નીતિશતકના મૂલ્યો (૧) – ડૉ. રંજન જોશી 13


મંગલાચરણ

दिक्कालाद्यनवच्छिन्नानन्तचिन्मात्रमूर्तये।
स्वानुभूत्यैकनामाय नमः शान्ताय तेजसे।।१।।

અર્થ : જે દિશા અને કાળમાં સીમિત ન થનાર, અનન્ત ચિન્માત્ર મૂર્તિરૂપ, માત્ર સ્વાનુભવથી જ્ઞાન થઈ શકે તેવા, શાંત અને તેજસ્વી છે, એવા પરમેશ્વરને હું નમસ્કાર કરું છું.

વિસ્તાર : પ્રાચીન પરંપરા અનુસાર કોઈ પણ ગ્રંથનો આરંભ મંગલાચરણથી થાય છે. એવી માન્યતા છે કે માત્ર પ્રયત્નથી કોઈ લક્ષ્ય સાધી શકાતું નથી. તેમાં ઈશ્વર કૃપા પણ એટલી જ હોવી ઘટે. પ્રારબ્ધ અને પુરુષાર્થ સાથે ઈશ્વર કૃપાનો જો સમન્વય થાય તો કાર્ય નિર્વિઘ્ને પૂર્ણતાને પ્રાપ્ત થાય, તેજસ્વિતાપૂર્ણ કાર્ય થાય.

ભર્તૃહરિ નીતિશતકના આરંભે અહીં ઈષ્ટવંદના કરે છે. અહીં પણ તેમનું તત્વજ્ઞાન અછતું રહેતું નથી.

૧) જે દિશાઓમાં સીમિત થતો નથી અર્થાત્ જે માત્ર પ્રાંત, જિલ્લા, પ્રદેશ, દેશ કે વિશ્વ પૂરતો પર્યાપ્ત નથી. જે દસે દિશાઓના છેડા સુધીનું અસ્તિત્વ ધરાવે છે. જે સમગ્ર બ્રહ્માંડમાં પરિપૂર્ણ વ્યાપ્ત છે. જેના અસ્તિત્વ વિનાનું કોઈ સ્થાન હોઈ જ ન શકે. આવા સર્વવ્યાપક પરમેશ્વરને ભર્તૃહરિ નમન કરે છે. ઈશ્વર સર્વવ્યાપક છે. કદાચ એટલે જ નરસિંહ મહેતાએ કહ્યું હશે, ‘અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ જૂજવે રૂપે અનંત ભાસે.’

૨) જે કાળથી સીમિત થતો નથી અર્થાત્ સમય જતાં નાશ પામતો નથી. અનંતકાળ સુધી જેની ખ્યાતિ યથાવત્ રહે છે, તે ઈશ્વરને કવિ વંદન કરે છે. જો અજન્મા અને અમર હોય તેને ઈશ્વર તરીકે સ્વીકારીએ તો રામ અને કૃષ્ણને ઈશ્વર ન કહી શકાય. આથી એ સ્વીકારવું રહ્યું કે જન્મ પહેલા અને મરણ પછી પણ તે ચૈતન્યરૂપે હતો જ,આથી તે કાળમાં સીમિત નથી. પરંતુ આ પૂર્વધારણા તો પ્રત્યેક દેહધારી મનુષ્યને પણ એટલા જ અંશે સ્પર્શે, તો જીવમાત્રને ઈશ્વર તરીકે સ્વીકારવા પડે. અહીં ભર્તૃહરિ સ્પષ્ટતા કરે છે, જે સમગ્ર દેશ, કાળમાં એકરૂપ સનાતન છે, શાશ્વત છે, અનંત છે, એવા ઈશ્વરને હું વંદન કરું છું.

૩) ચિન્માત્ર મૂર્તયે – જે ચૈતન્ય સ્વરૂપ છે અર્થાત્ જે ચૈતન્ય રૂપે જ મૂર્તિમાન છે, જેને દેહ – ઈન્દ્રિયો વગેરે નથી તેવા ઈશ્વરને હું વંદન કરું છું.

૪) સ્વાનુભૂત્યૈકનામાય – માત્ર સ્વાનુભૂતિથી જ અનુભવાય છે. ઈશ્વર એ કોઈ વિદ્યા નથી, કોઈ જ્ઞાન નથી કે જે ગુરૂ – શિષ્ય પરંપરાથી પ્રાપ્ત કરી શકાય. અન્યના અનુભવોથી તેને પામી શકાય નહીં. આથી ભર્તૃહરિ કહે છે કે માત્ર પોતાના અનુભવોથી જ અનુભવાય તેવા ઈશ્વરને હું વંદન કરું છું.

૫) નમઃ શાન્તાય તેજસે – શાંત અને તેજસ્વી ઈશ્વરને હું નમસ્કાર કરું છું. ઈશ્વર એ માત્ર અસ્તિત્વ નથી, તે સગુણ – સાકાર – સશક્ત છે. અહીં ભર્તૃહરિએ ઈશ્વરના બે ગુણોને સ્વીકાર્યા છે – શાંત અને તેજસ્વી. માત્ર શાંતિ પણ નિર્માલ્યતાનું સર્જન કરે તેથી શાંતાય તેજસે નમ: કહી શાંતિ સાથે તેજસ્વિતાને પણ સ્વીકારી છે.

આ મંગલાચરણ દ્વારા ભર્તૃહરિ સ્વયંનો સંપ્રદાય પણ દર્શાવે છે. ભર્તૃહરિ દેશ કે કાળમાં સીમિત હોય, મૂર્તિરૂપ હોય તેવા ઈશ્વરના સંપ્રદાયને અનુસરતા નથી. તે શાશ્વત – સનાતન – સર્વવ્યાપી – પરિપૂર્ણ બ્રહ્મના ઉપાસક છે, ઈશ્વર સર્વવ્યાપક છે.


यां चिन्तयामि सततं मयि सा विरक्ता,
साप्यन्यमिच्छति जनं स जनोऽन्यसक्तः।
अस्मत्कृते च परिशुष्यति काचिदन्या
धिक्तां च तं च मदनं च इमां च मां च॥२॥

અર્થ : હું જેનું સતત ચિંતન કરું છું તે તો કોઈ અન્ય પુરૂષની ઈચ્છા રાખે છે. વળી, તે પણ અન્યમાં આસક્ત છે. વળી, અમારા માટે અન્ય કોઈ લાગણી ધરાવે છે. પહેલાને, બીજાને, સર્વને ભ્રમિત કરનાર કામદેવને તથા મને પણ ધિક્કાર છે.

વિસ્તાર : પ્રસિદ્ધ માળવાધિપતિ મહારાજા ભર્તૃહરિએ જુદી-જુદી અવસ્થામાં ત્રણ શતકો લખ્યા. જ્યારે મહારાજા ભર્તૃહરિ મહારાણી પિંગળાના મોહપ્રેમમાં ગળાડૂબ હતા ત્યારે તેમણે શૃંગાર શતક રચ્યું. અહીં यां चिन्तयामि सततं દ્વારા મહારાણી પિંગળાનો ઉલ્લેખ છે, જેને ભર્તૃહરિ मयि सा विरक्ता કહી પિંગળા પોતાના પ્રત્યે વિરક્ત છે એ સૂચિત કરે છે. મહારાણી પિંગળા એક અશ્વપાળના એકતરફી પ્રેમમાં હોય છે જે આ શ્લોકના सा अपि अन्यम् इच्छति દ્વારા જણાય છે. એકતરફી પ્રેમ એટલે કહ્યું કે આ અશ્વપાળ મહારાણી પિંગળા પ્રત્યે આસક્ત નથી, स जनोऽन्यसक्त – તે અશ્વપાળ અન્ય સ્ત્રી એટલે કે એક ગણિકા તરફ આસક્ત છે. अस्मत्कृते च परिशुष्यति काचिदन्या દ્વારા ભર્તૃહરિ જણાવે છે કે અશ્વપાળનો પ્રેમ પણ એકતરફી છે કારણકે એ ગણિકા તો સ્વયં ભર્તૃહરિ પ્રત્યે આસક્ત છે. આ આખા પ્રેમચક્રનો‌ ખ્યાલ એક અમૃતફળ અપાવે છે. રાજા ભર્તૃહરિએ ઋષિ પાસેથી પ્રાપ્ત કરેલું અમૃતફળ મહારાણી પિંગળાને આપ્યું કારણ કે તે પોતાનાથી વિશેષ પ્રેમ પિંગળા પ્રત્યે ધરાવતા હતા. પિંગળાએ આ ફળ અશ્વપાળને આપ્યું કારણ કે અશ્વપાળ અમર બને એવું તેનો પ્રેમ ઈચ્છતો હતો. અશ્વપાળે આ અમૃતફળ ગણિકાને આપ્યું કારણ કે‌ તે ગણિકાને અનન્ય પ્રેમ કરતો હતો. ગણિકાએ પણ આ અમૃતફળ સ્વયં ન આરોગતાં રાજા ભર્તૃહરિને આપવાનું યોગ્ય સમજ્યું કારણ કે તે રાજા પ્રત્યે માન અને આસક્તિ બંને ધરાવતી હતી. આમ, સ્વયંનું આપેલું અમૃતફળ સ્વયં પાસે જ પાછું ફરતાં રાજા ભર્તૃહરિને પ્રેમની ક્ષણભંગુરતા સમજાય છે. સંસાર પ્રત્યે વિરક્ત થયેલા રાજા ભર્તૃહરિ આ સમયે વૈરાગ્ય શતકની રચના કરે છે. પિંગળા, અશ્વપાળ, ગણિકા, કામદેવ અને સ્વયંને પણ તે ધિક્કારે છે.

પ્રસ્તુત શ્લોકથી રાજા ભર્તૃહરિની યાત્રા પૂર્ણ થાય છે અને યોગી – વૈરાગી ભર્તૃહરિની યાત્રા પ્રારંભ થાય છે. આ શ્લોક એ નીતિશતકના ઉદભવનું કારણ દર્શાવે છે. વૈરાગ્યમાંથી થોડા અંશે બહાર નીકળેલા ભર્તૃહરિ મધ્યમ માર્ગ પર ચાલી નીતિશતકની રચના કરે છે. ભર્તૃહરિની પીડામાંથી સરસ્વતી પ્રગટ્યા અને વેદનારૂપે નીતિમત્તાના શ્લોકો રચાતા ગયા.


अज्ञः सुखमाराध्यः सुखतरमाराध्यते विशेषज्ञः।
ज्ञानलवदुर्विग्धं ब्रह्मापि नरं न रञ्जयति ॥ ३॥

અર્થ : અજ્ઞાનીને સરળતાથી પ્રસન્ન કરી શકાય, જ્ઞાનીને તો અતિ સરળતાથી પ્રસન્ન કરી શકાય છે, પરંતુ અલ્પજ્ઞ હોવા છતાં સ્વયંને મહાજ્ઞાની માનનાર અર્ધદગ્ધ પુરૂષને તો સાક્ષાત્ બ્રહ્મા પણ પ્રસન્ન કરી શકતા નથી.

વિસ્તાર : આ આ સંસારમાં ત્રણ પ્રકારના લોકો છે, જેની ભર્તૃહરિએ આ શ્લોકમાં વાત કરી છે. ૧. જ્ઞાની ૨. અજ્ઞાની ૩. અર્ધદગ્ધ. ઘણાં લોકો અજ્ઞાની હોવા છતાં જ્ઞાનના દંભે ચાલતા હોય છે, તેમની સાથે જ્ઞાનચર્ચા ન કરાય. અન્યથા તેઓ સ્વયંને સત્ય સિદ્ધ કરવા અર્થે જ્ઞાનચર્ચાને અજ્ઞાનચર્ચા બનાવી દેતા હોય છે. ત્યાં તો मौनं परं भूषणम्। અલ્પજ્ઞો માટે કહેવાયું છે કે कम इल्म बुरा। શુક્રનીતિ પણ કહે છે ज्ञान लवदौर्विदग्ध्याद् प्रवरमता। અર્થાત્ અલ્પજ્ઞતા કરતા મૂર્ખતા ભલી.

તમામ અનર્થોની જડ અહંકાર છે. અહંકારથી વ્યક્તિ મૂર્ખતાને પ્રાપ્ત કરે છે. મનુષ્યની મહાનતા અને સુખમાં અહંકાર જ બાધક છે. સાચો જ્ઞાની તો એ જ છે કે જે જ્ઞાનને પચાવી શકે.

(ક્રમશ:)


આપનો પ્રતિભાવ આપો....

13 thoughts on “નીતિશતકના મૂલ્યો (૧) – ડૉ. રંજન જોશી

  • Janardan Shastri

    તમારું લખાણ પુસ્તકાકારે પ્રગટ થાય ત્યારે મને પ્રથમ ગ્રાહક નોંધજો

  • Hitesh Thakkar

    Thanks Dr Ranjan to share the pearls of wisdom from teachings of one of the oldest Nath Panth teachings.
    Certainly New Year gift and look forward to read it regularly.

  • Manoj Divatia

    ઘણું જ સુંદર ! ડો. રચનાબેન ને ઘણા અભિનંદન. નીતિ શતક ની રચના ની પાછળ ની રાજા ભર્તુહરિ ના મનોમંથન ને જાણ્યા પછી તે વિષય ની સમજણ બરોબર આવી શકે.
    અધ્વર્યુ ભાઈ નો પણ ઘણો આભાર

  • hdjkdave

    નીતિ અને નીતિ શતકનું મૂલ્ય અને મહત્વ જીવનની ક્ષણભંગુરતાનો બોધ કરાવે છે. પ્રેમ, મોહ, આસક્તિ માયા છે. બ્રહ્મ સત્ય જગત મિથ્યા એ જ્ઞાન ચરિતાર્થ થાય ત્યારે સતચિતાનંદ, પરમાનંદની, શાશ્વત ની પ્રાપ્તિ થાય છે જેને મોક્ષ કહેવામાં આવે છે. વંદન.