યાત્રા : સ્થૂળથી સૂક્ષ્મ તરફ – શ્રદ્ધા ભટ્ટ 30


જાતની ઓળખ, એનો સ્વીકાર અને પછી એનામય જીવન – એટલે જ અધ્યાત્મ.

અધ્યાત્મ ! સાંભળવામાં અને બોલવામાં થોડો અઘરો લાગે એવો શબ્દ છે આ. અધ્યાત્મ વિશે લખવું એટલે ધર્મ વિશે વાતો કરવી – આવો સર્વ સામાન્ય ખ્યાલ આપણા સૌના મનમાં રહેલો છે. અધ્યાત્મ એટલે ધર્મ – આ એવી વ્યાખ્યા છે જે આપણે સૌએ આંખ મીંચીને સ્વીકારી લીધેલી છે. આજે એ વ્યાખ્યાને ફરી એક વાર ચકાસી જોઈએ.

 

અધ્યાત્મનો સંધિ વિચ્છેદ કરીએ તો મળે બે શબ્દો. અધિ + આત્મન્. અધિનો એક અર્થ થાય સંબંધી. આત્મન એટલે આત્મા, અંત:કરણ, અંતરમન, માંહ્યલો. આત્મા સંબંધી વિચાર એટલે અધ્યાત્મ. અધિ એટલે ‘માં’ એવો પણ એક અર્થ નીકળે છે. આત્મામાં રહેવું એટલે જ અધ્યાત્મ. અંત:કરણ સંબંધિત વિચારો કરવા અથવા તો આત્મામાં રત રહેવું એટલે અધ્યાત્મ – આવો શાબ્દિક અર્થ થયો. ફક્ત શબ્દોને પકડીને ચાલીએ તો સ્થૂળ અર્થમાં અધ્યાત્મ એટલે વિચારોની પ્રક્રિયા. જે આપણે સૌ રોજબરોજ કરીએ જ છીએ, બરાબર? હવે આજ શબ્દનો બીજો અર્થ જોઈએ. ગીતામાં અર્જૂને પૂછેલા ‘અધ્યાત્મ એટલે શું’ એ પ્રશ્નના જવાબમાં કૃષ્ણએ કહેલું – ‘સ્વાભાવોડધ્યાત્મ ઉચ્યતે’. અધ્યાત્મ એટલે સ્વભાવ. કેટલું સરળ ! સ્વભાવ એટલે જન્મદત્ત પ્રકૃતિ. ‘સ્વ’ પોતાનું અને ‘ભાવ’ એટલે હોવું. એટલે કે અસ્તિવ. માનવમાત્રનું અસ્તિત્વ એટલે જ અધ્યાત્મ ! અહીં  આ અસ્તિત્વને સ્થૂળ સ્વરૂપમાં ન લેતાં એના સૂક્ષ્મ ભાવને સમજવાનો પ્રયત્ન કરીએ. દરેક મનુષ્યના અસ્તિત્વનું કેન્દ્ર સ્થાન છે – આંતરિક ચેતના, જેને આપણે સાદા શબ્દોમાં આત્મા તરીકે ઓળખીએ છીએ. આત્મા – જેનો નાશ શક્ય નથી, જે અમર છે. આ આંતરિક ચેતના સુધી પહોંચવાની યાત્રાનું નામ છે અધ્યાત્મ. સતત, અવિરત એ ચૈતન્ય સ્વરૂપને આત્મસાત કરવાની ક્રિયા એટલે અધ્યાત્મ.

દરેક માનવના હોવાપણાને બે અલગ અલગ ભાગમાં વહેચી શકાય – બાહ્ય અને આંતરિક. બાહ્ય એટલે જે નજરે ચડે છે એ – સ્થૂળ શરીર. આંતરિક એટલે જે દ્રશ્યમાન નથી છતાં સૂક્ષ્મ રીતે જેનું અસ્તિત્વ છે તે ચૈતન્ય. બાહ્ય રીતે થતો શારીરિક વિકાસ અમુક તમુક વર્ષો પછી સ્થગિત થઇ જતો હોય છે. જયારે આંતરિક વિકાસ એ સભાન પણે કરવામાં આવતી અવિરત ક્રિયા છે. શારીરિક અને આંતરિક, સ્થૂળ અને સૂક્ષ્મ, પ્રાકૃતિક અને ચૈતન્ય – આપણે સૌ જાણે – અજાણે આ બંને રીતે વિકસતા જઈએ છીએ. ટૂંકમાં કહું તો, આપણે સૌ ક્યાંક ને ક્યાંક અધ્યાત્મ સાથે જોડાયેલા જ છીએ! કોઈક એ જોડાણથી સભાન રીતે પરિચિત છે, તો કોઈકને એના વિશેની પૂરતી માહિતી નથી, માટે એ બેખબર છે. તમને જાણીને નવાઈ લાગશે કે અધ્યાત્મ સાથેનું મારું, તમારું આ કનેક્શન જન્મતાં વેંત જ થઇ ગયું હોય છે! આ વાક્યના પ્રમાણમાં શાસ્ત્રોનો સંદર્ભ લઈને કહું તો શાસ્ત્ર પ્રમાણે દરેક મનુષ્ય પૂર્ણ છે. વળી, દરેક માનવીમાં રહેલી દિવ્ય ચેતના પણ આ વાતને સમર્થન આપે છે. આ દિવ્ય ચેતના માનવમાત્રને આનંદ આપે છે. ખુશ રહેવું – એ માનવનો મૂળભૂત સ્વભાવ છે. અને, અધ્યાત્મ એટલે જ મૂળ સ્વભાવ.

આનંદ જ જેની નિયતિ છે એવા આપણે સૌ પૂર્ણ છીએ ખરા? ખુશ રહેવું એ આપણો સ્વભાવ છે પણ આપણે ખુશ રહી શકીએ છીએ ખરા? સતત આનંદમા રહેવું એ આપણો પ્રકૃતિગત સ્વભાવ છે અને આપણે આપણા સ્વભાવને જ જીવતા નથી! અટપટું છે ને? સ્વભાવ કઈ રીતે જીવી શકાય? સ્વભાવ જીવવો તો  સહજ હોય, નહિ? વ્યક્તિ જે જીવે એ જ એનો સ્વભાવ હોય ને ! સાચી વાત. બાળક આ સ્વાભાવિક જીવન જીવતું જ હોય છે. બાળકની આસપાસ ફક્ત ને ફક્ત આનંદ જ વેરાયેલો જોવા મળે! ક્યાંય કોઈ કપટ નહી, ક્યાંય કોઈ આવરણ નહી. બસ નિર્મળ, સહજ અધ્યાત્મ. પછી એ મોટું થાય, કોની સામે કેવું વર્તન કરવું, કોની સાથે બોલવું, કોની સાથે નહિ – આ બધી તાલીમ અપાતી જાય અને એનું આ સ્વાભાવિક વર્તન અસ્વાભાવિક બનતું જાય. મોટું થતું બાળક પોતાના બાહ્ય વિકાસ પ્રત્યે એટલું બધું એલર્ટ રહેવા લાગે છે કે એનો સહજ રીતે થતો આંતરિક વિકાસ ધીરે ધીરે રૂંધાય જાય છે. શારીરિક વિકાસ તો કુદરતી પ્રક્રિયા છે, એ તો થવાની જ. પણ એની સાથે સાથે મૂળ સ્વભાવને જાળવી રાખવો પણ એટલો જ જરૂરી જે એના સૂક્ષ્મ વિકાસમાં મદદ કરે. જાતિ-જ્ઞાતિ-ધર્મ-પ્રદેશની તાલીમ એના વ્યક્તિત્વને સંકુચિતતા તરફ દોરે છે અને એના મૂળ સ્વભાવથી એને દૂર લઇ જાય છે. આ ‘સ્વભાવ’ની દૂરતાને કારણે તે ગુસ્સો, આવેશ અનુભવ્યા કરે છે, સતત અશાંત રહે છે, સતત તરફડતો રહે છે અને છેવટે એને ઈચ્છા થાય છે ‘ આધ્યાત્મિક’ બનવાની!

બહુ સ્વાભાવિક ઈચ્છા છે આ. પણ આધ્યાત્મિક બનવા ધર્મ પાસે જવું – આ વ્યાખ્યા એને ફરી ગેરમાર્ગે દોરે છે. ધર્મ એટલે વિચારોનો એવો સમૂહ જેને પોતાના આદર્શો છે, પોતાની માન્યતાઓ છે, ચોક્કસ નિયમો છે જેનું પાલન કરે એ ધાર્મિક – આવી સર્વ સ્વીકૃત ભાવના છે.

જયારે અધ્યાત્મ એટલે બહારના બધા ખ્યાલો તોડી, સાચા અર્થમાં સ્વતંત્ર બની પોતાના જન્મદત્ત સ્વભાવને, પોતાની દિવ્યતાને પ્રગટ કરવી તે. નાસ્તિક પણ આધ્યાત્મિક હોઈ શકે, કારણકે એમાં કશું માનવાનું નથી, અધ્યાત્મ એટલે સંપૂર્ણ સ્વીકાર, જાતનો. પ્રથમ જાતને જાણો, ઓળખો અને પછી જાતને જ જીવો! ફરી અહીં  સ્પષ્ટતા કરું, આ જાત એટલે તમારું પોતાનું અંતરમન. અંતરમનને ઓળખો, એનો સ્વીકાર કરો અને એનામય બની જીવો. આ આખી પ્રક્રિયા – જાતની ઓળખ, એનો સ્વીકાર અને પછી એનામય જીવન – એટલે જ અધ્યાત્મ.

જાત ઓળખાય જાય એટલે એ જેવી છે એવી એનો સ્વીકાર થવો – આ બહુ જ મહત્વનું છે. સ્વીકાર એટલે સ્વ ને આકાર આપવાની ક્રિયા. જેમ કુંભાર ચાક પર માટીનો પીંડ ચડાવે અને ધીરે ધીરે એને નિયત આકારમાં ઢાળતો જાય એ જ રીતે આ સ્વને આકાર આપવાની ક્રિયા થતી હોય છે. કેળવાયેલા હાથ ચોક્કસ દિશામાં જ વળે જયારે બિનઅનુભવીના મનમાં આકાર તો બનેલો હોય પણ એને યોગ્ય રીતે ઉપસાવવા માટે વર્ષોની મહેનત જોઈએ. સ્વીકારની આ ક્રિયા પણ એવી જ છે. શરુઆતમાં મનગમતો આકાર ન ય બને, પણ સતત એ જ ક્રિયાનો અભ્યાસ કરીને સ્વને એક ચોક્કસ આકાર જરૂરથી આપી શકીએ. વળી અધ્યાત્મની આ આખી પ્રકિયા અનુસરવાના કોઈ બાંધેલા નિયમો નથી. ઈશ્વર કે કોઈ ગુરુને માનવાની ય જરૂર નથી અને નાસ્તિક હોવાની ય પૂરેપૂરી છૂટ ! એટલે એમ કહી શકાય કે આધ્યાત્મિક વ્યક્તિ ધાર્મિક હોઈ શકે ખરા, પણ ધાર્મિક વ્યક્તિ આધ્યાત્મિક હોય જ એમ માની ન શકાય.

સ્થૂળથી સૂક્ષ્મ તરફની એક એવી યાત્રા જેના દરેક પડાવે શાંતિનો અનુભવ થયા કરે એનું નામ અધ્યાત્મ. મનની શાંતિ હોય ત્યાં સત્ય સૌથી વધુ ટકે. અને જ્યાં ફક્ત સત્યનું જ આચરણ થતું હોય ત્યાં શાંતિ જ  શાંતિ હોવાની. સત્યનિષ્ઠ શાંતિ માણે અને એની ફલશ્રુતિ રૂપે આવે આનંદ. આનંદ બેવડાતો જાય એમ એને વહેંચવવાની ઈચ્છા થાય. વહેંચણી લાગણી હોય ત્યાં જ શક્ય બને. શાંતિ અને આનંદથી ભરપૂર વ્યક્તિ નિસ્વાર્થ પ્રેમથી જયારે આ બે ભાવની વહેંચણી કરે ત્યારે એના સમ્પર્કમાં આવનાર દરેકને એ દિવ્ય અનુભવ થયા વિના રહેતો નથી. આવો અનુભવ જેની પાસેથી મળે એ દરેક વ્યક્તિ આધ્યાત્મિક હોવાની !

અંજલિ

લંપટપણું મૂકી દે, અબોલ્યો અધ્યાત્મ ગ્રહે. – નરસિંહ

શ્રદ્ધા ભટ્ટના અક્ષરનાદ પરના આ સ્તંભ ‘આચમન’ અંતર્ગત ધર્મ અને અધ્યાત્મ વિશેની આપણી પરંપરા અને સમજણને ઊંડાણપૂર્વક પરંતુ બહુ સરળતાથી ચર્ચાની એરણે મુકવાનો પ્રયત્ન છે. આ સ્તંભ ના બધા લેખ અહીં ક્લિક કરીને વાંચી શકાશે.


30 thoughts on “યાત્રા : સ્થૂળથી સૂક્ષ્મ તરફ – શ્રદ્ધા ભટ્ટ