બારીમાંથી.. – મયુરિકા લેઉવા બેંકર 25


(‘લીલોતરીની કંકોતરી’ સ્તંભ અંતર્ગત બીજો મણકો)

કાળક્રમે આ લીલોતરીએ જ મને સમજાવ્યું છે કે અમુક દૃશ્યો નિહાળવા માટે હોય છે, છબીમાં કેદ કરવા માટે નહીં. અમુક શ્રુતિઓ સાંભળવા માટે હોય છે, રેકોર્ડ કરવા માટે નહીં. અમુક અનુભૂતિઓ બસ અનુભવવા માટે હોય છે, વિવરણ કરવા માટે નહીં. ક્યારેક શ્રેષ્ઠતમ અનુભૂતિને શબ્દોમાં ઢાળવા જતાં એનું અવમૂલ્યન થઈ જતું હોય છે.

બેઠી છું બારી પાસે નિરુદ્દેશે. કોઈ જ હેતુ વગર… મારાં સૌંદર્યદર્શી ચક્ષુ જોઈ શકે છે અફાટ રણ સમી ચોમેર વિસ્તરેલી કથ્થઈ ધરતી પર લીલા ઘાસે રચેલો લીલોતરીનો નાનેરો ભૂંગો. જેની મનોરમ સુંદરતા જઈ પહોંચી છે અંતરમાં વ્યાપ્ત રણમાં અને રચી દીધો છે ભીનાશનો નાનેરો ભૂંગો. કોઈ ઉપાર્જન વિના થતી ક્રિયાઓમાં આંખ, કાન, નાક, જીભ કે ત્વચાને જે ઉદ્યમ થાય છે એમાં થતી રસનિષ્પત્તિથી જે આનંદ મળે છે એ અમૂલખ હોય છે, અતુલ્ય હોય છે, વર્ણનાતીત હોય છે. અને છતાં એનું વર્ણન કરવાની બાલિશ ચેષ્ટા હું કરી રહી છું. પોતાને જે મળ્યું છે એ અન્યને જણાવવાની, કહો કે વહેંચવાની અધીરાઈ એ માનવસહજ ગુણધર્મને વશ થઈને થોડા શબ્દો મેં પણ મનની દાબડીમાંથી કાઢીને અહીં ટાંક્યા છે. કોઈ સંચિત સુકાર્યોનાં ફળરૂપે એકઠી થયેલી, માણવા મળી હોય એવી કેટલીક નિરાંતવી પળો. એવી પળો જે માત્ર મારે માટે ખર્ચવાની છે, નથી કોઈને આપવાની કે નથી કોઈને માટે રોકવાની. અરે, હું પણ ક્યાં હિસાબકિતાબમાં પડી ગઈ! જ્યારે બેહિસાબ રમ્યતાનો ઠાઠ ભર્યો પડ્યો છે સામેની તરફ. બારીના ૩” x ૪”ના ચોરસ ટુકડામાંથી દેખાઈ રહ્યું છે અસીમ સૌંદર્ય. નજરની સામે દૃષ્ટિગોચર થઈ રહ્યો છે લીલોતરીએ રચેલો અદ્ભુત પ્રપંચ.

ખુલ્લી બારી પાસે જ્યારે જ્યારે બેસું છું ત્યારે ત્યારે ખૂલી જાય છે મારા મનમાં પણ કશુંક. સામાન્ય પરિસ્થિતિમાં કાચબાની જેમ સુષુપ્તાવસ્થામાં રહેતું મન બારીમાંથી દેખાતી લીલી વર્ષાની ભીનાશમાં ભીંજાઈને ધીમે ધીમે જાગ્રતાવસ્થામાં આવી જાય છે અને હરી જાય છે મને ક્યાંય દૂર કોઈ અગમ્ય સૃષ્ટિમાં. જ્યાં વાહનોનો કર્કશ ધ્વનિ, યંત્રોનો ઘરેરાટ કે માણસોનો કર્ણકટુ બોલાશ નથી, ત્યાં છે વીજળીના ચમકારાની જેમ સહેજમાં ટહુકીને ઓગળી જતો પક્ષીઓનો કલરવ, પવનની હલકી લહેરખીથી નિપજતો, ધ્યાનથી સાંભળવો પડે એવો પર્ણમર્મર અને અડાબીડ એકાંતમાં જેનું ઉદ્ભવસ્થાન ન જડી શકે એવો ભયાવહ જંતુરવ. એવી સૃષ્ટિ કે જેનો રંગ છે લીલો. ઘાસનો બરછટ લીલો, વેલનો કમનીય લીલો, પાંદનો સ્થિતપ્રજ્ઞ લીલો, કૂંપળોનો ચંચળ લીલો, લીમડાનો જિદ્દી લીલો, સરગવાનો ફિક્કો લીલો. હરિયલનો પીળો લીલો, પોપટનો ચોખ્ખો લીલો, પતરંગાનો ઊડતો લીલો. થોડો વધુ લીલો, થોડો ઓછો લીલો. થોડો ઘાટો લીલો, થોડો આછો લીલો.

એવું જગત કે જ્યાં એકબાજુ ઊડતા વિહંગોની પાછળપાછળ દોડતી નજરની સીમા, વિહંગના અદૃશ્ય થવાની સાથે પૂરી થઈ જાય છે એવું ખુલ્લું આકાશ છે. તો બીજીબાજુ જેની અટપટી પર્ણઘટામાં પાંખોની હલનચલન શોધતાં નજર ગૂંચવાઈ જાય એવી મનોહર બાંધણી પણ છે. એવી દુનિયા કે જ્યાં અદ્ભુતનો આનંદ, અદ્ભુતનું આશ્ચર્ય અને અદ્ભુતની ભયાનકતા એકસાથે અનુભવાય છે. હવે સમજાય છે કે ઈશ્વરે કરેલા કામને લીલા કેમ કહેવાય છે. પૃથ્વી નામના આ ગ્રહ પર લીલોતરી જે રચે છે એ લીલા. ક્ષણવારમાં તો હું ઉડીને પહોંચી જાઉં છું બારી બહાર દેખાતી દુનિયાની પેલે પાર. કોઈ વનવગડે. લીલાશનો મોહપાશ કસાતો જાય છે અને ગૂંજવા લાગે છે કવિ ઉમાશંકર જોષીનું અદ્વિતીય ગીત.

ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા,
જંગલની કુંજકુંજ જોવી હતી;
જોવી’તી કોતરો ને જોવી’તી કંદરા,
રોતા ઝરણાંની આંખ લ્હોવી હતી.

સૂના સરવરિયાની સોનેરી પાળે
હંસોની હાર મારે ગણવી હતી;
ડાળે ઝૂલંત કોક કોકિલાને માળે
અંતરની વેદના વણવી હતી.

એકલા આકાશ તળે ઊભીને એકલો,
પડઘા ઉરબોલના ઝીલવા ગયો;
વેરાયા બોલ મારા, ફેલાયા આભમાં,
એકલો અટૂલો ઝાંખો પડ્યો.

આખો અવતાર મારે ભમવા ડુંગરિયા,
જંગલની કુંજકુંજ જોવી ફરી;
ભોમિયા ભૂલે એવી ભમવી રે કંદરા,
અંતરની આંખડી લ્હોવી જરી.
-ઉમાશંકર જોશી

કોઈ અલગારી વનપ્રેમીના હ્રદયની આરત આલેખતી આ કવિતાના શબ્દોનો ઘૂઘવાટ ક્યાંય સુધી હૈયામાં હિલ્લોળા લેતો રહે છે. એ રસાનન્દમાં તરબોળ, તંદ્રારત મને “ચ્વીક… ચ્વીક…” કરતો તીણો પણ સ્પષ્ટ અવાજ સભાન કરે છે. એનું પગેરું શોધતી મારી આંખો બારીમાંથી દેખાતા દૃશ્યપટ પર ડાબેથી જમણે ફર્યાં કરે છે. જમણી બાજુ શિસ્તબદ્ધ સિપાઈઓની જેમ હારબંધ ઊભેલા એક્ઝોરા છોડ, જાસૂદના છોડ, મધુમાલતીની વેલઘટા, રતનજ્યોતના છોડની નમણી ડાળીઓને ક્રીડાંગણ સમજી ઠેકડા મારતું વેંત જેવડું પંખી મારા અચરજમાં ઉમેરણ કરે છે. પીળાશ પડતાં લીલા રંગનું આ ટચૂકડું તાજા પાણી છાંટેલા ડમ્બ કેન પ્લાન્ટના વિશાળ પાંદડાંને વૉટરપાર્કની લસરપટ્ટી માનીને એની ઉપર લસરવા માંડ્યું ત્યારે થયું કે આ તે ખગ કે બાળક! અને ફરી યાદ આવી ગયું નરસૈયાનું ઝૂઝવે રૂપે અનંત ભાસે. એનો ચ્વીક… ચ્વીક… અવાજ સાંભળીને એની જોડીદાર થોડીવારમાં તો હાજર. વરઘેલી નાર ના જોઈ હોય તો. બેય જણ એક ડાળ પરથી બીજી ડાળ પર એકબીજાને આંબવા માટે ઠેકડા મારે ત્યારે લાગે કે કોઈ નવપરિણિત યુગલ મસ્તી કરી રહ્યું છે. કેવું અનુપમ સખ્ય! પાંદડાંની ઉપર કે નીચેની સપાટી પર ચોંટેલી જીવાતો આરોગવા માટે એણે કરેલી મહેનત, મથામણ નજરોનજર નિહાળો તો આ પરિન્દુ શ્રમયજ્ઞ આદરી બેઠેલા કોઈ યોગી જેવું જ ભાસે. એક ક્ષણ વિચાર ઝબકી ગયો કે ભાગીને કેમેરા લઈ આવું અને કચકડે કંડારી લઉં આ જીવંત પળોને. સુરક્ષિત રાખી લઉં મારી પાસે આ નયનરમ્ય દૃશ્યમાળા હંમેશ માટે. 

પણ કાળક્રમે આ લીલોતરીએ જ મને સમજાવ્યું છે કે અમુક દૃશ્યો નિહાળવા માટે હોય છે, છબીમાં કેદ કરવા માટે નહીં. અમુક શ્રુતિઓ સાંભળવા માટે હોય છે, રેકોર્ડ કરવા માટે નહીં. અમુક અનુભૂતિઓ બસ અનુભવવા માટે હોય છે, વિવરણ કરવા માટે નહીં. ક્યારેક શ્રેષ્ઠતમ અનુભૂતિને શબ્દોમાં ઢાળવા જતાં એનું અવમૂલ્યન થઈ જતું હોય છે. છતાં મનગાગરમાંથી જે થોડુંઘણું છલકાઈ ગયું એ અહીં ઢોળાઈ ગયું.

વળી પાછો એક લીલો અવાજ મને સંભળાવા લાગ્યો. લીલો અવાજ સંભળાય ત્યારે શું થાય ખબર છે? કવિ નરેશ સોલંકીને લીલો અવાજ સંભળાય આવું કંઈક થાય છે.

લીલો અવાજ ડાળથી છલકાય આંગણે
વાતાવરણ વસંતનું મલકાય આંગણે.
આવી રહ્યો છે વાયરો કોને અડીને આજ
મ્હેકી ઊઠી ને એકલો શરમાય આંગણે.
– નરેશ સોલંકી

આવી અનોખી આલમમાં મનપાંખે વિહરતી મને કોઈ માનવઅવાજ બોલાવે છે અને ફટ.. કરતાંકનું મન આવીને વ્યવહારિકતાની દાબડીમાં ગોઠવાઈ જાય છે આજ્ઞાંકિત બાળકની જેમ. કોઈને કશી જ ખબર નથી પડતી કે અમે કઈ સફરે ફરી આવ્યાં! છે ને મજાની વાત?

– મયુરિકા લેઉવા-બેંકર

મયુરિકા લેઉવા બેંકરના અક્ષરનાદ પરના આ સ્તંભ ‘લીલોતરીની કંકોતરી’ ના બધા લેખ અહીં ક્લિક કરીને માણી શકાશે.


આપનો પ્રતિભાવ આપો....

25 thoughts on “બારીમાંથી.. – મયુરિકા લેઉવા બેંકર

    • Aarti Antrolia

      ખરું કહ્યું, અમુક અનુભૂતિઓ બસ અનુભવવા માટે હોય છે. શબ્દોમાં ઢાળવા જતા તેને પૂરતો ન્યાય આપી શકાતો નથી.

  • Hitesh Thakkar

    Yes completely agree – some feelings can be lived with but can not be expressed. I read Zen story from Osho that Truth can be expressed it can be only lived with. ( Apology as I am not conversant with Gujrati Typing)

  • આરતીસોની

    લીલીછમ્મ લીલોતરી મજા પડી.. વાહ..
    અભિનંદન મયુરિકાબેન..
    સાચે જ
    મન મોર બની થનગાટ કરી રહ્યું..

  • Bhartiben Gohil

    બારી બહારનું દૃશ્ય…ખૂબ મનોરમ્ય.
    મને પણ લીલોતરી જોવા ખેંચી ગયું.
    સાચે જ લાગણીઓ બધી થઈ ગઈ લીલીછમ!
    અભિનંદન મયુરિકાબેન…☘️☘️☘️☘️☘️

  • હર્ષદ દવે

    મજાની સફરની સહેલગાહ છમ્મ લીલો હાશકારો પાથરે છે ભીતર. બાળક આજ્ઞાંકિત હોય તે સહી ન શકાય પણ તે પોતાની મસ્તીમાં જે કરે તેને અનાદર ન જ સમજી શકાય. એ જ તો બાળ લીલા છે. લપસણી લીલમાં લપસ્યા કરવું એ જ નિયતિ હોય તો કેવી શીતલ લીલાશનું લેપન થાય! એવું જ કાંઈક….

    • Mayurika Leuva

      આપનો પ્રતિભાવ પણ શીતળ આહ્લાદક પ્રદાન કરે એવો.
      આભાર.