બાબાભાઈનો બાર્બર – સુષમા શેઠ 15


(‘તમને હળવાશના સમ ’ સ્તંભ અંતર્ગત બીજો મણકો)

ચહેરો ચમકાવી દે દોસ્ત. પેલું હું કે?ફેસનું ફેસિયલ, ઈ ફેસિયલ કર ને બાલમાં પેલ્લાં મસ્ત કલર કર અને પછી છેને તે આજી ફેર કાંક નવું લેટેસ્ટ કટીંગ કરી દે.” અરીસામાં પોતાનું પ્રતિબિંબ નીરખતા બાબાભાઈથી અનાયાસ મલકી પડાયું.

આમ તો એ મોટા શેઠ પરંતુ, તેમના માતુશ્રી એ આ અવની પર અવતર્યા ત્યારથી લાડમાં તેમને “બાબા” કહી બોલાવતા તે છેક પરણી ગયા અને પછી તેમનાય બે બાબા થયા તોય તેમનું નામ બાબા જ રહ્યું. પત્ની તેમને અસલ નામે  “હસુ” કહી બોલાવે ત્યારે તેઓ બઘવાઈ જતા. તેમને એવું લાગતું કે હંમેશા મોઢું ચડાવીને ફરતી પત્ની હસુ? એમ કહી હસવાની પરમિશન માગી રહી છે અને તેઓ સામે જવાબ વાળતા, “ઈ તો મફત છે ગાંડી, હસ. એમાં કાંય પૂછવાનું નો હોય. તને હસતી દેખી હું તો ખુસમાં રઊં.”

પત્ની રેખાને એમ કે પતિદેવ મફત છે! પછી આવાં છબરડા ટાળવા તેય હસુભાઈને “બાબા” કહીને જ સંબોધતી. “પાછળ ભાઈ નો લગાવતી મારી માઆઆઆ…” બાબાભાઈ બે હાથ જોડી, આંખમાં ધસી આવેલા ઝળઝળિયાં છુપાવી બને એટલા નમ્ર બનવાનો ડોળ કરી કહેતા.

પચાસેકની ઊંમરે વધી ગયેલી ફાંદને ઢીલા શર્ટમાં સંતાડી રાખવાનો નિષ્ફળ પ્રયત્ન કરતા બેઠી દડીના બાબાભાઈ પોતાનો યુવાન દેખાવાનો ભગીરથ પ્રયાસ વેસ્ટ ન જાય માટે બ્રાન્ડેડ લેટેસ્ટ ફેશનનાં લૉ-વેઈસ્ટ જીન્સ પહેરતા. જોકે જમીન પર બૉટમ ન ઘસડાય માટે પાની સુધી આઠ ઈંચ વાળી દેવું પડતું તે જુદી વાત છે.

આવા બાબાભાઈ ”ઝક્કાસ હેર ડ્રેસીંગ સલુન”માં વટભેર દાખલ થયા તેવામાં તેમના જૂના અને જાણીતા હજામ એટલે કે હેર ડ્રેસર ચંપકે મોઢામાં મસળેલો ચૂનો, તમાકુ અને સોપારીના મસાલાનો માવો દબાવતા પૂછ્યું, “પધારો. પધારો. બાબ્ભાઈ સેઠ આજી ફેર વેલાં વેલાં? આવો આ શીટ પર બિરાજો.”

“એ ડોબા, તને કેમનું હમજાવું આને શીટ નૈ, સીટ કે’વાય. સ સ સીટ.” બાબાભાઈ મોઢું બગાડી બોલ્યા.

“હાવ હાચી વાત.” ચંપકે હસીને પ્રત્યુત્તર વાળ્યો.

કેશકર્તનાલયની ખાલી ખુરશી પર બેઠક જમાવતા બાબાભાઈ બોલ્યા, “એલા, તને કેટલી વાર કીધુંછ કે તારી ચેર નીચી કરાવ. મારા પગ લટકતા રીયેછ. વેલાં આવવામાં ઈ તો એવુંછ ને કે વાઇફ બેવ બાબાઓને લઈને પિયર ગઇછ ને ઓલી પાડોસણ પાહેં વારેઘડીએ કાંક કામ હાટું ઝાવું પડે તો આપણે ટીપટોપ તો હોવા ઝોવેને.”

“હાવ હાચી વાત.” બાર્બર ચંપકનો એ તકીયા કલામ હતો જે તેના પ્રિય ગ્રાહકોએ આઠ-દસ વાર ફરજિયાત સાંભળવો જ પડતો. ચંપકની ગ્રાહકોને બીજી આગ્રહભરી વિનંતી હતી કે એને “ચેમ્પ્સ” કહી સંબોધવાની કૃપા કરવામાં આવે. ચંપક, ચીપ, ચંપુ, ચંપી કે ચેપ નહીં. જે નામઊચ્ચારણમાં ગોટાળો કરે તેની ચંપક બરાબરની ચંપી કરી નાખતો, બધી જ રીતે. એ તો સારું કે વાત દાઢી છોલવા સુધી નહોતી પહોંચી.

“તે સેઠાણીબા ઈની હાઇરે તીજા બાબાને નો લૈ ગ્યા?” ચંપકે જૉક કર્યો.

“હેં? એલા એ તને કેમ ખબર્ય કે મારે તીજો બાબો છે. લે ઈ તો આપણી વાઇફ રેખાય નથ જાણતી. અલ્યા મૂંગો મર. મૂંગો મર. ભૂલેચૂકે જો વાત બાર પાઇડી તો તારી ખેર નૈ.” કહી બાબાભાઈએ આમતેમ નજર કરી ચંપકના હાથમાં પાંચસોની નોટ પકડાવી. ચંપકને થયું, એનો જૉક સાંભળી શેઠ રાજી થયા.

“ચહેરો ચમકાવી દે દોસ્ત. પેલું હું કે?ફેસનું ફેસિયલ, ઈ ફેસિયલ કર ને બાલમાં પેલ્લાં મસ્ત કલર કર અને પછી છેને તે આજી ફેર કાંક નવું લેટેસ્ટ કટીંગ કરી દે.” અરીસામાં પોતાનું પ્રતિબિંબ નીરખતા બાબાભાઈથી અનાયાસ મલકી પડાયું.

“બોલો સેઠ, આપણે કઈ ઈસ્ટાઇલમાં કાપવા છે?” ચંપકે બાબાભાઈના હાથમાં વિવિધ હેરસ્ટાઈલનું ચળકતું રંગીન કેટેલૉગ પકડાવ્યું. આમતેમ પાના ફેરવ્યા બાદ છેવટે બાબાભાઈની નજર ભીંતે ચોંટાડેલા શાહરૂખ ખાનના પોસ્ટર પર ઠરી.

“આવી.” તેમણે એ ફોટોપોસ્ટર તરફ અંગુલીનિર્દેશ કર્યો.

માણસના ધડ પર હાથીનું મસ્તિષ્ક લઈ ફરતા ગણપતિ હોય તેમ એક્ટર મુકરીના ધડ પર શાહરૂખ ખાનના મસ્તિષ્કની કલ્પના કરતાં ચંપક ધ્રૂજી ગયો. કોર્સ બહારનો પ્રશ્ન પૂછાયો હોય તેમ જવાબ આપવામાં તેણે ગલ્લાંતલ્લાં કરતા કહ્યું, “બાબ્ભાઈ, હાવ હાચી વાત કઊં? જેને પણ આવી ઈસ્ટાઈલમાં કાપું છું ઈ મારું હાળું બોલવામાં કકક…કક એવું તોતડાયા કરેછ. તમે એક વાર ફરી હરખું વિચારી લીયો.” મોઢામાં ઠૂંસેલા માવાનો રસ રેલાઈ જતો અટકાવવા તેણે નીચલો હોઠ ઊંચો કરી મોઢું બંધ કર્યું.

“કકક… કવિતા મારી પાડોશણ છેલ્યા. ઈમાં તો ઊપાધિ થઈ જાહે. વાઇફને ડાઊટ જાસે. એમ કર આમીર ખાન જેવા કાપ.” બાબાભાઈએ ખાનને પકડી રાખ્યો.

“એમાં એવુંછ કે માથામાં ગરમ આડાઅવળા હળિયાનો ડામ દેવો પડે તંયે વાળમાં આવી અવળચંડી રેખાઓ પડે હું હમજ્યા બાબ્ભાઈ?” ચંપકે હોઠના ખૂણે ધસી આવતો રસનો રેલો અંગૂઠાથી મોઢાની અંદર ધકેલતા કહ્યું.

સાંભળીને, કોઈએ ચોક્કસ જગ્યાએ ડામ દીધો હોય તેમ બાબાભાઈ ખુરશીમાં એક ફૂટ ઉછળ્યા. “રેખા? ઈ મારી વાઇફનું નામ છે ડોબા. ઈ તો માથે પડેલી જછે. હવે બીજી નથ પાડવી. બીજું કાંક હાઈક્લાસ હમજાવ”

“હું મારી રીતે મસ્ત સ્ટાઈલ કરી દવ. તમતમારે આંખ્યું મીંચીન આરામ ફરમાવો. આ બંદા ચેમ્પ્સનો કમાલ જોઈ હૌ કોય દંગ રૈ જાહે.” ચંપકે ચતુરાઈ વાપરી.

જોકે બાબાભાઈની નાની અમથી ઈચ્છા ફકત એટલી જ હતી કે પાડોશણ કવિતાને દંગ કરી દેવી. માથાના ઝુલ્ફા ઊલાળીને પછી પોતાના સુંવાળા કેશ પર સ્ટાઈલથી હાથ ફેરવી, નાનકડી તપેલી તેની સમક્ષ ધરતા કહેવું, ”હાય કવિતાજી, રેખા પિયર ગઈ છે, જરીક દુધ જમાવવા પુરતું મેળવણ આપશો?”

‘પછી ઈ નાજુક નમણી કળી જેવી કવિતા શરમાઈને નીચું જોઈ જશે. લુચ્ચું હસશે. તપેલી લેવાને બહાને તેની લાંબી સુંવાળી આંગળીઓ પોતાના હાથને સ્પર્શશે પછી પોતાના નવશેકા દૂધમાં કવિતાએ આપેલું મેળવણ નાખી પોતે દહીં જમાવી દેશે પછી…’ બાબાભાઈની સડસડાટ દોડતી વિચારયાત્રામાં અચાનક બમ્પ આવ્યો, “માથું સીધું ટટ્ટાર રાખજો બાબ્ભાઈ.” ચેમ્પ્સનો કડક સ્વર સાંભળી દિવાસ્વપ્નમાં રાચતા બાબાભાઈ ટટ્ટાર થઈ ગયા.

ચંપકે તેમને ઉઠાડીને ખુરશીની સીટ પર બીજી એક એકસ્ટ્રા સીટ ગોઠવી જેથી બાબાભાઈનું માથું અને પોતાના હાથની હાઈટનો મેળ પડે.

“હમમમ હવે જામસે.” ચંપકે વૉશબેસીનમાં પાનની પીચકારી છોડી મોઢામાંનો માવો એક તરફ ગલોફામાં દબાવ્યો પછી બોલ્યો. શું જામશે તે એક ગહન રહસ્ય હતું.

“રેખાડી નવરી પડે ને પાડોશણો હાઈરે રશના ચટાકા લ્યે. ઈને એમ કે મને નથ હંભળાતું પણ હું આમ કાન દઈને હંધુંય હાંભળી લવ. મારી હાડી રેખાડીએ કવિતા આગળ મારી કથાઓ કરી કરીને મારી ઈમ્પ્રેસન એવી કરી મૂકી છે કે હવે માંડ માંડ મારા નસીબ આડે આવતી રેખા હટી ગઈ છે તો કવિતાને ગમે ઈ રીતે ઈમ્પ્રેસ્સ કરી દઊ. આવો ચાનસ ફરી નૈ જ મલે.” વિચારતા બાબાભાઈએ એકમાત્ર કવિતામાં ધ્યાનમગ્ન બની આંખો મીંચી દીધી.

ચંપક ઊર્ફ ચેમ્પ્સે આંખ મીંચી પડેલા બાબાભાઈના આખા ચહેરા પર પાંચ છ હળવી ટપલીઓ મારી. પછી રુનું પુમડું  પાણીમાં બોળી આખા ચહેરે ઘસ્યું. બીજું બાજુ પર તૈયાર રાખેલું મેલથી ભરેલું પુમડું બતાવી કહ્યું, “જોવો બાબ્ભાઈ કેટલો મેલ નીકળ્યો.”

“હા. ભાઈ, તારો હાથ ફરસેને મારો ચેરો ચમકસે. કવિતાને બતાવી દઈસ, હમ ભી કુછ કમ નૈં. સું ક્યેસ”

“હાવ હાચી વાત.” ચેમ્પ્સે ચેમ્પિયનને છાજે તેવી અદાથી કહ્યું. “એક કામ કરીંયે. આ વચ્ચે નડતી મૂછો મૂંડાવી ધ્યો. હું છે કે અમેરિકા જેવામાંય હવે કોઈ મૂછ નથ રાખતું.”

બાબાભાઈ ઊવાચ: “તને ઠીક લાગે એમ કર. ઇમ્પ્રેસ્સન પડવી જોવે.”

પછી તો બાબાભાઈનો ચહેરો અને ચંપકના હાથ. ચંપકે બાબાભાઈના ચહેરાને ઓપ આપવા ક્રીમમાં આંગળીઓ બોળી ચહેરા પર રગડ્યું. પ્રેમમાં ઊંધે માથે પડી લગ્ન કરનાર ચંપકને તેમાંથી બહાર આવવાનો સરળ માર્ગ હતો, વહાલી પત્નીની પ્રેમપૂર્વક કરેલી રસોઈનાં વાસણો ઘસી આપવાના આગ્રહને વશ થવું. જ્યારે એ વાસણ ઘસી આપવાની મૂક સંમતિ આપતો ત્યારે શાક બળ્યા વગરનું મળતું. “હૈયું બાળવા કરતાં હાથ બાળવા સારા” કહેવત તેને સપનામાંય સંભળાતી.

“લગ્નમાં આત્મસમર્પણ જરુરી છે.” ચંપકને બાપાએ સમજાવેલું ત્યારે સજળ નેત્રે એ બોલી પડેલો, “હાવ હાચી વાત.”

“કસ્ટંબરો”ને ફેસિયલ કરતી વખતે વાસણ ઘસવાની આવડત અને અનુભવ ખૂબ સહાયરુપ થતાં. ‘વાં પાવડર લેવાનો ને આંયાં ક્રીમ.’ ચંપકે ગોખી રાખેલું. ‘એમાં જો અંઈનું તંઈ થૈ જાંઈ તો ભારે થાંઈ.’

પછી તો એયને બાબાભાઈનો ચહેરો એવો ઘસ્યો એવો ઘસ્યો કે પોતાના હાથે અને એમના ચહેરે એમ બબ્બે જગ્યાએ છાલાં પડી ગયાં. એ છુપાવવા ચહેરા પર મુલતાનીમાટીનો લેપ ચોપડ્યો. આંખોના પોપચાં પર કાકડીના પતીકાંને બેસાડી દીધાં. “હવ પંદર મીલીટ લગીન આંઈખ્યું નો ઊઘાડતા.” કહી ચંપક ચવાઈને ચુથ્થો થઈ ગયેલો માવો થૂંકવા ગયો.

“હાશ…” પરત ફર્યો ત્યાં સુધી બાબાભાઈ દિવાસ્વપ્નમાં રાચતા, મોઢું મલકાવતા શાંતિથી બેઠા હતા. તેમના હોઠ ગીત ગણગણતા હતા, “હમને તુમકો દેખા…” આંગળીઓ ઊપસેલા પેટ પર તબલાં વગાડતી હતી.

આગળની કેશકલાપની વિધિ પતાવવા ચંપક ચકચકિત લાંબી ધારદાર કાતર, પોતાના વીંછી ચીતરેલા ટેટૂવાળા મજબૂત હાથમાં પકડી સજ્જ થયો.

“રેખાઆઆઆ.” આનંદથી ઊભરાતા ચંપકે ચિત્કાર કર્યો.

“કકકક ક્યાં છે? ક્યાં છે?” પત્નીનું નામ સાંભળી બાબાભાઈની આંખો આસપાસ ઊપરનીચે ફરવા માંડી. તેઓ સીટ પર ઊછળ્યા. ગરદન ફરતે વીંટાળેલો ટુવાલ તેમણે ઝાટકાથી ખેંચી કાઢ્યો. તેમના વિશ્રામની અવસ્થામાં આડાઅવળા સુતેલા વાળ એકદમ સાવધાનની અવસ્થામાં ઊભા થઈ ગયા. તે તકનો લાભ લઈ ચંપકે સરરર..ર કરતી કાતર ફેરવી દીધી.

બાબાભાઈની આંખના ડોળા ગોળગોળ ફરી યથાસ્થાને પાછા ફર્યા ત્યારે તેમના ગળા બહાર તરડાયેલો અવાજ નીકળ્યો, “તેં મને ગભરાવી દીધો. ક્યાં છે રેખા?”

“અરે, જુઓ આ હામ્મે ટીવી.માં. મસ્ત ડાંસ કરે. ઈન આંખોકી મસ્તી કે મસ્તાને હજારોં હય. હા…ય.” કહી ચંપકે ઠંડી હવામાં એક ગરમ ઉચ્છવાસ ફેંક્યો.

“ડોબા, પેલ્લેથી કેવું જોવેને. હું તો એવું હમજ્યો કે આપણી વાઈફ આઈવી.” બાબાભાઈના વાળ પાછા હેઠે બેઠા.

પછી તો ચંપક ઊર્ફ ચેમ્પ્સે એવી હેરસ્ટાઈલ કરી આપી કે સૌ આમ જોતાં જ રહી જાય. સાઈડમાં ક્ર્યૂકટ જાણે બગીચાની તાજેતાજી ટ્રીમ કરેલી લૉન! વચ્ચેના વાળને ઊભા કરી માથાના અર્ધ ગોળાકાર પ્રદેશમાં જેલ લગાવી સ્પાઈક કર્યા જાણે સ્મૉલ, મિડિયમ, લાર્જ અને એક્સ્ટ્રા લાર્જ સાઈઝના આઈસ્ક્રીમના ઊંધા લટકતા કૉન. પાછળ ડોક ઊપરના વાળને કાપ્યા વગર નેચરલ સ્ટાઈલમાં રહેવા દીધાં જાણે જંગલી ઘાસ જોઈ લ્યો.

“આ સું કઈરું?” માથા પર શાહુડીના પીંછા જેવા વાળ જોઈને શંકાશીલ નજરે બાબાભાઈએ સંદેહ વ્યક્ત કર્યો.

“આને સ્પાઈક કેવાય સેઠ. લેટેશ્ટમાંય લેટેશ્ટ. બાકી પછવાડે કંઈક તો એઝીટીઝ રે’વું જોવેને બાબ્ભાઈ.” ચંપકે મૂછે તાવ દેતાં કહ્યું. “તમે તો એવા બદલાઈ ગ્યા કે ઓલા જૂના ઓલ્ડ ફેસન બાબાભાઈને હવે ભૂલી જ જાઓ. પચ્ચી વરહના જુવાન લાગો છો સેઠ. હંધાય પૂછસે કે આવું કિંયા કરાઇવું. લંડન પેરિસમાં આજકાલ આવું બવ હાલે છ. કૂલ લુક હું હમજ્યા?” ચંપકે બાબાભાઈની શંકાનું નિવારણ કરતાં કહ્યું.

“નો હમજ્યા હોય તો હમજાવું. આ મારી પોત્તાની હોધેલી જક્કાસ પેશિયલ ભેળસેળિયા સ્ટાઇલ છે. આ સાઇડમાં વાળ ઓછા થયા એટલે એ એંગલથી ચ્હેરો આમ લાંબો દેખાય ને વચ્ચેના ભાગમાં કરેલી સ્પાઈક શ્ટાઈલ સૌની નજરે ચડે. પાછળથી જે જુએ તેને માથું જુનું ને જાણીતું લાગે…”

“બસ બસ હમજી ગ્યો.” બાબાભાઈને બાર્બરપુરાણ સાંભળવામાં સહેજે રસ નહોતો.

છેલ્લે હેર ડ્રાયરથી બાબાભાઈના રડ્યાખડ્યા કેશને શેક આપી, વાતાવરણ ગરમ કર્યા બાદ ચંપકે આગવી સ્ટાઈલથી ટુવાલ ઝાટક્યો. સઘળા ક્રિયાકર્મ પત્યા પછી બાબાભાઈએ પોતાનો ચહેરો અરીસામાં નીરખ્યો.

“હેં, અઅઅ આ હું?” તેઓ પોતાનો ચહેરો ઓળખવામાં થાપ ખાઈ ગયા.

“હું કોણ છું? તેનો જવાબ આજ લગીને ભલભલા મહાતમા સાધુ સંતોય નથ મેળવી હક્યા સેઠ તો આપણે કઈ વાડીના મૂળા. જાવ તમતમારે દુધમાંથી દહીં જમાવો નહીંતર દુધદહીં બેયમાંથી રૈ જાસો.” બાબાભાઈના હિતચિંતક ચંપકે જાસો આપ્યો.

‘જુવાનિયાઓમાં આ નવી ફેસન હઈસે.’ વિચારી ખુશ થઈ બાબાભાઈ ચંપકને તગડી ટીપ આપી ઊભા થયા. ત્યાં હાજર સૌના મોઢાં પોતાની તરફ ફર્યા છે એ તેમણે જોયું. એકસાથે ફક્ત તેમને તાકતી આંખો તરફ પોરસાઈને ઓલ્ડ નેવીમાંથી ખરીદેલા લાલ રંગના ઈમ્પોર્ટેડ શર્ટનો કૉલર ઊંચો કરતા તેમણે ઘર તરફ પ્રયાણ કર્યું.

બાબાભાઈએ ઘરે જતાં રસ્તામાં આવતી ફરસાણની દુકાનેથી તીખા ગાંઠીયા ખરીદ્યા. ‘મેળવણ માંગવા જાઈસ ત્યારે કવિતાને આપીને કૈસ કે મારા હાટું લેતો’તો તેમાં ગાંઠીયા જોયાં ને તમે યાદ આવ્યા; જાણે મોસમનો પેલો વરસાદ ઝીલ્યો રામ.’

કવિતાદર્શનની ઊત્સુકતામાં બાબાભાઈએ એક હાથમાં ગાંઠીયાનું પડીકું અને બીજા હાથમાં વાડકો ઝાલી કવિતાને બારણે ડૉરબેલ વગાડી.

“કોણ?” બારણું ખોલતી કવિતાએ ચહેરા પર ઊઝરડા અને વિચિત્ર હેરસ્ટાઈલ કરેલ ઢીલાઢસ ચોળાયેલ શર્ટ અને લેટેસ્ટ ફેશનના ઠેકઠેકાણે ઘસાયેલા, ફાટેલા જીન્સપેન્ટમાં ઢબુરાયેલા મૂછો વગરના બાબાભાઈને ન ઓળખ્યા.

“હું હું હું હસુ. એટલે કે બબ..બાબો.” બઘવાએલા બાબાભાઈની જીભે લોચા વાળવા માંડ્યા.

“પંકજ, જોને કોઈ ભિખારી બાબા આવ્યા છે. પ્લીઝ છૂટ્ટા હોય તો આપી દેને એટલે છૂટીએ. મેં પનીર માટે દૂધ ફાડવા ગેસ પર ચડાવેલું છે.” કહી કવિતા બાબાભાઈની સાક્ષાત નજર સામેથી છૂટ્ટી થઈ ગઈ.

પંકજ છૂટ્ટા આપવા આવે તે પહેલાં બાબાભાઈ છટકી ગયા.

સોફામાં ધબ્બ્ દઈને બેસી પડેલા બાબાભાઈ “હું કોણ છું? હું કોણ છું?” એવું બબડતા અધ્યાત્મિક ચિંતનમાં સરી પડ્યા, “આ સંસારમાં હું કોણ? ક્યાંથી આવ્યો? ક્યાં જવાનો?”

તેમનાથી હંમેશની ટેવ મુજબ પોતાના માથાના વાળ ખેંચી શકાય તેવા રહ્યા નહોતા.

“હું કોણ છું?”નો નાદબ્રમ્હ સર્વત્ર ગુંજતો રહ્યો.

– સુષમા શેઠ

સુષમા શેઠના અક્ષરનાદ પરના આ સ્તંભ ‘તમને હળવાશના સમ’ ના બધા લેખ અહીં ક્લિક કરીને માણી શકાશે.


આપનો પ્રતિભાવ આપો....

15 thoughts on “બાબાભાઈનો બાર્બર – સુષમા શેઠ