અલ્લક દલ્લક.. (૧) – ભારતીબેન ગોહિલ 14


એકવીસમી સદીના બે દાયકા જોતજોતામાં વીતી ગયા. એકવીસમી સદીનું એકવીસમુ વર્ષ જગતના બારણે ટકોરા મારી આગમનના એંધાણ આપી રહ્યું છે એવા સમયે આપ સૌ સાથે અક્ષરનાદ પર “અલ્લક.. દલ્લક” કોલમના માધ્યમથી જોડાઈ રહ્યાંનો રાજીપો વ્યક્ત કરું છું.

બાળકો આપણી મૂલ્યવાન ધરોહર છે. ભાવિ સમાજના એ ઘડવૈયા છે અને આપણી પરંપરાના વાહક છે. બાળકો મૂલ્યોની દૃષ્ટિએ જેટલાં સમૃદ્ધ હશે એટલી જ આપણી ભાવિ પેઢી મજબૂત થશે.દેશની પ્રગતિના માર્ગમાં અનેક અડચણો આવતી હોય છે..જો આપણી ભાવિ પેઢી સમૃદ્ધ હશે તો એ અડચણોને સરળતાથી પાર કરી મુશ્કેલીમાંથી પણ માર્ગ કરી લેશે.આશા છે આ કોલમ બાળકો સાથે જોડાયેલાં એવાં પરિવારજનો, શિક્ષકો, સર્જકો અને અન્ય સહુ કોઈને માટે પથદર્શક સાબિત થશે. 

શ્રી રાજેશ વ્યાસ ‘મિસ્કીન’ એક સુંદર વાત કરે છે.
કાચો છું તો સમજણ આપ,
કાં તો  પાછું  બચપણ  આપ!

પ્રશ્ન એ થાય છે કે બચપણમાં એવું શું છે કે સૌને વારંવાર યાદ આવે છે. બચપણ એવી કઈ જાદુઈ પેટી ભરીને બેઠું છે કે સૌને એ લલચાવે છે! કાંઈક તો છે એ રળિયામણી દુનિયામાં કે જે સૌને આકર્ષે છે!

એ તો આપણે જાણીએ છીએ કે બાળકોની દુનિયામાં બોલતાં પશુ-પક્ષીઓ હોય, ગીતો ગાતી પરીઓ હોય, સંગીત રેલાવતાં ઝરણાં હોય, હસતાં રમતાં વાદળાં હોય, ખળખળ વહેતી નદી હોય, આભે અડતા ડુંગર હોય અને હા.. સતત મસ્તી કર્યા કરતાં કાર્ટુન પણ હોય! અને એ બધાંમાંથી બાળકોને મળતો નિર્દોષ ને નિર્ભેળ આનંદની વાત જ ન્યારી. નહીં કોઈ ચિંતા કે નહીં ફિકર. બસ મોજ જ મોજ! આ તો થઈ બાળકોની વાત. તે તો તેની દુનિયામાં રમમાણ હોય જ છે. પણ આપણે વાત કરવી છે મોટેરાંની. કોઈ વૈજ્ઞાનિક, કોઈ સમાજશાસ્ત્રી, કોઈ શિક્ષક કે કોઈ કેળવણીકાર જ્યારે બાળકોના મલકમાં ડોકિયું કરે છે ત્યારે પેલા મરજીવાની જેમ કશુંક તો શોધી લાવે છે. એમાંય જો કોઈ સર્જક ડોકાય તો તો પૂછવું જ શું! બાળદુનિયા સાચા અર્થમાં સમૃદ્ધ થાય છે.

હાલરડાં, જોડકણાં, બડ-બડ ગીતો, બાળકાવ્યો, વાર્તા, વાર્તાગીતો… આ બધી જ ગમતીલી ભેટ બાળકોને મળે! સર્જકો તરફથી મળતી આ ભેટ બાળઘડતરમાં બહુ મૂલ્યવાન ભૂમિકા ભજવે છે.
હાલરડાંથી જ શરૂઆત કરીએ તો બાળક હજુ પારણામાં પોઢે એટલું નાનું હોય. પણ તેનામાં શરૂઆતથી જ શૌર્ય, હિંમત, મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કરવાની તાકાત અને વીરરસનાં બીજ રોપાય એવાં,
‘આભમાં ઊગેલ ચાંદલો ને
જીજાબાઈને આવ્યાં બાળ.
બાળુડાંને માત હીંચોળે
ધણણણ ડુંગરા બોલે!
શિવાજીને નીંદરું ના’વે,
માતા જીજાબાઈ ઝુલાવે.’
જેવા, સાંભળતાં જ રૂંવાડાં બેઠાં થઈ જાય તેવા શબ્દો સાથેનાં હાલરડાં પ્રાપ્ત થાય છે. બાળક ભલે સમજતું નથી, અર્થઘટન કરતું નથી..પરંતુ જાણ્યે અજાણ્યે તેના કાનમાં આ શબ્દો પડે છે અને ભાષા શિક્ષણનાં શ્રવણ કૌશલ્ય વિકાસનું પાયાનું કાર્ય અહીંથી પ્રારંભ થઈ જાય છે.

થોડું મોટું થતાં જ તે કાલીઘેલી ભાષામાં બોલતું થાય છે. આવે વખતે  
‘એક બિલાડી જાડી,
તેણે પહેરી સાડી,
સાડી પહેરી ફરવા ગઈ,
તળાવમાં તો તરવા ગઈ.’

કે પછી 

‘ચકીબેન..ચકીબેન
મારી સાથે રમવા આવશો કે નહીં..
આવશો કે નહીં..’ 
જેવાં ગીતો ગાતી વખતે બાળકના ચહેરાના હાવભાવ જોવા જેવા હોય! આ ગીતો કે જોડકણાં બાળકો ગાતાં કે ગણગણતાં જ નથી..પણ પર્યાવરણનાં કેટલાય મૂલ્યો આત્મસાત કરતાં થાય છે. તેમાં રહેલો તાલ, લય, પ્રાસ ક્યાંક ને ક્યાંક એને સ્પર્શે છે. પરિણામે સંગીતનાં બીજ રોપાય છે..અને ભાવિની કલાયાત્રાનો અહીંથી પ્રારંભ થાય છે.

બાળકોના મલકમાં ડોકિયું કરતો સર્જક દાદા, દાદી, મમ્મી, પપ્પા, ભાઈ, બહેન જેવાં પરિવારજનોનાં ઉલ્લેખ સાથેનાં ગીતો બાળકોનાં મોંએ રમતાં મૂકી દે છે.
‘દાદાનો ડંગોરો લીધો,
એનો તો મેં ઘોડો કીધો…’ હોય કે
‘ભાઈ મારો ડાહ્યો છે,
પાટલે બેસી ન્હાયો છે.’ જેવાં ગીતો દ્વારા પરિવારજનોનો પરિચય પણ જાણ્યે અજાણ્યે કરાવી દે છે.

આપણી સંસ્કૃતિ બાળકોને નાનપણથી જ માનવીય સંબંધોને માન આપતા શીખવે છે સાથે સાથે પશુઓને, પ્રકૃતિને અરે! નિર્જીવ ઢીંગલીઓમાં પણ ભરપૂર સંવેદનાઓ મૂકી મૂલ્યોની સંસ્થાપના કરવાનું કાર્ય બાળસર્જકો મારફત શક્ય બન્યું છે.

આ સર્જન મારફત બાળકો પરિવાર વચ્ચે ઉછરતાં ઉછરતાં શ્રવણ અને કથન જેવાં કૌશલ્યો વિકસિત કરતાં જાય છે. ત્યાર પછીનાં મહત્વપૂર્ણ ત્રણ કૌશલ્યો વાચન, લેખન અને અભિવ્યક્તિ બાળક વિદ્યાલયોમાં શીખતું હોય છે..એમાં પણ સર્જકોની કૃતિઓનો મહત્તમ ફાળો હોય છે.
આપણામાંથી ભાગ્યે જ કોઈ એવું હશે જે ગિજુભાઈ બધેકાની વાર્તાઓથી, બકોર પટેલ અને શકરી પટલાણીના મજેદાર કિસ્સાઓથી કે પછી મિયાં ફુસકીના પરાક્રમોથી અજાણ્યું હશે. એ સિવાયના અનેક સર્જકોની કૃતિઓ લોકજીભે રમતી આપણે અનુભવીએ છીએ.

નાનું બાળક માતાપિતા કે નાના-નાની પાસે વાર્તા સાંભળતું હોય ત્યારે વાર્તામાં, “પછી છે ને… એક સોનેરી પાંખોવાળી પરી આકાશમાંથી ઉતરી આવી, એના નાજુક હાથમાં એવું સુંદર મજાનું ફૂલ હતું કે ચારે બાજુ સુગંધ…સુગંધ થઈ ગયું! એનાં ઝાંઝરનો રણકાર તો એવો ને કે બસ સાંભળ્યા જ કરીએ.” આવું વર્ણન સાંભળતી વખતે બાળકના ચહેરા પર જે આશ્ચર્યના ભાવ અનુભવાય તેનું વર્ણન કરવું શક્ય નથી.

જો કે આજે થોડી સ્થિતિ થોડી અલગ જરૂર છે.મોબાઈલ ફોનને કારણે ‘દુનિયા હમારી મુઠ્ઠી મેં.’ અને દુનિયા જ આખી મુઠ્ઠીમાં હોય પછી કેવી કલ્પના ને કેવી વાત! નથી રહેતો પ્રયત્ન કે નથી રહેતો પરિશ્રમ,નથી રહેતી પ્રેરણા કે નથી રહેતો પુરુષાર્થ.રહે છે તો બસ… ગુગલ સર્ચિંગ.

આજે આપણે એવી દુનિયામાં છીએ કે વિશ્વના કોઈપણ ખૂણે બનતી ઘટના આંખના પલકારામાં ફેલાઈ જાય છે. કોઈને તમે નવા સમાચાર આપવા જાવ તો પ્રત્યુત્તર એવો જ મળે કે, ‘હા.. એ તો મને ખબર છે. (કોઈને કોઈ ગ્રુપમાં સમાચાર આવી જ ગયા હોય!) પછી કેવું આશ્ચર્ય? ભલભલા સૌન્દર્યથી આપને જાણે પ્રૂફ થતાં જઈએ છીએ. નથી આપણી આંખો પહોળી થતી કે નથી ‘Wow….’ કે ‘Wonderful’ જેવી અનુભૂતિ થતી.

અને એટલે જ આજે એ આશ્ચર્ય ફરી અનુભવવા વાર્તાઓની ખાસ આવશ્યકતા છે.કેમ કે બાળપણનું આ આશ્ચર્ય તેને આગળ જતાં નવું નવું સંશોધન કરવાની પ્રેરણા આપે છે. વાર્તાઓની કલ્પના એને અજબ જુસ્સો આપે છે. તેને થાય કે હું જંગલ ખુંદુ, દરિયો તરું, આકાશે આંબુ, વૃક્ષો સાથે વાત કરું…આવું તો કંઈ કેટલુંય અનુભવે.

આજે તો ટેકનોલોજીને કારણે વિવિધ મીડિયા થકી બાળકો વાર્તા કે ગીતો માત્ર બોલતાં કે સાંભળતાં નથી..આંખોથી જોઈ પણ શકે છે. ખરેખર સર્જકોએ બાળકોના મલકમાં પહોંચી બાલદુનિયાને પોતાનાં સર્જન થકી, પોતાની કલ્પના થકી બાળકોને ઉડવા માટે મજબૂત પાંખોની ભેટ આપી છે.

ચાલોને.. આપણે પણ એ મલકમાં જઈએ. પશુ, પક્ષી, પરીઓ, પતંગિયાં, આકાશ, પાતાળ, રણ, દરિયા, ઝરણાં, કોતરો અને ખીણોની વાતો કરીએ અને મજાનાં ગીતો ગાઈએ!

~ આવું પણ બને હો…
પરી : પપ્પા..પપ્પા… દેડકી આવી.
પપ્પા: બેટા, અત્યારે દેડકી ન હોય. એ તો છે ને ચોમાસામાં આવે.
પરી: (પપ્પા પાસે જઈને) જુઓ ગાળામાં હક.. હક તો કરે છે.
પપ્પા : અરે! એ દેડકી નહીં હેડકી કહેવાય!

– ભારતીબેન ગોહિલ

ભારતીબેન ગોહિલના અક્ષરનાદ પરના સ્તંભ ‘અલ્લક દલ્લક’ અંતર્ગત બાળ સાહિત્યનું સુંદર ખેડાણ શરુ થયું છે, સ્તંભ ના બધા લેખ અહીં ક્લિક કરીને વાંચી શકાશે.


Leave a Reply to ekta doshiCancel reply

14 thoughts on “અલ્લક દલ્લક.. (૧) – ભારતીબેન ગોહિલ

  • જાહ્નવી અંતાણી

    સરસ.. તમારી સાથે ફરીથી બચપણ મહાલવું ગમશે.

  • Mayurika Leuva

    ખૂબ સરસ લેખ.
    એક શિશુની માતા તરીકે આ શ્રેણી ખૂબ ઉપયોગી થઈ પડશે.

  • vandana vani

    ખૂબ સરસ બેન. સંપૂર્ણ બાળલેખ. સરળ ભાષા અને શૈલી પણ. બીજા લેખની રાહમાં..

  • Hiral Vyas

    ખૂબ જ સરસ. અક્કલ દક્કલ અમને વાચકોને બાળપણની કેડીએ પાછા લઈ જશે અને અમને અમારાં બાળકો માટે માર્ગદર્શક પણ બનશે.

    શુભેચ્છાઓ.

  • DHIRAJLAL GULABBHAI PARMAR

    સવાર એવી પડે,
    જાણે “શિશુનું બગાસું”
    એવો અનુભવ આ લેખ વાંચીને થયો.
    બાળગીતો અને રમતો જાણે હવે લખાણો માંજ રહીં ગયા હોય એવું લાગે છે.
    ખૂબ સુંદર લેખ,બેન તમારું અવલોકન અને વિશાળ વાંચન ને શબ્દોમાં માહિતીસભર કંડાર્યું છે.
    અભિનંદન.

  • anil1082003

    BHARTI BEN NA BA GITO THAKI BALPAN YADAVI GAYU. ABH MA UGEL CHANDLO SCHOOL MA KAVITA HATI 5TH STD MA 1952. BAL JIVAN NYARU NARALU NA KOI CHINTA NAHI KOI NA GUM-SHOK. NA KOI BHED BHAV. MEDIA MA JAHERAT AVI MUKESH BHAI AMBANI NA FAMILY MA SON-MUKESH BHAI NO GRAND SON JANMAYO. MEDIA JAHERAT KARI KE TE 23 BILIION DOLLAR NO ASAMI. PARANTU GRANDSON KHABAR NATHI KE MARI SAMPATI ATLI CHE? MOZ-MAZA THI BACHPAN VITAVO TEJ DHYEY.