આત્મનિર્ભર – સુષમા શેઠ 15


લોકડાઉન સમયે બધાં ઘરમાં ફરજિયાત લોક થયા ત્યારથી સુશીલા જીતુભાઈને ઘરના નાના મોટા કામકાજ ચીંધતી થઈ ગઈ હતી. ‘જો મને ઈ કોરોના વળગી પડે તો પછી તમારું કોણ હેં? આ બકુડાને, પીંકીને કે આવડા અમથા ઘરને તો તમે હાંચવી નથ હકતા. તમને ઈ વળગે તો કાંય વાંધો નો આવે. અમથાય આમ બેઠા બેઠા ટીવી હામ્મે ખોડાઈને ઈવડો ઈ મોબાઈલ મચેડ્યા રાખો છો તે લોકડાઉનમાં તમારી ડોકડાઉન થૈ જાસે પછી મને નો કેતા કે હવે ઈ સીધી કરી દે.’

‘ઘરમાં બેઠા બેઠા ફાફડા ખાઈને ફાફડા જેવા થૈ જાઓ ઈ કરતાં હાથપગ ચલાવો તો કામનું કામ ને કસરતની કસરત થૈ જાસે. એ લ્યો હાલો તંયે ઊભા થાવ હવે.’ સુશીલા ડ્રાઈવરને હુકમ છોડતી હોય તેમ તેના વરનો હાથ ખેંચી તેમને બિચારાને આખેઆખા ડ્રાઈવ કરી રહી હતી.

‘ને મને થાય તેનું સું?’ ચિંતિત જીતુભાઈએ સવાલ કર્યો.

‘લે તે તમારે કોરેનટાઈન થૈ જાવાનું બીજુ સું?’ સુશીલા પાસે દરેક સવાલના જવાબ હાથવગા એટલે કે હોઠવગા રહેતાં.

પોતાના ઘરમાં પોતાને શાંતિ ન મળે તેવી વિચિત્ર પરિસ્થિતિ ઊભી થઈ હતી. એટલે કે સામે રહેતી પાડોશણ શાંતીની વાત નથી આ તો પેલી જીતુભાઈના પોતાના મનની શાંતિની વાત છે. સુશીલા અશાંતિ ઊભી કરે તેના કરતાં પોતે ઊભા થવામાં વધુ સલામતી હતી તેવું પરમ જ્ઞાન જીતુભાઈને લાધ્યું હતું. લોકડાઉને ભલભલાને “આધ્યાત્મિક જ્ઞાની” બનાવી દીધેલાં.

બિચારા જીતુભાઈ ખોખાણી ખોંખારો ખાવા જાય તે પહેલાં તેમના હાથમાં શાકની થેલી પકડાવતી સુશીલા તાડુકી, ‘આમ મારું મોં સું જોયા કરો. ઘરમાં ગુડાણા છો તે જાવ જરા પગ છૂટ્ટો કરી આવો. ને હા, સાકવાળો હાવ મફતમાં મરચા આપે ઈ લાવવાનું નો ભૂલતા હોં પાછા.’

પગ છૂટ્ટો કરવા કરતાંય સુશીલાના આડેધડ છૂટ્ટા ફેંકાતા વાક્ પ્રહારથી છૂટવા જીતુભાઈ મોઢે મજાનું માસ્ક ચડાવી ઘર બહાર નીકળી અનલોક થઈ જતા.

‘ઈ મફતના મરચાં નો જ ભૂલાય નકર તું મને મરચા હાટું વળી પાછો ધક્કો ખવડાવ ઈ માયલી છો.’ કહી જીતુભાઈ પત્નીથી આઝાદી મેળવવા થેલી હલાવતા ઘરની બહાર નીકળ્યા.

આડોશીપાડોશીઓએ જીતુભાઈને હાથમાં બ્રીફકેસને બદલે આમ દયામણા ચહેરે શાકની થેલી પકડી બહાર નીકળતા પહેલી વાર જોયા.

પાડોશણ શાંતી મીઠું મલકાતી બહાર નીકળી,

‘હાય જીતુજી, પ્લીઝ મારા માટે એક કિલો તુરીયા લાવી આપશો? યુ આર સો સ્વીટ. મારે આજે તુરીયાના ભજીયા બનાવવા છે યુ સી. આજે હું નવી રેસિપી ટ્રાય કરવાની છું.’

શાંતીનો મધુર કંઠ સાંભળી તુરીયાવસ્થામાં રાચતા જીતુભાઈનું તુરીયા જેવું મોઢું ફુલાઈને ગલકાં જેવું થઈ ગયું. ‘યસ. યુ નો વરી, હું છુંને.’ તેમણે ફેસમાસ્ક સરખું કરી મુખેથી સરી પડતા આય…હાયકારાને અટકાવતા કહ્યું.

જોકે બાજુવાળો મહેશ હાથમાં ઝાડુ સાથે અને નીચે રહેતો પંકજ પણ હાથમાં શાક સમારવાના ચપ્પુ સાથે પહેલી જ વાર ઝડપાયા હતા. એકબીજાની નજર મળતી ત્યારે માસ્ક પાછળના કરુણ ચહેરા નહોતા દેખાતા પરંતુ આંખો બોલી ઊઠી, “તેરી ભી ચુપ ઔર મેરી ભી ચુપ.”

પાનને ગલ્લે નિયમિત ભેળુ થતું તેમનું ‘પત્નીપીડિત પતિમંડળ’ સોશિયલ ડિસ્ટન્સીંગને લીધે ડિસ્ટર્બ થઈને ડિસપર્સ થઈ ગયું હતું. ઘરમાં વાસણ ખખડે તેના કરતાં વાસણો ધોઈ નાંખવા સારા તેવો સર્વ પતિદેવો વચ્ચે બહુમત પસાર થઈ ગયો હતો.

સુશીલાના ફરમાન મુજબ શાક લાવીને જીતુભાઈ ઘરમાં પગ મૂકે ત્યાં સુશીલાએ રાડ પાડી, ‘કઊં છું, ઈવડા ઈ સુથારને બોલાવવો પડસે હોં.’

જીતુભાઈ ઘડીભર ગુંચવાઈ ગયા. એકાદ કિલો શાક સમારવા માટે સુથાર એટલે કે મિસ્ત્રીકામ કરનારને બોલાવવો પડે તે સાંભળીને તેમના મગજમાં કાણું પડી ગયું.

‘લે ગાંડી, હું છુંને. આપણે આત્મનિર્ભર બનવું જોવે. આપણા માનનીય વડા પ્રધાને કીધું છે કે…’ જીતુભાઈ વટભેર બોલી ગયા પરંતુ તે સાંભળવામાં સુશીલાને બિલકુલ રસ નહોતો. જીતુભાઈએ મૂછો મુંડાવી નાખેલી માટે મૂછે તાવ દેવાય તેમ નહોતું.

‘બેહોને હવે છાનામાના. સેક્યો પાપડ તો ભાંગી નથ સકતા.’ સુશીલાએ સામી ચોપડાવી.

‘તે આ લોકડાઊનમાં તારો કયો કાકો આવસે? સમારવાનું સું છે ઈ તો કે.’ જીતુભાઈએ રહસ્ય પરથી પડદો ઊંચકાય તે માટે સીધોસાદો નિર્દોષ સવાલ કર્યો. ‘મોટામાં મોટું કોળું સમારવા માટેય કરવત તો નો જ જોવે.’ માથું ખંજવાળતા તેઓ મનોમન બબડ્યા.

‘ખબરદાર જો મારા કાકાને કાંય કીધું છે તો. જોવા જેવી થાસે. મારા પિયરિયાંને વચ્ચે નો લાવતા.’ સુશીલાએ હાથમાં વેલણ બતાવી આંખો કાઢતા ઊવાચ્યું.

‘અરે મારી મા, મારા સરગવાસી કાકા આવસે બસ? લે હવે મોઢામાંથી કે તો ખરી કે થ્યું છે સું?’

‘ઓલા ઊપરના માળિયાનું કબાટ નથ ખુલતું. એવું સજ્જડ લોક થૈ ગ્યું છે ને એના તાળાની ચાવીયે નથ મળતી. ઈ બવ સોઈધી પણ ખોવાઈ ગૈ છે ને મારે એની અંદરથી ગાંઠિયા પાડવાનો મોટો ઝારો કાઢવો છે.” સુશીલાએ ઠાવકું મોઢું રાખી ઘટસ્ફોટ કર્યો.

ગાંઠિયાનું નામ સાંભળી ગાંઠિયા જેવા સીધા જીતુભાઈના મોંમાં પાણી વછૂટ્યું, ‘તે લે આટલી અમથી વાતમાં તારે સુથાર બોલાવવો છે? આવડો આ હું બેઠો છુંને. આમ ચપટી વગાડતાને ખોલી દઊં.’

‘ઈ પેલ્લા ચપટી તો હરખી વગાડો. હાવ આમ મરેલા માણાની જેમ રુમ વચ્ચે ખોડાઈને ઊભા છો તે લોક ખોલી આપો તો મારું કામ આગળ વધે. બાકી મારા કાકાને કાંય નો કેતા સું સમજ્યા.’ સુશીલાએ એવો ઘાંટો પાડ્યો કે જીતુભાઈ સહેજ હલબલીને હાથે વણેલા ગાંઠિયા જેવા આડાઅવળા થઈ ગયા.

પછી જીતુભાઈએ નીચે ઊભા રહી સૌથી પહેલાં માળિયાના બંધ કબાટનું ઝીણવટપૂર્વક ઈન્સપેક્શન કર્યું. ત્યારબાદ સુશીલ ધર્મપત્ની સુશીલા દ્વારા નોંધાયેલ એફ.આઈ.આર. પર ઊંડું મનન ચિંતન કરી કમર પર હાથ ટેકવી આંખો ઝીણી કરી સવાલ કર્યો, ‘ક્યારથી બંધ છે?’

એમના આવા અણઘડ પ્રશ્નનો ઊત્તર આપવા સુશીલા ટેવાયેલી ન હોવાથી તેણે મોઢું મચકોડ્યું. ‘અત્તારે ઈની પત્તર હુંકામે ઠોકો છો. ક્યારે બુદ્ધિ વાપરવી ને ક્યારે બળ ઈનો જરીક ફરક તો હમજો. મારામાં અક્કલ નહીં તે તમને પરણી. મારા બાપાને મારી બાએ કીધુંતું કે ઊતાવળે હા નો પાડી દેતા પણ ઈ કીયે, સુસીલાનું પતે તો પાછળ બીજી તૈણની લાઈન કીલીયર થાય. મને કાંઈ બોલવાનો કે પસંદગી કરવાનો ચાનસ જ નો આઈપો બોલો…’

સુશીલાની એની એ વર્ષો જુની રેકોર્ડ સાંભળી જીતુભાઈને આ જુનો અને જાણીતો ડાયલોગ સાંભળવાનો ગિનીસ વર્લ્ડ રેકોર્ડ નોંધાવાનો ખતરનાક આઈડિયા આવી ગયો.

‘હંમમમ, એ બકુડા જા ઓલું ઈસ્ટુલ લઈ આવ.’ કહેતા જીતુભાઈએ સુશીલાની અખંડ વાગ્ધારા એક કાને ઝીલી બીજા કાનેથી બહાર વહી જવા દીધી.

બકુડાએ લાવી આપેલી ઘોડી એટલે કે સ્ટુલ પર તેમણે વિજેતાને છાજે તેવી છાતી બહાર કાઢીને આરોહણ કર્યું. અચાનક આમ છાતી પહોળી થતાં શર્ટનું એક બટન છૂટું પડી ક્યાંક છેટે ફંગોળાયું. ઘોડીના છેક ઉપરના પગથિયે પહોંચી જીતુભાઈએ એક નજર નીચે ફેંકી જાણે તેઓ કોઈ તુચ્છ જીવડાને નીરખતા હોય.

માળિયાના બંધ દરવાજાને મારેલું તાળું ખેંચીને તેઓ તે ખોલવા મથ્યા પરંતુ રિસાયેલા તાળાએ તસુભાર પણ મચક ન આપી. નકુચાને મારેલું નાનકડું તાળું જીતુભાઈ તરફ ત્રાંસી નજરે જોઈ મલકાયું. જીતુભાઈનું પગથી તે માથા સુધી આખું શરીર ડગ્યું પરંતુ તેમણે સમયસર કબાટનું હેન્ડલ ઝાલી લીધું.

‘બકુડા, આ ઈસ્ટુલ તો દગો દે ઈ માયલું થૈ ગ્યુ્ં છે. તું ઈ બે હાથે બરોબ્બર જાલી રાખજે. પીંકી, મને હથોડી લાવી આપ.’ સ્ટુલ પર ચઢેલા જીતુભાઈનો વિચાર કટાયેલું તાળું તોડી નાખવાનો હતો.

‘આમાં એવો તે કેવો ખજાનો દાઈટો છે કે છેક ઊપ્પર આ તાળું મારવું પડે.’ જીતુભાઈએ મુદ્દાનો સવાલ કર્યો.

‘ઈ તમને નો હમજાય. ઈ તમારા મગજ જેવું ખાલીખમ નથીઈઈઈ. મારે હંધુંય હાંચવી રાખવું પડે. ઘરમાંની ચીજો ગાયબ થાય ત્યારે ભાન પડે. આ તો હું પેલ્લેથી ચેતીને રઉં. ઊપર કોઈ નો પોંચી સકે. કાંઈ હમજાણું.’ સુશીલાએ પોતાનું શાણપણ પ્રદર્શિત કરતા કહ્યું.

જો કબાટ ન ખૂલે તો ઝારો ન નીકળે અને તો પછી ગરમાગરમ મરી નાંખેલા અસ્સલ ગાંઠિયા ન બને અને તો સુશીલા મફત લાવેલા મરચા જેવી થઈ જાય તે નફામાં તેવું વિચારી સ્ટુલ પર ચડેલા જીતુભાઈએ કબાટને મારેલા તાળા પર જોરથી હથોડી ઝીંકી જ દીધી.

ઊપરની છત પરથી એક પોપડો ખરીને નિરાધાર અવસ્થામાં નીચે પડ્યો. બાજુની દિવાલમાં નાનકડી તિરાડ પડી. કબાટની અંદર દરવાજાને અઢેલીને બેઠેલો ઝારો ખખડ્યો.

‘પીંકી, બેટા આમાં હથોડી નો ચાલે, હથોડો લાવ.’ જીતુભાઈએ ફરમાન છોડ્યું અને પીંકીએ તેમની આજ્ઞાનું અક્ષરશ: પાલન કર્યું.

પણ એમ કાંઈ તાળું જીતુભાઈની લાગણી સમજે તેવું નહોતું. બીજો ઘા મારવા જાય ત્યાં તો હથોડો હાથમાંથી છટકીને નીચેની કાચની ટિપાઈ પર પડ્યો. ખણણણ… અવાજે સુશીલાના રસોઈકર્મમાં ભંગ પાડ્યો.

રસોડામાંથી દોડીને બહાર આવેલી સુશીલા ટિપાઈના ભાંગેલા કાચને ભગ્ન હ્રદયે જોઈ રહી.

‘હાય હાય. લે તમે તો ટિપાઈનો કાચ ફોડી નાંખ્યો. આ વળી નવી ઊપાધિ.’ સુશીલાનો એ કરુણાલાપ સાંભળી, જીતુભાઈએ ભોંય પર પડી ગયેલ હથોડો પાછો માંગવાની હિંમત ન કરી.

‘બકુડા, પીંકી આંયાં નો ચાલતા, પગમાં કાચ પેસી જાસે.’ કહી સુશીલા કપાળ કૂટતી ઝાડુ લેવા દોડી.

‘લે એમાં મારો સું વાંક.’ જીતુભાઈ મનોમન બબડ્યા. આખો દરવાજો જ કાઢી નાંખવાનો અફલાતૂન વિચાર તેમના ફળદ્રુપ દિમાગમાં ફૂટી નીકળ્યો.

‘પીંકી, ઓલું મોટું સ્ક્રુ-ડ્રાઈવર લાવ.’ સાંભળી પીંકી હોંશે હોંશે તેના પપ્પાની આજ્ઞાનો અમલ કરવા કાચની કરચોથી જાતને બચાવતી કુદકા મારતી સ્ક્રુ ડ્રાઈવર લેવા ગઈ.

એ પાછી આવે ત્યાં સુધી જીતુભાઈએ સ્ટુલ ઊપર ઊભા રહી, બકુડાને પ્રવચન આપવા માંડ્યું, ‘આ લોકડાઉનના કપરા કાળમાં બહારથી મદદ નો મળે. આપણે સૌએ આત્મનિર્ભર થાવું જોવે. બીજા પર આધાર નો રાખવો ઘટે. આપણે આપણી માનસિકતા બદલવી જોવે.’

‘એટલે સું પપ્પા?’ સ્ટુલ પકડીને ઊભા રહેલા બકુડાને કંઈ સમજાણું નહીં. તેને થયું કે તેના પપ્પાને પોતાના મગજના સ્ક્રુ ટાઈટ કરવાની તાતી જરુર છે.

‘એટલે દરેક કામ જાતે પોતે કરવાનું. કોઈની મદદ નૈ લેવાની.’ જીતુભાઈએ ફોડ પાડી તે સાંભળી બકુડાએ મજબૂત હાથે પકડેલા સ્ટુલના પગ છોડી દીધા. સ્ટુલ ડગમગ્યું તેવી જ જીતુભાઈએ રાડ પાડી, ‘પકડ પકડ, એલા ડોબા પકડી રાખ.’

બકુડીએ સ્ક્રુ-ડ્રાઈવરનું પાનું લાવીને જીતુભાઈના હાથમાં આપ્યું. જીતુભાઈએ મિજાગરાં ખોલી કબાટનો દરવાજો છૂટો પાડવાનો પ્રયત્ન કરવા માંડ્યો.

‘સુશીલા, જરા ઓઈલ આપ તો.’ જીતુભાઈએ માંગણી કરી તે સાંભળી સુશીલાએ વાડકીમાં તેલ લાવી આપ્યું.

‘એક રુનું પુમડું જોઈસે.’ સાંભળી સુશીલાની કમાન છટકી, ‘ઊતરો. હમણાંને હમણા હેઠા ઊતરો જોઊં. મારે નથ બનાવવા ગાંઠિયા. બળ્યું.’

‘અટાણે આમ ચપટી વગાડતા ખોલી દઊં. તું જરા વાર ખમી જા. ને આ સું? આંય ભજીયા તળવાના છે તે આ વાડકો ભરીને તળવાનું તેલ લાવી આઈપુ? આમાં મશીન ઓઈલ જોવે. મશીન ઓઈલ.’

‘ઈ નો મળે. માળિયે ચઢાવી દીધું છે. હવે છાનામાના જે છે એનાથી કામ હલાવો ને આમ બબ્બે મિલીટે સુસીલા સુસીલા રાઈડ્યું નો નાખતા મારે ગેસ પર તેલ ઊકળે છે.’ સુશીલાએ ઉકળતા અવાજે કહ્યું.

‘એ બકુડા પંખો ફાસ્સ કર. બવ ગરમી થાય છે.’ પરસેવે રેબઝેબ જીતુભાઈ બોલ્યા તે સમયે બકુડાએ અભાનપણે બે હાથે પકડેલું સ્ટુલ છોડ્યું અને જીતુભાઈ વાંકા વળી મિજાગરામાં ઓઈલ પૂરી સ્ક્રુ-ડ્રાઈવર ફેરવી તેને ખોલવા ગયા તેમાં એમનો બિચારાનો કોઈ વાંક નહોતો પરંતુ ડગમગતા સ્ટુલે પોતાનું બેલેન્સ ગુમાવ્યું માટે તેની પર ચઢેલા જીતુભાઈ “લીનીંગ ટાવર ઓફ પીસા” જેવા થઈ ગયા અને પછી ધબ્બ દેતાં સાડા સાત ફૂટ નીચે ભોંય પર પછડાયા.

‘હે મા માતાજી!’ સુશીલાથી દયા ઈસ્ટાઈલમાં ચીસ પડાઈ ગઈ. એ ચીસ સાંભળી પીંકીના હાથમાંથી તેલનો વાડકો છટકી ગયો અને નીચે ઢોળાયેલા જીતુભાઈ પર તેના અમીછાંટણા થયા.

‘ઊંહ આ…હ…’ તેવા વિચિત્ર ઊદ્ગારો કાઢતા જીતુભાઈએ હાથમાંનું સ્ક્રુ-ડ્રાઈવર બકુડા તરફ ઉગામ્યુ.

‘મમ્મીઈ…ઈ.’ કહેતા બકુડાએ ભેંકડો તાણ્યો. સુશીલાએ અકળાઈને પીંકીને તેલનો વાડકો ઊંધો પાડવા બદલ એક ધોલ મારી દીધી.

‘આ રોકકળ ને બધા નાટક પછી કરો, પેલ્લા મને હાથ ઝાલી ઊભો તો કરો.’ હારેલા ભાઈ જીતુભાઈ રડમસ અવાજે ઢગરા પર હાથ દબાવતા બોલ્યા.

‘ઓલું તમે સું કેતાતા ઈ, આત્મનિર્ભર બનો.’ સુશીલા, બકુડો અને પીંકી એકીસાથે બોલી પડ્યા.

ત્યાં તો ઘરની ડોરબેલ વાગી. પીંકીએ બારણું ખોલ્યું, સામે પાડોશણ શાંતી શાંતિથી ઊભી હતી, ‘લો ગરમાગરમ તુરિયાના ભજીયા ચાખો.’

શાંતીને આવા કઢંગા સમયે આવેલી જોઈ સુશીલાનું મોઢું કડવા તુરીયાનું બટકું ખવાઈ ગયા જેવું થઈ ગયું.

‘જીતુજી, મારું એક કામ કરી આપશો પ્લીઝ? કીચનનું ડ્રોઅર નથી ખુલતું તે જરા ખોલી આપોને.’ શાંતીનો રણકતી ઘંટડી જેવો સ્વર જીતુભાઈના કાને પડ્યો.

તેમનો વ્યથિત આત્મા શાંતીને ઘર આંગણે નીરખીને હર્યોભર્યો થઈ ગયો. શાંતીનો મંજુલ નાદ સુણી જીતુભાઈના મનમાં પરમ શાંતિ વ્યાપી ગઈ અને આત્મનિર્ભર જીતુભાઈ જાતે પોતે ફટાક દેતાને ઊભા થઈ ગયા.

‘આપણે સૌએ આત્મનિર્ભર થાવું જોવે.’ કહી તેમણે ગરમાગરમ તુરીયાનું ભજીયું મોંમાં મૂક્યું.

‘એ ના….હોં. નથી થાવું.’ સુશીલાએ રાડ ભેગી ચીસ પાડી.

અને માળિયાના કબાટને વાસેલું તાળું સ્વયંસ્ફુરણા થતાં આત્મનિર્ભર બની નકુચા સહિત નીચે ફરસ પર પડ્યું.

– સુષમા શેઠ

સુષમા શેઠના અક્ષરનાદ પરના આ સ્તંભ ‘તમને હળવાશના સમ’ ના બધા લેખ અહીં ક્લિક કરીને માણી શકાશે.


આપનો પ્રતિભાવ આપો....

15 thoughts on “આત્મનિર્ભર – સુષમા શેઠ