને સમતા હૃદયમાં ભરીને ચાલ્યા રાખો. પ્રેમ કાયમ નફરત પર વિજય અપાવે. પ્રેમ એક માત્ર એવી તાકાત છે જે કોઈ પણ નકારાત્મક લાગણીને સકારાત્મક બનાવી શકે છે.

માણસની સારી-ખરાબ બાજુની કથા કહેતી એક ફિલ્મ ગયા વર્ષે આવેલી. એ ફિલ્મ એટલે ‘જૉજો રેબિટ’. ફિલ્મ આમ તો કોમેડી છે. બીજા વિશ્વયુદ્ધની કથા લઈને આવેલી આ ફિલ્મમાં કટાક્ષ બહુ સરસ રીતે વણાયેલો છે. હાસ્ય અને રૂદન જેવા બે અંતિમો સુધી પ્રેક્ષકોને લઈ જવાની ક્ષમતા આ ફિલ્મમાં છે. 

જૉજો બેત્સઝલર નામનો દસ વર્ષનો છોકરો હિટલરનો જબરો ફેન છે. જૉજો, મા સાથે બીજા વિશ્વયુદ્ધમાં હારવાની અણી પર પહોંચેલા જર્મનીમાં રહે છે. તેની મોટી બહેન મૃત્યુ પામી છે અને બાપ યુદ્ધમોરચે છે. એના કુમળા મનમાં, બીજા વિશ્વયુદ્ધના સમયના નાઝી પ્રચારના કારણે, શુદ્ધ આર્યન જાતિના હોવાનો ગર્વ ઘર કરી ગયો છે. મા વળી સાવ વિરોધી વિચારધારાની છે. બન્ને વચ્ચે આ બાબતે મીઠી તકરાર ચાલ્યા કરે છે, છતાં બન્ને વચ્ચે એક સરખા નાઈટડ્રેસ પહેરવા જેટલો પ્રેમ પણ છે. જૉજો હિટલરને પોતાનો બેસ્ટ ફ્રેન્ડ માને એટલો એનાથી પ્રભાવિત છે. જૉજોનો કાલ્પનિક મિત્ર હિટલર છે. એને સતત લાગે છે કે હિટલર એની સાથે જ છે. આખી ફિલ્મમાં દસ વર્ષના જૉજો અને કાલ્પનિક હિટલરની જોડી સતત હસાવે છે. સપાટી પર નાઝી વિચારધારાને વરેલા લાગતા જૉજોમાં પણ એક સારો વ્યક્તિ બનવાના લક્ષણો છે એમ એની મા માને છે. 

ફિલ્મની શરૂઆતમાં જ બાળકોના નાઝી કૅમ્પમાં જતા જૉજોને એક સસલાને ન મારી શકવાને કારણે ‘જૉજો રેબિટ’ નામ મળે છે અને પ્રેક્ષકને જાણવા મળે છે કે અસલમાં જૉજો કોમળ હૃદયનો છોકરો છે. મા જાણે છે કે બૂટની દોરી પણ સરખી રીતે બાંધી ન શકતા જૉજોમાં એક સારો વ્યક્તિ પડ્યો છે. આખી ફિલ્મમાં બૂટની દોરી બાંધવાનું દ્રશ્ય અલગ અલગ સમયે આવે છે અને દરેક વખતે અલગ અલગ અર્થો રજૂ કરે છે. પ્રેક્ષકને આ વાત સરસ અસર કરે છે. 

એક બહુ યાદગાર દ્રશ્યમાં નદી કિનારે બેઠેલા જૉજોને મા રૉઝી કહે છે કે ‘પ્રેમ સૌથી શક્તિશાળી લાગણી છે.’ તો જૉજો સામે ધાતુ અને ડાયનામાઈટના ઉદાહરણ આપીને વિરોધ કરે છે. એ ચર્ચા પછી મા જૉજોના પગના અલગ અલગ બૂટની દોરીઓની સાથે ગાંઠ મારીને તેને પજવે છે. એક સામાન્ય ક્રિયાના અલગ અલગ અર્થો નીકળતાં જોવા એ જ આ ફિલ્મની ખરી મજા છે. 

એક દિવસ ઘરે આવેલા જૉજોને ખબર પડે છે કે ઘરમાં એક યહૂદી છોકરી સંતાઈને રહે છે. નાઝી જૉજોના એ છોકરીને ઘરમાંથી કાઢવાના નિર્દોષ પ્રયત્નો જબરી રમૂજ પેદા કરે છે. બન્ને વચ્ચેના સંવાદો પ્રેક્ષકોને જલસો કરાવે છે. જૉજોને ખબર પડે છે કે માએ જ છોકરીને ઘરમાં રાખી છે. જૉજો માને કહેતો નથી કે એને છોકરી વિશે ખબર છે. મા કદાચ યહૂદી છોકરીમાં મૃત દીકરી જુએ છે. બન્ને વચ્ચે ‘સ્ત્રી હોવું એટલે શું?’ દર્શાવતો એક બહુ સરસ સંવાદ પણ છે. 

ફિલ્મનું એક બીજું અગત્યનું પાત્ર કેપ્ટન કલેઝેનડોર્ફ છે. હારવાની અણીએ પહોંચેલી જર્મન સેનાના કેપ્ટન તરીકે એક સાવ અલગ પાત્ર રજૂ થયું છે. એની હતાશા અને નાઝી વિચારધારા પરના મોહભંગને રમૂજના રંગ પૂરીને સરસ રીતે દર્શાવ્યો છે. યુદ્ધમાં હોવાને બદલે બાળકોના કેમ્પ ચલાવતા આ ગૅ કેપ્ટનનું પાત્ર સારા-ખરાબ વચ્ચેનું અંતર ભૂંસી નાખે છે. એનું ગૅ હોવું નાના નાના દ્રશ્યો દ્વારા રજૂ થયું છે. તમે પ્રેક્ષક તરીકે ધ્યાન ન આપો તો કદાચ ચૂકી જાઓ. 

Still from the trailer of the movie

મા રૉઝી અને જૉજો વચ્ચેના દ્રશ્યો ખૂબ જ સબળ બન્યા છે. ડાઈનીંગ ટેબલને સ્વિત્ઝરલેન્ડ જેમ તટસ્થ જગ્યા જાહેર કરતી મા, પ્રેમ વિશે દીકરાને સમજાવતી મા, બાપનો અભિનય કરીને દીકરાને રાજી કરતી મા – આવા અનેક દ્રશ્યો દ્વારા માનું એક સબળ પાત્ર ઉપસ્યું છે. મા સતત દીકરાને યાદ દેવરાવતી રહે છે કે નાચવું, ગાવું, કુદરતના ખોળે ફરવું અને વિચિત્ર ચહેરા બનાવવા – જેવી નાની લાગતી ક્રિયાઓમાંથી પણ ઘણો આનંદ મળે. વિશ્વ ઈતિહાસના એક અત્યંત ભયાનક સમયને ફિલ્મ સાવ હળવી શૈલીમાં રજૂ કરે છે. જૉજોનો જાડીયો મિત્ર યોર્કી ફિલ્મમાં અચાનક આવીને જબરું હસાવે છે. એને જોઈને ‘પીછે દેખો’ વાળો ખૂબ વાઈરલ થયેલો છોકરો યાદ આવશે.

ફિલ્મનું સૌથી મોટું સબળ પાસું એના કટાક્ષથી ભરપૂર સંવાદો છે. ‘આપણા એકમાત્ર મિત્રો જાપાનીઓ છે અને એ ક્યાંયથી પણ શુદ્ધ આર્યન જાતિના દેખાતા નથી.’ અને ‘ચાલ આપણે ઘરને બાળી નાખીએ અને એનો આરોપ ચર્ચિલ પર નાખી દેશું.’ જેવા સંવાદો પાછળ રહેલો કટાક્ષ પ્રેક્ષકોને હસાવે છે. 

પછી જૉજો ઘરમાં રહેલી યહૂદી છોકરીને પકડાવે છે કે નહીં અને યુદ્ધના પરિણામની અસરો બધા પાત્રો પર કેવી થાય છે એ જોવા આખી ફિલ્મ જોવી જ રહી. 

ફિલ્મના નિર્દેશક, પટકથા લેખક, સહનિર્માતા અને જૉજોને દેખાતા કાલ્પનિક હિટલરનું પાત્ર ભજવનાર – એક જ વ્યક્તિ છે – ટાઈકા વાઈટીટી. ફિલ્મ 2008 માં ક્રિસ્ટીન લ્યુનેન્શ (Christine Leunens) દ્વારા લખાયેલી નવલકથા ‘કૅઝિંગ સ્કાય’ (Caging Sky) પર આધારિત છે. ટાઈકા વાઈટીટી (Taika Watiti)એ પુસ્તક પરથી આ ફિલ્મની, ઓસ્કર એવોર્ડ જીતેલી, પટકથા લખી છે. ફિલ્મ કુલ છ ઓસ્કરસ માટે નૉમીનેટ થયેલી અને એક જીતી હતી. 

ફિલ્મમાં સ્કારલેટ જૉહાનસને (Scarlett Johansson) જૉજોની મા રૉઝીના રોલમાં પ્રભાવશાળી અભિનય કર્યો છે. જૉજો તરીકે પહેલી જ ફિલ્મમાં નાનકડાં રૉમન ગ્રીફિન ડેવિસે (Roman Griffin Davis) પણ સરસ અભિનય કર્યો છે. જૉજોના ઘરમાં રહેતી યહૂદી છોકરી તરીકે થોમાસીન મેકેન્ઝી (Thomasin McKenzie)ની બોલકી આંખો યાદ રહી જાય એવી છે.

ફિલ્મમાં ઘણી સૂક્ષ્મ બાબતોનું ધ્યાન રાખવામાં આવ્યું છે. જેમકે શરૂઆતમાં રંગીન અને જીવંત લાગતું બર્લિન શહેર ધીરે ધીરે રંગ ખોતું જાય છે. દીવાલોની તિરાડોથી લઈને શેરીમાં બેઠેલા વૃદ્ધમાં આવતું પરિવર્તન પણ દેખાડવાનું ચુક્યા નથી. પાત્રોના પગના ક્લોઝઅપ પણ વાત કહેવા માટે સરસ રીતે વપરાયા છે. દીવાલ પર લટકાવેલું વાઘનું ચિત્ર હોય કે રંગીન પેન્સિલસ હોય, ફિલ્મમાં દરેક વસ્તુઓ કોઈને કોઈ વાત કહે છે. દરેક ફ્રેમમાં કશું જ વધારાનું નથી. 

કપરા સમયમાં, માત્ર મનુષ્ય બનીને, બધા જ અનુભવો મેળવતા રહેવાનું શીખવાડતી આ ફિલ્મ નવા વર્ષમાં જોવા જેવી છે. ફિલ્મ સ્ટાર મૂવીઝ ચેનલ પર ઘણીવાર આવી ચૂકી છે. એ સિવાય ઈન્ટરનેટ પર પણ મળી રહેશે.

નવા વર્ષમાં જીવનને એક સાહસ માનીને જીવો અને જે પણ મળે એને પ્રેમથી સ્વિકારીને આગળ વધો એવી શુભેચ્છાઓ સાથે નવા વર્ષની અઢળક શુભકામનાઓ. 

છેલ્લી રીલ:

‘Let everything happen to you: beauty and terror. Just keep going. No feeling is final.’
‘સુંદરતા કે વિનાશ – દરેકનો અનુભવ જાતને થવા દો. આગળ વધતા રહો. કોઈ લાગણી હંમેશ માટે ટકતી નથી.’
(આ ફિલ્મ પૂરી થયા પછી આવતો રેઈનર મારીયા રિલ્કેની કવિતાનો એક અફલાતુન ભાગ)


આપનો પ્રતિભાવ આપો....

6 thoughts on “જૉજો રેબિટ : લાગણીઓનું મેઘધનુષ – નરેન્દ્રસિંહ રાણા

  • Neha

    ફિલ્મ રિવ્યુમાં ટેક્નિકલ ખૂબીઓ કરતા એ ફિલ્મમાંથી જીવનલક્ષી શું મળ્યું એ જાણવું હંમેશા ગમે. અને આ રીવ્યુ એવો જ મળ્યો. ખૂબ સરસ.

  • Surbhi Raval

    ખરેખર ખૂબ જ સરસ છણાવટ.
    વાંચતા વાંચતા દૃશ્ય સામે આવી જાય..
    આભાર..

  • Sushma sheth

    સુંદર ફિલ્મની રસાળ સમીક્ષાએ ફિલ્મ જોવાની ઊત્સુકતા વધારી દીધી.