લીલી ક્ષણો – મયુરિકા લેઉવા બેંકર 16


બની જાય છે એવું ઘણી વખત. જ્યારે સવારની ચહલપહલમાં મારી આસપાસ એકાંતનું કૂંડાળું દોરાઈ જાય છે અનાયાસ… અને સૂર્યના તેજની જેમ પ્રકટી ઊઠે છે અંતરનો ઉલ્લાસ. ફુદકવા લાગે છે મનમાં ક્યાંક ઊંડે છુપાઈને બેઠેલી મનગમતી અનુભૂતિની ફડકફુત્કી. એકાંત જેમ જેમ ઘેરું બનવા લાગે છે તેમ તેમ એની ફુદક વધવા લાગે છે. અને ઘડીકમાં આ વિચારથી પેલા વિચારની ડાળ પર મારવા લાગે છે ઠેકડા.

કોઈ વિચારમાં આકર્ષણનું ચુમ્બક એટલું બલિષ્ઠ હોય છે કે આમથી તેમ થતી કૂદાકૂદને અતિક્રમીને ઝૂલવા લાગે છે બેઠીબેઠી એક જ વિચારડાળે. કોઈ ફડકફુત્કી આવું કરે તો જોનારને લાગે કે એ ઘવાયેલી કે બિમાર હશે, એ જ રીતે મને આવી કોઈ ક્ષણમાં કેદ થયેલી ભાળીને જોનારને એમ લાગે કે હું અસ્વસ્થ કે બિમાર છું પણ એમને શું ખબર કે આ તો યાંત્રિકતાના જગતમાં માથાબોળ ડૂબીને આભાસી સભ્યતાની અણદેખી કેદમાં પૂરાયેલા આદિમાનવના મૂંઝાયેલા મન અને ક્રમેક્રમે બુઠ્ઠી થતી જતી નિસર્ગને અનુભવવાની, માણવાની, ભોગવવાની ઇન્દ્રિયશક્તિઓના સ્વસ્થ થવા તરફની ગતિ છે. પણ આટલું બારીક તાગી શકે એવી સંવેદનાની જોનાર પાસેથી અપેક્ષા રાખવી વધુ પડતી છે. ખેર, મારે તો વાત કરવી છે એ બંધક ક્ષણોની. જો કે, એ ક્ષણોમાં હું કેદ થાઉં છું કે એ ક્ષણોને હું કેદ કરું છું એનો ઉત્તર મને નથી જડતો પણ બંને સ્થિતિમાં લાભ મને થાય છે એ વાતે હું નિશ્ચિન્ત છું.

આદિત્યના આગમનની એંધાણી સાથે રમ્ય સૃષ્ટિને અવગણીને જીવનને એક યુદ્ધભૂમિ બનાવી પોતે જ ઊભાં કરેલાં ચક્રવ્યૂહમાં ફસાવા માટે, માણસો જ્યારે હડિયાપાટી કરવાની શરૂઆત કરે છે ત્યારે એ માણસોમાંની જ એક એવી હું, એ સમયે ત્વરિત વેગથી ચાલ્યા જતાં ધણમાંથી છૂટાં પડી ગયેલાં બચ્ચાંની જેમ પ્રવાહમાંથી ફંગોળાઈ જાઉં છું વિક્ષોભના કિનારા પર અને ગબડતાં ગબડતાં પહોંચી જાઉં છું નિશ્ચિન્નતપણાની ગોદમાં, કેદ થઈ જાઉં છું મગજમાં પ્રસરતા આહ્લાદક વિચારોમાં. એ વિચારો જે જન્મે છે નજર સામે પથરાયેલી અખૂટ લીલોતરીમાંથી. ઘાસનો લીલો ગાલીચો મારી દૃષ્ટિને ગલોટિયાં ખવડાવે છે. એ નજર સાથે અદૃશ્ય તારથી જોડાયેલી આંખોને ગબડાવે છે આમથી તેમ અને તેમથી આમ. મોબાઇલ અને કોમ્પ્યુટરની સ્ક્રીન પરથી ફૂટતાં, આંજી નાખતા તિખારાઓથી ટેવાયેલી પીડિતા આંખોને સુખ સુખ થઈ જાય છે. નયનરમ્ય લીલોતરીના સાગરમાં ડૂબકી લગાવતાં લગાવતાં એ ધરાતી જ નથી. ઝાકળસ્નાન કરેલાં કોમળ ઘાસને રૂંવે રૂંવે ફૂટેલો હોય છે કોમળ-કુંવારો લીલો રંગ. એ હરિત લાલિત્યના પ્રચંડ આકર્ષણને વશ હું એની તરફ નિહાળ્યાં કરું છું એકીટશે, અપલક, નફ્ફટ બનીને. મારા જેવા સભ્યતાના સજ્જડબંબ કોચલામાં સંકોચાઈને જીવતા માણસ માટે નફ્ફટ બનવા માટે આનાથી વધુ યોગ્ય બીજી કોઈ પરિસ્થિતિ ન હોત. સમયનું ભાન નથી રહેતું. મને એવું લાગવા માંડે છે જાણે ઘાસની કુમાશ ઊડીને આંખોમાં આવી રહી છે. અજબ ઠંડક આંખોને અને મનને શાતા આપે છે. જો એને વાચા હોત તો એ બોલવા માંડત કવિ શ્રી સુન્દરમ્ નો પેલો ઉદ્ગાર..    

તને મેં ઝંખી છે –
યુગોથી ધીખેલા પ્રખર સહરાની તરસથી.

એ નાદાનને શી ખબર કે હજી તો લીલા રંગની અનેક છાયાઓ ધરાવતાં છોડ, ક્ષુપ, ઝાડ અને વેલીઓના વિશ્વમાં પ્રવેશવું બાકી છે. એ લીલાશને સાંગોપાંગ પામવી અને છેક અંદર સુધી ઉતારવી એ કેવું રોમાંચકારી બનશે એ વિચારે મનમાં આનંદની હેલી વરસી પડે છે અને એમાં ભીંજાતું મન ખૂણેખાંચરે સંતાઈને બેઠેલી જૂના રોગ જેવી જડ ગ્રંથિઓને ધોયા કરે છે. એ ગ્રંથિઓના ઉખડવાની સાથે એની સાથે જડાયેલ સ્મૃતિઓ પણ પથ્થર ઉખડી જતાં પડેલો ડાઘ ધોવાઈ જાય એમ મેહુલાની તીક્ષ્ણ ધારથી ધોવાઈ જતી લાગે છે અને ત્યારે સાક્ષાત્કાર થાય છે કુદરતની સર્વોપરિતાનો. ક્ષુલ્લક જણાતી પ્રકૃતિની નિરપેક્ષ ઊર્જા કેટલી પ્રચંડ છે એની અનુભૂતિ થતાં ચોમેર અદ્ભુત રસના ફુવારા ઊડવા માંડે છે. આનંદના રસમાં તરબોળ થયા બાદ અદ્ભુત રસમાં ઝબોળાવું -એવું લાગે જાણે બહાર બધું જ જેમનું તેમ છે અને ભીતર ઊજવાઈ રહ્યો છે રસોત્સવ.

રાતભર પડેલી ઠાર ચડતી સવારે રવિનું તેજ પીને ઝાકળબુંદમાં પરિવર્તિત થઈ જાય છે ત્યારે ઉષાએ ઘાસ પર અમીછાંટણાં કર્યા હોય એવું લાગે. એક વિચાર એવો પણ આવે કે ઉષામાતા પાણીનો છંટકાવ કરીને ઘાસની સોડમાં પોઢેલા સૂક્ષ્મજીવરૂપી અતિવામન બાળુડાંઓને જગાડે છે. કેવું વહાલપ! જેણે દરિયાના અતલ ઊંડાણે રહેલાં મોતી ના જોયા હોય એ લીલાછમ ઘાસના ઉપરી તલ પર વિખેરાયેલાં મોતી જોઈને એ વસવસો ઓછો કરી શકે. રજનીની વિદાય અને ઉષાના આગમનનું મિલનટાણું એટલે કે ભોંભાંખળું થવાના સમયથી લઈને જેમ જેમ ભાનુ આ ધરિણીને તેના સર્વોચ્ચ પ્રકાશમાન સ્વરૂપથી આવરિત કરે છે એ દરેક સમયે, દરેક ક્ષણે ઘાસનો લીલો રંગ નવીન રૂપ ધારણ કરે છે. એક જ લીલા રંગની વિધવિધ માત્રાઓ, છાયાઓથી પળેપળ નવસર્જિત થતી આ લીલોતરી ક્યારેક જાદુગરણી લાગે છે. એની ગોદમાં છુપાયેલા છે કંઈ કેટલાય રહસ્યો.

જ્યારે નગરવાસી મટીને આરણ્યક બનું છું. ના, એમ કહેવા કરતાં સભ્યતાની કાંચળી ઉતારીને પ્રાકૃતિક બનું છું ત્યારે નિસર્ગે ઠેરઠેર વેરેલા આ દૃશ્યો કોઈ સાબૂત ચિત્રમાંથી વિશિષ્ટ ભાગોની આભા ઊપસે એમ ઊપસી આવે છે. માતાના પાલવમાં પોઢેલું શિશુ આંખો ખોલતાં આ જગતને કુતૂહલતાથી નિહાળે એવી મુગ્ધ કુતૂહલતાથી આ રહસ્યોને અનાવૃત્ત થતાં જોઈ રહું છું. કથ્થઈ રંગની ધરતી પર ફેલાયેલી ઘાસની લીલી પરત ક્યારેક હરિયાળી ચૂંદડી તો ક્યારેક લીલો ગાલીચો, કોઈ વખત લીલો ઓછાડ તો કોઈ વાર લીલી ચાદરના સ્વરૂપે પોતાના દર્શન કરાવે છે ત્યારે એની લીલાશની મનોરમ લીલાઓ જોઈ મન કહી ઊઠે છે, “ઝૂઝવે રૂપે અનંત ભાસે..” કણેકણમાં ઈશ્વરનો વાસ હોય તો જ આ સૃષ્ટિ પળેપળ નવ્ય લાગી શકે છે. જે જડ છે એ પણ આ લીલા ચૈતન્યના સખ્યમાં થનગનતું ભળાય છે. આ લીલી સપાટીનો સ્પર્શ માનવપદોને જેટલો પ્રિય છે એથી વધુ વિહંગોને હશે, કારણ કે હરઘડી શિકાર થઈ જવાની ભીતિમાં જીવતા આ પાંખાળા જીવો મૃત્યુના ડરને ઓળંગી જઈ ખુલ્લા ઘાસ પર ડોક નમાવીને લયબદ્ધ ચાલવાની કે પોતાના જાતભાઈઓ સાથે કૂદવા, ઠેકવા અને આળોટવાની મોજ માણી જ લે છે. નિભૃત સંધ્યાકાળે કોઈ ચમેલીને લીલુડાં ઘાસની પડખે મહેકતી જોઈને કવયિત્રી પન્ના નાયકના હ્રદયમાંથી ફૂટ્યું હશે,

સમીસાંજના
ઘાસ ચમેલી કરે
વિશ્રંભકથા.

તો વળી કોઈ નમણી, ઉલ્લાસિત સાંજે આપણાં પીળા રેઇનલીલી જેવા ડેફોડિલ્સ ફૂલોને જોઈને વિદેશમાં વસતા કવયિત્રીની ઊર્મિઓ કંઈક આ રીતે વહી નીકળે છે.  

પીઠી ચોળાવી
બેઠાં છે ડેફોડિલ્સ
ઘાસમંડપે.

મેં કહ્યુંને જે ઘાસની પરતમાં મને હરિત ઓઢણી, લીલો ગાલીચો, લીલો ઓછાડ અને લીલી ચાદર દૃશ્યમાન થાય છે, એમાં કોઈ ઊર્મિલ હ્રદયને મંડપ પણ દેખાઈ શકે છે. આ લીલોતરી તો એનાં રહસ્યો ઉઘાડા મૂકીને જ ફેલાયેલી છે, કેવળ એને ઉકેલવાની આંતરસૂઝ કેળવવાની અને એને નિહાળવાની દૃષ્ટિ વિકસાવવાની જરૂર. ના ના, એના માટે કોઈ વિશેષ લાયકાત, કૌશલ્ય કે તાલીમની આવશ્યકતા નથી. જરૂર છે તો બસ વહેતા ઝરણાં જેવી નિર્મળતા, મુગ્ધતા, બેફિકરાઈની, લેશમાત્ર સંશય વિના પ્રકૃતિ જ્યાં લઈ જાય ત્યાં વહી જવાની તત્પરતાની. હરક્ષણ લીલોતરી નિમંત્રે છે રસોત્સવમાં રંગાવા માટે. એની અજાયબ આલમમાં પ્રવેશીને ગુમાઈ જવા માટે. ઘડિયાળના કાંટા દ્વારા મપાતા અને કપાતા સમયથી દૂર અનુભૂતિની એવી ઊંચાઈ પર કે જ્યાં વાચા નહીં, મૌન બોલે છે, બુદ્ધિ નહીં, લાગણી દોરે છે. ક્લિષ્ટ સંવેદનાઓએ કરેલા દબાણથી ભરાયેલા સ્મૃતિનો કોઠાર આનંદ અને આશ્ચર્યના રોમાંચક, મનનીય અનુભવોથી હર્યોભર્યો થાય છે. કંકોતરી આમ તો કંકુ સમ લાલ રંગથી લખાય છે પણ લીલોતરી મને કંકોતરી લખે છે પાંદડાંના લીલા રંગે. મારે કરવી છે વાતો એવી સૃષ્ટિની, જેને લીલોતરી પોતાની ગોદમાં સંગોપીને બેઠી છે એ. ભાંગતી રાતે સંભળાતી ચીબરીના કર્કશની, વહેલી સવારે થતા બુલબુલના કલરવની, મોરના ટહુકારની, બપોરની શાંતિને તોડતા લલેડાના કલશોરની કે નમતા પહોરની સાથે નમીને સંકોરાઈ જતી કાબરની પાંખોની. દિવસ આખો તડકામાં મહેંદીની વાડથી એક્ઝોરાના ફૂલો પર આમથી તેમ ભમતાં, ભટકતાં અને ઠરતાં તનમનિયા પતંગિયાંની. રાતા ગુલાબની, ધોળા અનંતાની, પીળા કરેણ ને કેસરી જાસૂદની. ઔષધ એવી અમૃતા અને નાગરવેલની કે પછી ભોંય તરફ લચી પડતી મધુમાલતી, કેડબરી ચોકલેટ જેવી મીઠી ગંધ પ્રસરાવતી પાંડવવેલની. આ સુરમ્ય પ્રકૃતિ અને એની સાથેના અનુબંધ, અનુરાગ અને અનુભવની વાતો, તમારે સાંભળવી છે? તમને સાંભળવી ગમશે કુદરતની આ આહલેક?

– મયુરિકા લેઉવા-બેંકર (સ્તંભ – લીલોતરીની કંકોતરી)

મયુરિકા લેઉવા બેંકરના અક્ષરનાદ પરના આ સ્તંભ ‘લીલોતરીની કંકોતરી’ ના બધા લેખ અહીં ક્લિક કરીને માણી શકાશે.


Leave a Reply to hdjkdaveCancel reply

16 thoughts on “લીલી ક્ષણો – મયુરિકા લેઉવા બેંકર

  • Harish Dasani

    નિસર્ગ લીલા સમાધિ સમીપે લઈ આનંદસાગરે ડૂબાવી દે એ અનુભવ સ્વસંવેદ્ય.

  • Vandana Samir Vani

    ખૂબ સરસ. તમારી પ્રકૃતિને નિહાળવાની રીત જ નિરાલી છે

    • Bhartiben Gohil

      ખૂબ સુંદર રીતે પ્રકૃતિનું વર્ણન કર્યું.
      પછીના હપ્તાની રાહમાં!

      • Minaxi

        પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં
        એમ જ્યારે કાંઈક લીલુછમ જોઈશું ત્યારે તમને યાદ કરીશું.
        સરસ આલેખન

  • Hiral Vyas

    ખૂબ જ સરસ. શું સરસ શબ્દો વાપર્યા છે. આ મંડપમાં જ પ્રકૃતિ પાંગરે છે અને આંખોને રતિયાળ રાખે છે.

    • Bhartiben Gohil

      ખૂબ સુંદર રીતે પ્રકૃતિનું વર્ણન કર્યું.
      બીજા હપ્તાની રાહમાં!

  • અંકુર બેંકર

    સ્મરણ લીલું કપૂરી પાન જેવું
    હવામાં ચોતરફ લોબાન જેવું.

    લેખ વાંચીને આદમ ટંંકારવી સાહેબની આ પંક્તિઓ યાદ આવી ગઈ.

  • hdjkdave

    વાહ, લીલી લીલોતરીની હરિયાળી તાજગી તન-મનને શીતળતા આપે છે અને તારાશંકર બંદોપાધ્યાયની આરણ્યકની યાદ અપાવે છે…ર.પા.ની પંક્તિઓ…ઝાડ લીલું કુંજાર ઘટાટોપ ડાળીએ બેઠો કેમ રે સૂડો ભાળું! લીલા સાથે સૂકું પણ નવપલ્લવિત થઈ જાય છે. બાહ્ય લીલોતરી ભીતરને સભર કરી અભરે ભરી દે છે. છમ્મ લીલી પ્રસન્નતા પાઠવે છે અભિનંદન.