અનબૉક્સિંગ પ્રેમ! – આરઝૂ ભુરાણી 14


(‘લાગણીઓનું ગુલ્લક’ સ્તંભ અંતર્ગત બીજો મણકો)

અહીં આ બાળક એકલું તાપણાને એકીટશે જોઈ રહ્યું. સળગતાં કેસરી રંગનાં કોલસામાં એને રમકડું દેખાયું. થોડું આગળ વળીને એ કોલસાને પકડવા આગળ નમ્યું અને બરાબર એ જ સમયે..

દરેક જીવંત સજીવ એક મસમોટ્ટુ લાગણીઓનું ગુલ્લક લઈને જન્મે છે પછી એ દરેક પ્રકારનાં પ્રાણીઓ, પક્ષીઓ કે માનવ – કોઈ પણ હોય! આપણે સૌ એક એક્સપાયરી ડેટ સાથે આવીએ છીએ. શરૂઆતથી અંત સુધી આપણી પાસે દરેક વસ્તુ સીમિત છે. સમય, તક, સિદ્ધિઓ, સફળતા, નિષ્ફળતા, વ્યક્તિઓ.. જો એની યાદી બનવવા બેસીએ તો બહુ લાંબી બનશે.

આ બધું જ કોઈકનું આપેલું છે. જ્યારે આવ્યાં ત્યારે કોઈએ આપ્યું ને હવે આપણે જતાં પહેલાં કોઈને પાછું આપીને જઈશું. બધું જ મર્યાદીત છે, જો નિયત સમયમાં એને ઉજવી શકો કે મન ભરીને માણી શકો તો એ તમારું નહીં તો સરકીને એ કોઈ બીજા પાસે જતું રહેશે. બે પળ જો આ અવિરત ભાગતી જીંદગીમાંથી કાઢીને બેસીએ તો સમજાશે કે આપણે કોઈ જ વસ્તુ પર માલિકીભાવ નથી દર્શાવી શકતાં! કશું આપણું છે જ નહીં. જે આજે મારું છે એ ચોક્કસપણે કાલે કોઈ બીજાનું હશે ને જે આજે કોઈ બીજાનું છે એ આવતીકાલે મારું હશે. આમ જ આ રોટેશન સતત ચાલતું જ રહે છે. મુઠ્ઠી બંધ પણ ખરીને આકાશની જેમ ખુલ્લી પણ ખરી! આવું હોવા પાછળનું રહસ્ય એ હોઈ શકે કે આપણે સીમિત વસ્તુઓ સાથે સીમાંકિત કરેલાં વર્તુળમાં કેમ જીવવું એ શીખવાનું છે.

આ આખી પ્રક્રિયામાં આપણી પાસે કાંઈક એવું છે કે જે અખૂટ છે, અનંત છે અને કદાચ અવિનાશી છે! શું? આપણી લાગણીઓ!! એ મારી, તમારી, આપણાં ઘરમાં શાંતિથી એક જ જગ્યા પર સાફસૂફી કરવા સિવાયનાં સમયે સ્થિર પડ્યાં રહેતાં નાનાં છોડની, પાળેલાં ગલુડિયા કે બિલાડી કે બીજાં કોઈ પ્રાણીની, એક માનવ કે પ્રાણીની બીજા માનવ કે પ્રાણી સાથેની એમ ઘણાં પ્રકારની હોવાની! એ લાગણીઓ પર આપણો પૂરો અધિકાર છે. આ અધિકાર કોને, ક્યારે અને કેટલો આપવો એ આપણી પર નિર્ભર છે. આપણે નક્કી કરીએ છીએ કે કેટલી તીવ્રતા સાથે આપણે કેટલું સંવેદન કોને આપીએ છીએ. આપણને સૌને જન્મ સાથે જ એક બોક્સ મળ્યું છે કે જે ખાલી છે ને જો ભરી શકીએ તો એમાં સમુદ્ર પણ સમાઈ શકે ને જો ન ભરી શક્યા તો કદાચ એક ગ્લાસ પાણી પણ છલકાઈને બહાર આવી જશે. આ બોક્સ એટલે આપણી લાગણીઓનું ગુલ્લક.

આજે વાત કરીએ એવાં સંવેદનની કે જેની સાથે આપણે જન્મ પહેલાંથી જોડાઈ ગયાં છીએ! પ્રેમ! આપણે માનીએ કે ના માનીએ, આપણું આખું જીવન આ શબ્દ અને એની અનુભૂતિની આસપાસ વમળાતું રહે છે. જ્યારે નર અને માદા જન્યુઓનું ફલન થઈને ફલિતાંડ બને છે ત્યારથી જ શરૂ થાય છે આપણી લાગણીની પહેલી સફર! પ્રેમની સફર. આપણે સૌએ અનુભવેલી પહેલી અને કદાચ સૌથી વધુ તીવ્ર લાગણી પ્રેમ છે. જે ક્ષણે એક સ્ત્રીને ખબર પડે છે કે તેનાં શરીરની અંદર કશુંક આકાર લઈ રહ્યું છે ત્યારે એ ઇમોશનલી એણે ક્યારેય ન જોયેલાં આકાર સાથે પ્રેમમાં પડી જાય છે. એ ભ્રુણ એનાં માતા અને પિતાને એક અદ્રશ્ય તાંતણાથી બાંધી રાખે છે. ને આ ફક્ત એકતરફી નથી. એ બાળક કે જે ગર્ભમાં વિકસી રહ્યું છે એ પણ એની માતા સાથે પ્રેમનાં બંધનથી જોડાય છે. એની માતા જે પણ કરે, એ દરેક પ્રક્રિયાની અસર એ બાળક પર થાય છે. વિજ્ઞાને એવું સાબિત કર્યું છે કે જ્યારે કોઈ ગર્ભવતી સ્ત્રીનાં શરીરમાં કોઈક ખામી સર્જાય કે કોઈ ક્ષતિ થઈ હોય તો એવાં સમયે ગર્ભમાંનું બાળક એની માતાને હિલ કરવા કે એ તકલીફને દૂર કરવા પોતાનાં સ્ટેમ સેલ્સ મોકલે છે! છે ને અદ્ભૂત વાત! જેને ક્યારેય જોયાં નથી, મળ્યાં નથી કે જેના વિશે આપણને કાંઈ જ ખબર નથી એવી વ્યક્તિ સાથે આપણે પ્રેમમાં પડી જઈએ છીએ.

ઘણી વાર કોઈ યુગલને જોઈને આપણે વિચારમાં પડી જઈએ કે આવો તો કાંઈ પ્રેમ હોય? નથી દેખાવમાં કાંઈ લેવાનું કે નથી એ વ્યક્તિમાં! આટલી સુંદર વ્યક્તિ આવી કદરૂપી વ્યક્તિનાં પ્રેમમાં પડી? આટલી બુદ્ધિશાળી વ્યક્તિ આવી સાવ સામાન્ય વ્યક્તિ સાથે? જરૂર કાંઈક મજબૂરી હશે! આ વિચારતાં પહેલાં એવું યાદ કરવું કે જ્યારે માતાનાં ગર્ભમાંથી બહાર આવ્યાં ત્યારે લોહીલુહાણ ને સાવ ગંદી હાલતમાં પણ આપણને જોઈને કોઈને પ્રેમ થઈ ગયેલો! પહેલી નજરનો પ્રેમ. એ બાળક કે જે કાંઈ જ નથી બોલી શકતું એને માતા કેટલાં પ્રેમથી ને નિસ્વાર્થ ભાવથી મોટું કરે છે. એનાં દરેક કાર્ય સાથે પોતાની જાતને વણી લે છે, અને આ એટલાં માટે નહીં કે એને કરવું પડે છે, એટલાં માટે કે ત્યાં પ્રેમ છે! પ્રેમ કદી એકલો નથી આવતો. એ વિશ્વાસની આંગળી પકડીને ચાલે છે. જ્યાં પ્રેમ છે ત્યાં વિશ્વાસ હોવો જ જોઈએ ને જો નથી તો એને પ્રેમનું નામ ન આપી શકાય.

એક બાળક જેમ મોટું થતું જાય એમ એ ઘરનાં લોકોને, અજાણી વ્યક્તિઓને ઓળખવા માંડે. પોતાની આસપાસનાં રમકડાં, માતા, પિતા, પરિવાર, આકર્ષતી વસ્તુઓ.. એ બધાં સાથે હવે એ બાળકને લગાવ થવા લાગે ને ત્યાંથી શરૂ થાય એક નવી અનુભૂતિ. આપણે જોઈએ છીએ કે કોઈને જોઈને હંમેશા ભસતું રહેતું ડોગી, જ્યારે એનાં ઘરે કોઈ નાનું બાળક જન્મ લઈને આવે તો એનું જીવથી વધુ ધ્યાન રાખે. એ બાળકને વાગે નહીં, એ પડી ના જાય એનું એ ડોગી કેવું ધ્યાન રાખે છે! ડોગીની પૂંછડી ખેંચવાથી જો એને ખુશી થતી હોય તો એમ કરવા દઈને એ અબોલ પ્રાણી એનો પ્રેમ બતાવે છે. એ ક્યારેય કહેશે નહીં કે હું તને પ્રેમ કરું છું, એ દર્શાવે છે. એને ખબર છે કે એ બાળક એને નુકસાન નથી પહોંચાડવાનું અને સામે એ બાળક પણ એ જ સમજે છે! કોઈ શબ્દ વિનિમય નહીં ને છતાં પણ આંખોથી થતી અઢળક વાતો! એટલે જ કદાચ કહેવાય છે કે પ્રેમની કોઈ ભાષા નથી! એને બોલીને વ્યક્ત ન કરી શકાય. એને તો માત્ર અનુભવી શકાય. સ્પર્શી ન શકાય પણ એની અનુભૂતિ માત્રથી તરબતર થઈ જવાય! 

જેમ જેમ એ બાળક મોટું થતું જાય એમ એ એની આસપાસનાં પર્યાવરણ સાથે પ્રેમમાં પડતું જાય છે. આ કુદરતનો નિયમ છે. માનવીનાં કુદરત સાથેનાં લગાવની આ પહેલી સીડી છે. આપણે જેને પ્રેમ કરીએ એને જીવથી વધુ સાચવીએ. હવે આ નિયમને આપણે કેટલાં અંશે સાચો પડવા દઈએ છીએ આપણાં બાળક માટે એ આપણી પર નિર્ધારિત છે. ભીની માટીની સુગંધનું આકર્ષણ, પેન કે ચોક ખાવાની ઈચ્છા, મિત્રો સાથે ખુલ્લાં મેદાનમાં રમવું, ફૂલોને ખીલતાં જોવા ને માણવા જેવી કેટલીયે ઘટનાઓ છે જેને આપણે માણી છે ને આપણાં કહેવાતાં આધુનિક માપદંડો બાળકને તેમનાંથી જોજનો દૂર લઈ જાય છે. 

આજનાં સમયમાં સાફસૂથરા વ્હાઇટ બોર્ડ પર જે પરમેનેન્ટ માર્કરથી લખીશું એ હંમેશને માટે રહેવાનું જ છે. તો પ્રેમનો પ કેમ પહેલો ન લખીએ?! એક દંપતી હતું. લગ્નનાં પહેલાં વર્ષોમાં એકબીજાનાં ગળાડૂબ પ્રેમમાં હતાં, માંગ્યા પહેલાં દરેક વસ્તુ મળી જવી, આંખો જોઈને મનની વાત સમજી જવી ને તકલીફ કે મુશ્કેલીમાં એકબીજાનો હાથ પકડીને હૂંફ આપતાં રહેવી. આ બધું જ થોડાં વર્ષો આવું  ચાલ્યું અને પછી સમય જતાંએ બન્નેએ થોડું સમાધાન કર્યું.

પ્રેમ કદી ઘરડો કે ઓછો નથી થતો. એને હમેંશા સીંચતાં રહેવું પડે. આજુબાજુનું નીંદણ ક્યારેક કાઢતું રહેવું પડે તો આપણો છોડ વૃક્ષમાં પરિણમે. થોડાં સમય બાદ પત્ની ગર્ભવતી થઈ. ખબર પડી કે બાળક આવવાનું છે એટલે પહેલાનાં ઇગ્નોરન્સનું સ્થાન હવે પુનઃ એ પ્રેમે કે લાગણીએ લઈ લીધું. નવ મહિનામાં બન્ને ફરી ખૂબ નજીક આવી ગયાં. પૂરા મહિને એ સ્ત્રીએ તંદુરસ્ત બાળકને જન્મ આપ્યો. ત્રણેય જણાં ઘરે ગયાં અને ધીમે ધીમે સમય પસાર થતો ગયો. બાળકને એનાં માતા-પિતા અત્યંત વહાલ કરે ને સાચવે. એને ઉની આંચ ન આવે એની તકેદારી ચોક્કસ રાખે. થોડો શ્રીમંત પરિવાર હતો એટલે બાળકને પાણી માંગે તો દૂધ મળતું. થોડાં સમય પછી શિયાળો આવ્યો. એક સાંજે શોર્ટ સર્કિટ થવાનાં કારણે લાઈટ જતી રહી. ખૂબ ઠંડીને હિમવર્ષાનાં કારણે ત્રણેએ કંટાળીને ઘરની બહાર તાપણું પેટાવ્યું. ત્રણે જણાં ત્યાં બેઠાં હતાં એમાં પતિને કોઈનો ફોન આવ્યો એટલે એ થોડે દુર ટેબલ પર પડેલો ફોન લેવાં ગયો. કોનો ફોન છે એ કુતૂહલથી એની પત્ની પણ ત્યાં ગઈ.

અહીં આ બાળક એકલું તાપણાને એકીટશે જોઈ રહ્યું. સળગતાં કેસરી રંગનાં કોલસામાં એને રમકડું દેખાયું. થોડું આગળ વળીને એ કોલસાને પકડવા આગળ નમ્યું અને બરાબર એ જ સમયે એની માતાનું ધ્યાન ત્યાં ગયું. વીજળીની ઝડપે એ ત્યાં આવી અને બાળકને દૂર ખેંચી લીધું. અત્યાર સુધી જ્યારે જે જોઈતું હોય એ ત્યારે જ મળી જવાની આદતવાળાં એ બાળકે રડવાનું શરૂ કર્યું ને હવે એને લાગવા લાગ્યું કે મારી મમ્મી મને પ્રેમ નથી કરતી. આ વાંચીને આપણે શું કહીશું? શું એની માતા એને પ્રેમ નથી કરતી? એ કેસરી કોલસો કે જેમાં એ બાળકને રમકડું દેખાયું એ સળગતો કોલસો એનાં હાથ દઝાડવાનો હતો એ એની માતા જોઈ શકી ને એટલે એણે એને દૂર કર્યો. પ્રેમનું પણ આવું જ છે! ઘણી વાર આપણને જે ખૂબ સારું દેખાતું હોય એમાં છૂપાયેલું નુકસાન આપણને પ્રેમ કરતી વ્યક્તિ કળી શકે છે. આપણે નહીં! 

આખી વાતનો સાર એ જ છે કે પ્રેમમાં સ્વાર્થ કે નિઃસ્વાર્થ એવું કશું હોઈ જ ન શકે. પ્રેમ પોતે જ બધાં બંધનો કે લાગણીઓથી પર છે. હું તમને પ્રેમ કરું છું એ કહેવું એનાં કરતાં એ સાબિત કરવું કે તમને એવું લાગવું વધુ જરૂરી છે. પ્રેમને અભિવ્યક્ત થવાં માટે કોઈ ભાષા, દેખાવ, બુદ્ધિમતા, પૈસો, સત્તા કે શબ્દોનાં વાઘા નથી પહેરવાં પડતાં. એ નિરાકાર અને અનંત છે.

પ્રેમનું ઘર હૃદય છે! કહેવાય છે કે માનવીનાં મૃત્યુ પછી એનું મગજ દસ મિનિટ સુધી જીવંત રહે છે. અને મગજમાં પણ સૌથી છેલ્લો બંધ થનારો ભાગ છે જે આપણી યાદશક્તિ, આપણાં અનુભવોને સાચવે છે. મરતાં પહેલાં ફ્લેશબેકમાં આપણી આંખ સામે સારી-નરસી દરેક અનુભૂતિ તરવરી ઉઠે છે. ટોક ઓફ ધ ટેલ એટલી જ છે કે જો મૃત્યુ બાદ પણ એ ભાગ આટલો તીવ્ર હોઇ શકે તો આપણે એને જીવતેજીવ કેટલો વિસ્તારી શકીએ? કોઈને પ્રેમ કરવો એટલે સામે પ્રેમ મળવો જ એવું ઇચ્છવું વ્યર્થ છે! આપણે આપણું આ ગુલ્લક કેટલું વિસ્તારવું એ નક્કી કરવું જો આપણાં હાથમાં જ હોય તો એને ક્ષિતિજ સુધી કેમ ન લઈ જઈએ? 

– આરઝૂ ભૂરાણી.

આરઝૂ ભૂરાણીના અક્ષરનાદ પરના આ સ્તંભ ‘લાગણીઓનું ગુલ્લક’ ના બધા લેખ અહીં ક્લિક કરીને માણી શકાશે.


Leave a Reply to Arzoo BhuraniCancel reply

14 thoughts on “અનબૉક્સિંગ પ્રેમ! – આરઝૂ ભુરાણી