ઓરા આવોને.. તમારા કાનમાં કંઈક કહેવું છે! – ભારતીબેન ગોહિલ 14


બાળકો પાસે કેટલી વાતો છે? તેનાં મનમાં કેટલા પ્રશ્નો છે? દરેકને કંઈ ને કંઈ કહેવું છે. એ આપણી આજુબાજુ એની કાલી ઘેલી વાતો લઈને ભમ્યા કરે છે..અરે ક્યારેકતો આપણો પાલવ કે દુપટ્ટો ખેંચીને કહે છે..”સાંભળો ને..” પણ વડીલો પાસે એને સાંભળવાનો સમય હોય છે ખરો?

એક વખતની વાત છે. બીજાં ધોરણમાં ભણતો એક બાળક ચાલુ વર્ગે મારી આગળ પાછળ ફર્યા કરતો હતો. પોતાના બન્ને હાથ પાછળ ને તેમાં સંભાળીને રાખેલ એક કાગળ. મેં પૂછ્યું, “તારે કંઈ કામ હતું?” તો હળવેથી પેલો કાગળ બતાવી કહે, “મેં ચિત્ર દોર્યું છે તે જુઓને.”

હું હજુ તો કાગળ હાથમાં લઈ જોઉં ત્યાં તો તે વર્ણન કરવા લાગ્યો. “મેડમ…આ સૂરજદાદા, આ ચાંદામામા, આ પાણીવાળી નદી એમાં માછલી ને આ મો….ટો ડુંગર!” મેં ધ્યાનપૂર્વક જોયું તો ડુંગરમાં તેણે બે રસ્તા દોરેલા. મને નવાઈ લાગી. મેં જાણવા પૂછ્યું, “ચિત્ર તો સરસ દોર્યું છે. પણ તું મને કહીશ કે તેં આ ડુંગરમાં બે રસ્તા કેમ કર્યા છે? એક રસ્તો હોય તો ન ચાલે?”

“અરે, તમને નથી ખબર?”…ને પછી મારા કાન પાસે આવી કહે, “છે ને..એક રસ્તો પગથિયાંવાળો અને બીજો લસરાય તેવો. અમે સરરર કરતા લસરીએ ને મારા દાદા પગથિયાંથી ચડે ને પગથિયાંથી જ ઉતરે…દાદા થોડા લસરે? એને તો પગ દુખે! એટલે એનો રસ્તો નોખો!” ને પછી ખી…ખી કરવા લાગ્યો.

ઘડીભર હું તેની સામે જોઈ રહી. બાળકો આપણને ઘણું ઘણું કહેવા માગે છે એ તો જાણતી હતી પણ એનાં ચિત્રો પણ આવાં બોલકાં હોય તેની તો  કલ્પનાયે ક્યાંથી હોય! બાળકના જવાબે મને આશ્ચર્યમાં મૂકી.

પરંતુ મેં સમય કાઢ્યો એટલે સમજણ પડી.

અને

કાન ધર્યો એટલે એના મનની વાત જાણવા મળી!

આ ‘સમય કાઢવો’ અને ‘કાન ધરવો’ બંને બાળ કેળવણીના આધારસ્તંભ સમાન ગણી શકાય. એ બંને જેટલા મજબૂત હશે એટલી જ તેના પર ચણાયેલ ચારિત્ર્યઘડતર, સામાજિકમૂલ્યો, વ્યક્તિનિષ્ઠા, આધ્યાત્મિકતા અને રાષ્ટ્રપ્રેમની ઈમારત મજબૂત હોવાની શક્યતાઓ વધી જાય છે.

આપણે સતત એવું સાંભળી રહ્યાં છીએ કે આધુનિક ટેકનોલોજીએ આપણને ટીવી, સ્માર્ટફોન, કમ્પ્યુટર, રોબર્ટ્સ જેવાં અનેક સાધનોની ભેટ આપી છે. તેનાં દ્વારા આપણું રોજ-બ-રોજનું જીવન ઘણું જ સરળ અને વ્યવહારો અત્યંત ઝડપી થઈ ગયા છે. ઓછા સમયમાં અનેકગણું કામ પાર પાડતાં આપણે શીખી ગયાં..પણ પ્રશ્નને ઊભો થાય છે કે કામની ઝડપ વધવાથી માણસો પાસે સમયની બચત થવી જોઈએ એ બચત અનુભવાય છે ખરી?

જવાબ છે ના!

પહેલાના સમયમાં કોઈ વેપારી વેપારના સમયે વ્યસ્ત રહેતા, અધ્યાપકો, શિક્ષકો કામકાજના સમયમાં વ્યસ્ત રહેતા, કારીગરો કંપનીમાં પૂરો સમય વ્યસ્ત રહેતા..એ જ રીતે ડોકટરો, વકીલો બધા જ વ્યસ્ત પણ વ્યવસાયાર્થે રહેલી વ્યસ્તતાના કલાકો પૂર્ણ થયે બાકીનો સમય ઘણો બચતો. એ રીતે બાકી રહેલો સમય દરેક પોતાના વ્યક્તિગત શોખ માટે, પરિવારજનો માટે, વ્યવહાર માટે કે સમાજસેવા માટે ફાળવતા.

પરંતુ અત્યારે? સ્થિતિ બિલકુલ અલગ છે. સોશિયલ મીડિયા નામનો દાનવ મોં ફાડીને ઊભો રહી ગયો છે. આખો દિવસ બસ આઈડિયા ખાઉં કે જિયો ખાઉં? એરટેલ ખાઉં કે બીએસએનએલ ખાઉં? એમ ખાઉં..ખાઉં..ખાઉં કર્યા જ કરે છે!

નાનાં કે મોટાં, સ્ત્રીઓ કે પુરુષો, ગરીબો કે અમીરો કંઈ જોયા વગર બસ..સૌનો સમય તેના વિશાળ પેટમાં પધરાવ્યે જાય છે. અને દરેકને ચોવીસે ચોવીસ કલાક વ્યસ્ત રાખી રહ્યો છે. આવી રીતે વ્યસ્ત લોકોની જિંદગી પણ અસ્ત-વ્યસ્ત થવા લાગી છે.

સૌની આ વ્યસ્તતાની સીધી અસર લોકોના વ્યક્તિગત સ્વાસ્થ્ય, પરિવાર અને વિશેષ કરીને આપણાં નાનાં નાનાં ભૂલકાંઓ પર પડી રહી છે.

બાળકો પાસે કેટલી વાતો છે? તેનાં મનમાં કેટલા પ્રશ્નો છે? દરેકને કંઈ ને કંઈ કહેવું છે. એ આપણી આજુબાજુ એની કાલી ઘેલી વાતો લઈને ભમ્યા કરે છે..અરે ક્યારેકતો આપણો પાલવ કે દુપટ્ટો ખેંચીને કહે છે…”સાંભળો ને…” પણ વડીલો પાસે એને સાંભળવાનો સમય હોય છે ખરો?

આપણામાંથી કેટલાયે નાનપણમાં ગાયું જ હશે.

કાં તો શાળામાં કાં તો આજુબાજુ વડીલો પાસે.

“તમે ઓરા આવોને અહીં.
તમારા કાનમાં કહેવું કંઈ.
બીજા કોઈ સાંભળી જાયે નહીં
તમારા કાનમાં કહેવું કંઈ!!”

એને ક્યારેક કાન ધરી જોજો. એની કાલીઘેલી વાતો સાંભળી જોજો.. કાનમાં કહેવાયેલી એ વાતો કેવી હશે ખબર છે?

ક્યારેક મેળાની ને ચકરડીમાં ગોળ ગોળ ફર્યાની હશે, ક્યારેક  પંખાનાં પાંખિયામાં આવી ગયેલી ને પછી ફેંકાઈ ગયેલી ચકલીની હશે…ક્યારેક મમ્મીના દિવસે દિવસે વધી રહેલ પેટને લગતી હશે તો ક્યારેક ઘરની આજુબાજુ વિયાંએલ કૂતરીનાં નાનાં-નાનાં કૂરકૂરિયાંને હાથથી અડી લીધા પછીના રોમાંચની હશે!

મિત્રો, બાળક જ્યારે પણ આવી વાત કરતું હોય ત્યારે વાતનો વિષય સહેજપણ અગત્યનો નથી. પરંતુ બાળકની વાત ધ્યાન દઈને સાંભળવાની સમજણ અગત્યની છે. તમારાં ગમે એટલાં અગત્યનાં કામ ઘડી-બેઘડી અટકાવીને પણ એ વાતો જરૂરથી સાંભળજો.

નાનપણનું એ વિસ્મય
નાનપણનું એ આશ્ચર્ય
નાનપણની એ કથાઓ
નાનપણનો એ રોમાંચ
એના ભાવિજીવનનો પથ નક્કી કરતા હોય છે!

આજના યુગમાં આર્થિક ઉપાર્જન માટે માતાપિતા બંને ખભેખભા મિલાવી કામ કરતાં થયાં છે ત્યારે ઘરમાં તેઓની ગેરહાજરી બાળકોને અકળાવે છે. પણ તેઓની ગેરહાજરીમાં એ મનમાં કેટલીયે વાતો ભેગી કરી રાખે છે..એમ વિચારીને કે મમ્મી પપ્પા આવશે ત્યારે આટલી વાતો કરવાની છે. તમે જરૂર નોંધ કરી હશે.. તમારાં આવવાના સમયે બાળકોનું ધ્યાન રસ્તે નીકળતાં વાહનો પર અથવા તો દરવાજે જ મંડાયું હશે!

એક વડીલ તરીકે ક્યારેય એવો વિચાર આવ્યો છે કે બાળકના મનમાં રહી ગયેલી અને ન કહેવાયેલી વાતો બાળકનાં નાજુક હૈયાને કેટલી કનડતી રહેતી હશે?

ડૉ. ભારતીબેન બોરડ કહે છે તેમ બાળક પણ કહેવા  તત્પર છે..

“મેં એક જ પાંદડું તોડ્યું, ને ઝાડ આખું રોયું,
હજી તોડ્યું તરત કરમાયું ને પાન આખું ખોયું!”

પણ આવી વેદનાની વાતો.. સંવેદનાની વાતો જો કહ્યા વગરની બાળકોનાં મનમાં પડી રહે તો બાળકનાં ભાવજગતને ઘણી જ હાનિ પહોંચાડી શકે છે.

આવી સ્થિતિ ઉત્પન્ન ન થાય તે જોવાની જવાબદારી સૌની છે.

શાળાના શિક્ષકોએ અને ઘરના વડીલોએ પ્રેમ, લાગણી, હૂંફ અને કેળવણીની સાથોસાથ વાંકા વળીને બાળકને “કાન” ધરવા પડશે. ઘણી વખત આપણે શાળાના અફલાતુન ડિજિટલ ક્લાસથી ઉત્સાહિત થઈ જઈએ છીએ પણ બાળકની ઊર્મિઓને સંતોષવાનું કામ આવા વર્ગો નહીં કરી શકે..માનવથી માનવ તરફ ખળ..ખળ ગતિ કરતો સ્નેહ, પ્રેમ, હૂંફ, વિશ્વાસ, શ્રદ્ધા અને સંવેદના થકી જ આ શક્ય બનશે.

છેલ્લે..

આપણે અવારનવાર પેલા બાળકની પ્રાર્થના વાંચીએ છીએ ને? એ યાદ આવી.

“હે ભગવાન!
આવતા જનમમાં મને મોબાઈલ ફોન બનાવજે. હું સતત મમ્મીની સાથે તો રહી શકું!”

આપણે ઇચ્છીએ.. આપણા બાળકો આવી પ્રાર્થના ન જ કરે.

ભઈ વાહ!

એક ચકલી ઉડતી ઉડતી માળામાં આવી. બચ્ચાએ પૂછ્યું, “મા.. આકાશ કેટલું મોટું હોય?”

ચકલીએ બચ્ચાને પોતાની પાંખમાં સમાવી કહ્યું, “બેટા! આકાશ મારી પાંખથી નાનું હોય!”

ભારતીબેન ગોહિલના અક્ષરનાદ પરના સ્તંભ ‘અલ્લક દલ્લક’ અંતર્ગત બાળ સાહિત્યનું સુંદર ખેડાણ શરુ થયું છે, સ્તંભ ના બધા લેખ અહીં ક્લિક કરીને વાંચી શકાશે.


Leave a Reply to SwatiCancel reply

14 thoughts on “ઓરા આવોને.. તમારા કાનમાં કંઈક કહેવું છે! – ભારતીબેન ગોહિલ

  • Mayurika Leuva

    બાળક પાસે કહેવા માટે અઢળક વાતો છે પણ આપણે કાન ધરવા પડે. બહુ જ સાચી વાત.
    સુંદર લેખ.

  • Hiral Vyas

    ખૂબ જ સરસ. મેં આવો અનુભવ ઘણી વાર કર્યો છે મારા બાળક સાથે. એની વાતોનું વિસમય એની આંખોમા ડોકાય.

      • Sarla Sutaria

        સાચી વાત છે ભારતીબેન, બાળમાનસમાં કેટકેટલા સવાલો ઉઠતા હોય છે. મેં મારી પૌત્રીની આંખોમાં નવું જાણવાની અને પછી એ વ્યક્ત કરવાની જિજ્ઞાસા જોયેલી એટલે એને પૂછ પૂછ કરીને બધું બહાર લાવવાની કોશિશ કરતી રહેતી. પછી તો એ પદ્ધતિસર વાત કહેતી થઈ ગયેલી.

      • Sushma sheth

        સરસ. લેખ. બાળકોની વાતો સાંભળવા સમય કાઢવો જ જોઈએ.

      • SANJAY PANDYA

        ઓરા આવોને..
        કાન માં કઈંક કહેવું છે…
        જો આને સંભાળનાર કોઈ મળે તો બાળક ની અંદર થી વાતોની સરવાણી
        એકદમ સરસ લેખ…

      • Jyotiben Pandya

        ખૂબ સરસ…લગભગ દરેક માતાપિતાએ આ અનુભવ કરેલ હશે… જેમણે પોતાનાં બાળકો સાથે પૂરતો સમય પસાર કર્યો હોય…

      • DHIRAJLAL GULABBHAI PARMAR

        બાળકોને સાંભળવાનો એક અનેરો લહાવો હોય છે.
        એમની જિજ્ઞાસવૃત્તિ ને જો યોગ્ય માવજત મળે તો વિકાસ થાય.
        આધુનિક યુગ માં બાળકોને શિક્ષણ અને એમની ગમતી રમતો સાથે સંકલન એમને સમય અપાય તે ખૂબ જરૂરી છે,આ લેખ ખરેખર ઉપયોગી છે.
        નવા લેખની આતુરતા સાથે…