ખારા આંસુ – વિષ્ણુ ભાલિયા; વાર્તા વિવેચન – એકતા નીરવ દોશી 21


લેખક પરિચય

જાફરાબાદના વતની એવા વિષ્ણુ ભાલિયા અત્યારની નવી પેઢીના દરિયાપુત્ર છે. ખારવાઓ અને દરિયાના એક એક સુખદુઃખના સાક્ષી, એવા વિષ્ણુ ભાલિયાએ આપણી સમક્ષ અજાણ્યા દરિયાઈ જીવનના સંવેદનો ઠાલવી દીધાં છે. નાનપણથી સાહિત્યમાં રુચિ રાખનાર આ દરિયાપુત્રએ બારમા ધોરણમાં એક કિશોર નવલકથા લખી હતી, જે પાછળથી કોઈપણ જાતના ફેરફાર વગર ‘તિલક ચંદન’ના રૂપે પ્રકાશિત થઈ.

પરંતુ સાહિત્ય ખેડવાની સફર શરૂ થઈ, અક્ષરનાદ થકી. ૨૦૧૬ માં “અષ્ટવિનાયકની જળ સમાધિ” આ કરુણ ઘટના આલેખી તેમણે અક્ષરનાદ ઉપર મૂકી અને જીજ્ઞેશ અધ્યારૂના પ્રોત્સાહનથી લખાણ ક્ષેત્રે કામ કરવાનું શરૂ કર્યું; મક્કમ ડગે આગળ વધી મમતા વાર્તા સ્પર્ધા ૨૦૧૯ માં પ્રથમ આવ્યા.

ચાલો તો એ વિજેતાને વાર્તા માઇક્રોસ્કોપથી તપાસીએ:

શ્રી વિષ્ણુ ભાલીયાની મમતા વાર્તા સ્પર્ધા ૨૦૧૯ વિજેતા આ વાર્તા વાંચવા અહીં ક્લિક કરો..

ત્રીજા પુરુષમાં લખાયેલી ‘ખારાં આંસુ’ વાર્તાનું સૌથી મોટું જમા પાસું છે વાર્તાનો પરિવેશ. સંવેદનાથી ગૂંથાયેલા લોકબોલીમાં લખાયેલા સુંદર સંવાદો અને દરિયાલાલનું વર્ણન. વાર્તામાં કશું ગોપીત નથી, બધું જ કહેવાઈ ગયું હોવા છતાં વેદનાના તંતુ એટલા તીવ્ર છે કે જે તમને આખી વાર્તા દરમિયાન જકડી રાખે છે. આ સુખાન્ત વાર્તા પૂર્ણ થતાં વાચકને દરિયામાંથી બચ્યાનો હાશકારાનો અનુભવ કરાવે છે.

વાર્તાની થીમ :

દરિયો ભલે ગમે તેટલું છીનવી લે, એક ખારવાને દરિયો ખેડતા કોઈ રોકી ન શકે.

વાર્તાનો પ્લોટ :

મોટા પુત્રને દરિયામાં ગુમાવી ચૂકેલી મા નાના દીકરાને કોઈ પણ ભોગે દરિયો ખેડવા દેવા માંગતી નથી, પરંતુ દીકરો દરિયા પ્રત્યે સતત ખેંચાણ અનુભવે છે; અને છેવટે દરિયામાં માછલી પકડવા નીકળી પડે છે.

પરિવેશ :

પરિવેશ આ વાર્તાની સૌથી મજબૂત મૂડી છે. મારા જેવા વાચક, જેમણે ખારવાઓનું જીવન ક્યારેય જોયું જ નથી તે પણ આ જીવન અનુભવી શકે છે. દરિયો જીવંત થઈને વાર્તાની અંદર ઘૂઘવે છે. દરિયો આ વાર્તા માટે પરિવેશ મટીને એક આગવું પાત્ર જ થઇ જાય છે એ લેખકની કલમની ખૂબી છે.

પાત્રલેખન :

ધની વાર્તાનું મુખ્ય પાત્ર છે,

“એ સમયે ધની મનની મક્કમ અને દિલની દરિયાવ ગણાતી. હિંમતમાં હાથીને હંફાવી એવી. દેખાવે અસલ નમકીન ખારવણ.”

જેની ખારવાઈ સુંદરતાનું વર્ણન લેખકે ખૂબ જ માપના શબ્દોમાં આલેખ્યું છે. ધની મજબૂત મનોબળવાળી અને અતિ લાગણીશીલ છે. નવવધૂ ધનીથી માંડી ધની ડોસી સુધીનું પરિવર્તન બરોબર અનુભવાય છે.

રામજી ધનીનો પતિ અને એક ખારવો છે, જે બહુ સામાન્ય દેખાવ અને સામાન્ય પરિસ્થિતિવાળો છે. જે ધનીના દુઃખને સમજતો હોવા છતાંય દીકરાની બેચેની સમજે છે.

રાકો/ રાકેશ ધનીનું ચોથું લાડકું સંતાન, જેની અંદર યુવાનીનો જોશ અને ખારવા લોહી ઉછાળા મારે છે. લોકોની દ્રષ્ટિએ બિનઅનુભવી, ઉછાંછળો છે પણ માનું બંધન તેનું દરિયા પ્રત્યેનું આકર્ષણ ઘટાડી નથી શકતું.

વાર્તાનું સૌથી મહત્વનું પાત્ર દરિયો છે. લેખકે દરિયાની અદભુત જીવંત અભિવ્યક્તિ કરી છે. રત્નાકર, દરિયાદેવ, ભૂખ્યો વરૂ, હરાખતો મહેરામણ જેવા અલગ અલગ નામ અને વર્તનથી દરિયાને લાડ લડાવ્યાં છે. વાર્તા લેખકનું દરિયા પ્રત્યેનું અદમ્ય ખેંચાણ તો દર્શાવે જ છે, પણ સાથે દરિયાઈ જીવનની ઊંડી અનુભૂતિ પણ એમના શબ્દોમાં છલકે છે.

મનોમંથન :

ધનીડોસીની ખોટનો દીકરો ગુમાવવાની વેદના અને બીજા દીકરાને દરિયામાં ન જવા દેવા માટે જીદનું મનોમંથન આબાદ ઉપસાવવામાં આવ્યું છે, નાનો દીકરો વહાણમાં જવાનું નક્કી કરે છે ત્યારથી ધનીનો વલોપાત અંત સુધી અતિ તીવ્ર રહે છે. પતિ, પિતા અને ખારવા એ ત્રણ પાત્રમાંથી પસાર થતાં રામજીનું વર્તન પણ સાવ ઓછા શબ્દોમાં એનું મનોજગત દર્શાવે છે. એના મનની વાત વાચકો સુધી સાંગોપાંગ પહોંચે છે અને વાચકના મનના તાર એ રણઝણાવી જાય છે.

સંઘર્ષ :

કોઈપણ ટુંકીવાર્તાનું મહત્વનું પાસું સંઘર્ષ હોય છે. જે અહીં વાર્તાની શરૂઆતથી જ દર્શાવવામાં આવ્યો છે. માનું દીકરાને દરિયો ખેડવા જવાથી રોકવું, પિતાની મૂક સંમતિ અને દીકરાની જીદ વાર્તાનો સંઘર્ષ ઉપસાવે છે. દરિયા સાથે ખારવાનો સંઘર્ષ પણ અહીં વણી લેવાયો છે, તે ઉપરાંત, નવી પેઢીને બિનઅનુભવી – ખાલી ચણો ગણનાર જૂની પેઢી સાથેનો સંઘર્ષ પણ છુપાયેલો છે.

ભાષા કર્મ :

સમગ્ર વાર્તામાં લોકબોલીનો અને કલાત્મક વર્ણનોનો સુંદર સંયોગ કરવામાં આવેલો છે. થોડાક ભાષાના ચમકારા જોઈએ-

1. એ ઊંડી આંખોમાં ખારો સમુંદર છલકતો દેખાયો.- આંસુની બદલે ય ખારવાને દરિયો જ દેખાય.

2. આથમતા સૂરજનાં અજવાળા એનાં નીલા પાણીને રાતા બનાવી રહ્યાં હતાં. જાણે ખારવાના રાતાચોળ રક્તથી રંગાયો ન હોય ! – દરિયાના બદલાતા સ્વરૂપને ગજબ રૂપકથી શણગારાયું.

3. જો અત્યારે પણ દરિયો સહેજ આંખ કાઢે તો એ આંખનેય દેખાડી દેવાનું ગુમાન ધનીડોસીના દિલમાં દબાયેલું હતું જ. – આ રૂપક માના રક્ષક સ્વરૂપને ચરિતાર્થ કરે છે.

4. પળભર તો દૂર ઊછળતો દરિયો આખો શોકમાં ડૂબી ગયો. –  અહીં પણ રૂપક દ્વારા રાકાનું વહાણ દેખાતું બંધ થઈ ગયું એમ દર્શાવવામાં આવ્યું છે.

5. દરિયો સહેજ ઊંચો થયો. જાણે આખરનો જુવાળ ચઢ્યો હોય એમ એ ફૂલો નહોતો સમાતો. – આ રૂપક દ્વારા લેખકે ધનીનો હરખ બતાવી અને દરિયા પ્રત્યેનો અવિશ્વાસ ઓછો થયો તે દર્શાવ્યું.

સારાંશ :

એક સર્વાંગ સુંદર વાર્તામાં મને તો કાંઈ ખોટ કાઢવા જેવું ન લાગ્યું. દરિયાખેડુઓની વ્યથા સમજવા, આ વાર્તા જરૂર વાંચવી રહી. એમના જીવનની હકીકતને નજીકથી જોવા અને સમજવા આ વાર્તા ઉપકારક બની રહે છે એમાં સંશય નથી. લોકસાહિત્ય જીવનનો રણકાર છે, એ એવા લોકોની, એવા વર્ગની અને એવા વિશેષ પરિવેશની વાતો આલેખે છે જે સામાન્ય રીતે વણકહી રહી જતી હોય. શ્રી વિષ્ણુ ભાલીયા આ વાર્તા દ્વારા એક અદના લોકસાહિત્યકાર તરીકે ઉભરી રહયા હોવાની છાપ છોડી જાય છે.

– એકતા નીરવ દોશી

એકતા દોશી અક્ષરનાદ પરના આ સ્તંભ ‘વ વાર્તા નો વ’ અંતર્ગત વાર્તાઓનું ઝીણવટભર્યું વિવેચન કરી રહ્યાં છે. આ સ્તંભ ના બધા લેખ અહીં ક્લિક કરીને વાંચી શકાશે.


21 thoughts on “ખારા આંસુ – વિષ્ણુ ભાલિયા; વાર્તા વિવેચન – એકતા નીરવ દોશી