ખરી પડે છે પીંછું : રીના મહેતા – હીરલ વ્યાસ 18


જેમ દરેક માણસને અલગ ચહેરો, અલગ ગંધ, અલગ સ્પર્શ હોય એમ દરેક પુસ્તકનું પણ હોય. પાઠ્યપુસ્તક વાંચતાં-વાંચતાં લાગે કે આ બે પૂઠાંની બહાર પણ દુનિયા છે. જ્યારે ગમતું પુસ્તક વાંચીએ ત્યારે લાગે કે આ બે પૂઠાંની વચ્ચે એક આખું નવું વિશ્વ ઊઘડે છે.

હવે પુસ્તકો સોફ્ટ કોપી કે ઓડિયો સ્વરુપે પણ ઉપલબ્ધ છે. પણ સોફ્ટકોપી તમે હાર્ડકોપીને તોલે ન આવો. પુસ્તક વાંચતાં ક્યારેક સ્વજનની જેમ છાતીએ વળગાડીને રડી શકાય કે પછી મિત્રની જેમ તાળી આપીને હસી શકાય. મારા માટે તો નાના બાળકને માથે પ્રેમથી હાથ ફેરવો કે પુસ્તકને, સરખું જ છે!

આપણા ગમતાં પુસ્તક વિશે કે પછી પુસ્તક વિશે શું ગમ્યું એ વિશે પોતીકા શબ્દોમાં કહેવાનો ઊમળકો જ નોખોં છે. સારું પુસ્તક તો ઘેર બેઠા મળેલી ગંગા છે. બસ આપણી ડૂબકી મારવાની કેટલી તાકાત છે એના પર બધો આધાર છે.

અક્ષરનાદના માધ્યમથી હવે હું આ પુસ્તકોના દરિયામાં ડૂબકી લગાવીશ અને નવાં નવાં મોતી તમારા સૌ સાથે વહેંચીશ.


પુસ્તકનું નામ – ખરી પડે છે પીંછું

લેખિકા – શ્રી રીના મહેતા

લેખિકા પરિચય – શ્રી રીના મહેતા સૂરતના નિવાસી છે. વાણિજ્ય અને પત્રકારત્વનો અભ્યાસ કરી સૂરતના સાંધ્ય દૈનિકોમાં સબ-એડિટરનું કામ કર્યું છે. તેમની સાહિત્ય રુચીમાં તેમનાં પિતા શ્રી ભગવતીકુમાર શર્માનો ઊંડો સાહિત્ય પ્રેમ તેમનું પ્રેરકબળ રહ્યું છે. સાહિત્ય ક્ષેત્રે વાર્તા, કવિતા અને સાહિત્યનાં અન્ય પ્રકારના લખાણમાં કલમ ચલાવી છે. લલિતનિબંધ એમનું જુદું જ સર્જકરુપ પગટ કરે છે. ‘ખરી પડે છે પીંછું’ને ગુજરાતી સાહિત્ય અકાદમીનું શ્રેષ્ઠ નિબંધ સંગ્રહનું તૃતીય પારિતોષિક પ્રાપ્ત થયું છે. તેમનાં કાવ્ય સંગ્રહ ‘અંધકારની નદી’ને ગુજરાતી સાહિત્યનું શ્રેષ્ઠ કાવ્યસંગ્રહનું દ્વિતીય પારિતોષિક પ્રાપ્ત થયું છે. રીનાબહેને ભગવતીકુમાર શર્મા ની ઈમેજ પ્રકાશિત પરિચય પુસ્તિકા પણ લખી છે. આ સિવાય પણ સાહિત્ય ક્ષ્રેત્રે ઘણુ નોંધનીય કામ કર્યું છે.

લલિતનિબંધ વિશે – આપણે શાળામાં ભણતી વખતે ઘણી વાર નિબંધ લખ્યાં છે. બસ લલિત નિબંધ પણ નિબંધ જ છે. પણ એની વિશેષતા એ છે કે તે તમારા જીવન સાથે સંકળાયેલ કે તમારા અંગત અનુભવોનું ભાવવિશ્વ છે.

દા.ત. આપણે વડ વિશે નિબંધ લખીએ તો એ એની મૂળભૂત બાબતો વિશે હશે. પણ જ્યારે હું મારી ઘર સામેના વડ વિશે લખું, જેની સાથે મારા અનુભાવો, સ્મરણો, કોઈ વ્યક્તિગત લાગણીનું જોડાણ છે ત્યારે એ લલિત નિબંધ બને છે.

પુસ્તક વિશે

પુસ્તકમાં સમાવિષ્ટ લલિત નિબંધો ‘ગુજરાત મિત્ર’ની રવિવારીય પૂર્તિમાં દર સમપ્તાહે ‘ક્ષણોની ઝરમર’ શીર્ષક અંતર્ગત આવી ચુક્યા છે.

આ પુસ્તકના આકાશમાં કુલ બાવન (૫૨) લલિતનિબંધના તારલાઓ ઝળહળે છે. દરેક નિબંધ આપણને એક અગલ જ વિશ્વની સફર પર લઈ જાય છે. જિંદગીના જુદા-જુદા પડાવ અને દરેક પડાવની ઝીણીઝીણી વાત બહુ જ સહજતાથી કહેવાઈ છે. લખનારનું ભાવજગત શબ્દોમાં એટલી ઋજુતાથી પ્રગટ થયું છે કે વાંચતી વખતે એ ભાવજગત આપણી આસપાસ ફરી રચાતું હોય એમ લાગે. દરેક નિબંધમાં આપણે લખનારની સાથે આપણી જાતને અનુભવીએ. પ્રકૃતિ સાંગોપાંગ ઊતરી જતી લાગે. પાનની લીલાશ કે હવડ વાવની લીલાશ જાણે એકરુપ થતાં લાગે. માનવ સંબંધો અને સંવેદનાઓનું શબ્દ સ્વરુપ આ પુસ્તકમાં ઝળકી ઊઠે છે.

ચક્લી તો અત્યારે માળામાં એનાં બચ્ચાંને ચણ ખવડાવતી હશે. એને તો પોતાનું એક પીંછું ઓછું થયાની ખબર પણ નહીં પડી હોય.” – ખરી પડે છે પીંછું

આપણે સૌ વત્તે-ઓછે અંશે દરેક બાબતની ગણતરી કરીએ છીએ – અધુરાં રહેલાં સપનાંની, ખર્ચ અને બચતની. પણ આ ચકલી જેવો નિર્લેપભાવ આપણી પાસે નથી. ઓછું થઈ ગયું એની ફિકરમાં જે છે એનો આનંદ લેવાનું એ ચૂકતી નથી.

ખાટી આમલીને અને મીઠાં સ્મરણો, ખંજરીના ખણણ..અવાજના ભીના પડઘા વાંચીએ ત્યારે આપણાં બાળપણની સ્મૃતિ થયા વગર ભાગ્યે જ રહે! બાળપણની સખીઓ, એમની સાથેની ગોઠડી, વેકેશનની અને મોસાળની મઝા આંખ સામે અવશ્ય આવે.

બે પેઢી વચ્ચેનું અનુસંધાન કેવી સાહજીકતાથી રજુ થયું છે એનું જ દ્રષ્ટાંત જોઈએ તો..

સગડી પર બા પણ દાદીની જેમ જ રોટલી કરતી. હાથ બદલાયા. દાદીની નમણાશ અને બાનું ખડતલપણું રોટલીના બે પાતળા પડ વચ્ચે આબાદ રીતે હળીભળી જતું.” – સગડી

ખીંટિ માણસને ગમે છે. આખા જીવન દરમ્યાન મનુષ્ય ખીંટિ પર રોજબરોજ કેટકેટલું લટકાવતો રહે છે અને છેવટે પોતે’ય ખીંટિએ લટકી જાય છે, તસ્વીર બની.” – ખીંટિ માણસને ગમે છે – ખીંટિ જેવી સાવ સામાન્ય વસ્તુ ઘરનો કેટલો ભાર પોતાના પર લટકાવી રાખે છે અને એ ખીટિ પર માત્ર ઘરનો ભાર નહિ ક્યરેક સ્મરણોનો ભાર પણ અનાયાસે લટકી જાય છે.    જીવનનું અંતિમ સત્ય કેવી રીતે લખવાની ક્રિયામાં ઓતપ્રોત થઈ જાય છે.

આખા પુસ્તકમાં બહુ સાહજીકતાથી જીવનની ફિલોસોફી વાદળ પાછળથી ચંદ્ર નીકળી આવે એમ આવે છે, સાવ ભાર વિના!

પુસ્તકમાં અંગત અનુભવો તો છે જ પણ આપણી આસપાસની સર્વ જીવ સૃષ્ટિ પણ છે. ઝાડ,પાંદડાં, ફૂલ, બીલાડી, કૂતરી, ઉંદર, ચકલી, કાબર, કાગડો, ચંદ્ર, આકાશ. આ બધાના લય સાથે જાણે આ પુસ્તક વધુ બોલકું બન્યું છે. પુસ્તક જીવનથી ભર્યું-ભર્યું ને જીવંત લાગે છે. આપણું પરિચિત ઘર, બાળપણ આપણા મનમાં અનેક દ્ર્શ્યોને ઝીલીને સ્થિર થયેલું હોય છે. એની વાતો આપણે કેટલી’યે વાર આપણાં બાળકો સાથે વાગોળી હોય છે. પણ જ્યારે જુના દ્રશ્યો પર નવા દ્રશ્યો જોઈએ ત્યારે હ્રદય પર ભાર વર્તાય છે. આપણી અંદર રહેલા દ્ર્શ્યો ધુંધળા થવા લાગે છે. એનું નિરુપણ લગભગ દરેક નિબંધમાં જોવા મળે છે.

નાત, જાત, ગરીબી, અમીરી જેવા ભેદભાવો તો આસપાસ હાલતાં-ચાલતાં જોવા મળે પણ સાવ સામન્ય માણસ એની પર થઈ જાય ત્યારે કેવો સંવાદ હોય, “આ રિક્ષાના, બસના, સ્કૂટરના, પગપાળા કે કોઈપણ પ્રવાસમાં – અરે! જિંદગીના પ્રવાસમાંય આપણે ભાઈ, એકબીજા જેવાં જ ને?” – આપણે સહુ સરખાં

બાળક વિશે, એના કોરા મન વિશે કેટલું સરસ લખ્યું છે, “એક એવી સ્લેટ જેની ઉપર ખુદ ઈશ્વરે સૂર્યના ખડિયામાં પોતાની મયૂરપિચ્છ શી કલમને ઝ્બોળી સુવર્ણ લિપિમાં સુંદર અક્ષરે કશુંક અકળ રહસ્ય લખવાનું છે.” – સાદથી નાદ સુધી

આપણી ઇચ્છાઓ, મોહ, મમતા એટલી સાહજીકતાથી છોડી શકતાં નથી જેટલી સાહજીકતાથી વૃક્ષ છોડી દે છે. બધુ જ મૂકી ને જવાનું છે એ ખબર હોવા છતાં છોડી શકાતું નથી ને છોડવાની ક્ષણે હૈયું ભારે થઈ જાય છે એની વાત એમના જ શબ્દોમાં, “વૃક્ષ જે નિર્લેપભાવે ફૂલ ખેરવી દે છે, એમ જ હું  હળવેકથી હથેલીમાંનાં ફૂલ ત્યાં જ ઠાલવી દઉં છું. છતાં મન કંઈ વૃક્ષ નથી. એ સહજ ભારે તો થઇ જ જાય છે.” – લીલોછમ નિઃશ્વાસ

અને છેલ્લે…

પુસ્તકનો જ એક અંશ જે આ પુસ્તક માટે પણ એટલો જ બંધબેસે છે.

કંઈ મનગમતું વાંચતાં હોઈએ ત્યારે એ સિવાયનું બાકીનું બધું સુખ, દુઃખ પણ પેલી પુસ્તકની બહારની ખીંટિએ લટકતું હોય છે. જેવું પુસ્તક બંધ કરીએ કે ખીંટિ પરથી બધું આપણાં મન પર ભેરવાય.

– હીરલ વ્યાસ

પ્રકાશન વર્ષ – ૨૦૦૨

પુસ્તક કિંમત – રુ ૮૫.૦૦

પ્રકાશક – ગુજરાતી સાહિત્ય પરિષદ, આશ્રમમાર્ગ, અમદાવાદ


Leave a Reply to Hiral VyasCancel reply

18 thoughts on “ખરી પડે છે પીંછું : રીના મહેતા – હીરલ વ્યાસ